યાદેં: મનોહર પર્રિકરને મળવું એ જીવનનો અમૂલ્ય લહાવો, એક અનેરો અનુભવ હતો

20 March, 2019 10:26 AM IST  |  | મનોજ નવનીત જોષી

યાદેં: મનોહર પર્રિકરને મળવું એ જીવનનો અમૂલ્ય લહાવો, એક અનેરો અનુભવ હતો

મનોહર પર્રિકર (ફાઈલ ફોટો)

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

ગોવાના ચીફ મિનિસ્ટર મનોહર પર્રિકરનું અવસાન થયું અને આ વાતને આજે બે દિવસ થઈ ગયા, પણ એમ છતાં તેમનો ચહેરો આંખ સામેથી હટતો નથી. મનોહર પર્રિકરને મળવું એ જીવનનો એક અમૂલ્ય લહાવો હતો, એક અનેરો અનુભવ હતો. આ અનુભવના આધારે જ હું કહું છું કે મનોહર પર્રિકરનું ગુમાવવું એ ખરેખર એક એવી મોટી ખોટ છે કે જે ક્યારેય ભરપાઈ નહીં થઈ શકે. અત્યારના તબક્કે નરેન્દ્ર મોદીને જો સૂર્ય સમાન ગણવામાં આવતા હોય તો એવું કહેવું ઉચિત ગણાશે મોદી નામના સૂર્યમંડળમાં પર્રિકર ધ્રુવતારા સમાન હતા. પર્રિકરનું વ્યક્તિત્વ અદ્ભુત હતું, તેમની નિર્ણયશક્તિ અવિસ્મરણીય હતી અને તેમની પ્રામાણિકતા વણજોયેલી પ્રામાણિકતા હતી.

મનોહર પર્રિકરનો એક કિસ્સો હમણાં વૉટસઍપ પર ખૂબ ફર્યો છે. આ જ કિસ્સો મારે અત્યારે તમને અહીંયાં કહેવો છે, પણ સાચી વિગતો સાથે. એક વખત પર્રિકર પોતાના ઍક્ટિવા સ્કૂટર પર જઈ રહ્યા હતા. તેમની બાજુમાંથી ફુલસ્પીડમાં એક કાર પસાર થઈ અને પર્રિકર જોતાં રહ્યા. પર્રિકરે એ કારના નંબર નોંધી લીધો અને પછી આગળ નીકળી ગયા. આગળ એક મોટા સર્કલ પાસે ટ્રાફિક સિગ્નલ પર કાર ઊભી રહી અને નસીબજોગે પર્રિકર પણ એ કાર પાસે પહોંચી ગયા. પર્રિકર કાર પાસે જઈને ઊભા રહ્યા અને વિન્ડો પર નૉક કરીને વિન્ડો નીચે ઊતરાવી. પેલા ભાઈએ કારની વિન્ડો ખોલી એટલે તરત જ પર્રિકરે કહ્યું કે તમે જે સ્પીડ પર કાર ચલાવી રહ્યા હતા એમાં જો ઍક્સિડન્ટ થાય તો જેની સાથે કાર અથડાય તે જીવતો ન બચે, જરા ધ્યાન રાખો. નાહકનું જેલમાં જવું પડશે.

પેલા ભાઈએ હસીને જવાબ આપ્યો, ‘ડુ યુ નો, માય ફાધર ઇઝ જનરલ ઑફ ગોવા પોલીસ.’

પર્રિકર કંઈ જવાબ આપે એ પહેલાં જ પેલા ભાઈએ વિન્ડો બંધ કરી દીધી અને પછી સિગ્નલ ખૂલી ગયું એટલે એ કાર રવાના પણ થઈ ગઈ. કાર રવાના થઈ એટલે પર્રિકર પણ ચીફ મિનિસ્ટર ઑફિસ તરફ વળી ગયા અને તેમના રાબેતા મુજબનાં કામો સાથે દિવસ તેમણે પૂરો કરી સાંજે છ વાગ્યે તે નીકળી ગયા. સાંજે સાત વાગ્યે તેમણે ડિનર લેવા જવાનું હતું એટલે એ વાઇફ સાથે ડિનર લેવા માટે નીકળ્યા અને ડિનર માટે જે જગ્યાએ જવાનું હતું એ વ્યક્તિ માટે તેમણે એક ગિફ્ટ લીધી. ગિફ્ટ લઈને ડિનર માટે ગયા અને ડિનર શરૂ કરતાં પહેલાં એ ગિફ્ટ તેમણે યજમાનને આપી. તે યજમાન પોતે પોલીસ જનરલ હતા અને રાતે તેમને ત્યાં જ પર્રિકરે ડિનર માટે જવાનું હતું. ગિફ્ટમાં તેમણે હેલ્મેટ લીધી હતી અને એ હેલ્મેટ જોઈને જનરલ પણ મૂંઝાયા હતા ત્યારે પર્રિકરે કહ્યું હતું, ‘આજ પછી તમારા છોકરાને ગાડી ચલાવવા નહીં આપતા.’

આ પણ વાંચો : ક્યારેય ભૂલતા નહીં, શહેરમાં જેટલાં વાહનો ઘટશે એટલી રાહત તમને જ થવાની છે

સવારની ઘટના પણ તેમણે એ સમયે કહી અને ત્યાં સુધી તે ત્યાં રોકાયા જ્યાં સુધી એ છોકરો પાછો ન આવ્યો. એ છોકરો પણ પર્રિકરને ઘરમાં જોઈને હેબતાઈ ગયો અને તેને ઝાટકો તો ત્યારે લાગ્યો જ્યારે તેને ખબર પડી કે જેની સાથે તેને વાર્તાલાપ થયો હતો કે બીજું કોઈ નહીં પણ ગોવાના ચીફ મિનિસ્ટર હતા.

manoj joshi columnists manohar parrikar