વાત એક એવી ઘટનાની, જે તમારા જીવન માટે માર્ગદર્શક અને પથદર્શક બની રહે

15 May, 2019 11:02 AM IST  |  | મનોજ નવનીત જોષી - મેરે દિલ મેં આજ ક્યા હૈ?

વાત એક એવી ઘટનાની, જે તમારા જીવન માટે માર્ગદર્શક અને પથદર્શક બની રહે

મનોજ જોષીના પિતા નવનીત જોષી,

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

નવનીત જોષી, મારા પિતાશ્રી. હું તેમને ભાઈ કહેતો. સંયુક્ત પરિવારમાં રહેતા હતા એટલે તેમને તેમના નાના ભાઈઓ ‘ભાઈ’નું સંબોધન કરે. આ જ આદત નાનપણથી મને પણ પડી અને મેં પણ એ જ કરવાનું શરૂ કરી દીધું. ક્યારેય કોઈએ સુધાર્યું નહીં અને એટલે જ તેઓ માત્ર મારા પિતા બની રહેવાને બદલે મારા મોટા ભાઈ પણ રહ્યા. અમારી વચ્ચે બહુ વાતો થતી નહીં, અમારી વચ્ચે બહુ સંવાદિતા પણ નહીં, પણ હા, એ પણ એટલું જ સાચું કે અમારી વચ્ચે ગુરુ-શિષ્યની સંવાદિતા પુષ્કળ રહી છે. તેમની પાસેથી શાસ્ત્રોનું જ્ઞાન પણ મળ્યું છે અને તેમની પાસેથી શ્લોકનું પણ જ્ઞાન મળ્યું છે. ભાષાશુદ્ધિનો તેમનો જે આગ્રહ હતો એ આગ્રહ મેં મારા આખા જીવનકાળ દરમ્યાન ક્યારેય કોઈનો જોયો નથી. શાસ્ત્રોના જાણકાર એટલે તેમને પ્રાસ-અનુપ્રાસથી માંડીને અવાજમાં આરોહ-અવરોહની પણ ખાસ્સી સમજણ. તેઓ એટલી જ અપેક્ષા મારી પાસેથી રાખે, જેટલી અપેક્ષા તેઓ પોતાની પાસેથી રાખતા. તેમની આ અપેક્ષાને કારણે જ, જ્યારે ઍક્ટિંગ-કરીઅર પસંદ કરી ત્યારે અવાજના આરોહ-અવરોહ અને ભાષાશુદ્ધિ પુષ્કળ કામ લાગી. જોકે એ પછી પણ સહજભાવ સાથે સ્વીકારું છું કે તેમની ઇચ્છા મુજબનો આરોહ-અવરોહ તો આજે પણ મેળવી નથી શક્યો અને એ હકીકત છે.

શાસ્ત્રોના જ્ઞાનને કારણે તેમના ચહેરાનું તેજ ગજબનાક હતું. મારા પિતાશ્રી છે એટલે હું આ વાત નથી કહી રહ્યો, પણ આવું જ સ્ટેટમેન્ટ મેં અનેક વ્યક્તિઓ પાસેથી સાંભળ્યું છે. તેમની ત્વચા રીતસર નીખરતી, કહો કે ઝગારા મારતી. આ તેજ તેમનું જ્ઞાનનું તેજ હતું. એક નાનકડી વાત કહીને મૂળ વાત પર આવું.

આ પણ વાંચો : સ્વસ્થ ભારત, શ્રેષ્ઠ ભારત : હેરાન થયા વિના કરો હાથવગા ઉપચાર

તેઓ જ્યારે ભણતા હતા ત્યારે હંમેશાં પ્રથમ ક્રમાંકે જ રહેતા. એક વખત મુંબઈના ખ્યાતનામ ઉદ્યોગપતિ કૉલેજમાં આવ્યા. પ્રિન્સિપાલ સાથે વાતો કરતાં તેઓ લટાર મારવા નીકળ્યા અને લટાર મારતાં-મારતાં તેઓ ભાઈના ક્લાસમાં આવી ગયા. આ ક્લાસમાં એ સમયે પ્રોફેસર ભણાવતા હતા. ઉદ્યોગપતિએ પ્રોફેસરને પૂછ્યું કે આ ક્લાસમાં જેકોઈ હોશિયાર વિદ્યાર્થી હોય તેને હું મારી કંપનીમાં જૉબ આપવા માગું છું. પ્રોફેસરે રાજી થઈને તરત જ ભાઈનું નામ લીધું અને ભાઈને ઊભા થવાનું કહ્યું. ભાઈ ઊભા થયા. ક્લાસના બધા વિદ્યાર્થીઓએ તાળીઓ પાડી, પણ ભાઈએ નમ્રતા સાથે હાથ જોડીને કહ્યું કે ‘હું આ નોકરી નહીં કરું.’ બધા સ્તબ્ધ થઈ ગયા. શું કામ? સૌકોઈના ચહેરા પર આ પ્રશ્ન હતો. ભાઈએ નમ્રતા સાથે સ્પષ્ટતા કરતાં કહ્યું કે શાસ્ત્રોનો અભ્યાસ અને કર્મકાંડની તમામ વિધિઓ માત્ર જાણકારી માટે નથી શીખ્યો, એનું જ્ઞાન સૌકોઈને આપવા માગું છું અને સમાજ માટે જેટલો પણ ઉપયોગી બની શકું એટલો મારે પ્રયાસ કરવો છે. જો નોકરી કરવા માંડીશ તો પરિવારની ઉપયોગિતા બનીશ, પણ જો કર્મકાંડને આજીવિકા બનાવીશ તો સમાજને ઉપયોગી બનીશ. ઇચ્છા છે કે દીવો બનીને નાના ઉપયોગમાં આવવા કરતાં ફાનસ બનીને જેટલો વધુ પ્રકાશ આપી શકાય એટલો આપું.

manoj joshi columnists