સ્વસ્થ ભારત, શ્રેષ્ઠ ભારત : હેરાન થયા વિના કરો હાથવગા ઉપચાર

14 May, 2019 11:17 AM IST  | 

સ્વસ્થ ભારત, શ્રેષ્ઠ ભારત : હેરાન થયા વિના કરો હાથવગા ઉપચાર

પ્રતીકાત્મક તસવીર

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

સ્વસ્થ રહેવું હોય તો તમારે જરા પણ હેરાન થવાની કે પછી દુખી થવાની જરૂર નથી. જાગ્રત અવસ્થા સાથે હાથવગા કહેવાય એવા ઉપચારો કરવાથી કે પછી સરળ નુસખાઓ અપનાવવાથી ખરા અર્થમાં તંદુરસ્ત રહેવાની સાથોસાથ ડૉક્ટરથી અંતર રાખવાનું કામ પણ થઈ શકે છે. બેઝિક અને સાવ સામાન્ય કહેવાય એવા આ રસ્તાઓમાંથી પહેલો રસ્તો એ છે કે સાંજે છ કે સાત વાગ્યા પછી ખાવાનું બંધ કરી દો. બિલકુલ ખાવું નહીં. બહુ ભૂખ લાગે તો દૂધ કે પછી નાળિયેરપાણી કે ફ્રૂટ-જૂસ કે એવું કશું પી લેવાનું, પણ ખાવાનું બિલકુલ નહીં. શરીરનાં અંગોને પણ આરામ જોઈતો હોય છે અને એ આરામ આપવો એ તમારી ફરજ છે. જો તમે પેટને આરામ નહીં આપો તો પરિસ્થિતિ એવી થશે કે રાતે શરીરનાં બાકીનાં બધાં અંગો આરામ કરતાં હશે અને પેટ ઓવરટાઇમમાં લાગેલું હશે. જો એની પાસે ઓવરટાઇમ ન કરાવવો હોય તો બહેતર છે કે સરળ નિયમ અપનાવી લો અને સાંજે ૬ કે પછી મોડામાં મોડા ૭ વાગ્યા પછી ખાવાનું બંધ કરી દો, બિલકુલ બંધ. કહો કે તમારો એક પ્રકારનો ઉપવાસ જ શરૂ થઈ ગયો છે. સવારે ૬ વાગ્યા સુધી હવે કશું ખાવાનું નથી. સાંજ પછી ખાવાનું બંધ કરશો એટલે આપોઆપ બીજું કામ એ થશે કે વહેલી સવારે ભૂખ લાગશે અને ભૂખ લાગશે એટલે આપોઆપ સવારે પણ આંખ વહેલી ખૂલશે અને એ રીતે એક શેડ્યુલ બનવાનું શરૂ થશે.

આ પણ વાંચો : નવનીત જોષી : આવજો વહાલા, ફરી મળીશું

સાંજ પછી જમવાનું બંધ આ પહેલો નિયમ અને બીજો નિયમ બનાવો, ગરમ પાણી પીવાનો. તમને ખબર ન હોય તો કહી દઉં કે ઠંડું પાણી પચાવવા માટે પણ એનર્જીની જરૂર પડતી હોય છે. શાસ્ત્રો કહે છે કે આછીસરખી હૂંફ સાથેનું એટલે કે લૂક-વાર્મ વૉટર શરીર માટે ખૂબ લાભદાયી છે. શરીરનું ટેમ્પરેચર ગરમ છે એ તમને સહેજ યાદ કરાવવાનું, આ ગરમ ટેમ્પરેચરનો અનુભવ કરવો હોય તો એક વખત આંગળી પર ટાંકણી મારીને નીકળતા લોહીનો સ્પર્શ કરીને જોઈ લેવાનું. લોહી ગરમ લાગશે. કહેવાનો ભાવાર્થ એટલો જ કે શરીર અંદરથી ગરમ છે ત્યારે તમે એમાં બરફથી પણ વધારે ઠંડું પાણી ઓરો તો તમારા પાણીને પહેલાં તો શરીર પોતાના માફકના ટેમ્પરેચરમાં લાવતાં જ હાંફી જાય છે. બહેતર છે કે હૂંફાળું પાણી પીઓ. આ પાણીના બે લાભ છે; એક તો શરીરે એને ગરમ કરવા માટે વધારે કસરત નથી કરવાની અને બીજું એ કે એ પાણી તમારા શરીરના આંતરિક ભાગની સફાઈ કરવાનું કામ કરશે.

શાસ્ત્રો પાસે બહુ સરળ રસ્તા છે શરીરના આંતરિક ભાગોને ક્લીન કરવા માટેના, પણ એ રસ્તાઓનો અમલ થવો અને એની અમલવારી કડક રીતે થાય એ ખૂબ જરૂરી છે. આ અને આવા અનેક રસ્તા આપણાં શાસ્ત્રોમાં દર્શાવ્યાં છે અને એનો ઉપયોગ કરવાનો છે. આ એવા સહજ રસ્તાઓ છે જે તમને તંદુરસ્તી આપવાની સાથોસાથ તમને ડૉક્ટરથી પણ દૂર રાખવાનું કામ કરે છે. ડૉક્ટરથી દૂર રહેવું એ આપણી નૈતિક ફરજ છે અને આ નૈતિકતાને સમજવી એ આપણો જન્મસિદ્ધ હક છે.

columnists manoj joshi