નવરા નખ્ખોદ વાળે : એટલું ધ્યાન રાખજો, તમારો સમાવેશ આ કૅટેગરીમાં ન થાય

15 June, 2019 10:05 AM IST  |  | મનોજ નવનીત જોષી - મેરે દિલ મેં આજ ક્યા હૈ?

નવરા નખ્ખોદ વાળે : એટલું ધ્યાન રાખજો, તમારો સમાવેશ આ કૅટેગરીમાં ન થાય

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યપ્રણાલીનો સારો એવો અભ્યાસ જાતે-જાતે પણ કયોર્ છે. લોકો પાસેથી સાંભળ્યું છે. તેમની સાથેના પરિચય અને મુલાકાતો દરમ્યાન તેમનામાં ઘણી બાબતો ઑબ્ઝર્વ પણ કરી છે. એના વિશે તો જાણે આખું પુસ્તક લખી શકાય એમ છે, પરંતુ અત્યારે તમારી સાથે તેમની સક્રિયતાની વાત કરવી છે. જીવનના કેટલાક સ્વજનોને અકાળે ગુમાવ્યા પછી, મૃત્યુની અનિશ્ચિતતાની ગહનતાને સમજ્યા પછી હવે જીવનની પ્રત્યેક ક્ષણનું મૂલ્ય મારા અંગત જીવનમાં પણ વધતું ચાલ્યું છે. એકેક ક્ષણ કીમતી અને મૂલ્યવાન છે. કોઈ ક્ષણને આમ જ પાણીમાં વહેવા ન દેવાય. ધનની બરબાદી કરતાં પણ સમયની બરબાદી મને વધારે ખૂંચી છે, વધુ પીડાદાયી લાગી છે, વધુ અફસોસ કરાવનારી લાગી છે. જે સમય ગયો એ ફરી ક્યારેય પાછો આવવાનો જ નથી તો એ સમયને બેસ્ટ ઑફ બેસ્ટ બનાવી દેવા માટે જીવ રેડવો પડે તો રેડવો જ જોઈએ. આ વાત મોદીસાહેબ પાસે જોઈ છે. કર્મઠતાની બાબતમાં તેમને નોબેલ પુરસ્કાર મળવો જોઈએ. પ્રત્યેક ક્ષણનો શ્રેષ્ઠત્તમ ઉપયોગ કરતા મેં તેમને નજરોનજર જોયા છે. તે દેશના વડા પ્રધાન છે એટલે આવા છે, આપણે શું? એવું વિચારતા હો તો ખોટી દિશામાં છો તમે. કર્મઠતા, કામ કરવાની નિષ્ઠા, કામ કરવા માટેની તમારી તત્પરતા તમારી ઓવરઑલ હેલ્થને, તમારા જીવનને, તમારા પરિવારને અને આગળ જતા સમાજને એક લેવલ ઉપર લઈ જાય છે. કામ કરવાનો થાક ક્યારેય નથી લાગતો. કામ ન કરવાનો, કામને રસ વિના કરવાનો, કામને વેંઢારવાનો થાક લાગે છે. જો તમે તમારા દરેક કાર્ય ઓતપ્રોત થઈને કરતા હશો તો તમારે મેડિટેશનની પણ જરૂર નથી. તમારું કાર્યમાં પૂરેપૂરું ધ્યાન એ જ તમારું સાચું ધ્યાન છે.

જોકે જેની પાસે કોઈ કામ નથી અથવા આળસના સરદારોએ પોતાનાં બધાં જ કામ બીજાના માથે નાખી દીધાં છે એવા લોકોનું શું? ઇનશૉર્ટ, આપણે એવા નવરા લોકોની વાત કરી રહ્યા છીએ જેમને જો સગવડતા મળે તો પોતાની લઘુશંકા અને ગુરુશંકા પણ બીજા પાસે કરાવડાવે. નવરા નખ્ખોદ વાળે કહેનારા આપણા પૂર્વજોની દીર્ઘદૃષ્ટિને ખરેખર સલામ છે. જેની પાસે કોઈ કામ નથી, અથવા જેને પોતાને કરવાના કામની સભાનતા નથી તે હંમેશાં બીજાના જીવનમાં ઉત્પાત કેમ મચે એવા પ્રયત્નો કરતા રહેશે. આ નવરાઓ પારકી પંચાતમાંથી જ ઊંચા નહીં આવતા હોય. થોડીક આજુબાજુ નજર દોડાવશો તો આવા થોકબંધ લોકો તમને મળી રહેશે. જે પોતાની સાથે તમારી લાઇફની વાટ લગાડવાનું પણ ક્યારે શરૂ કરી દેશે એ તમને ખબર નહીં પડે. આ નવરાઓ પોતે નામનુંયે કામ ન કરતા હોય, પણ વાતો કરવામાં તેમનો કોઈ જોટો ન જડે. આજે એક સાચી સલાહ આપું છું કે તમારી આસપાસના વતુર્ળમાં નવરાધૂપ કોણ-કોણ છે એ જાણી લો અને જેટલું બને એટલું તેમની સાથે એક ડિસ્ટન્સ કેળવવાનું શરૂ કરી દો. તેમની મોટી- મોટી વાતોની આભામાં અંજાતા નહીં. તેમની શબ્દોની જાળમાં ફસાતા નહીં. યાદ રાખજો, આ લોકો તમારી હોડીમાં એવું કાણું પાડી દેશે જેમાં તમે તમારી સાથેનું ઘણુંબધું લઈને ડૂબશો. તમારી પ્રોફેશનલ લાઇફ અને પર્સનલ લાઇફ આવા નવરાધૂપોથી સેફ ડિસ્ટન્સ પર રહે એ જરૂરી છે.

આ પણ વાંચો : ફોટો બહાદુર : કહો જોઈએ, તમે સહાય બડાઈ માટે કરો છો કે આત્મસંતોષ માટે?

બે વાત ગાંઠે બાંધી લો આજથી. તમે નવરા ન રહો અને સતત કોઈ ને કોઈ કાર્યમાં ઓતપ્રોત રહો એનું ધ્યાન રાખવાનું છે અને બીજું, તમારી નજીક કામ વિનાના લોકોનો મેળાવડો ન જામે એની પણ કાળજી કરવાની છે.

columnists manoj joshi