કહો જોઈએ, આપણા તહેવારોમાં ચાઇનીઝ નૂડલ્સ શું ફીફાં ખાંડે છે?‌

15 October, 2019 05:28 PM IST  |  મુંબઈ ડેસ્ક | મનોજ નવનીત જોષી: મેરે દિલ મેં આજ ક્યા હૈ?

કહો જોઈએ, આપણા તહેવારોમાં ચાઇનીઝ નૂડલ્સ શું ફીફાં ખાંડે છે?‌

મેરે દિલ મેં આજ ક્યા હૈં?

ઉત્તરાયણ હોય કે દિવાળી, ધુળેટી હોય કે જન્માષ્ટમી, ચાઇનીઝ પ્રોડક્ટે આ બધા તહેવારોને અનુરૂપ પ્રોડક્ટ બનાવીને આપણા તહેવારોમાં પણ વગર કારણે ઘૂસ મારી દીધી છે, જે ખરેખર હાસ્યાસ્પદ છે. આપણે સામાન્ય રીતે એવી મજાક સાંભળી છે કે ચીનમાં પણ ચાઇનીઝ ભેળ નહીં મળતી હોય, પણ આપણે ત્યાં મળે છે. આ મજાકને જરા ઊલટી રીતે કરવાની અને જોવાની જરૂર છે. ચીનમાં એક પણ તહેવારોમાં ઘરના આંગણે દીવા મૂકવામાં નથી આવતા છતાં એ લોકો બનાવે છે. પિચકારીમાં પાણી ભરીને એકબીજા પર પાણી ઉડાડવાનો કોઈ ફેસ્ટિવલ ચીનમાં નથી છતાં દર વર્ષે લાખો નંગ પિચકારી બનાવીને ચીન ઇન્ડિયામાં વેચે છે. ઇલેક્ટ્રિક દીવા કે પિચકારી છોડો, રંગોળી બનાવવા માટે ઉપયોગી બને એવું કલર ભરવાનું મૉડ્યુલર પણ ચીન બનાવે છે અને જન્માષ્ટમીને ધ્યાનમાં રાખીને પાંચ રૂપિયાથી માંડીને પાંચ હજાર રૂપિયાનાં રમકડાં પણ એ બનાવવા માંડ્યું છે. આપણા નાનામાં નાના તહેવારોમાં ચીને ઘૂસ મારી દીધી છે અને આપણા હસ્તકલાના માહેર હતા એ કારીગરોને બેરોજગાર બનાવવાનું કામ કર્યું છે.
હસ્તકલા.
આ જે એક શબ્દ છે એને છૂટો પાડીને એક વાર વાંચશો તો તમને એમાં હસ્ત અને કલા એમ બે શબ્દ વાંચવા મળશે. જે કલા માત્ર અને માત્ર હાથ દ્વારા સાચવવામાં આવી છે, લુપ્ત થતી કલાને જાળવી રાખવાનું કામ એક નાનો માણસ કરી રહ્યો છે એ માણસની રોજીરોટી પર એક તો દુશ્મનને સહકાર આપતો દેશ તરાપ મારે અને એમાંથી ઉપર જતા આપણે પણ થોડા અમસ્તા અટ્રૅક્શન વચ્ચે એ જ વસ્તુ ખરીદીને આપણી કલાને જીવંત રાખતી વ્યક્તિની બે પૈસાની કમાણી અટકાવીએ. થોડા સમય પહેલાં મેં કહી હતી એ જ વાતને આજે જરા જુદી રીતે કહેવા માગું છું કે હસ્તકલાને જીવંત રાખવા માટે આ નાના કલાકારોને અકબંધ રાખવા એ પણ મેક ઇન ઇન્ડિયાનો જ એક પ્રકાર હોઈ શકે.
મેક ઇન ઇન્ડિયા વિશે વધુ વાતો કરવી છે અને આંકડાકીય માહિતી સાથે વધુ વાતો કરવી છે, પણ અત્યારે એ કહેવું છે કે ચીનની પ્રોડક્ટનો બહિષ્કાર કરીને મેક ઇન ઇન્ડિયાના નારાને વધુ બુલંદ તો બનાવી જ શકીએ છીએ. એ નારાને બુલંદ બનાવવા માટે જરૂરી નથી કે તમે ફૅક્ટરી કરો કે મૅન્યુફૅક્ચરિંગના ક્ષેત્રમાં આવો. ના, જરાય જરૂરી નથી. જરૂરી એ છે કે ભારતમાં બનતી, ભારતીયો દ્વારા બનતી ચીજવસ્તુઓનો વપરાશ વધારો. એવા સમયે તો વધારો, વધારો અને વધારો જ જ્યારે તહેવાર પણ તમારા પોતાના હોય. મા લક્ષ્મી કે મા દુર્ગા જ્યારે ઘરમાં પ્રવેશે છે ત્યારે તમે ગરીબોના દિલમાં કેવી ઠંડક પહોંચાડી એ જોઈને ઘરમાં પગલું માંડે છે, મેઇડ ઇન ફૉરેનનું ટૅગ વાંચીને નહીં.

columnists manoj joshi