અવાચક અવસ્થા: લોકસભા રિઝલ્ટ પછી પણ વિરોધ પક્ષ જવાબ આપવાની સ્થિતિમાં નથી

26 May, 2019 10:13 AM IST  |  | મનોજ નવનીત જોષી - મેરે દિલ મેં આજ ક્યા હૈ?

અવાચક અવસ્થા: લોકસભા રિઝલ્ટ પછી પણ વિરોધ પક્ષ જવાબ આપવાની સ્થિતિમાં નથી

પ્રતીકાત્મક તસવીર

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

લોકસભાના રિઝલ્ટે ખરેખર સૌકોઈને અવાચક્ બનાવી દીધા છે. આજ-તક ચૅનલ એકમાત્ર એવી ચૅનલ હતી જેણે આવેલા રિઝલ્ટના નજીકના ફીગર્સની ભવિષ્યવાણી કરીને પોતાના એક્ઝિટ પોલના આંકડામાં દેખાડ્યું હતું કે બીજેપી અને એના સાથીપક્ષો ૩૫૦થી વધારે બેઠકો લઈ આવશે. સાવ સાચું કહું તો એ એક્ઝિટ પોલ પછી બીજેપીના અનેક નેતાઓને પણ વિશ્વાસ નહીં આવ્યો હોય અને આ ફૅક્ટ છે. ગુજરાતની વાત કરીએ તો, ગુજરાતમાં પણ બીજેપીના સિનિયર નેતાઓ છાના ખૂણે સ્વીકારતા થઈ ગયા હતા કે ગુજરાતની ૨૬ બેઠકોમાંથી બે કે ચાર તો જશે. આજે બધા છાતી ખેંચીને એવું દેખાડવા માંડ્યા છે કે ના, અમને ખાતરી હતી, પણ એ ખોટી વાત છે. પેલી કહેવત જેવું છે, ‘દેખાડવાના જુદા અને ચાવવાના જુદા.’

અવાચકતા આવી ગઈ છે આ રિઝલ્ટથી અને એમાં કશું ખોટું પણ નથી. ઇશ્યુલેસ ઇલેક્શન હતું આ. આ વખતે કોઈ એવો મુદ્દો પણ નહોતો હાથમાં જેના આધારે સૌકોઈ એકબીજા સામે લડી શકે અને લડી લે. નરેન્દ્ર મોદીને હટાવવાનો એકમાત્ર એજન્ડા હોય એ પ્રકારે ઇલેક્શન ચાલી રહ્યું હતું અને એ જ દૃષ્ટિકોણથી સૌકોઈ આગળ વધતા હતા, પણ કોઈનું ધ્યાન એ વાત પર નહોતું કે ઇશ્યુ વિનાના આ ઇલેક્શનમાં મતદારો કોઈ એક નિર્ણય પર પહોંચી રહ્યા હતા અને એ નિર્ણયની દિશામાં આગળ વધતા હતા.

આ વખતે ઇલેક્શનમાં જે રિઝલ્ટ આવ્યું છે એ રિઝલ્ટ ખરા અર્થમાં આંખો ઉઘાડનારું છે. ગ્રાઉન્ડ વર્ક કરવાની બધા પક્ષને જરૂર છે. ગ્રાઉન્ડ વર્કનો અભાવ આ વખતના ઇલેક્શનમાં સ્પષ્ટ રીતે નજરે આવ્યું છે. ગ્રાઉન્ડ વર્ક નહોતું, માત્ર અને માત્ર ખુન્નસ હતું અને નકારાત્મકતાની રાજનીતિ હતી. આ રાજનીતિ ક્યારેય ચાલી નથી, ક્યારેય નહીં. આજે સૌકોઈને ખબર પડી ગઈ છે કે કૉન્ગ્રેસ અને અન્ય પક્ષોએ સમજવું પડશે કે કામ કરવા માટે સત્તા મહત્વની છે જ નહીં. નાછૂટકે મને આ બાબતમાં પણ બીજેપીનું જ ઉદાહરણ આપવું પડે છે. જરા વિચાર કરો કે એક સમય હતો જ્યારે આખા દેશના લોકસભાના ઇલેક્શનમાં બીજેપીને એક પણ બેઠક નહોતી મળતી અને એ પછી પણ બીજેપી પોતાના કાર્યમાં મચેલી હતી. કાર્યનો આ સિદ્ધાંત ક્યાંક ને ક્યાંક ભગવદ્ગીતામાંથી આવ્યો છે. ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણએ જે જગવિખ્યાત સલાહ આપી છે એને અત્યારે યાદ કરવાની છે. તમે તમારું કર્મ કરો, ફળની અપેક્ષા ન રાખો. બહુ વાજબી વાત છે અને આ વાજબી વાતને એ સમયની બીજેપીએ પકડી રાખી હતી.

આ પણ વાંચો : દેશ બીજેપી-મય: અત્યારે જે ચાલી રહ્યું છે એ સિત્તેરના દસકાનું પુનરાવર્તન

કામ કરવાનું હતું, પક્ષના વિચારો અને પક્ષની વિચારધારાને આગળ ફેલાવતા જવાની હતી. એ આગળ વધતી રહી અને ફેલાતી રહી. પરિણામ એ આવ્યું કે ૯૦ના દસકાથી દેશમાં નવું રૂપ જોવા મળ્યું અને બીજેપીનો ભગવો લહેરાવાનું શરૂ થયું. હું કહીશ કે આની પાછળ પણ ક્યાંક ને ક્યાંક નવી જનરેશન જવાબદાર છે. જો જનરેશન-ગૅપ બાપ-દીકરામાં પણ દેખાવાનો હોય તો સ્વાભાવિક છે કે આ જ જનરેશન-ગૅપ દેશની પેઢીઓમાં પણ દેખાય. નવી જનરેશનને નવી વિચારધારા પકડી અને એ વિચારધારાને તેમણે સ્વીકાર્ય ગણી. જો નવી વિચારધારા લાવવી હોય તો નવું નેતૃત્વ જોઈશે અને નવું નેતૃત્વ જોઈતું હોય તો તમારે પોતાને પણ નવી વિચારધારા માટે તૈયાર રહેવું પડે.

manoj joshi columnists indian politics