ઉમેદવારનાં નામો જાહેર થઈ ગયાં છે ત્યારે તમારે શું યાદ રાખવાનું છે?

04 April, 2019 09:34 AM IST  |  | મનોજ નવનીત જોષી

ઉમેદવારનાં નામો જાહેર થઈ ગયાં છે ત્યારે તમારે શું યાદ રાખવાનું છે?

પ્રતીકાત્મક તસવીર

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

લોકસભા ઇલેક્શન અને એના વોટિંગને હવે વધીને ત્રણથી ચાર વીક જેટલો સમય બાકી રહ્યો છે ત્યારે એક વાત કહેવાની છે. લોકસભામાં મહારાષ્ટ્રના કયા ઉમેદવારો ઇલેક્શનમાં ઊભા રહેશે અને કોની-કોની વચ્ચે સીધો જંગ થશે એ હવે સ્પષ્ટ થઈ ગયું છે. આવા સમયે એક વાત ખાસ કહેવી છે. ઉમેદવારોનાં નામો આંખ સામે આવે ત્યારે એ બધું ભૂલી જવાનું છે કે તે તમારો કેવો ઓળખીતો છે કે પછી તે તમારા ઓળખીતાનો ઓળખીતો છે. આવી કોઈ ચર્ચામાં પડવાનું નથી અને આવી કોઈ વાતમાં ઊંડા ઊતરવાનું નથી. અરે, ઊંડા શું, હું તો કહીશ કે આવી વાતોમાં નામપૂરતાં છબછબિયાં કરવા પણ જવાનું નથી. વોટ કરતાં પહેલાંનો આ જે તબક્કો છે એ તબક્કામાં તમારા વિસ્તારના ઉમેદવાર વિશે બધું જાણો, બધી વિગતો મેળવો અને એ વિગતોની સાથોસાથ એ પણ જાણો કે એ મહાશયના નામે કોઈ કૌભાંડો છે કે નહીં. આજના સમયમાં તો કૅન્ડિડેટે બધી વિગતો ફૉર્મમાં જાહેર કરવી પડે છે એટલે તમને એ પણ સમજાશે કે છેલ્લાં પાંચ વર્ષમાં મહાશયની સંપત્તિમાં કેટલો ઉમેરો થયો. યાદ રાખજો, વીસ ટકા સુધી સંપત્તિ વધે તો એ વાજબી કહેવાય, પણ જો તમને સંપતિના વધારામાં પણ મહાકાય ફરક દેખાય તો એ વાતને ચેતવણીરૂપ સમજજો અને એનાથી આંખોનાં નેણ ભેગાં થાય તો એ કૌતુકને વાજબી માનજો.

બીજી વાત, ઉમેદવાર તમારા વિસ્તારને કેટલો ઉપયોગી થવાનો છે અને થઈ શકે એમ છે એ પણ જોવાનું છે અને સમજવાનું છે. હું કહીશ કે પક્ષ ભૂલી જાઓ, પાર્ટીનું ચિહ્ન ભૂલી જાઓ અને પ્રચારને પણ ભુલી જાઓ. આંખ સામે માત્ર ઉમેદવારને રાખો અને એ જુઓ કે તેની એવી તે કઈ લાયકાત છે કે જેના આધારે તેને ટિકિટ આપવામાં આવી છે. જરૂરી નથી કે ઉમેદવારે અગાઉ પણ ઉમેદવારી નોંધાવી હોય અને જરૂરી એ પણ નથી કે ઉમેદવારે અગાઉ જીત મેળવી હોય.

વ્યક્તિનો ભૂતકાળ ક્યારેય તેનો સાથ નથી છોડતો. સારી વ્યક્તિ હોય તો તે સત્તા વિના પણ પોતાનું કામ તો કરતી જ હોય છે અને અત્યારે પણ એ જ જોતા રહેવાનું છે કે તેણે કેવું કામ કર્યું છે અને કયા પ્રકારનું કામ કર્યું છે. અગાઉ હું કહી ચૂક્યો છું કે વંશવેલાને નહીં, પણ ઉમેદવારની લાયકાતને જોવી જોઈએ. આજે પણ એ જ વાત કહું છું. મારા વિચારો કોની સાથે સહમત છે એ વાત આ તબક્કે મહત્વની નથી અને એ વાત પણ મહત્વની નથી કે હું કેવી વિચારધારા ધરાવું છું. મારા એક લેખક-પત્રકારમિત્ર હંમેશાં ઉદાહરણ સાથે પોતાની વાતને સરળ રીતે સમજાવી જતા હોય છે. એ લેખક-પત્રકારમિત્રની સ્ટાઇલને ગ્રહણ કરીને કહું તો ક્રિકેટ એ ક્રિકેટ જે બુકમાં દર્શાવી હોય એ ગ્રાઉન્ડ પર જઈને રમાતી ક્રિકેટ કરતાં સાવ વિપરીત હોઈ શકે છે, કારણ કે ગ્રાઉન્ડ પર રમાતી ક્રિકેટને અને બુકમાં દર્શાવેલી ક્રિકેટને કોઈ સંબંધ નથી હોતો. માર્શલ આર્ટ્સની બુક્સ કંઈ જુદું દેખાડે અને હકીકતમાં સ્વરક્ષણ માટે જુદો દાવ રમવામાં આવે એવું બની શકે છે. મુદ્દો એ છે કે સ્વબચાવ થઈ રહ્યો છે. અહીં મુદ્દો એ છે કે

આ પણ વાંચો : કોણ કોનું દુશ્મન છે એ જાણી લેશો તો તમારું જીવન પણ સરળ થઈ જશે

અહીં મુદ્દો એ છે કે વોટિંગ થાય અને તમારા મતનું મૂલ્યાંકન થાય. અગાઉ કહ્યું છે, આજે ફરીથી કહું છું અને ભવિષ્યમાં પણ કહેતો રહીશ કે લોકશાહી માટે જો કોઈ તહેવાર હોય તો એ ઇલેક્શન છે અને ઇલેક્શનમાં મતદાન કરવું એ સ્વતંત્ર રાષ્ટ્રના તમામેતમામ નાગરિકનો જન્મસિદ્ધ હક છે. આ હક ભોગવવાનો છે. સમજદારી સાથે અને સમજણશક્તિના ઉપયોગ સાથે.

manoj joshi columnists Election 2019