ગૌરવ તરફ એક ડગ:કબૂતરે ક્યારે ચૂલો સળગાવ્યો કે સસલાએ ક્યારે વઘાર કર્યો?

10 July, 2019 10:24 AM IST  |  મુંબઈ ડેસ્ક | મનોજ નવનીત જોષી - મેરે દિલ મેં આજ ક્યા હૈ?

ગૌરવ તરફ એક ડગ:કબૂતરે ક્યારે ચૂલો સળગાવ્યો કે સસલાએ ક્યારે વઘાર કર્યો?

મેરે દિલ મેં આજ ક્યા હૈ? 

મિતાહાર.

આજે જ્યારે ગુજરાતી ભાષાના જાણકારો ઓછા થઈ ગયા છે ત્યારે આ શબ્દનો અર્થ જાણનારાઓ ઘટી ગયા છે, પણ આ શબ્દનો અર્થ થાય છે ઓછું કે પછી માફકસરનું જમવું. મિતાહાર એ દીર્ઘાયુષ્યનું રહસ્ય છે. દીર્ઘાયુષ્યની જેમને ખેવના નથી તેમને કહેવાનું કે લાંબું જીવવું એ જ મહત્ત્વનું નથી, પણ જેટલું જીવો એટલું સ્વસ્થ જીવો એ બહુ જરૂરી છે, પણ આ વાત વીસરાઈ ગઈ છે. હવે સ્વાદ માટે ખાવામાં આવે છે અને જીભની પાસે કબર ખોદાવવાનું કામ કરાવવામાં આવે છે. બધામાં સ્વાદની વાત, કોઈને બાફેલું કે કાચું ખાવું નથી. આપણા સ્વાસ્થ્ય-એક્સપર્ટ્સ બિચારા કહી-કહીને ઊંધા વળી જાય છે, વૉટ્સઍ પ પર આવા મેસેજનો મારો ચાલે છે, એકબીજા રાજી થઈને એકબીજાને વિડિયો મોકલે છે, પણ પાલન કરવાની વાત આવે ત્યારે કોઈને આગેવાની લેવી નથી. તમે જુઓ તો ખરા કે સરેરાશ ગુજરાતીની થાળી કેવી હોય છે? ગુજરાતી થાળી જમવા માટે હોટેલમાં જઈએ ત્યારે જે સામે પીરસાય છે એ જ ગુજરાતીઓની ઇમેજ છે. ગુજરાતીઓ ખાવા માટે જીવે છે અને ખાવા માટે જ કમાય છે. એ કમાણીનો કોઈ અર્થ નથી, જે કમાણી પછી હૉસ્પિટલનાં બિલમાં ભરપાઈ થવાની હોય.

કુદરતતે બહુ સરળ જીવન આપ્યું છે, એ સરળ જીવનને આપણે સ્વાદની મોહમાયામાં અટપટું બનાવી દીધું છે. ખોરાકને રાંધવાની પ્રક્રિયાનો જન્મ થયો ત્યારથી જ માનવજાતિનું નિકંદન નીકળવાનું શરૂ થયું છે. સસલાં શાકભાજી સુધારતાં નથી, એ સીધાં જ ખાય છે. ઉંદર આવીને સીધેસીધું જ ધાન ખાઈ જાય છે. ચકલાંઓને રસોઈની પળોજણમાં પડવું નથી અને કબૂતર પણ ક્યાંય પ્રેસર કુકરનો ઉપયોગ કરતાં નથી. પૃથ્વીની તમામ જીવસૃષ્ટિને આ વાત લાગુ પડે છે, પણ માણસ જન્મ્યો નથી, તેણે તો અવતાર લીધો છે એટલે તેને આ વાત લાગુ પડતી નથી. તે તો બધું રાંધે છે. બધામાં તેણે પોતાનું શાણપણ ઉમેરવું છે. દૂધ પણ સીધું પીવું નથી, એને પણ ગરમ કરવું છે અને પાણીને ઠંડું કરવું છે. ટમેટાં કાચાં ખાવાની પ્રક્રિયા જ ભુલાવી દીધી છે આજની મમ્મીઓએ અને કાકડી કાચેકાચી ખાવાની રીત પણ તેને યાદ નથી રહી. નેચરોપથી કહે છે કે તરસ લાગે ત્યારે પાણી કે પ્રવાહી પીવાને બદલે એકાદ સંતરું કે મોસંબી ખાઈ લેવું જોઈએ. નાળિયેરપાણી પીવું જોઈએ.

આ પણ વાંચો : ગૌરવ તરફ એક ડગઃ એક કોળિયો શું કામ બત્રીસ વાર ચાવવાની જહેમત ઉઠાવવી જોઈએ?

નેચરોપથીની ફરિયાદ છે કે બધામાં સ્વાદ ઉમેરવાનું બંધ કરીને જેને કાચું ખાઈ શકાય એને કાચું અને જેને બાફીને ખાવાનું હોય એને બાફીને ખાઈ લેવું જોઈએ. બટેટા કાચા ન ખાવાના હોય, એને બાફીને ખવાય. રિંગણ પણ બાફો. બાફેલાં આ શાકભાજી પર કોઈ જાતનું ઉમેરણ નહીં કરવાનું. તેલનું ટીપુંય નહીં અને મરી કે જીરું પણ નહીં. નિમકથી તો તોબા-તોબા. બહુ મન થાય તો કુદરતી નિમક એવું સીંધાલૂણ વાપરો અને જો એનો પણ ત્યાગ કરો તો ઉત્તમ. ચરી પાળો, જો ચરી પાળશો તો જ શરીરમાં બીમારી નહીં આવે. બાકી એવી બીમારી ભોગવવી પડશે જેની પાસે ચરીઓનું ટોળું હશે અને એ ટોળા વચ્ચે તમારું જીવન નરક બની જશે.

columnists manoj joshi