ક્રિટિસાઇઝ કોઈને પણ કરો, ક્યારે પણ કરો; પણ એની રીત સાચી હોવી જોઈએ

31 May, 2019 09:38 AM IST  |  | મનોજ નવનીત જોષી - મેરે દિલ મેં આજ ક્યા હૈ?

ક્રિટિસાઇઝ કોઈને પણ કરો, ક્યારે પણ કરો; પણ એની રીત સાચી હોવી જોઈએ

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

આપણે ત્યાં હંમેશાં એવું રહ્યું છે, વર્ષોથી રહ્યું છે કે જે દેખાય તેને કે પછી જે નબળો હોય તેને ક્રિટિસાઇઝ કરવામાં આવે; પણ એ જોવામાં નથી આવતું કે જે ક્રિટિસિઝમ કરવામાં આવે છે એ યોગ્ય છે કે નહીં. હું નથી માનતો કે ક્યારેય કોઈ આર્ટિસ્ટ પોતાનું કામ વખોડવામાં આવે એવું ઇચ્છતો હોય પછી તે કોઈ પણ ફીલ્ડનો આર્ટિસ્ટ હોય. આર્ટિસ્ટ જ્યારે પણ પોતાની કલાનું પ્રદર્શન કરતો હોય છે ત્યારે તેના મનમાં એક ઇમેજ હોય છે. તે પોતાના મનમાં રહેલી એ ઇમેજ સાથે જ પોતાની કલાને ડિરેક્શન આપે છે. એક નૉવેલ-રાઇટર હોય તો તે ક્યારેય ઇચ્છે ખરો કે તેની નૉવેલ માટે ખરાબ બોલવામાં આવે કે પછી એક ફિલ્મ-રાઇટર કોઈ દિવસ એવું ઇચ્છે ખરો કે તેની ફિલ્મમાં સ્ક્રિપ્ટનો વાંક કાઢવામાં આવે? તે જ્યારે પણ મહેનત કરતો હોય છે ત્યારે પૂરા મનથી, શ્રદ્ધાથી મહેનત કરતો હોય છે. તે જેન્યુઇનલી પ્રયત્નો કરતો રહેતો હોય છે કે બેસ્ટ કામ જ થાય. બધા ઇચ્છતા હોય છે કે પોતાની ફિલ્મ ‘શોલે’ જ બને અને ‘શોલે’ બનાવવા માટે જ બધા મહેનત કરતા હોય છે, પણ કોઈ વખત એવું પણ બની જાય કે ‘શોલે’ને બદલે ‘રામગોપાલ વર્મા કી આગ’ કે પછી મણિરત્નમ્ની ‘રાવણ’ બની જાય અને ક્રિટિક્સને સહન કરવા પડે. પણ યાદ રાખજો, કોઈ વ્યક્તિ ક્યારેય પોતાની ટીકા થાય, નાલેશી થાય એના માટે કામ નથી કરતી હોતી. ક્યારેય નહીં.

ટીકા કરનારી વ્યક્તિની પાત્રતા હોય અને સાચી દૃષ્ટિએ ટીકા થતી હોય તો એને સન્માનજનક રીતે સ્વીકારી લેવાની હોય, પણ પાત્રતા વિનાના લોકોની ટીકાને મહત્વ આપીને જાતને નીચા પાડવાની આવશ્યકતા મને નથી લાગતી. આજકાલ આપણે ત્યાં દરેકેદરેક લોકો ‘આ સારું હતું’ અને ‘આ સારું નહોતું’ જેવી વાતોને યુનિવર્સલ ટ્રુથ માનીને એનો પ્રચાર કરતા હોય છે. એક બાબત સમજી લો કે કંઈ પણ સારું હોય કે ખરાબ, એ વિશે તમારો અંગત અભિપ્રાય હોઈ શકે; એમાં કંઈ ખોટું નથી, પણ એ વાત એ સમયે ન ભુલાવી જોઈએ કે એ તમારો અંગત અભિપ્રાય છે અને સર્વસહમતી સાથેનું કોઈ સત્ય નથી. તમે જ્યારે પબ્લિક ફીગર હો અને ટીકાકાર તરીકે કંઈક જાહેર પ્લૅટફૉર્મ પર બોલી રહ્યા હો કે લખી રહ્યા હો તો તમારી જવાબદારી વધી જતી હોય છે.

આ પણ વાંચો : ઑર્ગેનિક : હવે બધા શુદ્ધ, સાત્વિક અને સ્વચ્છ ખાદ્ય પદાર્થો મળે છે

વિરોધ હોવો જોઈએ અને સબળ વિરોધ પક્ષ જ કાર્યને દીપાવવાનું કામ કરતો હોય છે ચાહે એ રાષ્ટ્રીય સ્તરે થતું રાજકારણ હોય કે પરિવારના અંગત પ્રશ્નો હોય. દરેક વ્યક્તિ, સંસ્થા, રાજકીય પક્ષ કે સમૂહ માટે એક વિવેચક ખૂબ મહત્વપૂર્ણ પરિબળ છે. વિવેચક જો તટસ્થ રહીને વિવેચન કરે તો તેનો પાવર અને પ્રભાવ બન્ને જોરદાર છે અને એ સન્માન તમારે તેને આપવું જોઈએ, પરંતુ વિવેચક જો પાણી વિનાનો અને નિષ્પક્ષ ન હોય તો તે પ્રવાહને ભટકાવવાનું દુષ્કર્મ પણ કરી શકે છે.

manoj joshi columnists