કોણ કોનું દુશ્મન છે એ જાણી લેશો તો તમારું જીવન પણ સરળ થઈ જશે

03 April, 2019 10:22 AM IST  |  | મનોજ નવનીત જોષી

કોણ કોનું દુશ્મન છે એ જાણી લેશો તો તમારું જીવન પણ સરળ થઈ જશે

ચાણક્ય

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

ચાણક્યએ ત્રણને એકબીજાના દુશ્મન ગણાવ્યા છે. આ જે દુશ્મની છે એ જાણવા અને સમજવા જેવી છે. સરળતા સાથે આ દુશ્મનીનું એક ઉદાહરણ આપી દઉં. ચોરનો દુશ્મન પ્રકાશ છે. જો પ્રકાશ હશે તો સ્વાભાવિક રીતે બનશે એવું કે ચોર પકડાઈ જવાની શક્યતા વધી જશે. જૂના જમાનામાં ચોરી મોટા ભાગે અમાસની રાતે થતી. આનું કારણ હતું કે એ સમયે લાઇટ હતી નહીં અને રાતના સમયે તો ફાનસ કે મશાલ પણ ઓલવી દેવામાં આવતાં કે જ્યોત એની નાની કરી દેવામાં આવતી. જેમ ચોરનો દુશ્મન પ્રકાશ છે એવી જ રીતે મૂરખનો દુશ્મન સમજણ ધરાવતી વ્યક્તિ છે. તમે મૂર્ખને ગમેતેટલો સમજાવો, ગમેતેટલો રોકો કે ટોકો; પણ તેનામાં સમજણ આવવાની નથી અને સમજણ આવવાની નથી એટલે મૂર્ખને એવું જ લાગતું રહેવાનું છે કે સમજણ ધરાવતી વ્યક્તિ બકવાસ કરે છે, વગર કારણનો ઘોંઘાટ કરે છે. જે મૂર્ખ હોય તેનાથી અંતર રાખવું અને તેને સમજણ આપવાનું કામ ક્યારેય કરવું નહીં. જો વારંવાર એક ને એક જ વાત સમજાવવી પડતી હોય તો એ સમજણ વ્યર્થ છે. આપણે ત્યાં એક ગુજરાતી કહેવત છે. તેજીને ટકોરો અને ગધેડાને ડફણું. તેજી નામની ઘોડીને આંગળીથી માત્ર ટકોરો આપવામાં આવે તો પણ એ માલિકનો આ ઇશારો સમજી જતી, પણ એની બાજુમાં બાંધવામાં આવેલા ગધેડાને કંઈ પડી જ નહોતી. માલિક બિચારો મારી-મારીને થાકી જતો, પણ ગધેડાને સમજણ આવતી નહીં અને એને કશું સમજાતું નહીં.

આવું જ વાસ્તવિક જીવનમાં પણ બનતું હોય છે. જેને સમજાવવાની જરૂર નથી હોતી એવા લોકોને સમજાવવામાં જ અડધા થઈ જઈએ અને એ પછી જાત પર ગુસ્સો કાઢવાનો વારો આવી જાય. યાદ રાખજો, મૂર્ખને બુદ્ધિશાળી બનાવવાની પ્રક્રિયામાં પડતા નહીં. બને, એ તમારો અંગત મિત્ર હોય તો તેના માટે આર્થિક રીતે ઘસાઈ લેજો, પણ તેના માટે માનસિક ઘસારો સહન કરીને જાતને દુ:ખી કરતા નહીં. વાત કરીએ હવે બીજા પ્રકારના દુશ્મનની.

આ પણ વાંચો : ચાણક્ય અને કૉર્પોરેટ ક્ષેત્ર : નીતિ સ્પષ્ટ હશે તો પરિણામ ક્લિયર આવશે

વાત-વાતમાં કાળજી લેવા માટે દોડી આવતા લોકો હકીકતમાં નવી ઊંચાઈઓ મેળવવા માગતા લોકોના દુશ્મન છે. જો તમારે આગળ વધવું હોય તો દોડવું પડશે અને જો તમારે દોડવું હોય તો તમારે એના માટે પડતાં શીખવું પડશે. હાથપગ ભાંગશે પણ ખરા અને પીડા પણ મળશે પણ એ પીડા મળે ત્યારે દોડીને કાળજી લેનારાઓ તમને નમાલા બનાવવાનું કામ કરે છે અને જો તમે નમાલા બનવા ન માગતા હો તો આવા કાળજી લેનારાઓથી દૂર રહેવાનું પસંદ કરજો. કાળજીની કોઈ આવશ્યકતા ક્યારેય હોતી નથી. ખોટી કાળજી લેનારાઓ પલાશનાં ફૂલ જેવા હોય છે. એ દેખાવે સારાં લાગે છે, પણ હકીકતમાં એ કોઈ જાતની ફોરમ આપતાં નથી. જો ફોરમ આપતાં શીખવું હોય તો દેખાવ છોડવો પડશે અને જો દેખાવ છોડવો હોય તો કાળજી લેનારાઓનો સાથ છોડવો પડશે. પડવાનું ત્યારે જ બનતું હોય છે જ્યારે એ પ્રક્રિયા નવી હોય છે, અજાણી હોય છે અને યાદ રાખવું, નવી પ્રક્રિયા જ તમને શીખવવાનું અને આગળ લઈ જવાનું કામ કરે છે.

manoj joshi columnists