કૉલમ : દુશ્મનને ઓળખો એના કરતાં મિત્રોને પહેલાં ઓળખી લો

16 April, 2019 11:14 AM IST  |  | મનોજ નવનીત જોષી

કૉલમ : દુશ્મનને ઓળખો એના કરતાં મિત્રોને પહેલાં ઓળખી લો

ચાણક્ય

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

વાત બિલકુલ સાચી છે, પણ આ સાચી વાતને સાવ જ કોરાણે મૂકી દેવામાં આવી છે. દુશ્મન અને હરીફને ઓળખવાની પ્રક્રિયા એ સ્તર પર વધી ગઈ છે કે આપણે તેમના પર નજર રાખીએ છીએ, પણ એ ભૂલી જઈએ છીએ કે તેનું કામ જ દુશ્મની કાઢવાનું છે. તેમનું કામ જ આપણને અટકાવવાનું છે. હકીકત તો એ પારખી લેવાની છે કે આપણે આગળ વધીએ એનાથી આપણી બાજુમાં ઊભેલા મિત્રને કેટલી પીડા થવાની છે કે એનાથી એ દોસ્તનું પ્લાનિંગ કેટલું બગડવાનું છે એ જોવાનું છે. દુશ્મન તો સામે જ ઊભો છે, પણ બાજુમાં ઊભેલા દોસ્તના હાથમાં ગુપ્તી હશે તો એ વધારે જોખમી પુરવાર થશે. મિત્રોને ઓળખી લો, ટીમને ઓળખી લો અને સાથે રહેનારા સહાધ્યાયીને ઓળખી લો. જો આગળ વધવું હોય તો પારકાને પારખવાને બદલે તમારા પોતાના કોણ છે અને કઈ હદ સુધી તેઓ તમારા છે એ પારખી લો. આ પારખવાનું કામ અઘરું હોઈ શકે, પણ અશક્ય બિલકુલ નથી.

હરીફ સાથે ભળેલો મિત્ર સૌથી વધારે ખરાબ છે, તેનું આ ખરાબ રૂપ એ સમયે વધારે ઘાતકી બને છે જ્યારે તેનો હરીફ સાથે ખાનગી વાતોનો દોર શરૂ થાય છે. હરીફ સાથે ભળેલા રહેતા કે પછી હરીફ સાથે પણ સંબંધો રાખતા મિત્રોથી અંતર રાખવું આવશ્યક છે. ચાણક્ય કહેતા કે જ્યારે પણ માણસ પોતાના સ્વાર્થને અનુકૂળ થવાનું શરૂ થઈ જાય ત્યારે એ માણસને બદલે મંડી (એટલે કે બજાર) વધારે બની જાય છે. મંડી સાથે વ્યવહાર રાખવો પડે, કોઈ શક નથી એ વાતમાં, પણ મંડી સાથે સંબંધો ન હોય, આત્મીયતા ન હોય. જો તમને એવું લાગતું હોય કે એ વ્યક્તિ તમારી આજુબાજુમાં અકબંધ રહે તો સંબંધોને વ્યવહારમાં ફેરવી નાખો. ખપપૂરતો સંબંધ રાખો અને આત્મીયતાને ઘટાડી નાખો. આજે આત્મીયતા પર કાબૂ નહીં લાવી શકો તો પરિસ્થિતિ એવી આવશે કે આવતી કાલે આત્મા પણ શરીરમાં ન રહે એ સ્તર પર એ પહોંચી જશે, ઊતરી જશે. જો એવું ન થવા દેવું હોય તો બહેતર છે આત્મીયતા ઘટાડો અને જો એવું પણ ન કરવું હોય તો દુશ્મનને બદલે પહેલાં મિત્રોને પારખી લો. મિત્રોની પરખ પણ જરૂરી હોય છે. આજના સમયમાં તો ખાસ જરૂરી છે. મિત્રતાના નિર્દોષ મુખવટા હેઠળ એ મિત્ર તમારી બદબોઈ કરતો હોય તો એવા સંબંધોને બારણે તોરણ બનાવીને ટીંગાડી રાખવાની કોઈ આવશ્યકતા નથી. સાચું છે કે સ્પષ્ટ થઈ જાય અને જલ્દી ખુલાસો થઈ જાય કે આ એક સંબંધોનો બોજ ઓછો ઉપાડવાનો છે. ચાણક્યના જ શબ્દો યાદ આવે છે...

આ પણ વાંચો : કોણ કોનું દુશ્મન છે એ જાણી લેશો તો તમારું જીવન પણ સરળ થઈ જશે

જેટલા સંબંધો ઓછા હશે એટલી બીજા સંબંધોમાં પ્રામાણિકતા વધારે રહેશે. સાચું જ છે અને એટલે જ્યારે પણ સંબંધો તૂટે ત્યારે બાકી રહેલા સંબંધો માટે ઉષ્મા વધી જતી હોય છે.

manoj joshi columnists