મુંબઈમાં બેસીને મેક્સિકોના મેયર કે મોરોક્કોના PMને સલાહ શું કામ આપવી?

16 August, 2019 10:27 AM IST  |  મુંબઈ ડેસ્ક | મનોજ નવનીત જોષી - મેરે દિલ મેં આજ ક્યા હૈ?

મુંબઈમાં બેસીને મેક્સિકોના મેયર કે મોરોક્કોના PMને સલાહ શું કામ આપવી?

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

હા, આજનો આ જ ટૉપિક છે અને આ ટૉપિક એટલા માટે છે કે એકાદ-બે છૂટક વાચકોને એવું લાગે છે કે ગુજરાતીઓને શું કામ કહેવામાં આવે છે. એક નાનકડી સ્પષ્ટતા કરવાની આજે. ગુજરાતીઓની ટીકા જરા કડક હાથે થાય તો એ જરૂરી છે અને એ કરવી જ જોઈએ. ગુજરાતીઓના ખાન-પાન વિશે લખાયું તો ઘણાંને એસિડિટી થઈ ગઈ અને કોઈ પણ તબક્કે મોત આવી જાય ત્યારે પાછળ પરિવાર કે પત્ની હેરાન ન થાય એવા હેતુથી દોઢેક મહિના પહેલાં લખાયેલી પાંચેક આર્ટિકલની સીરિઝ પછી પણ કેટલાકને એવું લાગ્યું. નાનકડી ચોખવટ, જો કડક હાથની ટીકા લાગતી હોય તો મારું કહેવું છે કે હા, એ થાય જ છે. સારું થયું, મારી મહેનત મને લેખે લાગી કે તમને કડક હાથની ખબર પડી.

મારા એક મિત્રના મોઢે વારંવાર એક વાક્ય આવતું હોય છે - સારું સાંભળવું કે સાચું સાંભળવું એ તમારા હાથમાં હોય છે. એક ગુજરાતી તરીકે ગુજરાતીઓની ક્વૉલિટીના મંજિરા વગાડવાનું કામ કરવા કરતાં ગુજરાતી તરીકે મારા ગુજરાતીઓને ટોકવા જેવી બાબતમાં ટોકવામાં આવે તો એમાં મને કશું ખોટું નથી લાગતું. તમને લાગુ ન પડતું હોય એનો અર્થ એવો નથી કે એ વાત અન્ય કોઈને પણ લાગુ નથી પડતી. પડે જ છે અને એ પડતી જ હોય છે. દુનિયા વિશાળ છે અને એ વિશાળ દુનિયાને જોયા પછી, એ વિશાળ દુનિયાનો અનુભવ લીધા પછી જ ગુજરાતીઓને કહેવા જેવું લાગે ત્યાં કહેવામાં આવ્યું હોય છે. ગુજરાતીઓને શું નિસ્બત? આવો સવાલ કરનારા વાચકોને મારે નમ્રતા સાથે એટલું જ કહેવાનું કે, ગુજરાતીઓને જ નિસ્બત છે અને એટલે અહીં કહેવામાં આવે છે. જો વાત પંજાબીઓને લાગુ પડતી હોય તો એ અહીં કહેવાનો કોઈ અર્થ પણ નથી સરવાનો. મુંબઈમાં બેસીને મેક્સિકોના મેયરને સલાહ આપવાનો આ સમય નથી. મુંબઈમાં બેસીને મોરોક્કોના પ્રાઇમ મિનિસ્ટરના કાર્યના વખાણ કરવાનો પણ કોઈ અર્થ સરતો નથી. એ બધું થતું, પણ દશકાઓ પહેલાં એ કાળ પૂરો થઈ ગયો.

આ પણ વાંચો : આ રીતે ગુજરાતીઓ ઉજવે છે રક્ષાબંધનનું પર્વ

છે, આજે પણ એ મુજબની સલાહ આપીને પોતાના કૉલર ટાઇટ કરનારાઓ છે, પણ હકીકત એ છે કે આજુબાજુમાં જોયા વિના હજારો માઇલ દૂર બેઠેલાને સૂફિયાણી સલાહ આપનારાઓએ સમજવું જોઈએ કે સફાઈનું કામ પાસેથી જ પહેલાં શરૂ થાય. ટ્રમ્પે શું કરવું અને પુતિન કેવા પગલાં ભરે તો એના રાષ્ટ્રમાં ફરક પડે એની વાત કરવાને બદલે મારા ગુજરાતીઓ શું કરે, મારી સોસાયટી કેવાં પગલાં ભરે અને હું એમાં કેવી રીતે સહયોગી બનું એ જોવું એ પહેલો ધર્મ છે. આંખો બંધ નહીં રાખો. ગુજરાતીઓ ક્યાંય બદનામ થતાં નથી, થવાના નથી. એની સારપ આજે પણ જગત આખામાં ફેલાયેલી છે. ગુજરાતી ક્યારેય પૉકેટમાર હોતો નથી એનું કારણ એની સારપ જ છે. ગુજરાતી ક્યાંય છેડતી કરતો નથી, એનું કારણ એનામાં રહેલા અને એને આપવામાં આવેલા સંસ્કારો જ છે. મહત્તમ ગુજરાતીઓએ ક્યારેય હાથ લાંબો નથી કરવો પડતો. એનું કારણ પણ ગુજરાતીઓની દીર્ઘદૃષ્ટિ જ છે. ગુજરાતીઓને આ વાતમાં સલાહની જરૂર નથી. ક્યાં ઓછપ છે અને કેવી ઓછપ છે એ જાણીને જો કોઈને દુઃખ થતું હોય તો માફી, પણ એક વાત યાદ રાખજો, અહીં વાત ટીકા કરવાની નહીં, ટીકાત્મક રીતે આંખો ખોલવાની છે એટલે વાતને એ રીતે અને એવા દૃષ્ટિકોણથી જ જોવી.

manoj joshi columnists