યુટ્યુબનો સદુપયોગ કેવી રીતે કરવો : શરૂ કરો સત્કારની વાતો અહીંથી

09 June, 2019 09:54 AM IST  |  | મનોજ નવનીત જોષી - મેરે દિલ મેં આજ ક્યા હૈ?

યુટ્યુબનો સદુપયોગ કેવી રીતે કરવો : શરૂ કરો સત્કારની વાતો અહીંથી

પ્રતીકાત્મક તસવીર

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

યુટ્યુબડૉટકૉમ આજે કોઈની માટે નવી નથી રહી. વિડિયોનું મક્કા-મદીના કે કાશી કહી શકો એવો ગંજાવર ખજાનો ત્યાં પડ્યો છે. વિડિયોના આ ખજાના વચ્ચે તમે તમારી પોતાની ચૅનલ બનાવીને કોઈ પણ જાતના ખર્ચ વિના એમાં તમારા ફેવરિટ કે પછી તમે બનાવેલા વિડિયો પણ અપલોડ કરી શકો છો, દુનિયાને એ દેખાડી પણ શકો છો. આ યુટ્યુબનો ઉપયોગ તમારા સુધી સીમિત રાખવાને બદલે, તમારા શોખ સુધી એને મર્યાદિત રાખવાને બદલે તમે ધારો તો એનો ખૂબ જ સરસ સદુપયોગ થઈ શકે છે અને આ દિશામાં કામ કરવાનું શરૂ કરવું જોઈએ.

જગત આખામાં જ્યારે નકારાત્મક વાતોનો ઢગલો છે ત્યારે સકારાત્મક વાતોના પ્રસાર અને પ્રચાર માટે આ પ્લૅટફૉર્મનો ઉપયોગ કરવો જોઈએ અને મજાની વાત એ પણ છે કે એનો આવો સરસ ઉપયોગ કરવા માટે તમારે કોઈ જાતનો ખર્ચ પણ કરવો નથી પડતો. તમારે તમારી વેબસાઇટ બનાવવી હોય તો એની માટે પણ તમારે ખર્ચ કરવો પડે છે અને તમારે તમારી મોબાઇલ-ઍપ બનાવવી હોય તો એની માટે પણ ખર્ચ કરવો પડે છે, પણ આ યુટ્યુબ માટે તમારે કોઈ જાતનો ખર્ચ નથી કરવો પડતો. આ હું કેવી રીતે અને કયા કારણે કહું છું એ પણ તમારે સમજી લેવાની જરૂર છે.

પહેલું તો એ કે યુટ્યુબ તમારી પાસેથી કોઈ ચાર્જ નથી લેતું અને બીજું એ કે હવે કોઈ મોબાઇલ એવા નથી રહ્યા કે જેમાં કૅમેરા ન હોય. કૅમેરા પણ છે અને પ્લૅટફૉર્મ પણ છે. જરૂર છે તો માત્ર દૃષ્ટિકોણની અને ઇચ્છાની. જરૂર છે તો માત્ર મહેનતની અને દૃષ્ટિની.

આ પણ વાંચો : ફિલ્મો સાઉથની, ફિલ્મો ગુજરાતની : સત્કારની ભાવના જો મનમાં હશે તો જ પ્રાદેશિક ભાષાનું મૂલ્ય રહેશે

આપણી આજુબાજુમાં અનેક કામો એવા ચાલી રહ્યાં છે જે કામોમાં સકારાત્મકતાનું પ્રમાણ ભારોભાર છે. જે કામો, જે વ્યક્તિઓ સતત તમને એવું પ્રદાન કરે છે કે આ દુનિયા હજી પણ જીવવા જેવી છે અને માણસાઈ હજી પણ અકબંધ છે, સલામત છે. નકારાત્મકતાના આ સમયમાં આવી સકારાત્મકતાને કોઈ જગ્યાએ પ્લૅટફૉર્મ આપવામાં નથી આવતું. કોઈની પાસે જઈને પ્રસિદ્ધિ મેળવવાની લાય તો એ લોકોમાં નથી. આમ એકને જરૂર નથી અને બીજાને જવું નથી એવી માનસિકતા વચ્ચે ખરેખર થઈ રહેલું સારું અને ઉમદા કાર્ય ક્યાંય પહોંચતું નથી જેને લીધે બને છે એવું કે સારપ માટે હતાશ થઈ ગયેલા સુધી આ વાત પહોંચતી નથી. યાદ રાખજો, આજના આ કળીયુગમાં સારપ જ સૌથી વધારે ફેલાવવાની છે અને સારપને જ પ્રદર્શિત કરવાની છે. કળીયુગમાં પાપાચાર જેટ ઝડપે પહોંચશે પણ સદાચારને અડચણો આવશે અને સદાચાર ખોંરભે ચડશે. જો ઇચ્છતા હો કે સદાચારનો વ્યાપ વધે, સારપની સૃષ્ટિ મોટી થાય અને માણસાઈ વધારે ને વધારે જાગૃત થાય તો આ કામ તમારે તમારી જવાબદારીએ ઉપાડી લેવું પડશે. આ કામ ઉપાડવું હોય તો બેસ્ટ પ્લૅટફૉર્મ યુટ્યુબ છે અને આજના સમયમાં બધા એવી ફરિયાદો કરે જ છે કે અમને વાંચવામાં ઓછી દિલચશ્પી છે તો બહેતર છે કે ભલે સારપ વિડિયોનું રૂપ લે અને એ સ્વરૂપે સૌ સુધી પહોંચે.

youtube manoj joshi columnists