દૂરનાને નજીક ને નજીકનાને દૂર ધકેલવાનું કામ કરે એનું નામ સોશ્યલ મીડિયા

14 March, 2019 10:23 AM IST  |  | મનોજ નવનીત જોષી

દૂરનાને નજીક ને નજીકનાને દૂર ધકેલવાનું કામ કરે એનું નામ સોશ્યલ મીડિયા

પ્રતીકાત્મક તસવીર

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

ઇન્ટરનેટ વૉર હવે નવી દિશામાં શરૂ થવાનું છે. હવે બ્રૉડબૅન્ડમાં જાતજાતના ને ભાતભાતના પ્લાન આવવાના શરૂ થશે અને નવા પ્લેયર્સ પણ એમાં ઉમેરાશે, પણ વધતા આ વ્યાપ વચ્ચે માનવીય લાગણી અને સંબંધોની સંવેદનામાં ઘટાડો થઈ રહ્યો છે એ કોઈ નોંધતું નથી. પહેલાંનો સમય અને અત્યારનો સમય સાવ બદલાઈ ગયો છે. પહેલાં અમુક સમય અંતરે મળીને લાગણીઓને રીચાર્જ કરવામાં આવતી હતી અને હવે મેસેજ કરીને પ્રેમ દેખાડી દેવામાં આવે છે. સંબંધોને તોડવાનું કામ ઇન્ટરનેટે પહેલાં અમેરિકામાં કર્યું અને એ પછી પશ્ચિમના એ બધા દેશોમાં કર્યું જે દેશોએ ઇન્ટરનેટને ગળે વળગાડ્યું. તમને જાણીને નવાઈ લાગશે, પણ ઇન્ટરનેટ વાપરવાનો આપણે ત્યાં જે ક્રેઝ છે એટલો ક્રેઝ દુનિયાના બીજા કોઈ વિકસિત દેશોમાં નથી. અમેરિકામાં પણ નહીં, જે અમેરિકા આજે આ પ્રકારની ટેક્નૉલૉજીની શોધમાં સૌથી આગળ છે એ જ અમેરિકા ઇન્ટરનેટના વપરાશમાં આપણા કરતાં તો દસમા ભાગે પણ નથી. માનવામાં ન આવતું હોય તો એક વખતે અમેરિકામાં રહેતા તમારા કોઈ પણ ફ્રેન્ડ્સ કે રિલેટિવ્સને મેસેજ કરીને જોઈ લેજો. તમારા ફાલતુ મેસેજનો તે કોઈ જવાબ નહીં આપે અને એવા મેસેજ મોકલતાં રહેવા માટે તે તમને પ્રોત્સાહન પણ નહીં આપે. ઊલટું તમે જો એની માત્રા વધારી દેશો તો કાં એ તમને સ્પષ્ટતા સાથે ના પાડી દેશે અને કાં તો એ તમારા મેસેજ જોવાનું જ બંધ કરી દેશે, મેસેજ ઓપન પણ નહીં કરે.

આ પણ વાંચો : ઇલેક્શન ઇન્ડિયાનું: લોકશાહીનું પર્વ આવે ત્યારે તમારી સૌથી પહેલી જવાબદારી કઈ બને છે?

સુવિધાનો લાભ લેવાનો હોય, સુવિધાનો અતિરેક નુકસાનકર્તા છે. આપણે ત્યાં એક ઉક્તિ વડિલો હંમેશાં બોલતાં. અમૃતનું ચાટણ હોય, એના ઘૂંટડા ન ભરવાના હોય. ઇન્ટરનેટ અમૃત છે પણ એનો અતિરેક નુકસાનકર્તા છે. એ નુકસાનકર્તા ઉપલબ્ધિને ક્યાં રોકવી અને કેવી રીતે રોકવી એનો વિચાર બીજું કોઈ નહીં કરી શકે, એ તમારે જ કરવાનો છે અને તમારે જ એનો ઉપાય શોધવાનો છે. જો તમારી પાસે આ સુવિધા છે તો એનો અર્થ એવો નથી કે એ તમે કોઈના મસ્તક પર ઝીંકમઝીંક કરો. ના, ક્યારેય નહીં. ઇન્ટરનેટ પહેલાં હતું એનાથી આજે સસ્તું છે, હજી વધારે સસ્તું થવાનું છે. તમે એનો ઉપયોગ કરો, તમે ધારણા પણ નહીં રાખી હોય એવી-એવી વાતોનો લાભ તમને મળશે; પણ સાથોસાથ એ પણ યાદ રાખો કે એ માહિતી મનમાં સંઘરી રાખવાથી પણ કંઈ વળવાનું નથી. એનો ઉપયોગ કરવાનો છે અને એ ઉપયોગને લોકો સુધી પહોંચાડવાનો છે. મેં અગાઉ કહ્યું હતું, આજે ફરીથી કહું છું કે ઇન્ટરનેટનો ઉપવાસ શરૂ કરશો તો તમારી અંદર ભરાયેલી એ તમામ શક્તિ, ક્ષમતા બહાર આવશે જે હવે અંદર અકાળે મરી રહી છે. જો ઇચ્છતા હો તમે કે તમારો વિકાસ થાય તો જ્ઞાન લઈને એ જ્ઞાનને વાસ્તવમાં અમલમાં મૂકવાનું શરૂ કરો. વાસ્તવમાં મુકાયેલું એ જ્ઞાન તમને વધારે સમૃદ્ધ બનાવશે અને સમૃદ્ધ બનવું એ જ માનવ ધર્મ છે.

manoj joshi columnists social networking site