ક્યારેય ભૂલતા નહીં, શહેરમાં જેટલાં વાહનો ઘટશે એટલી રાહત તમને જ થવાની છે

19 March, 2019 11:48 AM IST  |  | મનોજ નવનીત જોષી

ક્યારેય ભૂલતા નહીં, શહેરમાં જેટલાં વાહનો ઘટશે એટલી રાહત તમને જ થવાની છે

પ્રતીકાત્મક તસવીર

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

વાહન ઘટાડો. બસ આ જ નીતિ રાખો. તમને પૉલ્યુશનમાં પણ રાહત મળશે અને પૉલ્યુશનની સાથોસાથ ટ્રાફિકના નિયમો પણ આપોઆપ જળવાશે અને સચવાશે તથા હાલાકી પણ ઘટશે. આજે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવામાં જે સમય લાગે છે એના કરતાં વધારે સમય આપણે ટ્રાફિકમાં પસાર કરવો પડે છે, પણ શું કામ એવું કરવું પડે છે એનો જવાબ શોધશો તો તમને એ જવાબ રસ્તા પર જ દેખાશે. એંસી ટકા ગાડીમાં એક વ્યક્તિ ટ્રાવેલ કરતી હોય છે.

એક માટે વાહન લઈને નીકળતી વ્યક્તિઓએ ક્યાંક ને ક્યાંક સુધારો કરવાની જરૂર છે. કહેવાનો અર્થ એવો નથી કે તે લોકલમાં કે પછી બસમાં ટ્રાવેલ કરે, પણ તે કાં તો બીજી કંપનીઓને સાથે રાખે અને જો એવું ન કરી શકે તો ટૅક્સી કરવાનું રાખે. ટૅક્સી તો રસ્તા પર રહેવાની જ રહેવાની અને એ ખાલી ફરતી રહેશે તો પણ ટ્રાફિક થવાનો જ છે. ટ્રાફિક ન કરવો હોય તો એના માટેનો એક સરળ નિયમ છે. તમારા હિસ્સાની જગ્યા ખાલી રાખો. આ જો દરેક સમજવા માંડે તો સરળતા આવી જાય. દરેક સિવિક સેન્સમાં આ વાત લાગુ પડે છે. તમારા હિસ્સાનું કામ તમે કરી લો. સ્વચ્છતા માટે પણ આ જ વાત લાગુ પડે છે.

વાહનો ઓછાં બહાર આવશે તો એનો બીજો લાભ પૉલ્યુશનની દૃષ્ટિએ પણ મળવાનો જ છે. પૉલ્યુશન દૂર કરવાના બીજા રસ્તાઓ છે, પણ એ રસ્તાઓની સાથોસાથ પૉલ્યુશન ઓછું કરવાનો રસ્તો વાપરવો પણ ખૂબ જરૂરી છે. આજના સમયમાં તમે ભલે ‘ગો ગ્રીન’ની નારાબાજી સાથે ઝાડ ઉગાડવાના સંદેશાઓ આપ્યા કરો; પણ મિત્રો, જમીન નહીં હોય તો તમે ઝાડ ઉગાડશો ક્યાં અને હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડને કાપશો ક્યાં? બહેતર છે કે ઝાડના ઑપ્શનની સાથોસાથ ગંભીરતા સાથે વાહનોનો, પર્સનલ વેહિકલનો ઉપયોગ ઓછો કરો. આવશ્યકતા સમજવી પડશે અને એ આવશ્યકતાની સાથોસાથ તમારે એ પણ સમજવું પડશે કે આ પૉલ્યુશન નામનો રાક્ષસ ભલે આજે દેખાય નહીં, પણ એની વિકરાળતા દિવસે-દિવસે વધતી જાય છે. પૉલ્યુશનની સીધી અસર શરીર પર પડે છે અને આ જ અસરને લીધે હવે દિવસે-દિવસે બીમારીઓ વધી રહી છે.

આ પણ વાંચો : પૉલ્યુશન માટે જવાબદાર કોણ અને એ જવાબદારીમાંથી મુક્ત કેવી રીતે થવું?

પૉલ્યુશન એવી સમસ્યા છે કે એને ઘટાડશો તો પણ રાતોરાત એની અસર દેખાવાની નથી. એ માટે તમારે સજાગ થઈને પ્રયાસો કરવાના છે અને લાંબો સમય એ પ્રયાસો કરવાના છે. એ પછી કાયમ માટે એ પ્રયાસોને આદત, લાઇફસ્ટાઇલ બનાવવાના છે. પૉલ્યુશન ઘટશે તો જ મુંબઈ રહેવા યોગ્ય રહેશે. પૉલ્યુશનને નાથવા માટે આજે સાઇકલના ઑપ્શનનો પણ ઉપયોગ કરી શકાય છે. રશિયા અને યુરોપના અમુક દેશોમાં તમને રસ્તા પર સાઇકલ સૌથી વધારે જોવા મળશે અને એનું કારણ એ જ છે કે એ લોકોને પોતાનું વાતાવરણ અને એ વાતાવરણમાં રહેલી ખુશનુમા ખુશીઓને જાળવી રાખવી છે.

manoj joshi columnists