લોકશાહીનું પર્વ આવે ત્યારે તમારી સૌથી પહેલી જવાબદારી કઈ બને છે?

13 March, 2019 09:34 AM IST  |  | મનોજ નવનીત જોષી

લોકશાહીનું પર્વ આવે ત્યારે તમારી સૌથી પહેલી જવાબદારી કઈ બને છે?

પ્રતીકાત્મક તસવીર

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

ઇલેક્શન અનાઉન્સ થઈ ગયું છે અને તબક્કાઓ સહિત તારીખો પણ જાહેર કરી દેવામાં આવી છે. ઇલેક્શન આવે અને એમાં પણ ખાસ કરીને લોકશાહી દેશનું ઇલેક્શન આવે ત્યારે જવાબદારીઓ નાગરિકની વધી જતી હોય છે. આપણે ઇલેક્શન સુધીના આ તબક્કા દરમ્યાન નાગરિકની શું-શું જવાબદારી હોય છે એના વિશે વાતો કરતાં રહીશું, પણ બે દિવસ પહેલાં જાહેર થયેલી ઇલેક્શનની ડેટ્સ પછીની આપણી પહેલી જે જવાબદારી છે એ જવાબદારી કઈ છે એ આજે સમજવાનું છે.

પહેલી જવાબદારી જો કોઈ હોય તો એ છે કે તમારા વિસ્તારનું ઇલેક્શન જે દિવસે હોય એ દિવસે જો તમે ક્યાંય બહાર હો, બીજા કોઈ શહેરમાં હો તો પહેલું કામ તમારું એ છે કે વોટિંગના દિવસે તમે તમારા મતવિસ્તારમાં પહોંચી ગયા હોવા જોઈએ. જો શરીર માટે રક્ત જીવાદોરી છે તો લોકશાહી માટે મતદાન જીવાદોરી છે. જો શરીર માટે ઑક્સિજન જીવાદોરી હોય તો તમારા માટે વોટ આપવો એ જીવાદોરી છે. જો તમે ઇચ્છતા હો કે તમારી આ વાણી સ્વતંત્રતા અકબંધ રહે અને તમારી આ આઝાદી અકબંધ રહે તો તમારે બીજું કશું નથી કરવાનું, માત્ર મતદાન કરવાનું છે અને એની માટે તમારે મતદાનના દિવસે તમારું નામ જે મતવિસ્તારમાં હોય એ જગ્યાએ હાજર રહેવાનું છે. આજે હું એક વાત એકદમ તટસ્થ રીતે કહીશ. BJP ન ગમતી પાર્ટી હોય તો એને અટકાવવા માટે પણ તમારે આ કામ કરવાનું છે અને કૉન્ગ્રેસ ન ગમતી પાર્ટી હોય તો પણ તમારે આ કામ કરવાનું છે. પાર્ટી સામે વિરોધ હોય એના કરતાં પણ તમારા મનમાં તમારા મત વિસ્તારના કૅન્ડિડેટ સામે વધારે વિરોધ હોય તો એને રોકવા માટે પણ તમારે આ કામ કરવું પડે એમ છે. પછી ગાળો ભાંડવાથી કે ભવિષ્યમાં એની નુક્તેચીની કરવાનો કોઈ અર્થ સરતો નથી. જે સમયે અહિતને રોકવાની તક મળતી હોય એ સમયે પોતાના કામમાં વ્યસ્તતા રાખનારા માણસ જેટલો મૂર્ખ પશુ કોઈ નથી.

તમને લાગે કે ઇલેક્શનના વોટિંગના તબક્કાઓને તો હજી ઘણી વાર છે તો આટલી વહેલી વાત કરવાનો અર્થ શું છે? છે, અર્થ છે અને એ સમજાવવા પણ તૈયાર છું.

આ પણ વાંચો : ટીવી-ચૅનલો જાગો, આ વેબ-સિરીઝ કહે છે કે ઑડિયન્સ બદલાઈ રહ્યું છે

માન્યું કે તમે અતિશય કામમાં બિઝી છો અને તમે તમારું કામ છોડી શકો એમ નથી તો તમે અત્યારથી જ ફ્લાઇટનું બુકિંગ કરાવી શકો છો. બુકિંગ વહેલું કરાવશો તો તમને ટિકિટ સસ્તામાં મળશે અને તમે ફટાફટ તમારા મતવિસ્તાર પહોંચીને પરત આવવાનું કામ પણ કરી શકશો. જો તમને મનમાં એમ હોય કે એવો પૈસો થોડો વેડફવાનો હોય તો મારે તમને કહેવું છે કે તમારા ટૅક્સના લાખો રૂપિયા કોઈ ખોટી વ્યક્તિ સત્તા પર આવીને વેડફી નાખે એના કરતાં તો સારું જ છે કે તમે અત્યારે થોડા હજારો ખર્ચીને તમારી એ રકમને અત્યારથી જ સલામત પાર્ટી, સલામત વ્યક્તિના હાથમાં મૂકો. જરૂરી છે થોડી સમજદારીની અને યાદ રાખજો, લોકશાહી હંમેશાં સમજદારના હાથમાં જ શોભે.

manoj joshi columnists