એક એસી, એક વૃક્ષ: જો પૃથ્વીનું જતન કરવું હોય તો આ નિયમ બનાવવાની જરૂર છે

19 April, 2019 10:22 AM IST  |  | મનોજ નવનીત જોષી

એક એસી, એક વૃક્ષ: જો પૃથ્વીનું જતન કરવું હોય તો આ નિયમ બનાવવાની જરૂર છે

એક એસી, એક વૃક્ષ

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

એક એસી, એક વૃક્ષ. એક ફૅક્ટરી, એક હજાર વૃક્ષ.

જો પૃથ્વી જાળવવી હોય, જો પૃથ્વીનું જતન કરવું હોય તો આવો નિયમ બનાવવાની જરૂર છે અને નિયમ માત્ર બનાવવાનો નથી, એને પાળવામાં આવે એ જોતા રહેવું પણ જરૂરી છે. આપણે પૃથ્વીને બોડી બામણીનું ખેતર બનાવી દીધું છે. મન પડે એમ એને ખતમ કરી રહ્યા છીએ, ઇચ્છા પડે એમ એના પર ત્રાસ કરીએ છીએ અને એ ત્રાસની હવે ચરમસીમા આવી ગઈ છે. જો તમે ઇચ્છતા હો કે તમારા પછીની પેઢીને રહેવા લાયક પૃથ્વી મળે તો તમારે આ કામ કરવાની આવશ્યકતા છે. તમારે જરૂર છે એટલું કરવાની કે જેટલી તમારી પોતાની અંગત સુવિધા વધારો એટલું પૃથ્વીનું જતન વધારે કરો. એક ઍર કન્ડિશન (એસી-AC) ઘરમાં ફીટ કરવામાં આવે એટલે એની સાથે એક વૃક્ષનું વાવેતર થઈ જવું જોઈએ. આ નિયમ જ રહે. તમારા ઘરમાંથી નીકળેલી ગરમી પૃથ્વી પર છોડવાની આ પૅનલ્ટી છે અને તમારે એ પૅનલ્ટી ચૂકવવાની છે. જો તમે ફૅક્ટરી કરતાં હો તો જેટલું પૉલ્યુશન તમે પૃથ્વીનંમ વધારો એટલાં વૃક્ષો તમારે ફરજિયાત વાવવાનાં. આવો નિયમ છે ખરો, પણ આ નિયમનું પાલન યોગ્ય રીતે નથી થતું. બીજું કે આ વૃક્ષો તમે તમારા ફૅક્ટરી કૅમ્પસમાં જ વાવો એવું નહીં કરવાનું. એ તો વાવવાનાં જ, પણ એ ઉપરાંત એટલી જ સંખ્યાનાં વૃક્ષો તમારે તમારા ગામ, શહેરમાં પણ વાવવાનાં અને એનું જતન કરી, એને મોટા કરવાનાં.

પૃથ્વી રહેવા લાયક બનાવવાની છે. કુદરતે જે પૃથ્વી તમને આપી હતી એ પૃથ્વી રહેવા યોગ્ય હતી અને એટલે જ આપણે લાખો વર્ષથી આ પૃથ્વી પર જીવી રહ્યા છીએ. લાખો વર્ષનું આયુષ્ય હજી પણ કન્ટિન્યુ રહે અને લોકો આ પૃથ્વી પર ક્ષેમકુશળ રીતે જીવી શકે એવું કરવું હોય તો હવે પૃથ્વીને તમારે આપવાનું છે અને એ આપતાં-આપતાં તમારે એનું જતન કરવાનું છે. જો તમે બૅન્કનો EMI ભૂલતા કે ચૂકતા ન હો, જો તમે કારમાં પેટ્રોલ પુરાવવાનું ભૂલતા ન હો તો તમારાથી કેવી રીતે પૃથ્વીનું જતન ભુલાઈ શકે. આપણે સૌએ આ એક કામ કરવાનું છે અને એ માટે સરકારે આપણને ફરજ પાડવાની છે.

આ પણ વાંચો : ૩૩ ટકા મહિલાઓને : કહો જોઈએ, કોણે આ નિયમનું પાલન ચુસ્તપણે કર્યું છે?

રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જો સાથે મળીને આ કામ કરશે તો એનો લાભ ચોક્કસ રીતે આપણા આખા દેશને મળશે. મેં અનેક ગામડાંઓ એવાં જોયાં છે જે ગામડાંમાં આજે પણ તમારે વૃક્ષ કાપતાં પહેલાં શોકસભા રાખવી પડે છે અને ખરખરો કરવો પડે છે. વૃક્ષ કાપ્યા પહેલાં બીજું એક ઝાડ ઉગાડી દેવું પડે છે અને એ ઝાડ માટે તમારે જ મહેનત કરવાની રહે છે. આપણા જ દેશનાં ગામડાંઓમાં આવો નિયમ છે. મને કહેવું છે કે જો તમને એવું લાગતું હોય કે પૃથ્વીએ તમને પુષ્કળ આપ્યું છે તો હવે બસ, તમારે માત્ર આટલી સંભાળ રાખવાની છે કે તમારી સુવિધા વધે એટલે તમારે પૃથ્વીને એને જોઈએ છે એ ઝાડ આપવાનું. તકલીફોનાં ઝાડવાં વધે એના કરતાં મહેનત કરીને ઉગાડેલાં ઝાડવાંઓ વધારે સારાં.

manoj joshi columnists