કૉલમ : ટીવી-ચૅનલની દુનિયાની અવસાન નોંધ બહુ ઝડપથી વાંચવા મળવાની છે તમને

23 April, 2019 10:46 AM IST  |  | મનોજ નવનીત જોષી

કૉલમ : ટીવી-ચૅનલની દુનિયાની અવસાન નોંધ બહુ ઝડપથી વાંચવા મળવાની છે તમને

પ્રતીકાત્મક તસવીર

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

હા, બહુ ઝડપથી એટલે એટલી ઝડપથી કે આવતાં દોઢ-બે વર્ષમાં કદાચ ચૅનલો સીધી દોર થઈ ગઈ હોય એવું બની શકે. આજે પણ ઇન્ટલેકચ્યુઅલ કહેવાય એવો વર્ગ તો ટીવીથી જ નહીં, ફિલ્મોથી પણ કપાઈ ગયો છે. ફિલ્મો માટે થિયેટરમાં જવાનું તેણે બંધ જ કરી દીધું છે અને ફિલ્મોમાં હવે તેને રસ પણ નથી રહ્યો. વેબવર્લ્ડ હવે ઑક્ટોપસની જેમ બધી બાજુએથી ભીંસ લેવા પર આવી ગયું છે. ઇન્ટરનેટ તમારા જીવનમાં આવ્યું ત્યારે તમને એની ખબર પણ નહોતી, પરંતુ હવે આ જ ઇન્ટરનેટે તમને ચારેબાજુથી ઘેરી લીધા છે. સાલ્લુ ઍર-કન્ડિશન ચાલુ કરવામાં પણ તમને ઇન્ટરનેટ હવે ઉપયોગી બનવા માડ્યું છે. વિડિયો-કૉલ તો એ લેવલ પર થતા જોયા છે કે વાઇફ ઘરેથી ફોન કરીને હસબન્ડને ફરિયાદ કરે છે અને દીકરાનાં તોફાનો દેખાડે છે. જોકે આ એક જુદી ફરિયાદ છે એટલે આપણે એના પર અત્યારે ફોકસ નથી કરવું.

આજે વાત કરવાની છે વેબવર્લ્ડની, જે દુનિયાએ ટીવીનો મૃત્યઘંટ વગાડવો શરૂ કરી દીધો છે. વેબસિરીઝની દુનિયા સાથે જોડાવાની સાથે જ હવે કન્ટેન્ટ બાપ બનવાનું શરૂ થવા માંડ્યું છે. આપણે ત્યાં ટીવી-શૉપ આ રીતે સદીઓ સુધી ચાલતી રહે છે. પિમના દેશોમાં એવું નથી થતું. પિમમાં વાર્તા જ્યાં પૂરી થઈ ત્યાં સિરિયલ પૂરી થઈ અને કોઈને એ ચલાવવામાં કે ખેંચવામાં રસ નથી અને બિલકુલ રસ નથી. ત્યાં એકતા કપૂરો છે જ નહીં, ત્યાં રશ્મિ શર્માઓ છે જ નહીં. ત્યાં વાર્તા અને વાર્તાનો ઢાંચો જ હીરો છે. આ હીરોને પ્રામાણિક રહેવાનું અને આ હીરોને તમારે વાજબી રીતે ફૉલો કરવાનો. વેબવર્લ્ડના કારણે આ વાત હવે આપણે ત્યાં સમજાવી શરૂ થઈ ગઈ છે. તમે જુઓ, આપણે ત્યાં પણ હવે, આપણે ત્યાં આઠથી દસ અને વધીને બાર ઍપિસોડમાં વેબસિરીઝ પૂરી થવા માંડી છે. વાત થઈ પૂરી. બે દિવસ આપી દીધા, મજા લઈ લીધી અને પછી ચર્ચા થઈ ગઈ પૂરી. કોઈએ વધારે ચોંટેલા રહેવાનું નથી અને કોઈએ વધુ એમાં પોરવાયેલા રહેવાનું નથી.

આ પણ વાંચો : સાઠ મિનિટ શું કામ તમારે તમારા મોબાઇલ-સોશ્યલ મીડિયાથી દૂર રહેવું જોઈએ

ટીવીને આપણા પ્રોડ્યુસરોએ જીવનનો એક ભાગ બનાવી દીધું હતું જે ખોટું હતું. ટીવી જીવનશૈલી બન્યું એમાં જ આપણી ઘોર ખોદાવી શરૂ થઈ. સૉરી સાહેબ, ટીવીના કારણે જ આજે રોજીરોટી ચાલે છે, પણ ખોટું બોલવું ગમતું નથી અને એટલે ખોટું કહી પણ નથી રહ્યો. માથાના દુખાવાની જેમ ટીવીનું હૅમરિંગ વધ્યું હતું, પણ હવે એનો ફુગ્ગો ફૂટવા પર છે. કોઈ પણ ઘડીએ, ગમે એ સમયે તમને એની મૃત્યુ નોંધ વાંચવા મળવાની છે. આ બાળક એક જ અવસ્થામાં બચી શકે છે, પોતાનું લોહી બદલે. લોહી બદલે અને સ્વીકારે કે વાર્તા જ હીરો છે અને વાર્તાને જ હીરો માનીને ચાલવાનું છે. અદ્ભુત સાહિત્ય આપણી પાસે છે અને એ સાહિત્ય ટીવી પર આવે એવું ભારતીયો ઇચ્છે પણ છે, પરંતુ તકલીફ એક જ છે કે વાર્તા નહીં, આપણે ત્યાં પ્રોડ્યુસરનું ચાલે છે અને પ્રોડ્યુસર જ્યાં સુધી ટીવી-ચૅનલ પર હાવી રહેશે ત્યાં સુધી ઇન્ડિયન ટીવી પર નાગિનોની બીન વાગતી રહેશે. જોકે વધારે ગભરાવાની જરૂર નથી, હવે એ બીન વાગતી અટકવાની છે. બહુ ઝડપથી અટકવાની છે.

manoj joshi columnists television news