નક્કી કરો કે કરવું છે શું?: પ્રારંભ અને અનુભવ કે પછી અનુભવ અને પ્રારંભ?

26 February, 2019 12:13 PM IST  | 

નક્કી કરો કે કરવું છે શું?: પ્રારંભ અને અનુભવ કે પછી અનુભવ અને પ્રારંભ?

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

ચાણક્યની જ આ વાત છે અને ગઈ કાલે કહ્યું એમ એવું માનવાની જરાય જરૂર નથી કે ચાણક્ય માત્ર રાજનૈતિક સલાહકાર હતા. તેમની એકેએક વાતને જીવનના દરેક પાસા સાથે જોડીને, સાંકળીને સમજી શકાય છે અને એના દ્વારા જીવનમાં આકાર આપી શકાય છે. ચંદ્રગુપ્ત મૌર્ય માટે સેના તૈયાર કર્યા પછી પણ ચાણક્યએ હુમલો કરવાની કોઈ ઉતાવળ નહોતી કરી, પણ તેણે એક નીતિ અપનાવી અને પોતાની સ્ટ્રૅટેજી કેવી કામગીરી આપે છે એ જોવાનું કામ શરૂ કર્યું. ચાણક્યએ આ જે નીતિ આપી છે એ નીતિ આજના કૉર્પોરેટ ક્ષેત્રમાં જે ગળાકાપ હરીફાઈ છે એમાં પણ એટલી જ પ્રસ્તુત છે. ચાણક્યએ ‘પ્રારંભ અને અનુભવ’ને બદલે ‘અનુભવ અને પ્રારંભ’ની નીતિ અપનાવી જે નીતિથી તેમણે એ સાબિત કર્યું કે અનુભવ પછી જ પ્રારંભ થવો જોઈએ. આજે એનો ઉપયોગ બહુ ખોટી રીતે અંગત લાઇફમાં થઈ રહ્યો છે, પણ એનો ઉપયોગ અંગત જીવનને બદલે પ્રોફેશનલ અને માર્કેટિંગમાં થવો જોઈએ. આ ક્ષેત્ર સાથે જે કોઈ સંકળાયેલા હશે તેમના માટે આ વાત ખૂબ જ ઉપયોગી છે.

બે પ્રકારની શરૂઆત હોઈ શકે છે. પહેલી શરૂઆત એ છે કે તમે બધી તૈયારી કરી લો અને એ તૈયારી કરીને એકસાથે ધૂમધડાકાભેર આરંભ કરો. બીજો પ્રકાર એ છે કે તમે ધૂમધડાકાભેર શરૂઆત કરવાને બદલે, બધું ધરમૂળથી બદલાવ્યા વિના ધીમે-ધીમે શરૂઆત કરો, શરૂઆત દરમ્યાન આવી રહેલાં તમામ પ્રકારનાં ઍક્શન-રીઍક્શનને જુઓ અને એ જોઈને નક્કી કરો કે હવે કોઈ ફેરફારને આવશ્યકતા છે કે નહીં.

ચાણક્યએ આ બીજી રણનીતિ અપનાવી હતી. પહેલી રણનીતિ તો તેઓ અગાઉ અપનાવી ચૂક્યા હતા. સેના ભેગી કરીને પાટલીપુત્ર પર હુમલો કરીને તેમણે એ અનુભવ લઈ લીધો હતો કે સીધા પ્રારંભથી શું હાલત થાય અને કેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. બપોર સુધીમાં જ હાર જોવી પડી હતી એ સમયે ચાણક્યએ અને એટલે જ આ વખતે તેમણે એ દિશામાં જવાને બદલે નાના-નાના પ્રારંભ સાથે અનુભવ લેવાનું નક્કી કરી લીધું હતું.

આ પણ વાંચો : કથા ચાણક્યનીતિની : જો સમાજને સુખમય બનાવવો હોય તો આ જવાબદારી કોઈએ લેવી જોઈએ

આજે કોઈ પણ પ્રોડક્ટ તૈયાર કરીને સીધી જ માર્કેટમાં લૉન્ચ કર્યા પછી એમાં જરૂરી ફેરફારો કરવા જવું એ મૂર્ખામી છે. અક્કલનું કામ ત્યારે કહેવાય જ્યારે એ પ્રોડક્ટ તૈયાર થઈ રહી હોય અને એ જ દરમ્યાન લાગતા-વળગતાઓ પાસેથી તેમનો અભિપ્રાય પણ જાણી લેવામાં આવતો હોય. જો આવું કરવામાં ન આવે તો લૉન્ચ પછી નાક વઢાઈ જાય અને આબરૂના કાંકરા થઈ જાય. ચાણક્યની એક વાત હંમેશાં યાદ રાખવા જેવી છે. ચાણક્ય કહેતા કે અનુભવે શીખવા કરતાં પણ અનુભવી પાસેથી શીખવા મળે તો એનાથી ઉત્તમ બીજું કશું નથી. ચાણક્યની આ જ વાતને આવતી કાલે આગળ વધારીશું. જોકે એ ક્યારેય ભૂલતા નહીં કે ચાણક્યના એકેએક શબ્દમાં જીવનદર્શન અને જીવનજ્ઞાન છે. હા, જો એ લેતાં આવડે તો અને એ લઈ શકવાની ક્ષમતા હોય તો જ.

manoj joshi columnists