સફળતાને લાયક બનવું હોય તો પ્રત્યેક હારમાંથી શીખવાની ક્ષમતા કેળવવી પડે

12 February, 2019 10:58 AM IST  |  | મનોજ નવનીત જોષી

સફળતાને લાયક બનવું હોય તો પ્રત્યેક હારમાંથી શીખવાની ક્ષમતા કેળવવી પડે

ચાણક્ય

મેરે દિલ મેં આજ ક્યા હૈ?

મગધની રાજધાની પાટલીપુત્ર પર હુમલો કરીને બપોર સુધીમાં તો નેસ્તનાબૂદ થઈ જનારી ચંદ્રગુપ્ત મૌર્યની સેનાને નવેસરથી ઊભી કરવાનું કામ ચાણક્યએ કર્યું અને એક તબક્કો એવો આવી ગયો કે ચાણક્યએ ઊભી કરેલી ચંદ્રગુપ્તની સેનામાં આઠ લાખ સૈનિકો હતા. અગેઇન, આઇ રિપીટ, આઠ લાખ સૈનિકો. આ આઠ લાખ સૈનિકોને આપવા માટે ચાણક્ય પાસે ધન નહોતું, સોનામહોરો નહોતી અને એ પછી પણ આઠ લાખ સૈનિકો એવા તૈયાર થયા હતા જે ચાણક્ય અને ચંદ્રગુપ્ત માટે જીવ ન્યોછાવર કરવા પણ તૈયાર હતા. આ આઠ લાખ સૈનિકો એકત્રિત થયા હતા માત્ર ને માત્ર ચાણક્યની મન, આત્મા અને બુદ્ધિ જીતવાની નીતિ પર.

સૌકોઈને દેખાતું હતું કે જે માણસ આખી સેના ઊભી કરે છે તેને પોતાને તો સત્તા સાથે કંઈ લાગતુંવળગતું નથી. તે જ્યારે સત્તા સોંપવાની વાત કરે છે ત્યારે સામે એક છોકરાને ઊભો રાખી દે છે જે ચંદ્રગુપ્ત મૌર્ય છે. જો તેનામાં આ સ્તર પર સમર્પણભાવ હોય તો કેવી રીતે આપણે સ્વાર્થભાવ રાખી શકીએ. ચંદ્રગુપ્ત મૌર્યએ અખંડ હિન્દુસ્તાનનું ચાણક્યનું સપનું સાકાર કર્યું. યાદ રાખજો કે સપનું જોવાનું હોય, પણ એ સપનું જોયા પછી એને સાકાર કરવાની મહેનત પર લાગી જવાનું હોય. જો મહેનત કરવાની ક્ષમતા હોય તો જ સપનું જોવાની તૈયારી રાખવી જોઈએ. અન્યથા એવી પરિસ્થિતિ આવી જાય કે સપનું તમે જુઓ અને એના પર હક કોઈ અન્ય જમાવી દે અને તમારા પક્ષે નિરાશા સિવાય કશું રહે નહીં.

અહીં તો સપનું પણ ચાણક્યએ જોયું હતું, એને સાકાર કરવાની તૈયારી પણ તેમણે જ રાખી હતી અને સાકાર કરવા માટે દોડવાની તૈયારી પણ તેમણે જ કરી હતી. ચંદ્રગુપ્ત મૌર્યએ તો એ દિશામાં આગળ વધવાનું હતું. ગુરુ તમને તૈયાર કરી શકે, તમારું ઘડતર કરી શકે; પણ એ થયા પછી મેદાનમાં ઊતરવાનું કામ તો તમારે જ કરવું પડે. ચંદ્રગુપ્તમાં એ ક્ષમતા હતી અને એ ક્ષમતા હતી એટલે જ ચાણક્યએ તેમને પસંદ કર્યા હતા. આઠ લાખ સૈનિકોની સેના પણ તેના હાથમાં મૂકી હતી. જો આ કામ ચંદ્રગુપ્ત ન કરી શક્યો હોત તો આઠ લાખ સૈનિકોની બદદુઆ તેને લાગવાની હતી અને એના વિશે પણ ચાણક્ય જાગરૂક હતા. ચાણક્યએ કહ્યું હતું, ‘જ્યારે વાત વ્યક્તિની આવે ત્યારે ચરિત્ર સૌથી પહેલાં ક્રમ પર રાખજો. જે ચરિત્રની બાબતમાં હીન હોય તેની સાથે ક્યારેય કોઈ સપનાં જોતા નહીં.’

આ પણ વાંચો : શબ્દોનું મહત્વ અકબંધ રહેશે તો જ તમે અહોભાવનું સ્થાન અકબંધ રાખી શકશો

આ એ સમયની વાતો છે જે સમયે રાજા-મહારાજાઓ મુજરા અને તવાયફો વચ્ચે મસ્ત રહેતા. ધર્મપત્નીના નામે રાણીઓનો એક આખો કાફલો હતો અને દિવસ આખો એ રાણીમહેલમાં જ પસાર થતો. રાણીમહેલના દિવસનો અંત આવતો ત્યારે તે રાજા તવાયફો પાસે પહોંચી જતો. ઐયાશીના આ સમયમાં ચાણક્યએ ચંદ્રગુપ્તને પસંદ કર્યો હતો અને તેની એ પસંદગી એકદમ ઉચિત હતી.

manoj joshi columnists