વૉટ્સઍપ પુરાણ: આ ગ્રુપ અને બ્રૉડકાસ્ટના ત્રાસથી બચાવવા માટેનો કોઈ ઉપાય

05 May, 2019 12:29 PM IST  |  મુંબઈ | મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી

વૉટ્સઍપ પુરાણ: આ ગ્રુપ અને બ્રૉડકાસ્ટના ત્રાસથી બચાવવા માટેનો કોઈ ઉપાય

વૉટ્સઍપ

એક બાજુએ વૉટ્સઍપ પર પ્રેમ ઊભરાવતા લોકો અને બીજી બાજુએ વૉટ્સઍપ પર બનતાં ગ્રુપ અને બ્રૉડકાસ્ટનો ત્રાસ. આ ત્રાસ ખરેખર નકારાત્મકતાની ભાવના સાથે સોેને પે સુહાગા જેવો છે. અકલ્પનીય અને બેહદ ત્રાસદી ફેલાવનારો છે. કોઈને પણ ગ્રુપમાં દાખલ કરતાં પહેલાં કે પછી એમાં ઍડ્ કરતાં પહેલાં ઍટ લીસ્ટ એક વખત જો તેને પૂછી લેવાનો શિષ્ટાચાર દેખાડવામાં આવે તો એ પણ રાહત આપનારો રહેશે. એક ભાઈ દરરોજ બ્રૉડકાસ્ટ પર ફાફડા અને જલેબી મોકલતાં, પચ્ચીસ વખત મેં તેને કહ્યું, પણ તે માને જ નહીં કે મને પણ એનો મેસેજ આવે છે. એક દિવસ સવારમાં ફોન કરીને કહે કે ભૂલથી બ્રૉડકાસ્ટમાં મુકાઈ ગયા હતા.

આવી ભૂલો કોઈની શાંતિના ભોગે શું કામ હોય ભાઈ અને એ પછી પણ ધારો કે તમને આવી ભૂલની મજા આવતી હોય તો એની સજા હું કે પછી મારા જેવો શું કામ ભોગવે? મારો મોબાઇલ, મારું વૉટ્સઍપ અને મારી દુનિયા છે. એમાં તમારે આવતાં પહેલાં એક વાર પરમિશન તો લેવી જોઈએ કે નહીં. માન્યું કે વૉટ્સઍપ આ પ્રકારના લોકોથી બચવા માટે અનેક પ્રકારની સુવિધા આપે છે પણ મારે એ સુવિધા વાપર્યા વિના શાંતિ જોઈતી હોય તો શું મને એ ન મળી શકે, મને એ ન મળવી જોઈએ? જુઓ, હું હજી પણ કહું છું કે બ્લૉક કે પછી બ્લૅક લિસ્ટ કરવાની જે પ્રોસેસ છે એ આપણા લોકો માટે નથી હોતી, એ અજાણ્યા નોટોરિયસ લોકો માટે હોય છે પણ આજે એવી પરિસ્થિતિ આવી ગઈ છે કે તમારે તમારા જાણીતા-ઓળખીતાને જ બ્લૅક લિસ્ટ કરવા પડે કે પછી તેને બ્લૉક કરવા પડે. વૉટ્સઍપ અનિવાર્ય છે, એના વિના ચાલવાનું નથી અને એને લીધે કામ પણ સ્મૂધ થયું છે એ બધું સાચું, પણ એનો વપરાશ કાં તો તમે તમારા પૂરતો મર્યાદિત રાખો અને કાં તો એનો ઉપયોગ સંયમ સાથે કરો એ જરૂરી છે. આજે બૉલીવુડમાં એક શિરસ્તો થઈ ગયો છે કે મોટા ભાગના લોકો એકબીજાને ટેક્સ્ટ મેસેજથી જ વાત કરે છે. વૉટ્સઍપને હવે સામેવાળાનું પર્સનલ ચેટબૉક્સ ગણવામાં આવે છે. જો એ વ્યક્તિ ઇચ્છે અને પરમિશન આપે તો અને તો જ એ ચેટબૉક્સ પર જઈને વાતો કરવાની, અન્યથા કામના મેસેજ કરી દો અને કામની વાત ટેક્સ્ટ મેસેજમાં પતાવીને નીકળી જાવ.

આ સંયમ છે અને આવો સંયમ સૌકોઈએ સમજવાની જરૂર છે. અજાણ્યા માટે કે વધારે પડતા લાગણીશીલ ફૅન્સ માટે હું તૈયાર છું કે તે ન સમજે, પણ તમારા પોતાના લોકો પણ આ વાત ન સમજે એ ગેરવાજબી છે. હું ફૅમિલી મેમ્બર્સની વાત નથી કરતો, હું તો ક્યાંય પારિવારિક સભ્યોની ચર્ચા પણ નથી કરતો પણ હું વાત કરું છું તમારા સર્કલના લોકોની જે દરરોજ તમને મળે છે, તમે જેમની સાથે દરરોજ કામ કરો છો અને એ પછી પણ દરરોજ સવારના જાગીને તેને તમને ગુડમૉર્નિંગ કહેવા માટે ગુલાબનાં ફૂલો મોકલવાં છે અને કુદરતી દૃશ્યોનો ઢગલો કરવો છે. ગુજરાતી નાટકના એક પ્રોડ્યુસર છે જે દરરોજ સવારે ત્રણ ઇમેજ ફૂલોની મોકલે અને પછી પૂછે પણ ખરા, કેવા લાગ્યા ફોટો? શું જવાબ આપવાનો તેમને, શું કહેવાનું તેમને અને કોની પાસે જઈને છાજિયા લેવાના તેમની આ હરકતોથી ત્રાસીને?

આ પણ વાંચો : એવેન્જર્સ એન્ડગેમ : ઉતારો જીવનમાં એક નવો અધ્યાય

છે કોઈ પાસે જવાબ, છે કોઈ પાસે આમાંથી છૂટવાની રીત?

manoj joshi columnists