સંકટના સમયે રાજકારણીઓ સમજે કે એનું રાજકારણ તેમને જ ખુલ્લા પાડે છે

09 May, 2020 07:26 PM IST  |  Mumbai Desk | Manoj Joshi

સંકટના સમયે રાજકારણીઓ સમજે કે એનું રાજકારણ તેમને જ ખુલ્લા પાડે છે

પ્રતીકાત્મક તસવીર

વાત કોઈની પણ હોય, અહીં વ્યક્તિગત આક્ષેપની કે પછી અંગત રાગદ્વેષની આવતી નથી. પાર્ટીના વૈ‌ચારિક ભેદની પણ વાત નથી આવતી કે પછી નથી આવતી વાત વિચારધારામાં રહેલા વૈમસ્યની. વાત છે એ મહામારીની અને મહામારીના સમયે રાજકારણ રમવું ગેરવાજબી અને અનૈતિક છે. કોરોના મહામારીને હજી પણ અનેક લોકો સમજી નથી શક્યા. હજી પણ કોરોનાને રમતવાત ગણીને ચાલનારાઓનો આ દેશમાં તૂટો નથી, પણ એટલું સમજજો તમે, જો કોરોનાને ઓળખી ન શક્યા હો તો એક વખત, માત્ર એક વખત તમારી સોસાયટીની ટેરેસ પર જઈને એક વખત તમારા આ શહેરને જોઈ લેજો. માત્ર એક વખત, જોશો તો તમને દેખાશે આ શહેરના શાંત થઈ ગયેલા રસ્તાઓ. બહાર નજર કરશો તો તમને પક્ષીનો કલરવ સંભળાશે અને ચકલીઓ પણ જોવા મળશે. એ ચકલી જે બિલકુલ જોવા નહોતી મળતી. કહેવાનો ભાવાર્થ એ છે કે આ કોરોનાની કમાલ છે.

આ કમાલની કોઈએ કલ્પના સુધ્ધાં નહોતી કરી અને કરી શકે એમ પણ નહોતા. તમે વિચારી શકતા હતા કે લોકલ ટ્રેન બંધ થઈ જશે? વિચારી પણ નહોતી શકાતી આ વાતને. મુંબઈએ મહાખતરનાક મૉન્સૂન પણ જોયું છે અને એ પછી પણ લોકલ ક્યારેય અટકી નથી. ઇવન, મુંબઈ નગરી પણ ક્યારેય રોકાઈ નથી અને એ રોકાઈ ન શકે એવું જ સૌકોઈના મનમાં હતું, પણ કોરોનાએ મુંબઈને થંભાવી દીધું છે, અટકાવી દીધું છે. મુંબઈ અત્યારે શ્વાસ લઈ રહ્યું છે અને એ કોરોનાના કારણે અને જો કોરોના કાળમાં આ દૃશ્ય આવી ગયું હોય તો તમારામાં એની ગંભીરતા કેમ ન આવી શકે. શિવસેના બીજેપીને કાપે, કૉન્ગ્રેસ તૃણમૂલ કૉન્ગ્રેસની નુક્તેચિની કરે. બીજેપી શિવસેના પર દાવા અને પ્રતિદાવાઓ કરે કે પછી નૅશનલ કૉન્ગ્રેસ અન્ય કોઈનાં કપડાં ઉતારવાની હિન વૃ‌ત્ત‌િ દાખવે. ખોટી વાત છે, ખરાબ વાત છે અને આ ખોટી-ખરાબ ભાવનાને દબાવી રાખવાની છે. યાદ રાખજો, કોરોનાનો અનુભવ કોઈને પણ નહોતો, ક્યારેય નહોતો. આ મહામારી છે અને આવી મહામારીની કલ્પના ક્યારેય કોઈ કરી શક્યું નહોતું. કેન્દ્ર સરકાર માટે પણ કોરોનાનો આ પહેલો અનુભવ છે અને રાજ્ય સરકાર, માત્ર મહારાષ્ટ્ર જ નહીં, દેશની દરેક રાજ્ય સરકાર માટે પણ આ પહેલો અનુભવ છે.

બની શકે, કોઈ નિર્ણય અજાણતા લેવાયો હોય. ધારણા જુદી કોઈ મૂકી હોય અને અનુમાન કરતાં સાવ વિપરીત પરિણામ આવીને ઊભું રહે પણ મૂળમાં મુદ્દો એ છે કે મહામારી ઓછામાં ઓછા પગ પ્રસરાવે અને ઓછામાં ઓછી વિકરાળતા દર્શાવે. કોરોનાના નામે કોઈ જાતનું રાજકારણ ન થાય એ જરૂરી છે. અત્યારના તબક્કે તો ખાસ જરૂરી છે. અત્યારના વાતાવરણમાં એકબીજાના કામમાં ઘટાડો ન કરી શકો તો વાંધો નહીં, પણ વધારો કરવાની આવશ્યકતા નથી. માનજો, કોરોના બહુ કાબૂમાં છે આપણા દેશમાં, પણ જો રાજકારણ અને રાજકારણીઓના લીધે એના પરનો અંકુશ તૂટ્યો તો ભારત માટે બહુ ખતરનાક કાળ આવી શકે છે. બહેતર છે કે રાજકારણ કોઈ અન્ય દિવસો માટે રાખો અને કોરોનાના આ સમયને તમે સાથે મળીને પાર કરો.
જય મહારાષ્ટ્ર,.... જય હિન્દ.

manoj joshi columnists coronavirus covid19