અરિન્દમ ચૌધરીએ કરેલું કૃત્ય કેવી રીતે 35000 સ્ટુડન્ટ્સે ભોગવવું પડે?

18 September, 2019 02:03 PM IST  |  મુંબઈ | મેરે દિલ મેં આજ ક્યા હૈ? - મનોજ નવનીત જોષી

અરિન્દમ ચૌધરીએ કરેલું કૃત્ય કેવી રીતે 35000 સ્ટુડન્ટ્સે ભોગવવું પડે?

અરિન્દમ ચૌધરી

ઇન્ડિયન ઇન્સ્ટ્યિૂટ ઑફ પ્લાનિંગ ઍન્ડ મૅનેજમેન્ટ એટલે કે IIPM. આ અરિન્દમ ચૌધરીનું પાપ છે, પણ એ પાપનું પરિણામ આજે ૩૫,૦૦૦થી વધારે સ્ટુડન્ટ્સે ભોગવવું પડે છે. ઇન્સ્ટિટ્યૂટની ડિગ્રી સાચી નથી, નકલી છે અને હવે એ જગજાહેર થઈ ગયું છે. એવા સમયે મુદ્દો માત્ર એ નથી કે અરિન્દમ ચૌધરીને સજા મળવી જોઈએ. આ સજા ચાલશે નહીં અને ચાલે પણ નહીં. ચીટિંગની વ્યાખ્યા આપણે ત્યાં હવે વધારે સ્પષ્ટ અને ક્લિયર કરવાની જરૂર છે. એજ્યુકેશનના ક્ષેત્રમાં થયેલું ચીટિંગ એ તમારી આજને સુધારે છે, પણ સ્ટુડન્ટ્સનું અને બાળકોનું ભવિષ્ય આખું બગાડી નાખે છે. જરા વિચાર તો કરો કે જે IIPMમાં ભણીને સ્ટુડન્ટ્સ બહાર આવ્યા છે એ બધાને હવે ખબર પડી રહી છે કે તેમની ડિગ્રી નકલી છે, તેમની ડિગ્રીની કોઈ વૅલ્યુ નથી. એ આજે પણ બારમું પાસ કહેવાય એ જ સ્તરે છે.

હોશિયાર ન હો, સ્કૉલર ન હો અને તમે બારમું પાસ થઈને બેસી રહો તો સમજાય, પણ તમે ટ્વેલ્થ બોર્ડમાં નાઇન્ટી પ્લસ માર્ક લાવ્યા હો, ઊંચામાં ઊંચી ફી ચૂકવીને ઍડ્મિશન લીધું હોય, ભણતર દરમ્યાન અઢળક ખર્ચો કર્યો હોય અને મસમોટાં સપનાં જોયાં હોય. અમુકે તો એ સપનાં સાકાર પણ કર્યાં હોય અને એ પછી એક દિવસ અચાનક જ ખબર પડે કે તમે જે ભણ્યા હતા એ જગ્યા જ ખોટી હતી, એ ઇન્સ્ટિટ્યૂટનું કોઈ મૂલ્ય જ નથી, એને કોઈ માન્યતા મળી નથી તો? તો તમારી હાલત શું થાય? તમારી મનોદશા કેવી ઊભી થાય?

સાહેબ, પગ નીચેથી ધરતી સરકી જાય અને માથા પરથી આકાશ હટી જાય. એવી જ હાલત છે અત્યારે આપણા આ IIPMના સ્ટુડન્ટ્સની. IIPM વિરુદ્ધ અઢળક લોકોએ લખ્યું, એના વિશે જાણકારી આપવાની કોશિશ કરી, પણ એ બધા પછી પણ કશું વળ્યું નહોતું. અરિન્દમ ચૌધરીની એ ખાસિયત હતી. છવાઈ જવું, આંખો આંજી દેવી એ તેની ફિતરત હતી. ઐશ્વર્ય એવું દેખાડવાનું, આભા એવી ઊભી કરવાની કે તમારા વિચારોને પણ લક્ષ્મણરેખા લાગી જાય. ચાર્ટર્ડ પ્લેન, તાજમાં ઊતરવાનું, શાહરુખના ઘરે જઈને ડિનર લેવાનું, ફિલ્મસ્ટાર્સને ફાઇનૅન્સ આપવાનું અને તેમની ફિલ્મો ખરીદી લેવાની. મોટી-મોટી વાતો કરવાની અને મોટિવેશનના મમરા વેર્યા કરવાના. ટીવી-શો બનાવવા માટે સ્લૉટ્સ ખરીદી લેવાના અને આવક કરતાં જાવકનો દરવાજો મોટો બનાવીને તમામેતમામ લોકોને ખિસ્સામાં રાખવાના. રશ્મિ બંસલ. આ નામ તમે સાંભળ્યું હશે. IIMની સ્કૉલર એવી રશ્મિએ પણ IIPM વિરુદ્ધ લખ્યું હતું અને તેના પર પણ કેસ કરવામાં આવ્યો હતો. રશ્મિએ બ્લૉગ પર એ આર્ટિકલ લખ્યો હતો એટલે અરિન્દમ ચૌધરી કોર્ટમાં ગયો અને ત્યાં જઈને તે ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકમ્યુનિકેશનની પરમિશન લાવ્યો, જેમાં માત્ર રશ્મિનો જ નહીં, રશ્મિ સહિત લગભગ ૯૦થી વધારે જર્નાલિસ્ટો જેમણે IIPM વિરુદ્ધ લખ્યું હતું એ બધાના બ્લૉગની એ લિન્ક લૉક કરવાનો હતો. આંખો ફાટી જાય એવી વાતો હવે બહાર આવી રહી છે. અફસોસની વાત એ છે કે આજ સુધી આ આખું ફ્રૉડ આટલું માઇલેજ નહોતું લઈ શક્યું, જેને હવે મળ્યું.

આ પણ વાંચો : IIPM ચૅપ્ટરઃ યાદ છે આખા પેજની જાહેરખબર સાથે તમારા બાળકને ઍડ્મિ શન માટે કહેણ આપતી આ દુકાન

બંગાળમાં શાહરુખ વિરુદ્ધ કેસ ફાઇલ થયો અને શાહરુખે જવાબ આપવાનો વારો આવ્યો એટલે બધાની નજર આ કેસ પર અને IIPMના ફ્રૉડ પર ગયું. મારું કહેવું એ છે કે આ કેસમાં અરિન્દમ ચૌધરી હજી બહાર છે અને બાળકોનાં ભવિષ્ય કાયમ માટે અંદર થઈ ગયાં છે. વિકૃત ખૂન કરનારાને કડકમાં કડક સજા થતી હોય તો પછી અહીં તો વિકૃતિની ચરમસીમા વાપરવામાં આવી છે. એ બાળકોને ન્યાય મળવો જોઈએ, એ બાળકોના સાતે કોઠે દીવા થાય એવું પગલું સરકારે લેવું જોઈએ. હું માનું છું કે અરિન્દમ ચૌધરી સામે લીધેલાં પગલાં એ પાકિસ્તાન પર કરેલી સર્જિકલ સ્ટ્રાઇકથી પણ મોટી વાહવાહી આપનારી ઘટના હશે.

columnists manoj joshi