ઘી ઢોળાયું તો ખીચડીમાં જ છેને ભાઈ

01 December, 2019 04:19 PM IST  |  Mumbai | Mayur Jani

ઘી ઢોળાયું તો ખીચડીમાં જ છેને ભાઈ

ઉદ્ધાવ ઠાકરે

આપણી કહેવતો, રૂઢિપ્રયોગો અને બોલીપ્રયોગોની મજા એ છે કે અંગત કે જાહેર જીવનમાં બનતી રહેતી અનેક ઘટનાઓ વિશે એકવાક્યમાં કહેવું હોય તો કહી શકાય. મહારાષ્ટ્રના રાજકારણમાં પણ આપણી બે કહેવતો એવી છે જે બીજેપી અને મહા વિકાસ અઘાડીને લાગુ પડે છે. પ્રથમ કહેવત છે, ‘ઘીના ઠામમાં ઘી.’ બીજેપીનું સ્પષ્ટપણે માનવું છે કે સત્તારૂપી ઘીનું ઠામ પોતાના સિવાય કોઈ હોઈ જ ન શકે. મહા વિકાસ અઘાડી જે શિવસેના-એનસીપી-કૉન્ગ્રેસ એમ ત્રણ પક્ષોની યુતિથી બનેલી છે એથી બીજેપી એનો ખીચડી સરકાર તરીકે ઉપહાસ કરે છે. હવે આપણે ત્યાં બીજી કહેવત એવી પણ છે કે ‘ઘી ઢોળાયું તો ખીચડીમાં.’ મતલબ કે ઘી છેવટે ખીચડીમાં ભલે ઢોળાયું હોય, પરંતુ વેડફાયું તો નથી.

સત્તારૂપી આ ઘી માટેની લાયકાત સ્વયં સિવાય અન્ય કોઈમાં નથી જ એમ બન્ને પક્ષોનું માનવું છે. હવે જ્યારે આ ઘી ખીચડીમાં ઢોળાઈ જ ગયું છે ત્યારે આગળ જતાં બીજેપી ખીચડી ખાઈને પેટ ભરવાનું વિચારે એમ લાગી રહ્યું છે.

દાદરના શિવાજી પાર્ક મેદાનમાં મહા વિકાસ અઘાડીની સરકારનો શપથગ્રહણ સમારોહ યોજાયો. શપથ ગ્રહણ કરતી વખતે ઉદ્ધવ ઠાકરે સહિતના અન્ય પાંચ પ્રધાનોએ શિવાજી મહારાજ, બાળાસાહેબ ઠાકરે, બાબાસાહેબ આંબેડકરના નામે શપથ લીધા અને બીજેપીએ વિરોધ કરતાં આ શપથગ્રહણને બંધારણની દૃષ્ટિએ ગેરલાયક ઠેરવવાની માગણી કરી. બીજી તરફ ઉદ્ધવ ઠાકરેએ વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પાસ કરવાની સાથોસાથ છાતી ઠોકીને જણાવ્યું કે શિવાજી મહારાજના નામે એક વાર નહીં, ૧૦૦ વાર શપથ લેશે અને જેને જે કરવું હોય એ કરે. મતલબ સાફ છે કે ઉદ્ધવ ઠાકરે હવે કટ્ટર હિન્દુત્વને બદલે કટ્ટર પ્રાદેશિક સેન્ટિમેન્ટ્સ પર ફોકસ કરીને બીજેપીને આગામી બીએમસીની ચૂંટણીમાં ઘેરવા માગે છે. જો બીજેપી શિવસેનાના આ ટ્રૅપમાં ફસાઈ ગઈ તો એણે બીએમસીની ચૂંટણીમાં પણ ઘીથી વંચિત રહેવું પડી શકે ખરું. આગામી દિવસોમાં શિવસેનાની રણનીતિ એ રહી શકે છે કે મહારાષ્ટ્રની જનતા સમક્ષ એ સાબિત કરવામાં કોઈ કસર ન છોડવી જોઈએ કે શિવસેના જ મહારાષ્ટ્રની જનતાનો સાચો અવાજ છે. આને માટે  શિવાજી મહારાજથી મોટું પ્રતીક બીજું કોઈ હોઈ શકે એમ નથી. શિવસેના આ સિમ્બૉલને કોઈ કાળે બીજેપીના હાથમાં જવા દે એમ લાગતું નથી. જેમ બીજેપીએ કૉન્ગ્રેસ પાસેથી ગાંધીજી અને સરદાર પટેલને છીનવી લીધા એમ આગળ ઉપર જતાં શિવાજી મહારાજને પોતાની પાસેથી છીનવી ન લે એ બાબતની ચિંતા અને ચિંતન બન્ને કરવું એ શિવસેના માટે ખૂબ જરૂરી બની ગયું છે.

બીજી તરફ નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (એનસીપી) માટે આ એક અકલ્પનીય અવસર છે. આજથી ૬ મહિના પહેલાં જ એ પક્ષનું નામું નખાઈ ચૂક્યું હોવાની અટકળોએ જોર પકડ્યું હતું. પક્ષના સંગઠનમાંથી બીજેપીમાં પલટો મારવા માટે નેતાઓ અને કાર્યકરો વચ્ચે હોડ લાગી હતી. પવારના કુટુંબમાં પણ આંતરિક કલહ જાગી ચૂક્યો હતો જે જાહેર પણ થઈ ચૂક્યો હતો. આ સ્થિતિમાં એનસીપીએ પવારના બળ પર ૫૪ બેઠકો મેળવી. આટલું પૂરતું નહોતું, કારણ કે સાથીપક્ષ કૉન્ગ્રેસ ફક્ત ૪૪ બેઠક જીતી શકી હતી. બીજેપી-શિવસેના વચ્ચેનો કલહ એનસીપીને ફળી ગયો અને પરિણામે ખતમ થઈ જવાની તૈયારીમાં હોવાને બદલે એનસીપીને નવો પ્રાણવાયુ મળી ગયો. એનસીપી પણ મૂળભૂતપણે પ્રાદેશિક પક્ષ જ છે જે પોતાની જાતને રાષ્ટ્રીય પક્ષ તરીકે પ્રમોટ કરતો રહ્યો છે. આ ખીચડી સરકારની આડમાં પવાર પોતાના પક્ષનાં મૂળિયાંને ફરીથી મજબૂત કરવાનો ભરચક પ્રયત્ન કરશે. પવાર બાદના પક્ષના સુપ્રીમો તરીકે દીકરી સુપ્રિયા સુળેને પ્રસ્થાપિત કરવાનું આ સંજોગોમાં પવારને સરળ પડે એમ છે.

હવે વાત કરીએ કૉન્ગ્રેસની, તો દેશ પર ૬૦થી વધુ વર્ષો સુધી રાજ કરનારા આ પક્ષની હાલત છેલ્લાં પાંચ વર્ષથી કંઈક વિ ‍ચિત્ર છે. સોનિયા, રાહુલ કે પ્રિયંકા ગાંધી દેશભરની જનતાને પ્રભાવિત કરવામાં સફળ નથી રહ્યાં એ હકીકત છે. પક્ષમાં દેશવ્યાપી કરિશ્મા ધરાવતો એક પણ નેતા નથી જે બીજેપી પાસે છે. દેશનાં વિવિધ રાજ્યોના સંગઠનમાં પણ હાલમાં કૉન્ગ્રેસ પાસે એવો કોઈ નેતા નથી જે પોતાના દમ પર જીત અપાવે. મહારાષ્ટ્રની ચૂંટણીમાં કૉન્ગ્રેસના ટોચના નેતાગણમાંથી કોઈ ખાસ પ્રયાસ કરાયો નહોતો. પ્રદેશ-નેતૃત્વ પણ નિરસ જ રહ્યું હતું છતાં કૉન્ગ્રેસ ૪૪ બેઠકો જીતી છે. શિવસેનાના નેતૃત્વ હેઠળની ખીચડી સરકારમાં ભાગીદારી લેવાનો નિર્ણય કૉન્ગ્રેસની આઇડિયોલૉજી માટે ખૂબ જ પડકારજનક હતો, પરંતુ છેલાં પાંચ વર્ષમાં બીજેપીના પૉલિટિક્સની સ્ટાઇલ જોતાં કૉન્ગ્રેસ સહિતના દેશના તમામ રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષોને સમજાયું છે કે જો અસ્તિત્વ રહેશે તો આઇડિયોલૉજી કે સિદ્ધાંતોની વાત કરી શકીશું. પ્રવર્તમાન રાજકીય પરિસ્થિતિમાં ટકી રહેવું કે બચી જવું જ મહત્ત્વનું છે. આ મોટું કારણ છે કે કૉન્ગ્રેસે શિવસેના સાથે મળીને સરકાર બનાવવાનો નિર્ણય લીધો. મહા વિકાસ અઘાડીના ત્રણેય પક્ષના નેતાઓ જો વ્યક્તિગત સ્વાર્થ સિદ્ધ કરવા પાછળ સત્તાનો દુરુપયોગ કરવાને બદલે પ્રજાલક્ષી કાર્યો પાછળ લાગેલા રહેશે તો આગામી દિવસોમાં આ ઘી ભલે ઘીના ઠામમાં ન હોય અને ભલે એ ખીચડીમાં ઢોળાયું હોય, બીજેપી માટે આ ઘીથી લથબથ ખીચડી ખાઈ જવી એ એટલી સહેલી અને સરળ ઘટના નહીં હોય.

uddhav thackeray columnists weekend guide