આજે બર્બર, અરેબિક, યહૂદી, ક્રિશ્ચિયન, ઇસ્લામિક સંસ્કૃતિને પોતાનામાં સમાવીને બેઠેલા ફેઝ શહેરની વાત

19 March, 2023 12:07 PM IST  |  Mumbai | Manish Shah

ભૂરા-ભૂરા શેફશોવેન શહેરની સુંદરતાને મનમાં ભરીને આગળ વધ્યા પછી પર્વતીય વળાંકો પર ડ્રાઇવ કરવાની મજા માણી અને સાથે રસ્તામાં આવતાં ગામોમાં ઇસ્લામિક બાંધણીના મિનારાઓ તેમ જ મકાનની છત પર પંખીઓના માળાની ટોકરીઓએ સહજીવનની સુંદરતાનો અનુભવ કરાવ્યો

આજે બર્બર, અરેબિક, યહૂદી, ક્રિશ્ચિયન, ઇસ્લામિક સંસ્કૃતિને પોતાનામાં સમાવીને બેઠેલા ફેઝ શહેરની વાત

વાદળી શહેર શેફશોવેનની મુલાકાત એના સૌંદર્યની જેમ કલ્પનાતીત રહી. શું અનુભવ? કેવી અનુભૂતિ? અદલોઅદ્દલ શહેરની જેમ ભૂરી-ભૂરી! ખરેખર અદ્વિતીય... મોજ પડી ગઈ. આ નાનું ગામ, ના... ના... આ વસાહત બેમિસાલ છે. ચોક્કસપણે કહી શકાય કે સમય ખૂબ જ ઓછો પડ્યો. ત્રણ કલાક તો કંઈ જ ન કહેવાય. જોકે એક અવિસ્મરણીય અનુભવ એ પાકું. આવાં સ્થળોને ઓછામાં ઓછા બે દિવસ તો આપવા જ જોઈએ. જોકે અમને તો રાત ઓછી અને વેશ ઝાઝા જેવો ઘાટ હતો.

હજી તો જમવાનું પણ બાકી હતું અને આગલો પડાવ પણ ૨૨૦ કિલોમીટર પર એટલે કે લગભગ છ કલાકનું ડ્રાઇવિંગ તો ખરું જ. એકાદ વાગ્યે માંડ-માંડ આ ખૂબસૂરત શહેર છોડ્યું કે છોડાવ્યું? આ ગામ છોડતી વખતે મને ફક્ત ટીંગાટોળી કરવાનું બાકી રાખ્યું હતું. સૌંદર્ય જ એટલું સરસ છે કે મનને ધરવ થાય જ નહીં. એમાં વળી આખા ગ્રુપમાં અમે બે જ ફોટોગ્રાફર એટલે અમારા ભાગે તો કબીરના મધમીઠા અવાજમાં છુપાયેલી ચેતવણીઓ જ આવે. હા ભાઈ હા, ચાલો. માંડ નજરો ભરાય, મગજમાં કંઈક રચાય અને કૅમેરા મંડાય ત્યાં તો ચાલો મનીષ, ઉમા... અરે ભાઈ, સાથે કંઈક તો લઈ જવા દે, જરા તો અમારો આત્મા સંતોષાવા દે. આમ ના કર. જોકે એમાં કબીરનો પણ વાંક ન કઢાય. ગ્રુપની ગતિ તો સાચવવી જ પડેને? નહીં તો અમારા જેવા તો સવારના કુમળા પ્રકાશમાં, બપોરના આકરા તડકામાં અને સંધ્યાના સૌમ્ય રંગોમાં કૅમેરા સાથે ખોડાયેલા જ રહીએ, ખરેખર. અકરાંતિયા શબ્દ ફક્ત ખાવા સાથે જોડાયેલો નથી એ સમજી લેવું.

શેફશોવેન છોડવાનો ફાયદો હવે સમજાયો. કાલે રાત્રે અહીં આવતી વખતે જે પર્વતીય વળાંકો જોવાનું છૂટી ગયું હતું એ જોવા અને માણવા મળ્યા. અમારે લગભગ સિત્તેરેક કિલોમીટર એ જ રસ્તે પાછા જવાનું હતું અને પછી એક ફાંટો પકડીને આગલા પડાવ તરફ નીકળી પડવાનું હતું. સુંદર, વાંકોચૂકો, ઢોળાવવાળો રસ્તો... ડ્રાઇવિંગની આજ તો મજા છે. બપોરના તડકામાં પર્વતોનું સૌંદર્ય ઓપતું હતું. બાકી હતું એ આકાશે પૂરું કર્યું. સફેદ વાદળીઓ આકાશમાં વેરવિખેર વિસ્તરેલી હતી. જાણે કોઈ મોટા વાદળાને પીંજી નાખ્યું હોય એમ અનેક વાદળીઓ આમ છૂટીછવાઈ, પરંતુ આકાશની સાથે અમારી આંખોને પણ ભરી દેતી હતી. ગાડી ચલાવવાની મજા જ કંઈક ઑર હતી. શેફશોવેનની નાની-નાની વાદળી શેરીઓએ આંખોમાંથી વિદાય લઈને હૃદયમાં અડિંગો જમાવ્યો હતો અને આ વિશાળ રસ્તાઓએ વાદળાં અને આકાશના સંગાથે હવે આંખો પર કબજો લઈ લીધો હતો.

આ કબજો લેવા પરથી એક આડવાત સ્ફૂરે છે. આપણા ભારતમાં ઉત્તરમાં, ઉત્તર-પૂર્વમાં જેટલા પહાડો પરના રસ્તા છે એ BRO (બૉર્ડર રોડ ઑર્ગેનાઇઝેશન) સંભાળે છે. બાંધકામ પણ અને જાળવણી પણ. આ આખા પ્રોજેક્ટને નામ આપ્યું છે ‘હિમાન્ક’. હવે થોડા ઊંડે ઊતરીએ તો કબજે કરવુંનો એક પર્યાયવાચી શબ્દ છે અંકે કરવું. ઘણાં વર્ષો પછી આ હિમાન્કનો અર્થ સમજાયો હતો. હિમને જેણે અંકે કર્યો છે એ ભારતીય લશ્કરની કમાલ એટલે પ્રોજેક્ટ હિમાન્ક. રમૂજમાં કહેવું હોય તો કહી શકાય કે આ વાદળી ગામડાએ તો મારું મન અંકે કરી લીધું હતું. BROની અનેક રમૂજી અને રસપ્રચુર વાતો ક્યારેક ભારત-ભ્રમણની વાત કરતી વખતે કરીશું. આડ વાત પૂરી. અત્યારે આગળ વધીએ...

ગાડીઓ આગળ વધી રહી હતી. કકડીને ભૂખ લાગી હતી એટલે રસ્તામાં આવેલી એક સુંદર હોટેલ પર થોભ્યા અને આંખો સમક્ષ તાજીન ઊભર્યું. એ જ બાફેલાં શાકભાજી તરવરી ઊઠ્યાં. એક નકાર, એક ચિત્કાર ઊઠ્યો. પરંતુ અહો આશ્ચર્યમ્... ઇબ્રાહિમે અમારા શાકાહારીઓ માટે પિત્ઝા બનાવડાવ્યા હતા. જાણે રણમાં મીઠી વીરડી મળી. અમારા ચહેરા ખીલી ઊઠ્યા. આવું ક્યારેક-ક્યારેક ગોઠવાઈ જાય તો મજા પડી જાય. બાકી તાજીન તો તોળાયેલું રહે, કાયમ. આ સિવાય આખા મૉરોક્કોમાં ફળો ભરપૂર મળી રહે છે અને ફળોમાં પણ સંતરાં શિરમોર. આ સમગ્ર પ્રવાસમાં અમે સંતરાંનો રસ એટલો બધો પીધો છે કે આગલા છ મહિના સુધી વિટામિન ‘સી’ની ઊણપ આખા શરીરમાં ક્યાંય નહીં રહે એની ગૅરન્ટી. સંતરાં સિવાય અમે શાકાહારીઓનો કાયમી આશરો છે પાંઉ. જાડો ફુલાવેલો ગોળાકાર મેંદાનો રોટલો. ભોજન કરતી વખતે કાયમ તમારી તહેનાતમાં હાજર. ગમે એ ખાવ, જ્યારે પણ ખાવ; દરેક ટેબલ પર પાઉંની પ્લેટ ગોઠવાયેલી મળે ને મળે જ. બેએક ટંક તો ભોજનમાં અમે પાંઉ અને સંતરાંનો રસ પીધાનું પણ યાદ છે. આ ઘરે બનાવેલા પાંઉ થોડાક ગળ્યા ખરા, પરંતુ એકદમ સ્વાદિષ્ટ હોય છે. આમ પણ સ્વાનુભાવથી કહું કે જો ખાવાની બાબતમાં થોડું સમાધાનકારી વલણ રાખો તો આવા ઑફબીટ પ્રવાસનું વળતર કંઈક અલગ જ સંતોષ આપી જશે એ લખી રાખો.

જમીને નૉન-સ્ટૉપ પહોંચવાનું હતું અમારે આ દેશના બીજા નંબરના શહેર ફેઝ (FEZ/FES). આઠમી સદીમાં એટલે કે છેક ઈસવીસન ૭૮૯માં સ્થપાયેલું આ શહેર અનેક ચડતી-પડતી, તડકી-છાંયડીનું સાક્ષી રહ્યું છે. અનેક વખત પાટનગર રહી ચૂકેલું આ શહેર પણ કાસા બ્લાન્કાની જેમ જ ભવ્ય ભૂતકાળ અને આધુનિકતાનો સંગમ છે. લગભગ ૧૧ લાખ લોકોની વસતિ ધરાવતું આ શહેર મૉરોક્કો માટે એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આ શહેરનો ઇતિહાસ કદાચ આખા દેશમાં સૌથી જૂનો અને એટલે જ રસપ્રદ પણ છે. આ શહેર પોતાની અંદર બર્બર, અરેબિક, યહૂદી, ક્રિશ્ચિયન, ઇસ્લામિક એવી તમામ સંસ્કૃતિને પચાવીને બેઠેલું છે. અહીં તમને આ તમામ ફાંટાઓના અનુયાયીઓ વધતા-ઓછા પ્રમાણમાં મળી રહે છે. આ બધી વાંચેલી માહિતી વાગોળતાં-વાગોળતાં હું ગાડી ચલાવી રહ્યો હતો. નાનાં-નાનાં ગામડાં પસાર થઈ રહ્યાં હતાં. અહીંના દરેક ગામડાની ખાસિયત એ હોય છે કે અચૂક તમને ઘણીબધી જગ્યાએ નાના-નાના ઇસ્લામિક બાંધણીના મિનારાઓ જોવા મળે. લગભગ આજુબાજુ રહેલી મસ્જિદના જ આ મિનારાઓ હોય છે.

આવું જ એક ગામડું પસાર થઈ રહ્યું હતું અને સામે દેખાઈ રહેલા એક મિનારાની ટોચ પર મારી નજર પડી. એક મોટી ઘાસની ટોકરી ગોઠવી હોય એવું લાગ્યું. સુંદર દૃશ્ય હતું. ત્યાં તો બાજુના મકાનની ટાંકી ઉપર વળી એક ટોકરી. સરસ મજાની ટોકરી અને ત્યાં તો ત્રીજી... પરંતુ આ ત્રીજી ટોકરીમાંથી કંઈક ડોકાયું, કંઈક દેખાયું અને એક ઝબકારો... સ્મિત ફરી વળ્યું મારા મોઢા પર... કેવું સાયુજ્ય, કેવો સમન્વય, કેવો તાલમેલ... આ કંઈ ટોકરીઓ નહોતી. આ બધા તો માળા હતા White Storks પક્ષીઓના. કદમાં બગલાથી મોટું કદ ધરાવતાં આ પંખીઓએ તો આધુનિકતાને બદલાતા સમય સાથે સહજતાથી સ્વીકારી લીધી છે અને પોતાની આદતોમાં બદલાવ લાવી દીધો છે. કદાચ ત્રણ કે ચાર પેઢીઓને તકલીફ થઈ હશે, મૃત્યુ પણ પામ્યા હશે; પરંતુ ઉત્ક્રાંતિ કોને કહેવાય? આ આદતો કેળવાઈ હશે, વર્તનમાં ફેરફાર થયા હશે. પરિસ્થિતિનો સ્વીકાર કરીને આગળ વધવું કદાચ આને જ કહેતા હશે? અહીંના લોકોએ પણ સ્વીકાર કર્યો જને? આ પક્ષીઓનો શિકાર અહીં નહીંવત્ જ થતો હશે એવું લાગ્યું. વાહનો અને માણસોની અવરજવર ચાલી રહી હતી અને આ પંખીઓ પોતપોતાના માળામાં આવી રહ્યાં હતાં, અહીંતહીં ઊડી રહ્યાં હતાં, કિલ્લોલ કરી રહ્યાં હતાં. બંને પ્રજાતિ પોતપોતાનામાં મશગૂલ. મૂળભૂત રીતે માંસાહારી એવો આ સમાજ પણ કેળવાયો હશે એમ લાગ્યું. પછી તો નજરો ચકળવકળ થવા લાગી. જ્યાં જુઓ ત્યાં આ પંખીઓના માળા નજરે ચડવા લાગ્યા. એક સિગ્નલ આવ્યું અને સામેના ઇલેક્ટ્રિક ટાવર પર જે નજારો જોયો! વાહ, લગભગ-લગભગ પચીસથી ત્રીસ માળા હશે આખા ટાવર પર. એક વિકસિત સમજ ધરાવતો સભ્ય સમાજ આને જ કહેવાયને? એકબીજા પર આધિપત્ય જમાવવાના નિરર્થક પ્રયત્નો કરવા કરતાં એકબીજાનો સ્વીકાર કરીને સહજીવનનો વ્યાપ વધારવો, નબળાને પણ સમોવડિયું ગણીને એક ઉત્તમ દાખલો બેસાડવો. શિયાળામાં આવાં જ દૃશ્યો આપણા ગુજરાતમાં પણ જોવા મળે છે. Painted storksની આવી જ વસાહતોની ભરમાર. કુદરતી સાંકળની વિસ્તરતી કડીઓ. અહોભાગ્ય. આમ ને આમ ફેઝ ક્યારે આવી ગયું એ ખબર જ ન પડી.

ફેઝમાં બે રાત રહેવાનું હતું. આધુનિક શહેરને જોઈને આયોજકો પર થોડો તો ગુસ્સો આવી ગયો. કેટલાંય શહેરો જોયાં હશે. શેફશોવેનમાં બે રાત રાખી હોત તો? પરંતુ શું થાય? શિસ્ત નામનો પણ કોઈ શબ્દ છે... છોડો અને માણો આ બધું. ફેઝ એક અનોખો સાંસ્કૃતિક અનુભવ બની રહેવાનો છે એ આ શહેરને વટાવતાં-વટાવતાં જ સમજાઈ રહ્યું હતું. અહીં અમારી હોટેલ હતી. હોટેલ રૉયલ મિરાજ. મિરાજ એટલે મૃગજળ. મૃગજળ પણ રજવાડી હોય? આવો વિચાર આવ્યો અને મનોમન હસી પડાયું. હવે થોડું આ શહેર વિશે. ફેઝના બે ચહેરા છે : પ્રાચીન અને અર્વાચીન. આટલું પ્રાચીન હોવા ઉપરાંત અનેક ધર્મોના અસ્તિત્વને કારણે આ શહેરને મક્કા ઑફ ધ વેસ્ટ એટલે કે આરબ દેશોની પશ્ચિમે આવેલું હોવાથી પશ્ચિમનું મક્કા પણ કહેવામાં આવે છે. આ ઉપરાંત આ શહેરમાં એક નજાકત છે, રમણીયતા છે એટલે વધુ એક ઉપમા મળી છે. ફેઝને ઍથેન્સ ઑફ આફ્રિકા પણ કહેવાય છે. ઍથેન્સ જેટલું સ્પેનને મહત્ત્વનું છે એવી જ રીતે આ શહેર પણ મૉરોક્કો માટે મહત્ત્વનું છે. કેટલાં સુંદર ઉપનામો મળ્યાં છે ફેઝને? ફેઝના અર્વાચીન ભાગને Ville Nouvelle એટલે કે નવું શહેર કહેવાય છે. Ville Nouvelle આ ફ્રેન્ચ શબ્દ અહીં ટકી રહેલી ફ્રેન્ચ સંસ્કૃતિનો પ્રભાવ દર્શાવે છે. અમારી હોટેલ આ નવી સંસ્કૃતિનો હિસ્સો છે. આ એક ખૂબ જ મોટી હોટેલ છે અને મને લાગ્યું કે આ શહેરમાં આવતા ઘણા પ્રવાસીઓની પસંદગીની હોટેલ છે. ઘડિયાળના કાંટા સાત દેખાડી રહ્યા હતા, પરંતુ હજી પણ અજવાળું હતું. ફટાફટ રૂમની ચાવી લીધી, રૂમ પર ગયા અને બધો સામાન મૂકીને નક્કી કર્યું પગપાળા આ રળિયામણા દેખાતા શહેરને ફંફોસવાનું.

વાતાવરણ ખુશનુમા હતું. શહેરનો આ હિસ્સો એટલે કે નવું શહેર વીસમી સદીના પૂર્વાર્ધનું પ્રતિબિંબ પાડી રહ્યું હતું. અહીં એક સુંદર વાત ધ્યાન આકર્ષિત કરી રહી હતી અને એ હતી મુખ્ય માર્ગની વચ્ચોવચ રસ્તાને સમાંતર આવેલો એક રમણીય પાર્ક. ખૂબ જ પહોળો રસ્તો ત્રણ ભાગમાં વહેંચાયેલો હતો. ૩૦ ટકા ડાબી તરફ જવાનો રસ્તો, વચ્ચેના ૪૦ ટકા પાર્ક માટે અને બાકીનો ૩૦ ટકા જમણી બાજુના રસ્તા માટે. ડાબી અને જમણી બંને બાજુના રસ્તાના કિનારે અનેક દુકાનો અને કૅફે આવેલાં હતાં. અમે પાર્કમાંથી જ ચાલીને ગયા જ્યાં અનેક સ્થાનિક લોકો તેમનાં બાળકોને રમાડતા હતા. પાર્કની વચ્ચે એક પુલ પણ બનાવેલો હતો. એક ઍમ્ફી થિયેટર પણ દેખાયું. સુંદર આયોજન. એકાદ કલાક આમતેમ ફરીને અહીંની હવા શ્વાસોમાં ભરી લીધી. ફુટપાથ પર અનેક ફેરિયાઓ ઘણી વસ્તુઓ વેચી રહ્યા હતા. અમે પાછા ફરવાનું નક્કી કર્યું અને ચાલીને હોટેલ તરફ નીકળ્યા. હોટેલ એકદમ જ નજીક હતી અને અનેક બાઇક્સના અવાજે અમારું ધ્યાન ખેંચ્યું. વાહ! આખો એક કાફલો અમારી હોટેલમાં જ પ્રવેશી રહ્યો હતો. ઓહોહોહો... નજર પડે ત્યાં સુધી બાઇક જ બાઇક. બધા જ સવારો ખાસ પોશાકમાં. અને આ શું? હૉલીવુડની કોઈ ફિલ્મમાં દેખાય એમ એક અત્યાધુનિક કાળી વૅન જેને મૉનિટરિંગ વૅન કહેવાય છે એ પણ દેખાઈ. ઍન્ટેના બખ્તરબંધ કાળી વૅન કોઈને પણ ઉત્તેજિત કરી નાખે એવી લાગતી હતી. વધારે તપાસ કરતાં ખબર પડી કે આ આખો એક કાફલો જેમાં કુલ ૧૦૪ બાઇક હતી એ પોર્ટુગલથી આવેલો હતો અને અમારી હોટેલમાં રાત રોકાઈને કાલે સવારે તેમનો આ દેશનો આઠ દિવસનો પ્રવાસ શરૂ થવાનો હતો. બધી જ બાઇક BMWની સુપરફાસ્ટ વિશિષ્ટ બાઇક હતી. થોડી મહિલા બાઇકર્સ પણ જોઈ. સંગીતા પણ અમને નીચે જ મળી ગઈ. તેના ઓળખીતા ત્રણથી ચાર બાઇકર્સ તેને મળી ગયા. અંદર ગયા, જમ્યા, સૂતા અને સવારે ઊઠીને આ શહેરને જોવા-માણવા નીકળ્યા. ધીમે-ધીમે સહપ્રવાસીઓમાં ઘનિષ્ઠતા વધી રહી હતી. બધાને જાણવાની-મળવાની મજા પડી રહી હતી. નીકળીને અમારો પહેલો મુકામ હતો રૉયલ પૅલેસ એટલે કે શાહી મહેલ, જે બહારથી જ જોવાનો હતો. અંદર જવાની પરવાનગી નહોતી. ખૂબ જ સુંદર કારીગરીવાળી કમાનો ધરાવતા દરવાજા. મોઝેઇકનું બારીક કામ અને પિત્તળ અને આરસના બનેલા ધ્યાનાકર્ષક તોતિંગ દરવાજા. મહેલની સામોસામ આવેલો મોટો ચોક તો જાણે આ શાહી મહેલનું મુખ્ય આકર્ષણ. અંદર જઈ શકાયું હોત તો આ મહેલની રોનક માણવાની મજા પડી જાત.

ઠીક છે, આગળ વધીએ. આ શહેર મુખ્યત્વે પ્રખ્યાત છે અહીંની સિરૅમિક, પોર્સલિન અને ચામડાની બનાવટ માટે. અહીં આ ગૃહઉદ્યોગો સદીઓથી ધમધમતા રહ્યા છે. પોર્સલિન અને મોઝેઇકની ઝીણવટભરી કારીગરી જોવા અમે પહોંચ્યા અહીંના પ્રખ્યાત સેન્ટરની મુલાકાતે. આ આખીયે પ્રક્રિયા એક અલગ જ પ્રકારની નિપુણતા માગી લે છે. સૌપ્રથમ માટીમાંથી ટાઇલ્સ બનાવો. આ માટી શહેરથી લગભગ ૮૦થી ૧૦૦ કિલોમીટર દૂરથી આવે છે એને પલાળો અને સુકાય એટલે એને રંગો. એકબીજાની બાજુમાં અલગ-અલગ પ્રકારની ડિઝાઇન બનાવવા બેસાડો. પછી એને ભઠ્ઠીમાં પકાવો અને આખરે તમારી એક સુંદર વસ્તુ તૈયાર. બધે જ કારીગરોની નિપુણતાનું મિશ્રણ. માટીકામ, હસ્તકળા, ચિત્રકળા અને કોતરવાનો આ અનુભવ સંપૂર્ણ અર્થમાં ગૃહઉદ્યોગની વ્યાખ્યામાં બંધ બેસે છે. ખાસ તો ડિઝાઇન બનાવતી વખતે એકબીજામાં ફિક્સ કરવા માટે થતો કુમળી હથોડીનો ઉપયોગ. એક ચોક્કસ જોશથી, ચોક્કસ જગ્યાએ ખાંચા પાડવા, ચોક્કસ પ્રકારની અને આકારની હથોડીઓનો ઉપયોગ. આના માટે અનુભવ જોઈએ. આ મોઝેઇકને આટલી ઝીણવટથી અને ચોકસાઈથી તોડવા માટે અનેક વર્ષોની સાધના જરૂરી છે. અમારામાંના ઘણા લોકોએ કોશિશ કરી. શરૂઆતમાં એકદમ હળવા હાથે કરવા ગયા તો તૂટે જ નહીં. સહેજ જોરથી મારો તો જ્યાં તોડવું હોય ત્યાં નહીં પણ કોઈક બીજી જ જગ્યાએથી છડદું નીકળી જાય અને વધુ જોર મારવા જાવ તો ભાંગીને ભુક્કો. જોકે મજા પડી ગઈ. ક્યારેય ન જોયા હોય એવા વિવિધ આકારો ઘડાઈ રહ્યા હતા. ભૂમિતિની કોઈ પણ વ્યાખ્યામાં ન બેસે એવા. અપ્રમાણ કોને કહેવાય એ ખબર પડી ગઈ બધાને. આ બધું કર્યા પછી એટલી જ કુશળતાથી સપ્રમાણ ડિઝાઇન દોરવાની અલગ-અલગ રંગોથી અને એ પણ હાથથી. આ કરવામાં પણ કેટલાય જણની અનેક નબળાઈઓ છતી થઈ ગઈ. સલામ છે આ કારીગરોને. આ બધી વસ્તુઓના વેચાણનું એક કેન્દ્ર પણ હતું, પરંતુ યુરોપને ધ્યાનમાં રાખીને એની કિંમત રાખી હોય એવું લાગ્યું. અતિશય મોંઘું હતું એટલે ન ખરીદ્યું. આપણે ત્યાં અંતરિયાળ મહારાષ્ટ્રમાં તથા ગુજરાતમાં આવા અનેક માટીકામના, સિરૅમિકના ગૃહઉદ્યોગો ખૂલ્યા છે, ખીલ્યા છે. એમને ઉત્તેજન ન આપીએ? પણ હા, કાબિલે તારીફ કારીગરી, ચોક્કસ. એક સદી જૂના ઉદ્યોગની વાતો લઈને ફેઝના પ્રવાસને આગળ વધારીશું આવતા અઠવાડિયે.

પૉઇન્ટ ટુ બી નોટેડ

મોરોક્કોની સિરીઝ વાંચીને જો વાચકોને પણ બાઇક કે કાર ડ્રાઇવ કરીને આ દેશ ફરવાની ઇચ્છા થઈ ગઈ હોય તો એપ્રિલ મહિનામાં જ એની સીઝન શરૂ થાય છે. વધુ માહિતી માટે www.motorover.in પર જઈને ખાંખાખોળા કરી લો અથવા તો લેખકને ઇમેલથી સંપર્ક કરી શકો છો.

columnists