ચાર મિલે તો ચૌસઠ ખીલે ઔર બીસ રહે કર જોડ

29 July, 2019 11:08 AM IST  |  મુંબઈ ડેસ્ક | પ્રવીણ સોલંકી - માણસ એક રંગ અનેક

ચાર મિલે તો ચૌસઠ ખીલે ઔર બીસ રહે કર જોડ

પ્રવીણ સોલંકી

માણસ એક રંગ અનેક 

સામાન્ય બે વ્યક્તિ મળે ત્યારે વાતનો વિષય શું હોય? કેમ છો, મજામાં? તબિયત સારી? ઘરે બધાં કેમ છે? ધંધાપાણી બરાબર? શું ચાલે છે? આ વરસાદે તો લોહી પીધા, ધંધા ઠપ છે, જીએસટીએ તો વાટ લગાડી દીધી છે, પહેલાં ખેડૂતોની આત્મહત્યા ચર્ચાનો વિષય હતો; હવે બિલ્ડરોની આત્મહત્યા, કર્ણાટકનું નાટક જોઈને તો હવે લોકશાહીની વાત કરતાં પણ શરમ આવે છે, કાગડા બધે કાળા, ગમે તે સરકાર આવે કે જાય આપણા રામ તો એના એ જ, વેધર બધું ખરાબ છે. ઘરમાં બધાંને શરદી-ઉધરસ છે. બહારનું ખાવાનું ધ્યાન રાખજો. સ્કૂલ, કૉલેજ ખૂલી ગઈ પણ ઍડ‍્મિશન પુરાણ તો 

ચાલુ જ છે, ધોનીના દિવસો હવે ભરાઈ ગયા છે. સાલા બધા જ ચોર છે, કોઈને કામ કરવું જ નથી. આ અને આવાં વાક્યો સિવાય કૉમન મૅન ભાગ્યે જ બીજા સંવાદો કરતો હોય છે.

કેટલીક પંક્તિઓ મને અતિપ્રિય છે. એમાંની ઉપરની એક છે. દોઢસો-બસો વર્ષ પહેલાં લખાયેલી આ પંક્તિ આજે પણ પ્રસ્તુત લાગે છે. આ પંક્તિઓમાં બે વ્યક્તિના મિલનની ભાવપૂર્ણ વાત છે, ગૂઢાર્થ છે. બે વ્યક્તિઓની ચાર આંખો મળે તો ચોસઠ દાંત પ્રસન્નતા અનુભવી હસે છે. ને એ બે પ્રેમીઓનાં ૨૦ આંગળાં સામસામે જોડાય ત્યારે શરીરની સાત કરોડ રુવાંટીઓ ઝણઝણી ઊઠે છે.

પ્રેમીજન સે પ્રેમીજન મિલે. આ કંઈ દુન્યવી પ્રેમીજનોની વાત નથી. આશિક-માશુકાની તો નથી જ. વાત છે સંત સમાગમની, બે જ્ઞાની પુરુષોના-વ્યક્તિના મિલનની. બે ભક્તજનોના ભેગા થવાની. આવી બે વ્યક્તિ જ્યારે મ‍ળે છે ત્યારે જે સંવાદ રચાય છે એમાં જીવનનું તત્ત્વદર્શન થાય છે. દા. ત. બે મૌલવીનું મિલન થાય છે. એક મૌલવી નમાજ પઢતા હતા ત્યારે બીજા મૌલવી ત્યાં જઈ ચડ્યા. નમાજ પછી બીજા મુલ્લાએ પૂછ્યું, ‘ખુદા સે ક્યા માંગા?’ મુલ્લાએ કહ્યું, ‘માંગા કુછ નહીં, સિર્ફ નસિહત દી.’

અય ખુદા! કાશ તેરા ભી એક ખુદા હોતા તો
તુઝે ભી યે એહસાસ હોતા કી દુઆ કુબૂલ
ન હોને સે કિતની તકલીફ હોતી હૈ!

ભાગવત પુરાણમાં ઉદ્ધવજી અને વિદુરનું મિલન આવા પ્રકારના સંવાદોથી ભરપૂર છે. ઉદ્ધવજી વિદુરને કહે છે કે ‘હું અને ભગવાન શ્રીકૃષ્ણ ગોઠડી કરતા હતા ત્યારે ભગવાને આપને યાદ કર્યા હતા.’
‘ખરેખર પ્રભુએ મને યાદ કર્યો હતો?’
‘એક નહીં, ત્રણ-ત્રણ વાર વિદુરજી. અને તમારા માટે ઋષિ મૈત્રેયજીને ખાસ આજ્ઞા પણ કરી છે.’
‘શું?’ વિદુરજીએ એકદમ અધીરા થઈ પૂછ્યું.
‘કહ્યું કે બધાને મેં કંઈ ને કંઈ આપ્યું છે પણ મારા વિદુરજીને કંઈ નથી આપ્યું.’
અધવચ્ચે જ વિદુરજી ટહુક્યા, ‘શું? તેમણે ‘મારા વિદુરજી’ કહ્યું? ખરેખર ભગવાન આવું બોલ્યા?’
ઉદ્ધવ હસતાં-હસતાં બોલ્યા, ‘મારે ખોટું બોલવાનું શું કારણ હોય? તેમણે કહ્યું કે વિદુરને આમ તો હું બીજું શું આપવાનો? મારા વતી તેમને ભાગવતનું જ્ઞાન આપજો.’

વિદુરની આંખમાં આંસુ આવી ગયાં. ભગવાને ‘મારો વિદુર’ કહ્યું, હવે મારે આ દુન્યવી દુનિયા શું કામની? ભગવાન જેને ‘મારો’ કહે છે તેનો બેડો પાર થઈ જાય છે. માણસ ભલે રોજ જાપ જપતો હોય

ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ,
ત્વમેવ બંધુશ્ચ સખાત્વમેવ
ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ
ત્વમેવ સર્વ મમ દેવ દેવ

મંદિરમાં પ્રભુને રોજ-રોજ કહે, તમે મારા માતા, પિતા, ભાઈ, મિત્ર, વિદ્યા, ધન, સર્વેસર્વ છો! હું તમારો જ છું! અને ઘરે આવીને પત્નીને કહે, હું તારો છું! મંદિરમાં જે ભગવાનનો હતો તે ઘરે આવીને બીજાનો થઈ ગયો! મનુષ્ય કોઈ જીવનો છે ત્યાં સુધી ભગવાનનો થઈ શકતો નથી. પણ અહીં ખુદ ભગવાન વિદુરને ‘મારો’ કહીને સંબોધે છે. ભગવાને વિદુરને ‘મારો’ કહ્યો ને વિદુરે ‘મારાપણું’ ત્યાગી દીધું. વિદુર મૈત્રેય ઋષિના આશ્રમમાં બદરીનાથ જવા નીકળી ગયા.

મૈત્રેય ઋષિ વિદુરજીનું સ્વાગત કરે છે. વિદુર તેમને સાષ્ટાંગ પ્રણામ કરવા જાય છે ત્યારે મૈત્રૈય તેમને રોકતાં કહે છે, ‘તમે મહાપુરુષ છો. ભગવાને તમને તેના ગણ્યા છે, જેને ભગવાને પોતાના ગણ્યા છે તે મારે મન ભગવાન જ છે. આમ પણ તમે યમરાજના અવતાર છો.’

વિદુરજી આશ્ચર્યમાં પડી ગયા, ‘હું યમરાજાનો અવતાર? હું દાસીપુત્ર, જાતિહિન યમરાજાનો અવતાર?’
ઋષિએ તેમના પૂર્વજન્મની વાત કહી.

એક વાર એક ચોર રાજમહેલમાંથી ચોરી કરીને ભાગ્યો. રાજાના સિપાઈઓ પાછળ દોડ્યા. ચોર એક, સિપાઈઓ અનેક. ચોરને બચવું મુશ્કેલ લાગ્યું. તેણે ચોરીનો માલ માંડવ્ય ઋષિના આશ્રમમાં ફેંકી દીધો અને એક કૂવામાં ભૂસકો મારી સંતાઈ ગયો. સિપાઈઓ મુનિના આશ્રમમાં ઘૂસ્યા. ચોરીનો માલ આશ્રમમાં જોઈને હેબતાઈ ગયા. મુનિને ચોરનો સરદાર સમજી પકડીને રાજા પાસે લઈ ગયા. રાજાએ મુનિને શૂળી પર ચડાવવાનો હુકમ કર્યો. માંડવ્ય મુનિને શૂળી પર ચડાવવામાં આવ્યા, પણ પોતાના યોગબળથી શૂળી પર સમાધિ લગાવી ૨૪ કલાક બેસી રહ્યા. રાજાને આ વાતની જાણ કરવામાં આવી. રાજા ગભરાયો. થયું કે આ કોઈ મહાન સંત લાગે છે. માંડવ્યને શૂળી ઉપરથી ઉતારી એમનાં પગમાં પડી ગયા.

માંડવ્ય મુનિ વિચારે છે કે ક્યા પાપ, કયા કર્મને કારણે મારે આ કષ્ટ ભોગવવું પડ્યું, મને મોતના દરવાજા સુધી લઈ આવવાની ધૃષ્ટતા યમરાજે કેમ કરી? સીધા પહોંચ્યા યમરાજા પાસે. યમરાજે ખુલાસો કરતાં કહ્યું કે તમે ત્રણ વર્ષના હતા ત્યારે એક પતંગિયાને તમે કાંટો ભોંક્યો હતો. એ બદલ તમને આ સજા કરવામાં આવી છે. પાપ જાણીને કરવામાં આવે કે અજાણતાં, પણ એની સજા ભોગવી જ પડે છે. પુણ્ય કૃષ્ણાર્પણ થઈ શકે, પાપ નહીં. પાપ જાતે ભોગવવું પડે, પુણ્ય પ્રભુને અર્પણ કરવું પડે. ખેર, યમરાજાનો જવાબ મુનિને ગળે ઊતર્યો નહીં. બોલ્યા, ‘યમરાજ, તમે શાસ્ત્રજ્ઞ છો. શાસ્ત્રમાં આજ્ઞા છે કે કોઈ મનુષ્ય અજ્ઞાન અવસ્થામાં કોઈ પાપ કરે તો એ પાપ કહેવાતું નથી. ‘જાણતાં-અજાણતાં’ વાત જુદી છે, અજ્ઞાન અ‍વસ્થા જુદી છે. હું બાળક હતો, અજ્ઞાન હતો, પાપ કે પુણ્ય શું છે એ જાણતો જ નહોતો. તમે મને ગેરવાજબી સજા કરી છે. તેથી હું શાપ આપું છું કે તમારો જન્મ શૂદ્ર યોનિમાં થશે.’

મૈત્રેયે આ રહસ્ય વિદુરને કહ્યું. દેવની ભૂલ થાય તો મનુષ્ય બને, મનુષ્યની ભૂલ થાય તો પશુ બને. પછી મૈત્રેયે વિદુરજીને ભાગવત જ્ઞાન આપ્યું. બે જ્ઞાની, બે વિદ્વાનો, બે ભક્તો સંવાદ કરે છે ત્યારે જીવનનો ઉર્ધ્વગામી બનાવવાના આશયથી જ કરે છે. અજ્ઞાની અને સામાન્ય માણસના સંવાદમાં છીછરાપણું, વ્યવહાર, ઢોંગ, સ્વાર્થ હોય છે. એક પોતાનાં વખાણમાંથી ઊંચો આવતો નથી, બીજો પોતાની ચાલાકી, હોશિયારીની ગાથા ગાતાં થાકતો નથી. અને નવાઈની વાત તો એ છે કે બોલે છે બન્ને, પણ સાંભળતું બન્નેમાંથી કોઈ નથી.

જ્ઞાની સે જ્ઞાની મિલે કરે જ્ઞાન કી બાત
ગધે સે ગધે મિલે, કરે લાતમ લાત

અને છેલ્લે...

સૌથી મોટી વિકટ પરિસ્થિતિ એક અજ્ઞાની અને એક જ્ઞાની મળે ત્યારે ઊભી થાય છે. એક સંત અને ચોરના સમાગમની વાત આમ તો હસવા જેવી છે, પણ મનન કરવા જેવી પણ છે. સંત અજ્ઞાનીનું અજ્ઞાન દૂર કરવા માગે છે, પણ ચોર પોતાની આદતથી મજબૂર છે. તે સંત પાસેથી બોધ તો ગ્રહણ કરે છે પણ એમાં તેનો સ્વાર્થ છે, ચાલાકી છે.

એક ચોરની વીંટી ખોવાઈ ગઈ. ચોરેલી વીંટી હતી એટલે આંગળીમાં બરાબર બંધ બેસી નહોતી. કીમતી વીંટી હતી. ચોરે ઘણું વિચાર્યું કે ક્યાં પડી ગઈ હશે કે ક્યાં પોતે કાઢીને મૂકી હશે? તે જે રસ્તે ગયો હતો ત્યાં શોધવાનું શરૂ કર્યું. રસ્તામાં એક સંત પ્રવચન આપતા હતા. થાકેલો ચોર એક ઓટલા પર બેસીને સંતવાણી સાંભળવા રોકાયો. સંતના પ્રવચનમાં તેને રસ પડ્યો. સરળ અને મધુર વાણી હતી. તેમણે કહ્યું, ‘માણસ પાપ શું કામ કરે છે? ચોરી શું કામ કરે છે? ગુનો શું કામ કરે છે? માણસ જન્મજાત ચોર, પાપી કે ગુનેગાર હોતો નથી. સંજોગો તેને બનાવે છે, સમાજ તેને મજબૂર કરે છે. એટલે કોઈ એક માણસ ગુનો કરે છે ત્યારે આખો સમાજ એના માટે જવાબદાર હોય છે. પણ આથી ગુનેગાર જવાબદારીમાંથી છટકી નથી જતો. એટલે સુખી થવું હોય તો સત્યની રાહે ચાલો, પાપથી દૂર રહો, ગુનાથી ડરો, બૂરી આદત જેવી કે સિગારેટ, દારૂ, વેશ્યાગમનથી દૂર રહો.’

આ પણ વાંચો : તારક મહેતાના 11 વર્ષઃ જાણો આ હિટ શો વિશે કેટલીક રસપ્રદ વાતો

આ સાંભ‍ળીને ચોર આનંદથી તાળીઓ પાડી નાચવા લાગ્યો. દોડીને સંતના પગમાં પડી ગયો. સંતે પૂછયું કે વત્સ, તું મારા આ પ્રવચનથી આટલો બધો પ્રભાવિત થઈ ગયો? ચોરે કહ્યું કે તમે સાચું બોલવાનો આગ્રહ રાખો છો એટલે હું સાચું જ બોલીશ. પછી તેણે વીંટી ખોવાયાની વાત કરી અને અંતમાં કહ્યું કે તમે જેવા ‘વેશ્યાગમન’ શબ્દ બોલ્યા કે મને યાદ આવ્યું કે મેં વીંટી ત્યાં કાઢીને મૂકી છે. મારે જલદી જવું જોઈએ. આપનો ખૂબ-ખૂબ આભાર. ચોર દોડીને ભાગી ગયો!
સંત દિગ્મૂઢ બની ગયા. કભી કભી ઐસા ભી હોતા હૈ!

Pravin Solanki columnists