સૂંઘન કો બાસ નાક દઈ, અરું આંખ દઈ જગ જોવન કો

15 July, 2019 11:46 AM IST  |  મુંબઈ ડેસ્ક | પ્રવીણ સોલંકી - માણસ એક રંગ અનેક

સૂંઘન કો બાસ નાક દઈ, અરું આંખ દઈ જગ જોવન કો

પ્રવીણ સોલંકી

માણસ એક રંગ અનેક

ઈશ્વરે સુંઘવા માટે નાક દીધું, આંખ દીધી જગ જોવા માટે, હાથ દીધા દાન કરવા માટે, પગ દીધાં પૃથ્વી ધુમવા માટે, કાન દીધા કથાશ્રવણ કરવા માટે ને જીભ ભજન કરવા માટે. કવિ ગંગ કહે છે શરીરનાં આ બધાં અંગો સતકર્મ કરાવે છે, માત્ર એક પેટ જ અંગ એવું છે જે પાપ કરાવે છે, લાજ મુકાવે છે. ભીષ્મ પિતા જેવા ભીષ્મપિતામહને જ્યારે પૂછવામાં આવ્યું કે તમે મહાપાપી મહાભીરુ એવા દુર્યોધનને સાથ કેમ આપો છો? ત્યારે એમણે જવાબ આપ્યો હતો કે હું લાચાર છું, મેં દુર્યોધનનું અન્ન ખાધું છે, જેને ભાણે જમ્યા એ ભાણાનું ઋણ મારે ચૂકવવું જ રહ્યું. ધર્મ કરતાં ભૂખ બળવાન બની ગઈ! કવિ ગંગની વાણીને પુષ્ટિ મળી ગઈ. પેટ કરાવે વેઠ કે પેટને કાજ માણસ મૂકે લાજ આ અને આવી અનેક કહેવતો-ઉક્તિઓ છે, પણ એમાં કેટલું સત્ય છે?

ઘણા વિદ્વાનોએ વારંવાર શંકા કરી છે કે શું કેવળ દુર્યોધનનું અન્ન ખાવાને કારણે ભીષ્મપિતામહ અધર્મને પડખે ઊભા રહ્યા? ‘દુર્યોધનનું અન્ન’ એટલે શું? હસ્તીનાપુરની ધરતી પર કૌરવ-પાંડવ કુળના પૂર્વજોનો અધિકાર હતો. ભીષ્મ જેવા મહાવીર, મહાજ્ઞાની આવું અવિચારી કારણ તો ન જ આપે. હકીકત એ હતી કે ભીષ્મ કુરુકુળની રક્ષા માટે વચનબદ્ધ હતા, શાસ્ત્રોમાં વચનપાલન માટે સ્વની, સ્વધર્મની આહુતિ આપવાના અસંખ્ય દાખલાઓ છે.

ખેર, દરેક યુગને પોતાની એક આગવી સંસ્કૃતિ-પ્રકૃતિ હોય છે, પણ દરેક યુગમાં સ્વમાન અને સ્વાભિમાનથી જીવવાની તલપ એકસરખી રહી છે. સ્વમાન ને સ્વાભિમાન ખાતર પ્રાણત્યાગ કરવાનાં અસંખ્ય ઉદાહરણો ઉપલબ્ધ છે. આજના યુગમાં પણ એવા અસંખ્ય માણસો છે જેનું સ્વમાન આપણે ખરીદી શકતા નથી કે એવા લોકો પોતાનું સ્વાભિમાન ગીરવે રાખી શકતા નથી. માત્ર પેટને ખાતર તો નહીં જ. બ્રહ્માંડમાં ૮૪ લાખ જીવાત્મા છે. એમાં માણસ સિવાય કોઈ ધન કમાતું નથી ને બહુ ઓછા જીવ અન્ન પર નભે છે. એમાં પણ વિસંગતિ એ છે કે કેટલાક પાસે ખાવા માટે અન્ન નથી તો કેટલાક પાસે પચાવવા માટે પેટ નથી.

સ્વાભિમાન સ્વમાન વિશે આજના લેખનું ઉદ્ગમસ્થાન મારા પ્રિય મિત્ર, બીજેપીના ગુજરાતી વિભાગના પ્રમુખ, શિક્ષણ, સાહિત્ય અને સંસ્કૃતિ પ્રત્યે અનહદ આદર ધરાવનાર શ્રી ભાર્ગવ પટેલ છે. ભાર્ગવભાઈ અમારા સંકટ સમયની સાંકળ છે અને એ સાંકળ ખેંચવા જ્યારે હું તેમને મળ્યો ત્યારે મને તેમણે આદરેલા એક નવા અભિયાનની વાત કરી. અભિયાનનું નામ છે ‘નેકી કી દીવાર’. મુખ્ય સૂત્ર છે ‘તમારું સ્વાભિમાન, મારું અભિમાન’. શું છે આ અભિમાન?

ભાર્ગવભાઈએ એક સરસ વાત કરી. લંડનની એક આલિશાન હોટેલમાં મિત્રો તેમને કૉફી પીવા લઈ ગયા. ચાર મિત્રો હતા, ઑર્ડર છ કૉફીનો અપાયો. પટેલ ચોંક્યા, પૂછ્યું કે આપણે ચાર છીએ, છ કૉફીનો ઑર્ડર કેમ? મિત્રે કહ્યું કે સામે જે બોર્ડ છે એના પર નજર રાખ. ક્ષણભર પછી ઇલેક્ટ્રૉનિક અક્ષરોમાં સૂચના વહેતી થશે, ‘ટૂ ગેસ્ટ વેલકમ’. પટેલે પૂછ્યું, ‘એટલે?’ મિત્રે સમજાવતાં કહ્યું કે આ હોટેલમાં કૉફી પીવી એક લહાવો છે. હોટેલ મોંઘી છે. સામાન્ય લોકો આ લહાવો ક્યારેય ન લઈ શકે. મૅનેજમેન્ટે એક સ્કીમ કરી. હોટેલમાં આવતા ધનાઢ્ય ગ્રાહકો પોતાને ખર્ચે સામાન્ય માણસને આ લહાવો લેવાની સગવડ પૂરી પાડે. આપણે એવા બે ભાગ્યશાળીઓને એ સગવડ આપી.

આપણા સમાજમાં એવા અસંખ્ય લોકો છે જે મોટી હોટેલમાં કૉફી પીવાનો લહવો તો દૂરની વાત છે, જીવનજરૂરિયાતની ચીજથી પણ વંચિત છે. વળી આ વર્ગ એવો છે જે હાથ કપાવી શકે છે, પણ હાથ લંબાવી શકતો નથી. સ્વમાન જાળવી રાખવા અપમાન ઓકી નાખવાનું વધારે પસંદ કરે છે, કોઈની પાસે માગી શકતો નથી. કોઈને પોતાની વ્યથા કહેતો નથી. જે મળતું નથી એનું દુ:ખ મનમાં ધરબી, જે મળે છે એને માણે છે. સારી રીતે જીવવાનાં અરમાનો તો છે, પણ એ અરમાનો સ્વમાનને ભોગે પૂરાં કરતો નથી.

એક બીજી વાસ્તવિક પરિસ્થિતિ એ પણ છે કે સમાજમાં એવા અસંખ્ય અબાલ, વૃદ્ધ, યુવાનો સંજોગના શિકાર બન્યા હોય છે. પોતાની જાત ઘસીને, પરસેવો પાડી પાળીપોષીને મોટાં કરેલાં સંતાનોએ તરછોડેલાં મા-બાપો, અસાધ્ય રોગથી પીડાતા, અપંગ અવસ્થામાં જીવતા નિરાધારો, બાળપણમાં જ માતા-પિતાની છત્રછાયા ગુમાવી બેઠેલા અભાગીઓ, પતિથી તરછોડાયેલી કે પતિને ભરયુવાનીમાં ગુમાવી બેઠેલી ગૃહિણીઓ, નિ:સંતાન વિધવાઓ વગેરે-વગેરે જુદા-જુદા પ્રકારની વ્યક્તિઓનાં જુદાં-જુદાં સપનાંઓ હોવાનાં જ. નાની-નાની ઇચ્છાઓ સપના જેવી લાગે એ વાત જ હૈયું હલબલાવી નાખે એવી છે. કેવાં હોય છે આ સપનાંઓ? કોઈને પલંગ પર સૂવાનાં સપનાંઓ, કોઈને મોંઘાં-સારાં કપડાં પહેરવાનાં, કોઈને કીમતી દરદાગીના પહેરવાના, કોઈને મોટી હોટેલમાં લંચ-ડિનર લેવાનાં. કોઈને ઘરમાં એસી, પંખો, ફ્રિજ, અવન હોય એનાં. કેટલાંકનાં સપના તો એવાં હોય છે કે પોતાની પાકી ‘ખોલી’ (રૂમ-ઓરડી) હોય, ખોલીમાં વીજળી હોય, ઊભું રસોડું હોય! ઇચ્છાને લગામ નથી, પણ અહીં જીવનની પાયાની જરૂરિયાત સપનું લાગે એ વિટંબણા છે.

‘જન્મીને મરી જવું’ બસ એટલી જ વાત છે
એમાં તો માનવીને કેટલી પંચાત છે?

ભૂતકાળમાં અને વર્તમાનકાળમાં પણ સામાન્ય માણસના સન્માનને જાળવીને તેને મદદ કરવાના પ્રયત્નો ઘણી સંસ્થાઓ-વ્યક્તિઓએ કર્યા છે ને કરી રહી છે. આવી યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ એ હોય છે કે વ્યક્તિ કે કુટુંબ પાસે જે વસ્તુ વધારાની હોય કે અતિરેક હોય, જે વસ્તુ તેમના કામની ન હોય; પણ અન્ય માટે તેમની મૂળભૂત જરૂરિયાત બને એમ હોય : દા.ત.: ફર્નિચર, દવા, કપડાં, દાગીના, પુસ્તકો, ઇલેક્ટ્રૉનિક સામાન વગેરે વગેરે કોઈ પણ ચીજ આવી સંસ્થામાં જમા કરાવે અને આ સંસ્થા જરૂરિયાતમંદોમાં એનું વિતરણ કરે. બહુ જ જાણીતી અને પ્રચલિત એવી આ યોજનાને ‘નેકી કી દીવાર’ નવો ઓપ આપી એને વિસ્તારવા માગે છે.

સદવિચારમાં એક ઉક્તિ છે કે યોગી ન બનો તો ચાલશે, પણ ઉપયોગી બનો.

દરિયો ભલે માને કે એનામાં પાણી અપાર છે
પણ એને ખબર છે એ નદીએ આપેલું ઉધાર છે

આપણી સિદ્ધિ-સફળતા સમાજે આપેલા ઉધારનું પરિણામ છે. એને પરત કરવું એ આપણી પાયાની ફરજ છે. જે વસ્તુ તમે બીજાને આપી શકતા નથી એના તમે માલિક નહીં, ગુલામ છો. આ વાક્યનો અર્થ સમજાશે તેમને આવી યોજનાઓની સાર્થકતા સમજાશે.

આ પણ વાંચો : તમે જોયા હ્રિતિક રોશનના આ કેન્ડિડ ફોટોસ?

અને છેલ્લે...

એક સત્યઘટના યાદ આવે છે. મહાત્મા ગાંધી વિશે એક પરિસંવાદ હતો. ‘અભાગી માણસ મારો ઈશ્વર છે’ ગાંધીજીના આ વિધાન પર મારે બોલવાનું હતું. મેં ત્યારે કહેલું કે મહાત્મા ગાંધીએ કરેલા આ વિધાનની પાછળ ઉત્તમોત્તમ ભાવના છે. દરો પણ અભાગી એટલે શું? જે ગરીબ છે, દુ:ખી છે, સંઘર્ષયુક્ત છે. સગવડ વિનાના છે એ! જેની પાસે ધન છે, સુખસાહ્યબી છે એ બધાં ખરેખર બડભાગી છે? અભાગી શબ્દ મને ખૂંચે છે. એ જગ્યાએ પીડિત શબ્દ મને યોગ્ય લાગે છે. માણસ ક્યારેય અભાગી હોતો નથી, તેના સંજોગો અનુકૂળ નથી હોતા. એક દાખલો બધાને ખૂબ ર્સ્પશી ગયો. સત્ય ઘટના. એક નિ:સંતાન શ્રીમંત દંપતી અનાથ આશ્રમમાં સંતાન દત્તક લેવા જાય છે. સંચાલક સારા, ચાલાક, હોશિયાર, તંદુરસ્ત બાળકો એક પછી એક દેખાડે છે; પણ દંપતી કહે છે કે અમને એવું બા‍ળક આપો જે કુરૂપ હોય, જેને અપનાવવા કોઈ તૈયાર ન થાય એવું. સંચાલકનું મસ્તક દંપતી સામે ઝૂકી ગયું.

columnists Pravin Solanki