ઇન્સાન કહતા હૈ કિ પૈસા આએ તો કુછ કરકે દિખાઉં

24 June, 2019 10:34 AM IST  |  મુંબઈ | પ્રવીણ સોલંકી - માણસ એક રંગ અનેક

ઇન્સાન કહતા હૈ કિ પૈસા આએ તો કુછ કરકે દિખાઉં

ભારતીય ચલણ

માણસ એક રંગ અનેક 

લોકો કહે છે કે જીવવા માટે માત્ર પૈસા જરૂરી નથી, પણ હકીકત એ છે કે પૈસા વગર જીવવું એટલે મરવાને વાંકે જીવવું. પૈસા વિશે ભલું-બૂરું ઘણુંબધું લખાયું છે, પણ જે કંઈ લખાયું છે એ વાસ્તવિકતાથી ઘણુંબધું જુદું છે. અનાદિકાળથી કહેવાતું આવ્યું છે કે પૈસો સર્વ પાપનું મૂળ છે, પણ અનાદિકાળથી માણસો એ જ પાપ કરવામાં મશગૂલ છે. ભલે કહેવાયું હોય કે પૈસો હાથનો મેલ છે; પણ લગભગ બધા જ ઇચ્છતા હોય છે કે તેમના હાથ મેલા થાય, વધારેમાં વધારે મેલા થાય. ભલે કહેવાતું હોય કે પૈસાથી સુખ ખરીદી શકાતું નથી, શાંતિ ખરીદી શકાતી નથી, પ્રેમ ખરીદી શકાતો નથી, લાગણી ખરીદી શકાતી નથી, ઊંઘ કે આરામ ખરીદી શકાતાં નથી. પણ સૌથી મોટી અને મહત્ત્વની વાત એ છે કે પૈસાથી માણસ ખરીદી શકાય છે, ભૂતકાળમાં પણ અને આજે પણ. એટલે જ્યાં સુધી માણસ ખરીદી શકાય છે ત્યાં સુધી પૈસાની મહત્તા ઘટવાની નથી જ. વળી માણસ સાથે સાધન, સગવડ, દરદાગીના, મકાન, કપડાં પૈસાથી જ ખરીદી શકાય છે. અને આમ આદમી આ સાધન-સગવડને જ સુખ માનીને જીવે છે. ભલે આ સુખ આભાસી છે, પણ સર્વવ્યાપી છે.

‘બાપ ભલા ના ભૈયા, ભૈયા સબ સે બડા રૂપૈયા...’ નાનપણમાં આ ગીત સાંભળતો-ગાતો ત્યારથી રૂપિયાની કિંમતનો અંદાજ આવી ગયો હતો. રૂપિયાના ત્રણ સાથીઓ એટલે તિજોરી, પાકીટ અને ખિસ્સું. આ ત્રણેય જો ખાલી હોય તો ભરવાની ચિંતા અને ભરેલાં હોય તો ખાલી ન થઈ જાય એની ચિંતા.

શબ્દકોશમાં રૂપિયાનો અર્થ ભારતીય ચલણ, લક્ષ્મી, ધન, દોલત વગેરે ભલે હોય; પણ રૂપિયાના બીજા ઘણા અર્થો-અનર્થો છે. રૂપિયા થકી અનેક કહેવતો-ઉક્તિઓ આપણને મળેલી છે. ‘પૈસા દેવ, પૈસા ધર્મ, પૈસા સબ કુછ ભાઈ, પૈસા રાજા રાજ કરાવે, પૈસા કરે લડાઈ’ કે પછી પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ, ખાલી ખિસ્સે આમ હું, ભરેલો બનું ખાસ.’ બોલચાલની ભાષામાં રૂપિયા-પૈસા માટે આપણે કેટલા બધા રૂઢિપ્રયોગો વાપરીએ છીએ. જેવા કે રૂપિયાનો ગુલામ, પૈસો બોલે છે, રૂપિયા નાચ નચાવે, પૈસો બોલે છે ત્યારે સત્ય ચૂપ રહે છે, નાણા વગરનો નાથિયો ને નાણે નાથાલાલ, લક્ષ્મી ચંચળ છે, લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે કપાળ ધોવા ન બેસાય, પૈસો પાળ બાંધે, પૈસો જા‍ળ ગૂંથે, રૂપિયાને માન છે, રૂપિયો રૂપિયાને ખેંચે. એટલે કે એક વાર થોડા પૈસા બનાવો પછી આપોઆપ રૂપિયા બનતા જાય. આ રૂપિયો ખોટો છે, બોદો છે એટલે માણસ નકામો છે, અવિશ્વાસુ છે. પૈસા ખાવા એટલે લાંચ લેવી. રૂપિયો આપવો એટલે વિવાહનું બાનું આપવું. રૂપિયાના ચાર આના કરવા એટલે નુકસાની કરવી. લાખ રૂપિયાનું માણસ છે એટલે માણસ કીમતી, ભલો-ભોળો છે. રૂપિયાને આભડછેટ ન હોય એટલે રૂપિયો કોઈ પણ પ્રકારે હાથમાં આવે તો ચાલે. કાદવમાં પડેલો રૂપિયો પણ લોકો સ્વીકારી લે. રૂપિયા ઉડાવવા એટલે ન જોઈતો ખર્ચ કરવો. રૂપિયા ઊપજવા એટલે મૂળ કિંમત કરતાં વધારે વળતર મળવું, રૂપિયા ડૂબી ગયા એટલે નુકસાની થઈ, પૈસા પાણીમાં ગયા એટલે ફાયદો ન થયો, પૈસા ખોટા થયા એટલે આવેલા પૈસા પાછા ન મળવા, પૈસા નાખવા એટલે રોકાણ કરવું, પૈસા નાખી દીધા એટલે નુકસાન કરવું. પૈસા લગાવ્યા એટલે જોખમ ખેડવું, રોકાણ કરવું. પૈસાનાં કંઈ ઝાડ નથી ઊગતાં એટલે પૈસો કમાવા ખૂબ મહેનત કરવી પડે છે. પૈસાનું પાણી કરવું એટલે ખૂબ પૈસા વાપર્યા છતાં ફાયદો ન થયો. પૈસાને શું મધ મૂકીને ચાટીએ એટલે માત્ર પૈસાની કોઈ કિંમત નથી. પૈસા વગરનો થેલો અને સાબુ વગરનો ઘેલો એટલે ગરીબની કોઈ કિંમત નહીં, પૈસાવાળાને માન.

પૈસો મારો પરમેશ્વર ને બૈરી મારી ગુરુ
છૈયાછોકરા શાલિગ્રામ તો સેવા કોની કરું?

અર્થાત્ સંસારની માયાજાળ અને ધનદોલતમાં રચ્યાપચ્યા માણસને ઈશ્વરને ભજવાનો સમય કયાંથી મળે? પૈસા માટે મહાત્મા ગાંધીએ વર્ષો પહેલાં ‘હરિજન બંધુ’માં એક ખૂબ મનનીય લેખ લખેલો કે ભણવાનો સૌથી સારો રસ્તો ભણાવવું એ જ છે. જ્ઞાન આપવાથી બમણું થાય છે એ બહુ જાણીતી કહેવત છે. પૈસાની બાબતમાં લોકોની માન્યતા એથી ઊલટી છે, પરંતુ એ ભૂલભરેલી છે. પૈસો પણ આપવાથી વધે છે ને સંઘરી રાખવાથી ઘટે છે. કુરાનમાં એક ઠેકાણે કહ્યું છે કે પૈસો વ્યાજથી નહીં, દાનથી વધે છે. આપણી પાસે પૈસો આવે કે તરત બીજાની પાસે મોકલી દેવો જોઈએ. ફુટબૉલની રમતમાં આપણા તરફ આવેલો બૉલ બીજા પાસે ધકેલે છે અને બીજો ત્રીજા પાસે... આમ કરવાથી જ ગોલ થાય છે. પૈસો અને જ્ઞાન બીજાને આપતા રહો એથી બન્નેમાં વધારો થતો રહેશે. પૈસા સંબંધી ‘મુક્તિનો માર્ગ’ પુસ્તકમાં લખેલું છે કે પુણ્ય, પાપ કે ધર્મ કોઈ પૈસાથી થતાં નથી. પૈસા જડ વસ્તુ છે, એનાથી આત્માનો ધર્મ આત્માનો ધર્મ તો થાય જ નહીં. પૈસા આવવા કે જવા એ બધી જડની ક્રિયા છે, એનો કર્તા જડ છે, આત્મા એનો કર્તા નથી અને આત્માને ને જડની ક્રિયાનું ફળ નથી.

રૂપિયાનો ઇતિહાસ પણ જાણવા જેવો છે. દુનિયાના ઇતિહાસમાં સિક્કાઓ સૌ પહેલાં હિન્દમાં પાડવામાં આવેલા. આજથી ૩૦૦૦ વર્ષ પહેલાં પતરાના કકડા પર વિવિધ સંજ્ઞાઓના ‘પંચ’ મારીને સિક્કાઓ પાડવામાં આવતા. ત્યાર બાદ ઢાળામાં ઢાળીને સિક્કાઓ પાડવાની સાથે હાથી, બળદની આકૃતિઓ પણ આલેખાવા લાગી. એ પછી ગરમ ધાતુ પર જ સીલની માફક ડાઇ વડે ઊંડી છાપ પાડીને સિક્કા પાડવાની શરૂઆત થઈ. પણ પછી ગ્રીકોએ હિન્દ પર સવારી કરતાં તેમના સિક્કાની અસર આપણા સિક્કા પર પડી. અને સિક્કાની એક બાજુ રાજાનો ચહેરો અને બીજી બાજુ કોઈ ચિહ્નિ આલેખવાની પ્રથા શરૂ થઈ. ત્યાર બાદ શકોના સમયમાં એક બાજુ રાજાનું મહોરું અને બીજી બાજુ સૂર્ય-ચંદ્ર વગેરે આકૃતિઓ આવવા લાગી. પછી કુશાનોના કાળમાં એક તરફ રાજાનું ચિત્ર ને બીજી બાજુ ચંદ્રદેવ આલેખાયા. સિક્કાની સાચી કળા શ્રેષ્ઠતાએ પહોંચી સુદન કાળમાં. એ ગુપ્ત કાળમાં સિક્કાઓ પર દેવદેવીઓ તથા સમ્રાટની આકર્ષક આકૃતિઓ આલેખાવા લાગી. ત્યાર બાદ હિન્દમાં મુસ્લિમો આવ્યા. તેમણે સિક્કાઓમાં જબરદસ્ત ક્રાન્તિ આણી. ઇસ્લામના આદેશ અનુસાર કોઈ સજીવ આકૃતિનું આલેખન ન થઈ શકે, પણ શરૂઆતમાં તો તેઓ ભારતીય સિક્કાઓથી પ્રભાવિત થઈ સિક્કા પર ઘોડો, બળદ વગેરે આકૃતિઓ આલેખતા અને નાગરીલિપિનો પણ ઉપયોગ કરતા; પણ ત્યાર બાદ ઇસ્લામી સંસ્કૃતિને અનુસરીને વ્યક્તિની આકૃતિ કે મુદ્રા અંકિત કરવાનું બંધ કરી દઈ માત્ર ઉર્દૂ લિપિમાં જ લખાણ લખવાનો શિરસ્તો તેમણે શરૂ કર્યો! એ પછી મહમ્મદ તઘલખે હલકી ધાતુના સિક્કાઓ ચાલુ કરીને મોટી અંધાધૂંધી ઊભી કરેલી. રૂપિયાને પહેલો વહેલો વ્યવસ્થિત રૂપે શરૂ કરવાનું માન અફઘાન બાદશાહ શેરશાહ સૂરીને જાય છે. તેણે ૧૫૫૨માં ૧૭૬ ગ્રેનના નિશ્ચિત માપનો ચાંદીનો રૂપિયો શરૂ કર્યો. એ પછી અકબરે એને વ્યવસ્થિત કરી એમાં કલાત્વ ઉમેર્યું. મોગલો બાદ અંગ્રેજોએ ફરી ચલણને સ્થિર કરી ૧૮૦ ગ્રેનનો ચાંદીનો જે રૂપિયો શરૂ કર્યો ત્યારથી ભારત સ્વતંત્ર થયું ત્યાં સુધી ચાલુ રહ્યો. એ પછીથી નિકલનો રૂપિયો અસ્તિત્વમાં આવ્યો.

મને બરાબર યાદ છે. આજથી ૫૦-૬૦ વર્ષ પહેલાં ઘરમાં કોઈ શુભ પ્રસંગે રાણીછાપ રૂપિયાને પૂજા-અર્ચનમાં મૂકવાથી પ્રસંગની શાન વધતી. આજે પણ રાણીછાપ રૂપિયાની કિંમત બહુ મોટી ઊપજે છે. ઘણા લોકોએ રાણીછાપ રૂપિયાનો સિક્કો સંઘરી રાખ્યો છે.

રાણી ગઈ, ચાંદી ગઈ; પણ રૂપિયો ટકી રહ્યો છે. રૂપિયાની બોલબાલા ટકી રહી છે. બલકે વધી રહી છે. મહાત્મા ગાંધીનાં કપડાંમાં કોઈ ખિસ્સું નહોતું. આજે બધા ગાંધીને ખિસ્સામાં રાખીને ફરે છે.

આ પણ વાંચો : રિસ્તોં મેં ઝૂકના કોઈ અજીબ બાત નહીં, સૂરજ ભી તો ઢલ જાતા હૈ ચાંદ કે લિએ

અને છેલ્લે...

લક્ષ્મી મહિમાની એક સુંદર કથા : એક માણસ વિષ્ણુ ભગવાનનાં દર્શન કરવા નીકળ્યો. રસ્તામાં ઘણા ઓળખીતાઓ મળ્યા ને વાતચીતમાં મોડું થઈ ગયું. માણસ મંદિરે પહોંચ્યો ત્યારે પડદો પડી ગયો હતો. દર્શન બંધ થઈ ગયાં હતાં. હવે? પાછાં દર્શન ૩ કલાક પછી ખૂલવાનાં હતાં અને માણસ ત્રણ કલાક સુધી રાહ જોઈ શકે એમ નહોતો. તેણે પૂજારીનો સંપર્ક સાધી કહ્યું, મારે ગમે તે હિસાબે દર્શન કરવાં છે. પૂજારીએ કહ્યું કે માફ કરજો, ભગવાનને સુવડાવી દીધા છે અને હવે કોઈ ન જગાડી શકે. માણસે ખિસ્સામાંથી પાંચસો રૂપિયાની નોટ કાઢી પૂજારીના હાથમાં મૂકી. પડદો ખૂલી ગયો. ભક્તે દર્શન કર્યાં ને પાછો પૂજારીને મળવા ગયો. ગુસ્સામાં બોલ્યો, ‘આટલો ભ્રષ્ટાચાર? તમે તો કહેતા હતાને કે ભગવાનને કોઈ જગાડી શકે નહીં?’ પૂજારીએ કહ્યું, ‘મેં ક્યાં જગાડ્યા છે? લક્ષ્મીએ જગાડ્યા છે. આમ પણ ભગવાનને જગાડવાનો અધિકાર માત્ર લક્ષ્મીજીને જ છે.’

Pravin Solanki columnists