રિસ્તોં મેં ઝૂકના કોઈ અજીબ બાત નહીં, સૂરજ ભી તો ઢલ જાતા હૈ ચાંદ કે લિએ

Published: Jun 17, 2019, 12:15 IST | પ્રવીણ સોલંકી - માણસ એક રંગ અનેક

મૂળ વાત ‘જીભ’ની છે. ઘણી વ્યક્તિઓનો મૂળભૂત સ્વભાહવ વાંકું બોલવાનો હોય છે. પોતાની મહત્તા સિદ્ધ કરવામાં અને સામેની વ્યક્તિની ભૂલ કાઢવામાં જ તેમને રસ હોય છે.

પ્રવીણ સોલંકી
પ્રવીણ સોલંકી

માણસ એક રંગ અનેક

સંબંધ એટલે શું? સંબંધ કુદરતી જન્મજાત પણ હોય ને સંબંધ માણસે બનાવેલ પણ હોય, સંબંધ કામના પણ હોય ને સંબંધ આમના પણ હોય, સંબંધ મતલબના પણ હોય ને સંબંધ સમર્પણના પણ હોય. સંબંધો સ્થિતિસ્થાપક હોય છે. સંબંધો કામની દીવાલ છે, પુરાઈ રહેવું ન ગમે તો તોડી શકાય છે અને એ તૂટેલા ટુકડાઓને વળી પાછા જોડી પણ શકાય છે. સંબંધમાં સમસ્યા હોય તો ઘણાને સમસ્યા સાથે જ સંબંધ હોય છે. સાચો સંબંધ એને કહેવાય છે જ્યાં હક ન હોય, શક ન હોય. જ્યાં ‘હું’ ન હોય કે ‘તું’ ન હોય, ‘અમે’ કે ‘આપણે’ હોય. જ્યાં હાર ન હોય, જીત ન હોય. જ્યાં ઘરમાં પણ જીત હોય અને જીતમાં પણ હાર હોય! ખેર, આજે સંબંધ વિશે નહીં, સંબંધ કેમ તૂટે છે એના વિશે વાત કરવી છે.

આજુબાજુ નજર કરો કેટલા સંબંધ કાયમ ટક્યા છે? ભાઈ-ભાઈ વચ્ચેના, બાપ-દીકરા વચ્ચેના, મા-દીકરા વચ્ચેના, મિત્ર-મિત્ર વચ્ચેના, નણંદ-ભોજાઈ વચ્ચેના, પાર્ટનર-પાર્ટનર વચ્ચેના. સમય જતાં તિરાડ પડી જ હોય એવો આપણને સામાન્ય અનુભવ છે. જર, જમીન અને જોરુ એ ત્રણે કજિયાના છોરુ આ કહેવત તો સનાતન છે જ, પણ આ ત્રણ ઉપરાંત પણ આજે બીજાં ઘણાં બધાં કારણો સંબંધ તોડવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે.

સંબંધ તોડવામાં જીભ સૌથી મોટો ભાગ ભજવે છે. જીભમાં હાડકું નથી, પણ એ ભલભલાનાં હાડકાં ભાંગી નાખવાની તાકાત ધરાવે છે. જીભ આડી ચાલે, જીભ વાંકી ચાલે, જીભ કડવી ચાલે, જીભ તોછડી ચાલે, જીભ ન બોલવાનું બોલે ને બોલવાનું હોય ત્યાં ન બોલે ત્યારે અમુક સંબંધ તૂટે જ છે. ખાસ કરીને કુટુંબ-કલેશ જીભને કારણે જ થતાં હોય છે. અમુક વ્યક્તિનો સ્વભાવ સારો હોય, પણ જીભ એટલી આડી ચાલે કે એને તમે કોઈ રીતે પહોંચી જ ન શકો. એક સાસુ-વહુનું ઉદાહરણ જુઓ. વહુને ઊઠતાં સવારના મોડું થયું છે. વહુએ સાસુને કહ્યું,

‘સૉરી મમ્મી, આજે ઊઠવામાં મોડું થયું.’

‘નારે બાઈ, આઠ વાગ્યા એ કાંઈ મોડું થોડું કહેવાય? તું તારે ૧૦ વાગ્યા સુધી સૂઈ રહેને! તને કોણ પૂછવાનું છે?’

‘આમ કેમ આડું બોલો છો? મેં સૉરી કહ્યુંને?’

‘સૉરી કહ્યું એટલે બધું પતી ગયું? આજકાલ લાત મારીને સૉરી કહેવાનો રિવાજ થઈ પડ્યો છે.’

‘હું કાંઈ જાણીજોઈને મોડી નથી ઊઠી, છોકરાને રાતે બે વાગ્યા સુધી લેસન કરાવતી હતી.’

‘હારે, હા, છોકરાને બહાને તું તો ઘણુંબધું કરે છે. હું ક્યાં નથી જાણતી. છોકરાને બહાને પિકચર જોવા જાય છે, ફરવા જાય છે, હોટેલમાં જાય છે. નામ છોકરાનું, કામ તારું.’

‘ખોટું બોલતી હોઉં તો પૂછી જુઓ તમારા દીકરાને.’

‘ચોરનો ભાઈ ઘંટી ચોર, તેને તો તેં મુઠ્ઠીમાં રાખ્યો છેને.’

‘એટલે અમે બધાં જ ખરાબ?

‘નારે ના, આખા ઘરમાં ખરાબ તો હું એકલી જ છું. સાચું બોલું છું એટલે બધાને મરચાં લાગે છે, પણ જ્યારે હું નહીં હોઉંને ત્યારે તમને બધાને ખબર પડશે કે કેટલા વીસે સો થાય છે.’

‘તમે હવે વાતનું વતેસર કરો છો.’

‘હું વતેસર કરું છું, તો તું વાતનો વઘાર નથી કરતી?’

‘બોલો, તમતમારે જે બોલવું હોય એ બોલો, જીભ તમારી છે.’

‘મારી જીભમાંથી કાંટા નીકળે છે, તો તારી જીભમાંથી શું ફૂલો ઝરે છે?

‘પ્લીઝ, તમને હાથ જોડું છું.’

‘હાથ જોડીને હંમેશાં તું પગ ઉલાળે છે, હે ભગવાન, ઉપાડી લે... મને ઉપાડી લે...’ સાસુએ ભેંકડો તાણ્યો!

મૂળ વાત મોડા ઊઠવાની હતી અને વહુએ માફી પણ માગી લીધી હતી. સાસુએ જો એટલું જ કહ્યું હોત કે કાંઈ વાંધો નહીં, બેટા હવે કામમાં જરા ઝડપ રાખજો, તો પરિણામ કેટલું સરસ આવત? આ દાખલો સાસુનો છે એવો વહુનો પણ હોઈ શકે, દીકરાનો કે દીકરીનો પણ હોઈ શકે. મૂળ વાત ‘જીભ’ની છે. ઘણી વ્યક્તિઓનો મૂળભૂત સ્વભાહવ વાંકું બોલવાનો હોય છે. પોતાની મહત્તા સિદ્ધ કરવામાં અને સામેની વ્યક્તિની ભૂલ કાઢવામાં જ તેમને રસ હોય છે. વ્યક્તિ એવા ભ્રમમાં જીવતી હોય છે કે ઘર તેના થકી જ ચાલે છે.

સંબંધ તૂટવાનું બીજું કારણ વ્યક્તિનો અહમ્ હોય છે. હું કહું એ જ સાચું ને હું કહું એ જ થવું જોઈએ એવી જીદને કારણે અસંખ્ય સંબંધો તૂટતા જોવા મળ્યા છે. એક રમૂજ છે, પણ વિચાર કરતા કરી મૂકે એવી પ્રચલિત રમૂજ છે... એક સાસુ મંદિરમાંથી નીકળીને ઘરે જવા નીકળી ત્યાં સામે ગોરમહારાજ મળ્યા, સાસુએ પૂછયું, ‘ગોરમહારાજ,

આપણા ઘરેથી ‘સીધું’ લઈ આવ્યા?’ સીધું એટલે લોટ, ફળફળાદિ, ગોળ-ઘી વગેરે જે બ્રાહ્મણ વારતહેવારે ઘરે-ઘરેથી ઊઘરાવે છે. ગોરે કહ્યું કે ‘હું ઘરે ગયો તો હતો, પણ વહુએ સીધું આપવાની સાફ ના પાડી દીધી.’ સાસુનો પિત્તો ગયો. તેણે ગોરમહારાજને કહ્યું, ‘ચાલો મારી સાથે, વહુની શી મજાલ કે પોતે ના પાડે.’ જેવા ગોર ઘરે પહોંચ્યા કે સાસુએ કહ્યું, ‘હવે હું તમને ના પાડું છું કે સીધું નહીં મળે, ના પાડવાનો અધિકાર મારો છો, વહુનો નહીં.’

જ્યારે અહમ્ ટકરાય છે ત્યારે સમજણ બુઠ્ઠી બની જાય છે અને જીદ તાકાતવાન. અહમની વાત આવે છે ત્યારે સૌથી પહેલાં રાવણની યાદ આવે. અહમને કારણે તેણે રામને દુશ્મન બનાવ્યા, સગા ભાઈ વિભીષણ સાથે સંબંધ તોડ્યો, પણ આ બધું પૂર્વનિર્ધારિત શ્રાપ આધારિત હતું. રાવણનો અહમ્ સાત્ત્વિક હતો, અહમનું પરિણામ તે જાણતો હતો. માણસનો અહમ્ તામસી હોય છે, સારા-નરસાનું તેને ભાન નથી રહેતું. પોતે જે કહે કે કરે છે એનું પરિણામ તેની તરફેણમાં જ આવશે એવો અંધ આત્મવિશ્વાસ હોય છે અને જ્યારે પરિણામ તેની તરફેણમાં નથી આવતું ત્યારે ભાગ્ય કે ભગવાન પર દોષનો ટોપલો ઢોળી દે છે.

સંબંધ તૂટવાનું એક સત્ય કારણ નિજી સ્વાર્થ છે. કહેવાય છે કે જ્યાં શ્વાસ છે ત્યાં સ્વાર્થ છે અને જ્યાં સ્વાર્થ છે ત્યાં સંબંધ એક ઉપહાસ છે. જ્યાં સ્વાર્થ ન સધાતો હોય એવા સંબંધો ટકાવી રાખવામાં ઘણાને રસ નથી હોતો. આના સંબંધો ગિવ ઍન્ડ ટેકના આધારે જ નભતા હોય છે. આપો અને લો, લો અને આપો.

સંબંધ તૂટવાનું એક કારણ ઈર્ષ્યા પણ છે. બે વ્યક્તિઓમાંથી એક વ્યક્તિ આગળવ નીકળી જાય, નામના મેળવે. સત્તા-સમૃદ્ધિ મેળવે એટલે બીજી વ્યક્તિમાં જલન-ઈર્ષ્યા પેદા થાય. લઘુતાગ્રંથિથી પીડાવા લાગે, શંકા થવા લાગે કે હવે તેનું વર્તન બદલાઈ ગયું છે, મારી ઉપેક્ષા કરે છે, મને બરાબર ભાવ નથી આપતો અને આમ સંબંધ તૂટે છે. આને લગતી એક મજાની ઉક્તિ છે કે તમારે જો દુશ્મન જોઈતા હોય તો બીજા કરતાં આગળ જાઓ અને મિત્રો જોઈતા હોય તો બીજાને તમારી આગળ નીકળવા દો. આવી જ ઉક્તિ અહમ્ બાબત પણ છે. અંગૂઠાની જેમ અક્કડ બનશો તો વીંટી પહેરવાનો અધિકાર ગુમાવી દેશો.

ઈર્ષ્યાનો ભાઈ લોભ છે અને લોભને લાલચ હોય છે લાભની. લોભ અને લાભ વચ્ચે સંબંધોની ખાઈ ઊંડી બને છે અને છેલ્લે સંબંધોનું વ્યાકરણ ખરેખર માયાજાળ છે. એ જાળમાં કોણ ક્યારે સપડાય છે અને કોણ, ક્યારે, કઈ રીતે બહાર નીકળી જાય છે એની ખબર જ નથી પડતી. પ્રણયસંબંધો તો રાજકીય સંબંધોને પણ વટલાવે એવા હોય છે. રાજકીય સંબંધોમાં ખુલ્લેઆમ એક પક્ષમાંથી બીજા પક્ષની વાડમાં કૂદી પડે છે, જ્યારે પ્રણયસંબંધોમાં સંતાકૂકડી રમાતી હોય છે. કોણ, ક્યારે, કેવી રીતે કોને છેતરી જશે અને કોણ કોને છલકાવી દેશે એની ગંધ સુધ્ધાં આવતી નથી. જેમ સંબંધોનું વ્યાકરણ અટપટું છે એમ એનું ગણિત પણ અટપટું છે. ભાગાકાર ક્યારેક ગુણાકાર બની જતા હોય છે તો બાદબાકી ક્યારેક સરવાળો બની જાય છે. સંબંધોનો ઇતિહાસ જેટલો સોનેરી છે એટલો કાળો પણ છે. સંબંધોની ભૂગોળને કોઈ સીમાડા નથી હોતા તો સંબંધોની મર્યાદા અતિ સંકુચિત પણ હોય છે. સંબંધો નામના હોય છે તો કામના પણ હોય છે. સંબંધો બંધાય છે ત્યારે ક્યારેક ઢોલ-નગારાં પીટી, પેંડા-બરફી વહેંચી એની જાહેરાત થાય છે, સંબંધો તૂટે છે ત્યારે ચૂપચાપ તૂટે છે. સંબંધો જીવનનું બળ છે તો છળ પણ છે. સંબંધો ક્યારેક ઘેનમાં લાવી દે છે તો ક્યારેક આંખ ઉઘાડી પણ નાખે છે. સંબંધો જીવનનો ભાર અને આભાર બન્ને બની રહે છે. ખરેખર સંબંધની માયા અપાર છે.

સમાપન

સંબંધો રાધા-કૃષ્ણના ને સંબંધો મીરા-શ્યામના ખૂબ વંચાણા, ખૂબ ગવાણા, ખૂબ જ ભજવાણા. રાધા-કૃષ્ણના સંબંધમાં કોઈ ત્રીજું નામ નહોતું. પણ મીરા-શ્યામના સંબંધો વચ્ચે રાણા અવારનવાર ડોકાતા હતા. ‘ઝેર તો પીધાં છે જાણી જાણી... મેવાડા રાણા, અમે ઝેર તો પીધાં છે જાણી જાણી’ કે ‘રાણાજી અમને શ્યામરંગ લાગ્યો.’ મીરાએ પોતાની વ્યથા, કથા કે મનની વાત આડકતરી રીતે ઘણી વાર રાણાને કહી છે, પણ રાણાએ પોતાની વ્યથા કોઈને કહી હોય એવું વાંચ્યું કે સાંભળ્યું છે? મેવાડના ઇતિહાસમાં રાણાનું સ્થાન તો અદકેરું હતું જ, પણ મીરાના હૃદયમાંથી પણ રાણા ક્યારેય પદભ્રષ્ટ નથી થયા. રાણાની વ્યથાને વાચા આપતી કેટલીક પંક્તિઓ રાણાની ફરિયાદરૂપે જોઈએ...

આ પણ વાંચો : તેરા નામ હથેલીઓં પર નહીં લિખતે હમ કારોબારમેં સબસે હાથ મિલાના પડતા હૈ!

હે શ્યામ!

રાધામાં તને શું ઊણપ દેખાણી
કે મારી મીરાનું મન તેં મોહ્યું?
કહે તો મેવાડ તારા ચરણે ધરી દઉં
બોલ, મારી મીરામાં એવું તે શું જોયું?
તારે તો રાણીઓ સોળ સોળ હજાર
મારે મીરા વગર ન બીજું કોઈ
મારો તો ઠીક, તને આવ્યો ન વિચાર
કે રુક્મિણી હશે કેટલું રોઈ?
છેદ પાડી અવરના સંબંધમાં
શું તેં મેળવ્યું ને શું મેં ખોયું
બોલ, મારી મીરામાં એવું તે શું જોયું?

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK