બરસાત કી ભીગી રાતોં મેં ફિર કોઈ સુહાની યાદ આયી

22 July, 2019 11:51 AM IST  |  મુંબઈ ડેસ્ક | પ્રવીણ સોલંકી - માણસ એક રંગ અનેક

બરસાત કી ભીગી રાતોં મેં ફિર કોઈ સુહાની યાદ આયી

હવે તો છત્રીય નાની પડે છે, કૉલેજકાળમાં તો એક ફુલસ્કેપ ચોપડા નીચે બેઉ આવી જતા!

માણસ એક રંગ અનેક

જુલાઈ મહિનાની શરૂઆત આખું મુંબઈ જળબંબાકાર. એક દિવસ એવો આવ્યો આખું જનજીવન ઠપ થઈ ગયું. વાહનવ્યવહાર બંધ, શાળાઓ બંધ, કૉલેજ બંધ, દુકાનો બંધ અને નાછૂટકે હું પણ ઘરમાં બંધ. અકારણ, મજબૂરીથી ઘરમાં રહેવાનો એક અનેરો આનંદ હોય છે. ક્યારેક થાય છે કે વ્યવસાય બંધ રખાવી શકે એવો વરસાદ તો દર વરસે પડે છે, પણ વિચારો બંધ રખાવી શકે એવો વરસાદ ક્યારે પડશે? વરસાદી માહોલમાં ઘરમાં બેઠાં-બેઠાં ફકત ગરમાગરમ ભજિયાં જ નથી ખવાતાં, મગજમાં કેટલીક સ્મૃતિઓ પણ વાગોળવાની રહે છે. એ વરસાદી સાંજે આડોશ પાડોશના કેટલાક મિત્રો અનાયાસે ઘરમાં મળ્યા. ‘આજે નથી જવું કોઈ કામ પર ધિંગા વરસાદ તારા નામ પર’ એવું બહાનું કાઢવાનો તો કોઈ અર્થ જ નહોતો, કેમ કે જવાય એવી કોઈ સ્થિતિ જ નહોતી.

સૌ મિત્રોએ નક્કી કર્યું કે પ્રચલિત શેર-શાયરી જેવી કે
‘તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે’ કે ‘પૂર્ણ સંતોષી છું બેડો પાર લાગે છે,
બેચાર છાંટા પણ મૂશળધાર લાગે છે’ આવી જાણીતી અને માનીતી રચનાનું આદાન-પ્રદાન કરવા કરતાં કંઈક નવું, ઓછું જાણીતું આદાન-પ્રદાન કરવું. સાથોસાથ જૂના મિત્રોની યાદો, ટેવો કે ખાસિયતને યાદ કરી માણવી. જમાવટ શરૂ થઈ.
મદહોશ મોસમમાં પલળવાની આશ છે
હવે એવું લાગે છે કે ચોમાસું આસપાસ છે

કોઈ રંગ નહીં હોતા બારિશ કે પાની મેં
ફિર ભી ફિજા કો રંગીન બના દેતા હૈ

ના કર આંખોની લેવડદેવડ વરસાદમાં
એક તો ભીંજાયેલ છું ને તું વધારે ભીંજવે છે

બરસાત ગિરી ઔર કાનો મેં ઇતના હી કહ ગઈ
ગર્મી કિસીકી ભી હંમેશા નહીં રહતી

કેટલાક મહિનાના અબોલાને અંતે
ધરાએ આકાશને પૂછયું, કેમ છે?
ને આકાશની આંખોમાંથી તો અનરાધાર

બાદલોં કો આતા દેખકે મુસ્કુરા લિયા હોગા
કુછ ન કુછ મસ્તી મેં ગુનગુના લિયા હોગા
ઉપરવાલે કા શુક્ર અદા કિયા દિલ સે મૈંને
કે ઇસ બહાને મેરી યાદ મેં તુમને નહા લિયા હોગા

મારે તો બસ પ્યાલી સ્નેહની જ તરસ
તું ધોધમાર નહીં તો ઝરમર વરસ

તેરા બરસના બેશક અચાનક થા
જબકી મેરા ભીગના કબ સે તય થા

સૂરજને કહો કે તારું રાજ જોખમમાં છે
આજે મેં વાદળોને એક થતાં જોયાં છે

ઉદાસ ફિરતા હૈ અબ મોહલ્લે મેં બારીશ કા પાની
કશ્તિયાં બનાનેવાલે બચ્ચે મોબાઇલ સે ઇશ્ક કર બૈઠે
હવે તો છત્રીય નાની પડે છે, કૉલેજકાળમાં તો
એક ફુલસ્કેપ ચોપડા નીચે બેઉ આવી જતા!

તુમ બારીશ કી શામ બનો, મૈં અદરકવાલી ચાય!

આપણે કહીએ છીએ કે દરેક કાળા વાદળાની સાથે એક રૂપેરી કોર હોય છે. ક્યારેક કોઈ આપત્તિ સુખનું સરનામું બની જતી હોય છે. ક્યારેક અગવડમાં પણ સગવડનાં સગડ મળી જતાં હોય છે. અનરાધાર વરસાદ જો વરસ્યો ન હોત તો પાડોશમાં રહેતા મિત્રો પરદેશ હોય એમ ભાગ્યે જ મળતા. વરસાદને કારણે બધા ભેગા થયા અને અમારી વચ્ચે એક અનોખો ‘જલસો’ જામ્યો.
વાત-વાતમાં હયાત અને મૃત મિત્રોનાં સંસ્મરણો નીકળ્યાં. એ પણ કેવી રીતે? ‘પ્રવીણ, પેલો ‘કેમ કંઈ બોલ્યા નહીં?’ક્યાં છે?’ મેં કહ્યું ‘એટલે કોણ?’ ‘અરે પેલો જયલો, વાતને અંતે ‘કેમ કંઈ બોલ્યા નહીં?’ અચૂક આવે જ! આજકાલ છે ક્યાં? છે કે નહીં? સાલો આપણને તો ભૂલી જ ગયો લાગે છે. ઇડિયટ, એક ફોનમાંથી પણ ગયો?’ મેં કહ્યું કે ‘તે ભલે ભૂલી ગયો, પણ આપણામાંથી કોઈએ તેને ક્યારે યાદ કર્યો! તમે કોઈએ પણ તેને ફોન કરવાની તકલીફ લીધી?’ ‘અરે પણ, અમારી પાસે તેનો નંબર જ નથી. તારી પાસે છે? લગાડ તેને, આપણે બધા સાલાને સરપ્રાઇઝ આપીએ માઇક ચાલુ કર. જેવો ફોન રિસીવ કરે બધા એકસાથે બોલજો, ‘કેમ કંઈ બોલ્યા નહીં?’ અરે લગાડને!’ મેં કહ્યું, ‘કોઈ ફાયદો નથી.’ મિત્રે કહ્યું, ‘કેમ તેને માઠું લાગ્યું છે? નારાજ છે આપણાથી?’ મેં કહ્યું કે ‘રાજી કે નારાજ થવાની હાલતમાં તે છે જ નહીં. એક વરસ પહેલાં તેનું મૃત્યું થયું છે. તે વાપી સેટલ થયો હતો. વરસ પહેલાં નાટ્યસ્પર્ધાને કારણે હું સુરત હતો ત્યારે અમારા એક કૉમન મિત્ર પાસેથી આ સમાચાર મળ્યા.’
સોપો પડી ગયો. આપણે કેવા કાળમીંઢ પથ્થર બની ગયા છીએ, મિત્રના અવસાનની ખબર પણ એક વરસ પછી પડે છે! આ તે કેવી મિત્રતા? પાસે હોય તો જ પ્યારા, દૂર થયા કે દુ:ખિયારા? પણ આ એક હકીકત છે. આપણા બધા સાથે આવું જ થાય છે. સાથે હોઈએ છીએ ત્યારે જન્મોજન્મના સંબંધ હોય એ રીતે વર્તીએ છીએ, જરીક દૂર થાય કે સમયના વહેણ સાથે સંબંધો તણાઈ જાય છે. સંપર્ક તૂટ્યો કે સંવેદના છૂટી-તૂટી-બુઠ્ઠી થઈ ગઈ! મિત્ર જેવા રૂપાળા નામને બદનામ કરતાં આપણને શરમ પણ નથી આવતી. સંસાર છે, બધું આમ જ ચાલે છે એવું આશ્વાસન લઈ હાથ ખંખેરી નાખીએ છીએ. આપણે આપણા ન્યાયાધીશ બની જઈએ છીએ. ‘મેં સંપર્ક ન રાખ્યો કબૂલ, તેની ફરજ નહોતી સંપર્ક રાખવાની? ખેર, અહીં સુધી તો ઠીક છે, પણ સમાચાર સાંભળ્યા-જાણ્યા પછી તેના કુટુંબની શી દશા છે, પત્ની, મા-બાપ, બાળકોની હાલત કેવી છે એ બધું જાણવાની ભાગ્યે જ કોઈ દરકાર કરે છે. એક વ્યક્તિ સાથેનો નાતો તૂટ્યો કે સમગ્ર પરિવાર સાથેના સંબંધો છૂટી જતા મેં જોયા છે. પણ અમારા બધાની આંખ ઊઘડી ગઈ હતી. અમે નક્કી કર્યું કે આ‍વતા અઠવાડિયે વાપી તેના પરિવારને મ‍ળવાનું. વરસાદે માત્ર બહારનું વાતાવરણ જ નહોતું ભીંજવ્યું, અમારા અંતરાત્માને પણ ભીંજવ્યો હતો.
પછી વાતનો વિષય બદલાયો. જયલો જ નિમિત્ત બન્યો. જયલાનું મૂ‍ળ નામ જયકિશોર પણ ઘરના બધા જયલો કહીને બોલાવે એટલે અમે બધા પણ જયલો જ કહીએ. પણ તેનું એક વધારાનું નામ પણ અમારા મંડળમાં હતું, જુગારી. જયલો જુગારી. વાત-વાતમાં તેને બોલવાની ટેવ, ‘લાગી શરત?’
બાળપણના ટૂંકા-લાડલા નામની મજા ને મીઠાશ અનેરી હતી. જયકિશોરને જયલો, ચંદ્રકાન્તને ચંદુ, હરીશને હરિયા, ગુલાબને ગુલબો, મને પ્રવીણને પાવલો તો સહજ રીતે બોલાવે; પણ બાકીનાને તેના ગુણધર્મને આધારે બોલાવે. વિરેનને વાંકડાે, કારણ કે તેને દરેક વાતમાં વાંકું પડતું, દિનેશને લાંબડો, તે અમારા બધામાં ઊંચામાં ઊંચો. ધીરજને બોચિયો, કારણ કે કોઈ વાત તેને જલદી સમજાય નહીં. જિતેન્દ્રને નકટો, કારણ કે તેના નાક પર એક લાંબો કાપો હતો.
અને છેલ્લે...
બધાની ખાસિયતો વાગોળવાની પણ ખૂબ મજા આવી. રસિક દરેક વાકયને અંતે ‘શું’ બોલે. ‘હું અમદાવાદ ગયો ત્યારે ખૂબ ઠંડી હતી, શું?’ મને પપ્પાએ દોડવાની ના પાડી છે, શું?’ મેં તો તમને કહ્યું જ હતું કે ત્યાં જવા જેવું નથી, શું? ક્યારેક તો તે વાક્ય પૂરું કરે કે અમે બધા સાથે બોલતા ‘શું?’ વીરેનને વાક્યની શરૂઆતમાં જ ‘એની જાતને’ બોલવાની ટેવ. એની જાતને પિક્ચર જોવાની મજા આવી ગઈ. એની જાતને હું ત્યાં હતો જ નહીં, મારું નામ કોણે આપ્યું? એની જાતને તમે બધા ત્યાં ગયા ને મને કહ્યું પણ નહીં? હિતેશની આદતની પણ અમે બહુ મજાક ઉડાડતા. આજે સવારના મેં ત્રણ-ત્રણ કપ ચા પીધી, કેટલા? આ મહિને મારા ફાધરે મને ૧૦૦ રૂપિયા વાપરવા આપ્યા, કેટલા? વળી જ્યાં સુધી ‘કેટલા’નો આપણે જવાબ ન આપીએ ત્યાં સુધી તે આગળ વધે જ નહીં. એક વાર ક્લાસમાં તેણે કંઈક મસ્તી કરી. અમને વાત કરતાં તેણે કહ્યું, ‘ઉપાધ્યાય સર ખૂબ ચિડાયા, મને કહ્યું કાલે સવારે તારા વાલીને મળવા બોલાવજે.’ અમે બધાએ એક સૂરમાં કહ્યું, ‘કેટલા?’
આપણને અનુભવ છે કે દરેક વ્યક્તિની બોલવાની સ્ટાઇલ-ઢબ નોખી હોય છે. કેટલાક વાત-વાતમાં તાળી માગે છે. કેટલાક વાત-વાતમાં બોલે, ‘શું કહો છો?’ કેટલાક વાતની શરૂઆતમાં કે વચ્ચે અભદ્ર એવી ગાળ અચૂક ઠપકારે. કેટલાક ‘કેવી વાત કરો છો?’ ન બોલે ત્યાં સુધી તેમને ચેન નથી પડતું. કેટલાક વારંવાર ‘હોય નહીં’ બોલતા હોય છે તો કેટલાકને ‘કમાલ કરી’ બોલ્યા વગર ચાલતું નથી. કેટલાકને ‘હાય-હાય’ તો કેટલાકને ‘એમ?’ પૂછવાની આદત હોય છે. મજા પડે છે આવું સાંભળતાં. આપણી ભાષાની આ જ તો ખૂબી છે! દરેક પ્રાંતની લઢણ અને વ્યક્તિની આદત ભાષાને મધુર બનાવે છે.

આ પણ વાંચો : વૃષિકા મહેતાઃ દિલથી ગુજરાતી છે ટેલિવુડની આ ટેલેન્ટેડ એક્ટ્રેસ

સમાપન
મિત્રો આપણા જીવનનો અમૂલ્ય ખજાનો છે. સારા અને સાચા મિત્રો નસીબદારને જ મળે છે. બે પ્રકારના મિત્રો ઉત્તમ ગણાય છે. એક તો શ્રીકૃષ્ણ જેવા, ભલે તમારા માટે લડે નહીં, પણ તમારા સારથિ બની તમને વિજયના પંથે લઈ જાય. બીજો કર્ણ જેવો, જેને ખબર છે કે તમને સાથ આપવામાં જીવનું જોખમ છે છતાં તમારા માટે લડે.
બાકી તો સફળતા પછીનો સૌથી અઘરો તબક્કો તમારી સફળતાથી ખુશ થનારા મિત્રો શોધવાનો છે.

Pravin Solanki columnists