તેરા નામ હથેલીઓં પર નહીં લિખતે હમ કારોબારમેં સબસે હાથ મિલાના પડતા હૈ!

10 June, 2019 10:40 AM IST  |  | પ્રવીણ સોલંકી - માણસ એક રંગ અનેક

તેરા નામ હથેલીઓં પર નહીં લિખતે હમ કારોબારમેં સબસે હાથ મિલાના પડતા હૈ!

પ્રવિણ સોલંકી

માણસ એક રંગ અનેક

આમ તો આ પંક્તિ પ્રેયસીની પ્રશંસા, મહત્તા માટે છે; પણ કેટલાક એને વાણિયાગીરી તરીકે પણ ઓળખાવે છે. એક આશિક હંમેશાં પ્રેયસીનું નામ હથેળીમાં કોતરાવી એને જોતો, ચૂમતો, સ્પર્શ કરી આનંદ મેળવતો; પણ સમયની સાથે મીણબત્તીની જેમ પ્રેમ ઓગળતો ગયો અને એકાએક તેણે હથેળી પરથી નામ ભૂંસી નાખ્યું. પ્રેયસીએ પૂછ્યું કે આવું કેમ કર્યું? આશિકે વાણિયાગીરી વાપરતાં કહ્યું, ‘ડાર્લિંગ, જોને કારોબારમાં મારે અસંખ્ય માણસો સાથે હાથ મિલાવવા પડે છે. એ બધાનો સ્પર્શ મારા પ્રિય નામને થાય એ મારાથી કેમ સહન થાય? પ્રેયસી ખુશ. મુત્સદ્દીગીરી ઝિંદાબાદ.

મોદી-બીજેપીના પ્રચંડ વિજય પછી બીજે જ દિવસે વૉટ્સઍપ પર મોદીજીના ફોટો સાથે આવવા લાગ્યું, ‘હવે આ વાણિયાથી આખી દુનિયાએ ચેતવા જેવું છે.’ પછી તો ઘણુંબધું આવ્યું. બે બળદની જૂની કૉન્ગ્રેસના પોરબંદરના એક મોઢ વાણિયાએ અંગ્રેજી શાસનનું નિકંદન કાઢી નાખ્યું તો વડનગરના એક મોઢ વાણિયાએ એ જ કૉન્ગ્રેસ શાસનનું નિકંદન કાઢ્યું. ચોરવાડનો મોઢ વાણિયો ઉદ્યોગ જગતનો સરતાજ છે તો ઊના-સનખડાના એક મોઢ વાણિયાનું રંગભૂમિ પર રાજ છે.

‘વાણિયો’ એટલે શું? મુત્સદ્દી? ચતુર કાગડો? લુચ્ચું શિયા‍ળ? ઝડપી બાજ? થનગનતો ઘોડો? ભાર ખેંચતો બળદ? ડફણાં ખાતો ગર્દભ? ઉન્મત્ત હાથી? એક ડાળ પરથી બીજી ડાળ પર કૂદતો વાનર? વાણિયો એટલે પ્રાણીઓના જુદા-જુદા ગુણોને પોતાના અકમાં સમાવીને સમયને ઓળખીને એ ગુણો સાથે વ્યહવાર કરતો માણસ.

વાણિયા જ્ઞાતિના આમ તો ૮૪ પ્રકાર છે. જેમ ૮૪ લાખ જન્મોના ફેરા છે એમ ૮૪ પ્રકારના વાણિયા છે. (૧) શ્રીમાળી (૨) ઓશવાલ (૩) વાળિયા વાલ (૪)ધિંડા (૫) પકરવાલ (૬) મસ્યારતવાલ (૭) હરસોરા (૮) સૂરાતના (૯) પલીવાલ (૧૦) ભાલુ (૧૧) ખંડેવાલ (૧૨) દોહિલવાલ (૧૩) ખંડેરવાલ (૧૪) પુરવાલ (૧૫) દિસાવાલ (૧૬) ગુર્જર (૧૭) મુડવાલ (૧૮) અગરવાલ (૧૯) જાફલવાલ (૨૦) માનાવાલ (૨૧) કઠોલીવાલ (૨૨) કુઝસાવાલ (૨૩) ચૈત્રાવાલ (૨૪) સોની (૨૫) સુરતીવાલ (૨૬) જાલોટા (૨૭) મોઢ (૨૮)લાડ કે રાડ (૨૯) નાગર (૩૦) કપોલ (૩૧) ખડાયતા (૩૨) વાયડા (૩૩) વસોરા (૩૪) બાજવાલ (૩૫) નાકદરા (૩૬) કરહડા (૩૭) ભલુડા (૩૮) મેવાડા (૩૯) નરસંડાહરા (૪૦) ડાયેવાલ (૪૧) પંજકવાલ (૪૨) હાતરવાલ (૪૩) સરખંદેશ (૪૪) વપસ (૪૫) સમડી (૪૬) ખડવાસ (૪૭) ભન્ડાવાલ (૪૮) ભોકી ઉઘડા (૪૯) મોઝનલાલ, (૫૦) બાનીઆવાડા (૫૧) ધીગોડ (૫૨) ઠાકુર (૫૩) વાલમીલ (૫૪) નીસડા (૫૫) તીલોટા (૫૬) સસ્તી વર્કી (૫૭) લાશીસકા (૫૮) હરથોરા (૫૯) કનેરા (૬૦) ખીમુ (૬૧) હંબક (૬૨) નસીમા (૬૩) પદમાવતીયા (૬૪) મીરિયા (૬૫)હીહરિયા (૬૬) ઘાડવાલ (૬૭) મંગોટા (૬૮) ગોયલવાર (૬૯) મહોરવાડ (૭૦) ચિત્રોડા (૭૧) કાકલીઆ (૭૨) ભારંજા (૭૩) મતન્દ્વારા (૭૪) નાગોડા (૭૫) સાગોરા (૭૬) મુકન્દવાલ (૭૭) મદાહડા (૭૮) ભરામનીઆ (૭૯) રાગડીઆ (૮૦) મન્દોરીઆ (૮૧) બોરીયાલ (૮૨) સુરતિયા ચોરવાડ (૮૩) બધનોરા (૮૪) નીભાવા!

અધધધ ૮૪ પ્રકાર અને કેવાં-કેવાં નામ? બધાં નામ વાંચશો તો વાણિયાઓના તોર મિજાજનો ખ્યાલ આવી જશે. ‘વાણિયા’ની સાથે વાણિયાગત, વાણિયાવેડા કે વાણિયાગીરી શબ્દો પણ જોડાયેલા છે. વાણિયાગત કરવી એટલે ખોટો વિવેક કરવો. સમય વરતીને કામ કરવું. વાણિયાવેડા એટલે વાણિયાની રીત કે વર્તન, લુચ્ચાઈ, કરકસર, પોતાના લાભદર્શન પહેલાં વિચારવા. વાણિયાગીરીમાં પણ આવા જ ભાવ સાથે વાણિયાવિદ્યા જોડાયેલી છે. વાણિયાવિદ્યા એટલે આડુંઅવળું સમજાવી પોતાનું કામ સાધી લેવું. સમયસૂચકતા વાપરી છટકી જવું ને બીજાને ભેરવી દેવું.

વાણિયા ઉપરની કેટલીક કહેવતો-ઉક્તિઓ જાણવા જેવી છે. ‘વાણિયો મગનું નામ મરી પાડે નહીં. એટલે કે માણસ બધું જાણતો હોય, પણ મોઢામાં બોલે નહીં, મૂળ વાત કરવાને બદલે આડુંઅવળું સમજાવે. ‘વાણિયાની મૂછ નીચી તો કહે સાત વાર નીચી.’ એટલે કે લાભ ખાતર જ્યાં નમવું પડે ત્યાં સાત વાર નમી જવું. ચાર ડગલાં આગળ વધવા માટે બે ડગલાં પાછળ જવું પડે તો શરમાવાનું નહીં. ગરજે ગધેડાને પણ બાપ કહેવો પડે તો બે વાર કહી દેવો. ગમે તેમ કરીને પોતાનું કામ સરે એ રીતે જ વર્તન કરવાનું. ‘વાણિયાને વટલાતાં વાર ન લાગે.’ એટલે કે પરિસ્થિતિ પ્રમાણે વાણિયો રંગઢંગ બદલી શકે છે. આ મુજબની જ એક બીજી કહેવત છે. વાણિયા-વાણિયા ફેરવી તોળ. એટલે બોલીને ફરી જવાની, પરિસ્થિતિ સમજીને બદલાઈ જવાની કળા વાણિયા પાસે હોય છે. ‘વાણિયાનું મન ઘાડવે અને બ્રાહ્મણનું મન લાડવે.’ એટલે કે જાતિ પ્રમાણેનો સ્વભાવ હોય છે. વાણિયો વેપારી, તેનું મન ઘીના ઘડા તરફ - એટલે કે લાભ મળે ત્યાં જ હોય, જ્યારે બ્રાહ્મણનું મન લાડવા જમવામાં જ હોય. વાણિયો રીઝ્યો તો તા‍ળી આપે ને ખીજ્યો તો ગાળી આપે.’ સંજોગ પ્રમાણે વાણિયાનું વર્તન હોય. ‘વાણિયો વટલે નહીં ને સોનું સડે નહીં.’ એટલે લાખ મહેનત કરો, પણ વાણિયાનો સ્વભાવ બદલાશે નહીં. જેમ સોનું ગમે એટલા વર્ષે પણ સડતું નથી એમ! આવા વાણિયાનો શબ્દકોષી એક અર્થ જાણશો તો ચોંકી જશો. વાણિયાનો એક અર્થ એ પણ થાય છે કે ચાર મોટી પાંખ અને લાંબા શરીરવાળું તીડના ઘાટનું ચોમાસામાં ઉત્પન્ન થતું એક જંતુ!

એક એવી પણ માન્યતા છે કે વાણિયા હંમેશાં માલદાર જ હોય. ‘એક ગરીબ બ્રાહ્મણ હતો અને એક શ્રીમંત વાણિયો હતો.’ જૂના જમાનાની ઘણીબધી વાર્તાઓ આવા શીર્ષકથી જ શરૂ થતી. વાણિયા-બ્રાહ્મણની વાર્તાઓનો આપણા સાહિત્યમાં ખજાનો છે. વાંકાનેરનો વાણિયો તો વર્ષોથી લોકોની જીભે ચડેલો છે. વાણિયાઓની ઉદારતા અને માતૃભૂમિના પ્રેમની અનેક ગાથાઓ પણ ઇતિહાસમાં વાણિયાઓના નામે છે.

વાણિયાની ચતુરાઈનો એક પ્રચલિત દાખલો તો આજના વરિષ્ઠ નાગરિકોએ અનેક વાર વાંચ્યો-સાંભળ્યો હશે. અસલના જમાનામાં વેપારીઓ ઉઘરાણી કે ધંધા અર્થે પગપાળો પ્રવાસ કરતા. એક વાણિયો આવા પ્રવાસે જઈ રહ્યો હતો ત્યાં અભણ-નવાસવા લૂંટારુઓએ તેને આંતર્યો, કહ્યું કે ખિસ્સામાં જે હોય એ આપી દે. વાણિયએ કહ્યું કે પ્રવાસ વખતે હું ખિસ્સામાં કોઈ રોકડ રાખતો નથી. (કેવી દૂરંદેશી!) જોખમ લઈને પ્રવાસ ખેડે ઈ વાણિયો નઈ. લૂંટારુઓએ તેનાં ખિસ્સાં ફંફોળ્યાં. કંઈ ન મળ્યું. અભણ લૂંટારુઓમાં એક કંઈક ગણેલો હતો. તેણે કહ્યું કે રોકડ ન હોય તો હૂંડી (પ્રોમિસરી નોટ) લખી આપ. વાણિયાએ જીવ બચાવવા કહ્યું ‘ભલે! કેટલાની લખું?’ એક અભણે કહ્યું, હજારમાં કેટલાં મીંડાં આવે એટલી લખ. લખી. એક દોઢડાહ્યાએ કહ્યું, એક વધારાનું મારું પણ મીંડું મૂક. તો ત્રીજો પણ સળવળ્યો ને કહ્યું મારું ‘મીંડું’ પણ મૂક. આમ સાત મીંડાંની હૂંડી લખી. પણ હતો તો વાણિયોને? તેણે આગળ એકડો લખ્યો જ નહોતો. હૂંડી પાછી ફરી. ‘એકડા વગરનાં મીંડાં’ કહેવતની શરૂઆત કદાચ ત્યારથી જ થઈ હશે!

અસલના જમાનામાં ગામમાં વાણિયાઓનો એક ચોક્કસ ખાસ વિસ્તાર રહેતો જે ‘વાણિયાવાડ’ તરીકે ઓળખાતો. વાણિયાવાડની ઓળખ માટે એ જમાનામાં કેટલીક પંક્તિઓ બહુ જાણીતી હતી.

નાજુક નાર ને ઘરેણાં ભારી, કાલી ઘેલી લાગે પણ મીંઢી નારી

મળે જ્યાં નાર એ વાણિયાવાડ.

પાઘડી મોટી ને શેઠજી જાડા, હાથમાં માળા ને મનમાં પાડા(ગણિતના આંક)

પાવલી શોધે ભલે હોય ગંદવાડ એ વાણિયાવાડ!

વાણિયા, બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર એ બધો ભૂતકાળ થઈ ગયો છે આજે. આજે તો દરેક વ્યક્તિમાં વાણિયાગત આવી ગઈ છે એટલું જ નહીં, વર્ણવ્યવસ્થાની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. સંજોગો સામે જે લડી લે એ ક્ષત્રિય, સંજોગો સામે સમાધાન કરે એ વૈશ્ય, સંજોગો સાથે જે સંવાદિતા સર્જે એ બ્રાહ્મણ અને સંજોગોને જે શરણે થઈ જાય એ શૂદ્ર!

અને છેલ્લે...

વાણિયાગતની એક આધુનિક જમાનાની એક રમૂજ કથા.

આ પણ વાંચો : ઇસ કદર મુઝે દિલ સે કરીબ લગતા હૈ તુઝે અલગ સે જો સોચું તો અજીબ લગતા હૈ

ચંદ્ર પર માનવસહિત જવા માટેનું એક યાન પાકિસ્તાને બનાવ્યું. પણ કોઈ માણસ એમાં જવા માટે તૈયાર ન થયો કેમ કે પાકિસ્તાને બનાવ્યું હતું, પાછા આવવાની શક્યતા જ નહોતી. આખરે મીડિયામાં જાહેરાત આપી. ત્રણ વ્યક્તિઓ તૈયાર થઈ. એક ચીનો હતો, એક બંગલાદેશી હતો અને એક ભારતનો વાણિયો હતો. ઇન્ટરવ્યુ ગોઠવાયો. પાકિસ્તાની અફસરે પહેલાં ચીનાને બોલાવી પૂછ્યું કે બોલ, તું કેટલા રૂપિયા લઈશ? ચીનાએ કહ્યું કે પાંચ કરોડ! કેમ કે હું પાછો ન આવું તો મારા કુટુંબ માટે આટલા તો જોઈએ જ! પછી બંગલાદેશીનો વારો આવ્યો. તેણે ૧૦ કરોડ માગ્યા. પાકિસ્તાને અફસરે કહ્યું, ‘આટલા બધા? ચીનો તો પાંચ કરોડમાં તૈયાર છે. બંગલાદેશીએ કહ્યું, પાંચ કરોડ હું પણ મારા કુટુંબ માટે જ માગું છું. પણ બીજા પાંચ કરોડમાં હું જતાં પહેલાં દુનિયાની તમામ મોજમજા કરી લેવા માગું છું. પછી વાણિયાનો વારો આવ્યો. તેણે કહ્યું હું ૧૫ કરોડ લઈશ! ‘પંદર કરોડ? અરે ચીનો પાંચ કરોડમાં તૈયાર છે, બંગલાદેશી ૧૦ કરોડમાં તો તું ૧૫ કરોડ શેના માગે છે?’ અફસરે કહ્યું. વાણિયાએ શાંતિથી કહ્યું કે પાંચ કરોડ મારી ફી, પાંચ કરોડ તમે મને પસંદ કરશો એટલે તમારી ફીના! અફસરે ખુશ થતાં કહ્યું, ‘પણ બાકીના પાંચ કરોડ?’ વાણિયાએ કહ્યું ‘બહુ સરળ વાત છે, બાકીના પાંચ કરોડમાં આપણે ચીનાને મોકલી દઈશું!’

કહેવાની જરૂર નથી ‘પ્રપોઝલ’ પાસ થઈ ગઈ!

Pravin Solanki columnists