ઇસ કદર મુઝે દિલ સે કરીબ લગતા હૈ તુઝે અલગ સે જો સોચું તો અજીબ લગતા હૈ

Published: Jun 03, 2019, 10:12 IST | પ્રવીણ સોલંકી - માણસ એક રંગ અનેક

વિજય જો જનતાનો હોય તો પરાજય પણ જનતાનો કેમ ન હોઈ શકે? પરાજિત ઉમેદવાર પણ કહી શકેને કે આ પરાજય મારો નથી, જનતાનો છે.

પ્રવિણ સોલંકી
પ્રવિણ સોલંકી

માણસ એક રંગ અનેક 

કોઈનું સન્માન થાય ત્યારે અચૂક બોલાતું હોય છે, ‘આ સન્માન મારું નથી, આપ સૌનું છે, મારાં કાર્યોનું છે. તો ચૂંટણીનો વિજેતા ઉમેદવાર કહેતો હોય છે કે આ વિજય મારો નથી, જનતાનો છે, મતદારોનો છે. આ પારંપારિક, તકિયા કલામ જેવું ઔપચારિક વાક્ય જ હોવાનું; હૃદયની ખરેખરી ભાવનાથી ભાગ્યે જ બોલાયેલું હોય. વિજય જો જનતાનો હોય તો પરાજય પણ જનતાનો કેમ ન હોઈ શકે? પરાજિત ઉમેદવાર પણ કહી શકેને કે આ પરાજય મારો નથી, જનતાનો છે.

શાયર જાંનિસાર અખ્તર જેવી સંવેદના આજે માણસમાં ભાગ્યે જ જોવા મળે છે. શાયર કહે છે કે તું મારા દિલમાં એ રીતે સમા´ ગયો છે કે જાણે તું અને હું એક થઈ ગયા છીએ. મારું હવે સ્વતંત્ર અસ્તિત્વ રહ્યું નથી. આજે ‘તું’ની જગ્યાએ ‘હું’ ગોઠવાઈ ગયો છે! આ ‘હું’ વિશે આજે હું વાત કરીશ.

માણસ એક રંગ અનેક. કેટકેટલા વિચિત્ર અને વિલક્ષણ સ્વભાવના માણસો સંસારમાં જોવા મળે છે એનો વિચાર કરીએ છીએ ત્યારે ક્યારેક આપણને હસવું આવે છે તો ક્યારેક આપણને વિચારતા કરી મૂકે છે. દરેક માણસ પોતપોતાના એક ચોક્કસ દાયરામાં કેદ થઈ ગયો હોય એવું લાગે છે. આનું કારણ માણસમાં ‘હું’નો પ્રભાવ વધી ગયો છે. ગમ્મત આવે એવી વાત તો એ છે કે છેલ્લા કેટલાક દિવસોમાં મેં આ ‘હું’નો હુંકાર એટલોબધો સાંભળ્યો કે હું કંટા‍ળી ગયો. ‘હું તો કહેતો જ હતો કે મોદી ભારે બહુમતીથી ચૂંટાશે અને વિરોધ પક્ષો ધૂળ ચાટતા થઈ જશે’ ‘હું જ્યારે કહેતો હતો ત્યારે મારું કોઈ સાંભળતું નહોતું. મેં બધાને કહ્યું હતું કે રાહુલ અમેઠીમાંથી જીતશે તો મારી મૂછ મૂંડાવી નાખીશ.’ અરે મારા ભાઈ, તું મૂછ મૂંડાવે કે ન મૂંડાવે અમને શું ફરક પડે છે? હું તો ‘હું તો ચૅલેન્જ સાથે બધાને કહેતો હતો કે કૉન્ગ્રેસને ૧૦૦ સીટથી વધારે મળશે તો મારું નામ બદલાવી નાખીશ.’ ડોબા, તું નામ બદલે કે બાઇક બદલે, બધું તારે જ ભોગવવાનું છે, અમારે કેટલા ટકા?

પ્રત્યેક વ્યક્તિમાં ‘હું’ મોખરે હોય છે. એ જુદા-જુદા સમયે, જુદા-જુદા સ્વરૂપે બહાર આવતો જ રહે છે. હું તો કહેતો હતો, હું જ આ કરી શકું, હું ન હોત તો તેનું શું થાત, હું કોણ છું એની તમને ખબર નથી; મારી સાથે પંગો ન લેતા, હું જો ત્યાં હોત તો આવું બન્યં જ ન હોત, મારા ઘરમાં તો ‘હું’ જે કહું એ જ થાય, હું કહીશ તો તે ના નહીં પાડે, હું છું તો તેનું અસ્તિત્વ છે, હું છું પછી તને શેનો ડર છે, હું ત્યાં હતો એટલે કોઈ બોલ્યું નહીં, હું કોઈની ચમચાગીરી કરતો નથી, કોઈ એ કામ નહીં કરે તો હું કરીશ, હું ત્યાં હતો છતાં તે આમ વર્ત્યો એટલે હું તેને કદી માફ નહીં કરું, હું હાજર હોત તો આવું ન થવા દેત, હું કહું છું એટલું કર; મારી સામે દલીલ નહીં જોઈએ. હું કહું અે સાંભળતો કેમ નથી? હું તારા ભલા માટે જ કહું છું, હું હવે કોઈનું સાંભળીશ નહીં, હું મારું ધાર્યું જ કરીશ. હું મરીશ, પણ તેને રાંડ કરીશ. હું કોઈના બાપથી ડરતો નથી, હું હદબહાર ક્યારેય પીતો નથી, હું જે કહું છું એ બ્રહ્મવાક્ય એમાં ક્યારેય મીનમેખ નહીં થાય, હું આટઆટલું તેને માટે કરું છું પણ તેને ગણ ક્યાં છે? હું જાણું ને મારું કામ જાણે; હું બીજી કોઈ પંચાતમાં પડતો નથી, લોકો ગમે તે કહે, હું મારી રીતે જ રહેવાનો, બધા ભલે તેને સલામ કરે પણ હું તેને પાઠ ભણાવીશ, હું એટલો ગાંડો નથી કે આટલી વાત સમજી ન શકું, હું તો મજાકમાં બોલ્યો હતો; તેણે સિરિયસલી લઈ લીધું, હું એક વાર બોલ્યો કે પાછો ફરતો નથી, હું એક વાર બગડ્યો કે પછી કોઈનો નથી હોં, હું મારા મનની વાત કોઈને કહેતો નથી, હું એક કાનેથી સાંભળું છું ને બીજા કાનેથી કાઢી નાખું છું. હું બોલીને બગાડવામાં માનતો નથી, વખત આવ્યે હું સગા બાપનું પણ સાંભળતો નથી, હું કોઈનું શું કામ સાંભળી લઉં? હું કોઈના ઉપકાર નીચે નથી, હું ખોટા માણસને માન આપતો નથી ને હું અપમાન સહેવા ટેવાયેલો નથી, હું જે કામ હાથમાં લઉં છું એ પૂરું કરીને જ જંપું છું. હું નહીં હોઉં ત્યારે બધાને ખબર પડશે કે હું શું હતો, મારી કિંમત શું છે?

એક નિરીક્ષણ કરજો. ‘હું’નો પ્રત્યેક ઉદ્ગાર વ્યક્તિની બડાશ, પોતાની આવડત, શક્તિ, ધાક, પોતાની આપવડાઈ, પોતાની અનિવાર્યતા સાથે સંકળાયેલો છે. આ ઉદ્ગારો લઘુતાગ્રંથિ સાથે સંકળાયેલા છે. વ્યક્તિની આ માનસિકતા છે. ‘હું કોઈનાથી ડરતો નથી કે મને કોઈના બાપની સાડીબાર નથી’ એ દર્શાવે છે કે તેના મનમાં ભય છે. કોઈના નહીં, દરેકના બાપની સાડીબાર છે. અહીં જે ઉદાહરણો પુરુષના મુખના આપ્યા છે એ સ્ત્રીના મુખના પણ હોઈ શકે. ‘હું હતી તો તમારો સંસાર ટક્યો, હું નહીં હોઉં ત્યારે તમને મારી કિંમત સમજાશે. હું અબળા છું એવું માનવાની ભૂલ ન કરતા, હું છું તો ઘર ટકી રહ્યું છે, હું બોલતી નથી એનો અર્થ એ નથી કે હું કંઈ જાણતી નથી. હું હતી તો તે બે પાંદડે થયા’ વગેરે-વગેરે.

શાસ્ત્રમાં જ્યારથી ‘અહં બ્રહ્માસ્મિ’ લખાયેલું છે ત્યારથી ‘હું’નો મહિમા શરૂ થયો હશે. નરસિંહ મહેતા ભલે કહેતા કે હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. નરસિંહ યુગ પૂરો થયો, હવે નાર્સિસસ યુગ શરૂ થયો છે. પોતાની જાતને વખાણવાનો, પોતાની જાત પર વારી જવાનો.

‘હું’ પહેલો પુરુષ એક વચન સર્વનામ. ‘હું’ના બે પ્રકાર છે. એક દૃશ્ય હું એટલે કે લૌકિક છું અને બીજો અદૃશ્ય હું એટલે કે આત્મા, આધ્યાત્મિક હું. કૃષ્ણ ગીતામાં કહે છે, ‘જે છે તે હું જ છું. હું જ યજ્ઞ, હું સ્વધા, હું જ ઔષધિ, મંત્ર હું, તંત્ર હું, હું જ ઘી, હે આર્ય! હું અગ્નિ, હું આહુતિ, પિતા આ જગનો હું ને માતા, પિતા, પિતામહ, પવિત્ર ઓંકાર હું.’

ઋક, યજુ, સામ હું, ગતિ, ભર્તા, કર્તા, પ્રભુ, સાક્ષી સુહત હું. ઉત્પત્તિ, પ્રલય સ્થાન, નિધાન બીજ, અવ્યય હું. હું તારું છું, હું ડુબાડું છું. હું સંકેલું છું, હું સર્જુ છું. હું જ અમૃત, હું જ મૃત્યું, સતઅસત હું જ, હું જ અર્જુન! લૌકિક અને આધ્યાત્મિક ‘હું’માં આ જ ફરક છે. કૃષ્ણની દ્વારકા સોનાની હતી એવો જ તફાવત આ બન્ને ‘હું’માં છે.

કૅપિટલ આઇ એટલે હું. અંગ્રેજીમાં એક ઉક્તિ છે કે આઇ અૅમ નથિંગ બટ આઇ કૅન ડૂ અૅનિથિંગ! હું કંઈ જ નથી, પણ કંઈ પણ કરી શકું છું. સરસ વાક્ય છે. ‘આઇ અૅમ નથિંગ’માં કદાચ કોઈને અભિમાનની છાંટ દેખાય. જેમ ‘હું કંઈક છું’ એમ કહેવામાં દેખાય છે. એમ હું કંઈ નથી. હું તો મામૂલી માણસ છું. હું તો માત્ર સેવક છું, વગેરેમાં પણ ઢોંગ કે ઔપચારિકતા હોઈ શકે, લગભગ હોય જ છે. આપણને એવા અસંખ્ય અનુભવો છે. કોઈનું સન્માન થાય ત્યારે અચૂક બોલાતું હોય છે, ‘આ સન્માન મારું નથી, આપ સૌનું છે, મારાં કાર્યોનું છે. તો ચૂંટણીનો વિજેતા ઉમેદવાર કહેતો હોય છે કે આ વિજય મારો નથી, જનતાનો છે, મતદારોનો છે. આ પારંપારિક, તકિયા કલામ જેવું ઔપચારિક વાક્ય જ હોવાનું; હૃદયની ખરેખરી ભાવનાથી ભાગ્યે જ બોલાયેલું હોય. વિજય જો જનતાનો હોય તો પરાજય પણ જનતાનો કેમ ન હોઈ શકે? પરાજિત ઉમેદવાર પણ કહી શકેને કે આ પરાજય મારો નથી, જનતાનો છે. છોડો, આ મજાક બાજુએ રાખીએ. સવાલ હું કંઈક છું અને હું કંઈ જ નથી આ બન્ને ‘હું’ સિક્કાની બે બાજુ જેવા છે. ‘હું’ પરિવારના બીજા બે શબ્દો છે ‘મારું’ અને ‘મને’. ‘મારું કહ્યું નહીં માનો તો પસ્તાશો’ કે ‘મને જે સાચું લાગે છે એ કહેવામાં હું કોઈની શરમ નથી રાખતો’ આવાં વાક્યોમાં ‘હું’કાર જ છે.

‘હું’નો જન્મ માણસજાતની ઉત્પત્તિ પછી જ્યારે સામાજિક અવસ્થાએ પહોંચ્યો અને સંબંધોથી ઓળમખાવા લાગ્યો ત્યારથી થયો. વ્યક્તિની ઓળખાણના જવાબરૂપે ‘હું’ પેદા થયો. હું ફલાણાભાઈનો દીકરો, હું ફલાણાભાઈનો મામો, હું ફલાણાભાઈનો ભાઈ! પ્રકૃતિમાં ઝાડને ઝાડ સાથે કોઈ સંબંધ નથી, પહાડને પહાડ સાથે કોઈ સંબંધ નથી, નદીને નદી સાથે, દરિયાને દરિયા સાથે, ફૂલને ફૂલ સાથે, ઝરણાને ઝરણા સાથે કોઈ સંબંધ નથી, માત્ર માણસને માણસ સાથે સંબંધોનું લેબલ લાગ્યું અને એમાંથી ‘હું’નું અસ્તિત્વ આવ્યું. વળી માણસને ‘ભાષા’નું શસ્ત્ર મળ્યું. પ્રકૃતિએ જીવ તો ઘણાં પ્રાણીઓને આપ્યો પણ ભાષાના પ્રગટ અર્થની સમજણ કેવળ માણસને આપી.

આ પણ વાંચો : કૈસે કૈસે આદમી ઐસેવૈસે હો ગએ ઐસેવૈસે આદમી કૈસે કૈસે હો ગએ

અને છેલ્લે...

‘હું’ને અભિમાન સાથે બ્લડ-રિલેશન - લોહીનો સંબંધ છે. અભિમાન માટે પુરાણકાળનો રાવણ જાણીતો છે. વિશ્વયુદ્ધના કાળનો હિટલર અને સ્વાતંત્ર્ય પછીના કાળના રાજા-મહારાજાઓ પ્રચલિત છે, પણ હિટલરના અભિમાનની વાત ખૂબ ગમ્મત પડે એવી છે. હિટલરના ‘હું’ને કારણે એક સૂત્ર પ્રચલિત થયું ‘હેલ હિટલર’. હિટલર. પરશુરામે જેમ પૃથ્વી પરથી ક્ષત્રિયોના નાશની પ્રતિજ્ઞા લીધી હતી એમ હિટલરે યહૂદીઓનું નિકંદન કાઢવાની પ્રતિજ્ઞા લીધી હતી. દરેક યહૂદીને ભય હતો, કાલે મારું શું થશે? હિટલરને ચિંતા હતી કે હું કાલે નહીં હોઉં તો જર્મનીનું શું થશે? મારું આયુષ્ય કેટલું? એક યહૂદી પ્રખર જ્યોતિષી હતો. હિટલરે તેને બોલાવ્યો. હિટલરના તેડાથી યહૂદી ખળભળી ગયો. થયું કે ખેલ ખતમ. હિટલરે કહ્યું, ‘મારું આયુષ્ય કેટલું એ બતાવ.’ યહૂદી ચાલાક હતો. તેણે પાણી પહેલાં પાળ બાંધતાં કહ્યું, ‘સર, મને અભય વચન આપો કે મને ક્યારેય મારશો નહીં.’ હિટલરે આપ્યું. યહૂદીએ હાથ ને કુંડળી જોવાનો ડોળ કરતાં વિચાર્યું કે આના વચનનો વિશ્વાસ શું? પછી ચતુરાઈપૂર્વક બોલ્યો કે સર, આપનું મોત મારા મૃત્યુ પછી બરાબર ૧૫ વર્ષે થશે. હિટલરે ખુશ થતાં કહ્યું, ‘યહૂદી, હું છું ત્યાં સુધી તારી તંદુરસ્તીની જવાબદારી મારી, તારો વાળ વાંકો નહીં થાય.’ તે તંદુરસ્ત રહે એ માટે હિટલરે તેનીએનો આસપાસ વૈદ-હકીમોની ફોજ ખડી કરી દીધી. તેને કોઈ મારે નહીં એ માટે સૈનિકો તહેનાત કરી દીધા. આમ હિટલરના ‘હું’ પર યહૂદીની ચતુરાઈ સવાર થઈ ગઈ.

સમાપન

હું કોણ છું, હું કેમ છું, હું ક્યાં છું?
‘હું’ માં હું જ મને જડતો નથી
‘હું’ને કાઢ્યો બહાર મારામાંથી
પછી કોઈ પ્રશ્ન મને નડતો નથી

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK