તવાયફ ફિર ભી અચ્છી કિ વો સીમિત હૈ કોઠે તક પુલીસવાલા ચૌરાહે પર...

30 September, 2019 04:10 PM IST  |  મુંબઈ | માણસ એક રંગ અનેક - પ્રવીણ સોલંકી

તવાયફ ફિર ભી અચ્છી કિ વો સીમિત હૈ કોઠે તક પુલીસવાલા ચૌરાહે પર...

પ્રવીણ સોલંકી

બેઈમાનીનું બજાર ધમધમી રહ્યું છે. નીતિની દ્રૌપદીનાં ચીર કહેવાતા કૃષ્ણો જ ખેંચી રહ્યા છે. શરમ પોતે જ શરમાઈને એક ખૂણે સંતાઈ ગઈ છે ને ઘરમાં ધંધો બની ધમધોકાર ચાલે છે. પહેલાં કહેવાતું કે દુનિયામાં બે જ વર્ગ છે. હૅવ ને હૅવ નૉટવાળા. એકની પાસે છે, બીજાની પાસે નથી. એક પાસે છત છે, બીજા પાસે અછત. હવે બે જ જાત રહી છે. એક વેચનારની, બીજી ખરીદનારની. સરસ્વતી સૂનમૂન બની ગઈ છે, લક્ષ્મીની બોલબાલા છે. સતિયાજન ઘાણીમાં પિલાય છે, નાગાનુગરા મોજ કરે છે. આ પરિસ્થિતિ માટે સૌ પાસે એક જ બહાનારૂપ જવાબ છે, ‘કળિયુગ’ છે.

આ કળિયુગ શું છે? કાળ પરિમાણના ચાર યુગો છે એ કેટલા યુવાનોને ખબર હશે? હમણાં એક વાત જાણીને અત્યંત દુ:ખદ આશ્ચર્ય થયું. એક મશહૂર, ભણેલીગણેલી અભિનેત્રીને ‘કૌન બનેગા કરોડ પતિ’ શોમાં પ્રશ્ન પુછાયો કે હનુમાનજી સંજીવની બુટી લેવા કોને માટે ગયા? કોણ ઘાયલ-મૂર્છાવશ હતું? તેમની સામે ચાર વિકલ્પો પણ રખાયા હતા, જેમાં સીતા સહિત લક્ષ્મણનું નામ હતું. છતાં ન આવડ્યું! કોઈ પ્રશ્નનો જવાબ ન આવડે, તરત યાદ ન આવે એવું બની શકે, એમાં કોઈ શરમ પણ ન હોવી જોઈએ; પણ આ પ્રશ્ન એટલો સામાન્ય અને સરળ હતો કે એનો જવાબ ન આવડે તો શરમજનક લાગે જ. ખેર, કભી કભી ઐસા ભી હોતા હૈ. કળિયુગ છે.

કળિયુગ એટલે કાળ પરિમાણના ચાર યુગમાંનો છેલ્લો યુગ. અધર્મનો યુગ. મનુસ્મૃતિ અને મહાભારત પ્રમાણે ૧૦૦૦થી ૧૨૦૦ વર્ષનો આ યુગ ગણાય છે. પરંતુ પૌરાણિક રીતે ૧૨૦૦ x ૩૬૦ = ૪,૩૨,૦૦૦ વર્ષનો કળિયુગ ગણાય છે (ભગવદ્ગોમંડલ). હિન્દુઓની કાળગણના અનુસાર કળિયુગ એક મહાયુગનો દશમો અંશમાત્ર છે. મહાયુગમાં ચાર યુગ મનાયા છે. કૃત, ત્રેતા, દ્વાપર અને કલિ. દ્વાપર યુગ કળિયુગથી બમણો, ત્રેતાથી ત્રણગણો ને કૃત યુગથી કળિયુગ ચાર ગણો ગણાય-મનાય છે. આ યુગમાં વિષ્ણુના બે અવતાર છે, એક બુદ્ધ અને બીજો કલ્કિ. કલ્કિનો પાંચ ઠેકાણે વાસ ગણાય છે. (૧) સ્ત્રી (૨) જુગાર - જૂગટું (૩) મદ્યપાન (૪) જીવહિંસા (૫) સુવર્ણ-ધન.

કળિયુગનાં વિશિષ્ટ લક્ષણો આ પ્રમાણે ગણાવ્યાં છે કે અધર્મનો વ્યાપ વધશે, જમીન નિ:સત્વ બનશે, વાડ ચીભડાં ગળશે, રાજા પ્રજાને લૂંટશે, મીઠું બોલનારા વધશે; પણ એ મોટે ભાગે ખોટું જ બોલતાં હશે, લાજશરમ નેવે મુકાશે, પાણી વેચાશે ને પરબો લુંટાશે, સ્ત્રી અને પુરુષ મોટે ભાગે નર અને માદાનો જ ભાગ ભજવશે. દીકરા-દીકરી મા-બાપ કે વડીલોની આમાન્યામાં નહીં રહે. પતિ-પત્ની અરસપરસ અવિશ્વાસ કરશે, પ્રજા ઠીંગણી જન્મશે, વેરઝેર વધશે, તપ-ત્યાગ ઘટશે. ધરમકરમમાં મનમાની થશે. નવા-નવા રોગો ઉત્પન્ન થશે. સાધુઓ શઠ બનશે અને શઠ સાધુમાં ગણાશે. પ્રજા વર્ણસંકર બનશે, સગવડો વધશે; પણ માણસને વધારે દુ:ખી કરશે, બાપ-દીકરી જાહેરમાં નૃત્ય કરશે, બાળકીનો જન્મ માની વેદનામાંથી નહીં, વાસનામાંથી થશે, જેના હાથમાં લાઠી હશે તે ભેંસ લઈ જશે, જેની પાસે ધન હશે તેનું જ વર્ચસ્વ હશે વગેરે-વગેરે. આ બધું લખતાં અનાયાસે ગીત યાદ આવી જાય છે, રામચંદ્ર કહ ગએ સિયાસે, ઐસા કલયુગ આએગા, હંસ ચુગેગા દાના તુનકા, કૌઆ મોતી ખાએગા.

કેટલાક મનોવૈજ્ઞાનિકોનું માનવું છે કે સામાજિક, ધાર્મિક, રાજકીય, ધાર્મિક ક્ષેત્રે કળિયુગનો પ્રભાવ ફૂલીફાલી રહ્યો છે એનું મૂળ કારણ શિક્ષણક્ષેત્રે કળિયુગે મોટો ભરડો લીધો એ છે. આજે શિક્ષણ રોજગારી-નોકરી લગતું થઈ ગયું છે. શિક્ષણ રોટલો ર‍ળવા માટે નહીં, રોટલો કેટલો મોટો બનાવવો એ કળા માટે નહીં; પણ રોટલો કેમ મીઠો લાગે-બને એ માટે હોવું જોઈએ. આજે શિક્ષણ યંત્રવત્ બની ગયું છે. સંસ્કાર અને સ્વાવલંબી બનવાના પાઠ બિલકુલ ભણાવાતા નથી. દેશભક્તિ અને દેશદાઝની છાંટ વંદેમાતરમ અને રાષ્ટ્રગીત ગાવા-ગવડાવવા પૂરતી મર્યાદિત થઈ ગઈ છે. આપણને એવી કેળવણીની જરૂર છે જેનાથી ચારિત્ર‍યનું ઘડતર થાય, વિચારશક્તિ વધે, કલ્પનાઓને પાંખો ઊગે, બુદ્ધિનો વિકાસ થાય અને વ્યક્તિ આત્મનિર્ભર બને.

શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ જીતવા માટેનાં સાધનોનો યોગ્ય-વિવેકપૂર્વક ઉપયોગ કેમ કરવો એ શીખવાડવાનો છે, કારકુન કે ઉદ્યોગપતિ બનાવવાનો નહીં. એ આડપેદાશ છે, હોવી જોઈએ. પ્લેટો કહે છે એમ જ્યાં શિક્ષણ વધારે ત્યાં જેલ ઓછી ને જ્યાં શિક્ષણ ઓછું ત્યાં ગુના અને ગુનેગાર વધારે. શિક્ષણયાત્રાને કોઈ અંત નથી. જે ક્ષણે માણસનું શિક્ષણ પૂરું થાય છે એ જ ક્ષણે માણસ પણ પૂરો થઈ ગયો સમજવો. ખેર, શિક્ષણમાં પણ કળિયુગ પ્રવેશ્યો છે એ વાતનું તથ્ય મર્યાદિત છે. દરેક સિક્કાને, દરેક વાતને બે બાજુ હોય છે. ચાર યુગમાં થયેલું કાળનું વિભાજન ધાર્મિક લાગે છે. કાળ અનંત છે, એની ગતિ કે મતિને કોઈ ઓળખી શક્યું નથી.

કેટલાક માણસોની મથરાવટી જ મેલી હોય છે. તે ગમેતેટલું સારું કામ કરે તો પણ અપજશ જ પામે. કળિયુગનું પણ એવું જ છે. એની પણ મથરાવટી મેલી લાગે છે. બાકી દરેક યુગમાં દુરાચાર, ભ્રષ્ટાચાર, અનાચાર જોવા મળે છે. ત્રેતા યુગમાં પણ રાવણ હતો, રાક્ષસો હતા.

ભાઈ-ભાઈ વચ્ચે વેરઝેર હતાં, પુરુષોમાં ઈર્ષ્યા હતી. સ્ત્રીઓમાં મોહ હતો. સ્ત્રીહરણ ત્યારે પણ થયું ને શુર્પણખાએ મોહ બની નાક કપાવ્યું. સારા કામમાં વિઘ્ન નાખનારા ત્યારે પણ હતા. રાક્ષસોનો તો એ જ ધર્મ હતો, હવનમાં હાડકાં નાખવાનો. રાવણે પુત્રવધૂને ભ્રષ્ટ કરી, બાલિએ સુગ્રીવની પત્ની છીનવી લીધી. વિભીષણ-સુગ્રીવે પક્ષપલટાનો દાખલો બેસાડ્યો, મંથરાએ સ્વાર્થ ખાતર કૈકેયીના કાન ભંભેર્યા.

મહાભારતમાં તો કળિયુગ માટેનું રિહર્સલ ચાલતું હોય એવાં અતિ અનિષ્ટોથી ભરેલા દાખલાઓ મોજૂદ છે. મહાયુદ્ધ, મહાસંહાર, મારવા-મરાવવાના કાવાદાવા, વસ્ત્રાહરણ, યાદવાસ્થળી, જુગાર, નશાબાજી, કુટુંબ કલેશ, કામાંધતા, અયોનિજન્મ વગેરે-વગેરે. કળિયુગનું એવું કોઈ અનિષ્ટ નથી જે એ યુગમાં ન થયું હોય.

ટૂંકમાં યુગ તો એક બહાનું છે, કાળ સર્વેસર્વા છે. કાળ એટલે સમય, વખત, વેળા, જમાનો. એ કોઈએ ઉત્પન્ન કરેલો નથી. એ આદિઅંતથી રહિત છે. એ કોઈને માટે થોભતો નથી, રોકાતો નથી. એ કશું કરતો નથી, કરાવતો નથી. કરાવે છે, કરે છે એ મનુષ્યનાં કર્મ. માણસના જન્મજાત સંસ્કાર, સામાજિક વ્યવસ્થા, સમયાનુસાર બદલાતા સંજોગો, રાજકીય અને ધાર્મિક પ્રવૃત્તિઓનો પ્રભાવ. કાળખંડ એટલે ઇતિહાસનો એક ભાગ. બાકી તો ઇતિહાસ-ભૂગોળ માણસે જ રચ્યાં છે.

આપણે બધાં કળિયુગનાં સંતાનો. આપણો અનુભવ શું કહે છે? મને સ્કૂલના દિવસો યાદ આવે છે. ભણવામાં ઇતિહાસ, ભૂગોળ, અંકગણિત, બીજગણિત, હિન્દી, ગુજરાતી ભાષાના વિષયો પણ ખરા. પણ સાથોસાથ પીટી, સંસ્કૃત, સંસ્કૃતનાં સુભાષિતો, નીતિશાસ્ત્ર માટે વિશેષ વાંચનમાળા અને ખાસ કરીને નાગરિકશાસ્ત્ર. લાગે છે કે આ બધા વિષયોએ જીવનમાં ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો છે. એક પ્રસંગ યાદ આવે છે. એક નિબંધ સ્પર્ધામાં મેં ભાગ લીધો. વિષય જુઓ ‘ધારો કે તમે એક નૌકામાં સફર કરો છો. તમારી સાથે બીજા ચાર મુસાફર છે. એક પ્રખર વૈજ્ઞાનિક છે, એક મહાન સંત છે, એક મોટા નેતા છે અને ચોથા જ્ઞાની-મહાજ્ઞાની શિક્ષક છે. અચાનક દરિયામાં તોફાન આવે છે. બચવાની કોઈ શક્યતા નથી. ત્યાં તમને અચાનક આકાશવાણી સંભળાય છે, ‘હે જીવ, તારા પુણ્યપ્રતાપે તું તો ઊગરી જ જઈશ, પણ સાથોસાથ તું કોઈ પણ એક વ્યક્તિને બચાવી શકીશ. તો બોલ, તું કોને બચાવશે અને શું કામ?’

છે ને બુદ્ધિની કસોટીની એરણ પર ચડાવે એવો વિષય? તર્ક, કલ્પનાશક્તિ, વિચાર શક્તિને ઢંઢોળવાં પડે. સમાજ અને દેશને કોણ વધારે ઉપયોગી છે, કોની વધારે જરૂર છે એવા દાખલાદલીલો શોધવા કેટલી કસરત કરવી પડે. વૈજ્ઞાનિક, સંત, નેતા, શિક્ષકનું કેવું અને કેટલું મહત્વ છે એની યાદી બનાવવી પડે. એક નિબંધમાં સમાજના ચાર સ્તંભોની ઉપયોગિતા-બિનઉપયોગિતા સમજાવવાની કળાને આલેખવાનું આહવાન કેવી અદ્ભુત રીતે આપવામાં આવ્યું છે.

અને છેલ્લે...

કળિયુગ વિશે મિત્રોમાં ચર્ચા ચાલતી હતી ત્યારે મેં એક દાખલો કહ્યો. મારો એક મિત્ર સિગારેટ પીધા પછી રસ્તામાં ફેંકવાને બદલે પોતાના ખિસ્સામાં મૂકી દેતો. એક વાર મેં તેને પૂછ્યું કે તું આવું શું કામ કરે છે? તેણે કહ્યું કે છેલ્લાં વીસ વર્ષથી હું સિગારેટ પીઉં છું ને આવું જ કરું છું, કારણ કે મને ખબર છે કે આપણા દેશના રસ્તામાં ચાલતા અસંખ્ય લોકોનાં ચંપલમાં કાણાં હોય છે. એટલે ક્યારેય સળગતી કે અર્ધબૂઝી સિગારેટ હું રસ્તામાં ફેંકતો નથી. કળિયુગમાં પણ ઉદાત્ત ભાવનાની અછત નથી. કળિયુગમાં પણ બધા જ યુગની માફક મહાન માણસો જન્મ્યા છે. દેશે ઘણીબધી પ્રગતિ કરી છે, ધંધાપાણી વિકસ્યાં છે, સેવાભાવી કાર્યકરો ને સંસ્થાઓનો ઉદય થયો છે. બધા જ યુગની માફક સરહદ પર અનેક બલિદાનો દેવાયાં છે. બાકી તો દરેક યુગમાં ઊજળી બાજુ સાથે અંધારી કોર રહી જ છે.

આ પણ વાંચો : આ નવરાત્રિએ કાઠિયાવાડ જવાનું બને તો આ રાસ જોવાનું ચૂકતા નહીં

સમાપન

ગુજરાતી ભાષાના ઉત્કર્ષ માટે કામ કરતી સંસ્થાઓ માટે વક્તૃત્વ સ્પર્ધા કે નિબંધ સ્પર્ધા યોજવાના કેટલાક વિષયો મને સૂઝ્યા છે.
૧. ધન અને આબરૂ બન્નેમાંથી એક છોડવાનું થાય તો શું છોડવાનું પસંદ કરશો? અને શું કામ?
૨. ધારો કે તમે માછીમાર છો. હોડી અને દરિયો બેમાંથી એક છોડવાનું થાય તો શું છોડો?
૩. કોઈ સ્વરૂપવાન સ્ત્રીને રૂપ અને ધન બન્નેમાંથી એક છોડવાનું કહેવામાં આવે તો તેણે શું છોડવું જોઈએ?
૪. રાત અને દિવસમાંથી તમે કોને પસંદ કરો? શું કામ?
૫. તમને ડુંગર ગમે કે ખીણ?

અંતે

પહાડો ઊભા રહીને થાક્યા છે એવા
કે પરસેવા પેઠે નદીઓ વહે છે

Pravin Solanki columnists