આ નવરાત્રિએ કાઠિયાવાડ જવાનું બને તો આ રાસ જોવાનું ચૂકતા નહીં

Published: Sep 29, 2019, 12:43 IST | રશ્મિન શાહ | રાજકોટ

છે. આ નવરાત્રિએ જો કાઠિયાવાડ જવાનું બને તો બાળાઓ દ્વારા ભારોભાર જહેમત સાથે તૈયાર થયેલા આ રાસ જોવાનું ચૂકવા જેવું નથી.

આગ રાસ
આગ રાસ

અર્વાચીન દાંડિયાના વધતાજતા મહત્ત્વ વચ્ચે પણ આજે પ્રાચીન રાસ અને ગરબા કચ્છ અને કાઠિયાવાડમાં જળવાયેલા રહ્યા છે. અહીં થનારા અમુક રાસ અને ગરબા તો એ સ્તરના છે કે એ જોવા માટે લોકો ખાસ કાર્યક્રમ બનાવીને રૂબરૂ જાય છે. વર્ષમાં ૯ દિવસ અને ઘણી વાર તો આખી નવરાત્રિમાં ફક્ત એક વાર એ રાસ કરવાનો હોય, પણ એની તૈયારીઓ એક-દોઢ મહિના સુધી ચાલે છે અને એ તૈયારી પછી ભારોભાર પર્ફેક્શન સાથે રાસ તૈયાર થાય છે. આ નવરાત્રિએ જો કાઠિયાવાડ જવાનું બને તો બાળાઓ દ્વારા ભારોભાર જહેમત સાથે તૈયાર થયેલા આ રાસ જોવાનું ચૂકવા જેવું નથી. આ રાસ જોવા એ પણ જીવનનો એક અનેરો લહાવો છે અને આવો લહાવો વર્ષમાં એક જ વાર સાંપડે છે.
જોવા જેવા આ રાસમાં પહેલા નંબરે આવે છે જસદણનો ટ્યુબલાઇટ રાસ.
ટ્યુબલાઇટ રાસ
જસદણના શક્તિ ગરબી મંડળ દ્વારા થતા આ ટ્યુબલાઇટ રાસ દરમ્યાન બાળાઓના માથા પર ટ્યુબલાઇટ ફોડવામાં આવે છે. છેલ્લાં ૧૮ વર્ષથી થતા આ રાસને અટકાવવા માટે આ વિસ્તારના કેટલાક લોકો ૪ વર્ષ પહેલાં કોર્ટમાં પણ ગયા હતા, પરંતુ શક્તિ ગરબી મંડળ દ્વારા કરવામાં આવેલી દલીલને ગ્રાહ્ય રાખીને કોર્ટે રાસ પર મનાઈહુકમ આપવાની ના પાડી દીધી એટલે રાસ ચાલુ રહ્યો. શક્તિ ગરબી મંડળના આયોજક હરસુરભાઈ ચૌહાણે કહ્યું કે ‘નવરાત્રિ માત્ર આરાધનાનો જ નહીં, અસુરી શક્તિનો નાશ કરવાનો ઉત્સવ છે. આ રાસ એ જ વાત સૂચવે છે.’

garba

ટ્યુબલાઇટ રાસમાં ૮ બાળાઓ હોય છે, જે ટ્યુબલાઇટ સાથે રાસ રમે છે. રાસના અંત ભાગમાં આ ૮ બાળાઓમાંથી ૪ બાળાના માથે બાકીની ૪ બાળાઓ પોતાના હાથમાં રહેલી ટ્યુબલાઇટ ફોડે છે, એટલું જ નહીં, રાસ જોવા આવેલા પ્રેક્ષકો દ્વારા આપવામાં આવતી ટ્યુબલાઇટ પણ બાળાઓના માથે ફોડવામાં આવે છે. હરસુરભાઈ ચૌહાણ કહે છે, ‘જેના ઘરમાં લાંબા સમયથી બીમારી હોય તે લોકો માનતા રાખે છે અને માનતા પૂરી થાય એટલે ગરબી મંડળમાં ટ્યુબલાઇટ ધરે છે, જે રાસ દરમ્યાન બાળાના માથે ફોડીને પૂરી કરવામાં આવે છે.’

સાડાચાર મિનિટ ચાલનારો આ રાસ માનતાની ટ્યુબલાઇટને લીધે ઓછામાં ઓછો અડધો કલાક ચાલે છે. આ
રાસ જોવો એ જીવનનો એક અદ્ભુત લહાવો છે.
બીજા નંબરે આવે છે જામનગરમાં થતો ભગવાન રાસ. હા, આ રાસ રમવા માટે દેવતા આવે છે અને દેવતા શક્તિની આરાધના કરતા રાસ રમે છે.
ભગવાન રાસ
જામનગરના લીમડા લેન વિસ્તારમાં ભારતમાતા આદર્શ ગરબી મંડળ દ્વારા થતો ભગવાન રાસ જોવો એ જીવનનો એક અનેરો લહાવો છે. મહાદેવ, નારદ, કૃષ્ણ, વિષ્ણુ, ગણપતિ અને બીજા અનેક દેવતા મા દુર્ગાની આરાધના માટે ધરતી પર આવે અને દુર્ગાની આરાધના કરે એવી ભાવનાથી તૈયાર થયેલો આ રાસ જોવા લોકો છેક અમદાવાદ અને સુરતથી આવે છે.
મા દુર્ગા સર્વ દેવી-દેવતાઓમાં સૌથી ઉપરના સ્થાને છે. જ્યારે ભગવાનો પણ રાક્ષસોથી ત્રસ્ત થઈ ગયા હતા ત્યારે તેમણે મા દુર્ગાને વિનંતી કરી અને રાક્ષસોના સંહાર માટે મા દુર્ગા ધરતી પર આવ્યાં. દુર્ગાની એ જીત પછી બધા ભગવાન ખૂબ નાચ્યા હતા. એ જ વાતને હવે રાસ સ્વરૂપે રજૂ કરવામાં આવે છે.

ras

આ ભગવાન રાસની ખાસિયત એ છે કે એને માટે કોઈ પૂર્વતૈયારી કરવામાં નથી આવતી કે ખેલૈયાઓને કોઈ સ્ટેપ આપવામાં આવતાં નથી. ખેલૈયાઓ પોતે ભગવાનના વાઘામાં આવે છે. બીજી ખાસિયત એ કે આ રાસમાં માત્ર પુરુષો જ હોય છે. આ રાસ પછી બધા ભગવાન એકસાથે મા દુર્ગાને નમન કરે છે. નારીશક્તિનું મહત્ત્વ સમજાવવા માટે આ રાસ સૌથી સર્વશ્રેષ્ઠ છે.
ત્રીજા નંબરે છે જૂનાગઢના બેઠા ગરબા. આ બેઠા ગરબા જેટલા રસપ્રદ છે એટલો જ એનો ઇતિહાસ પણ ઇન્ટરેસ્ટિંગ છે.
બેઠા ગરબા
રાસ અને ગરબા તો ઊભાં-ઊભાં રમવાના હોય એવામાં જૂનાગઢવાસીઓ શું કામ બેસીને ગરબા કરતા હશે એ જાણવું જોઈએ.
પાકિસ્તાન સાથે જોડાવા માગતા જૂનાગઢના નવાબ મોહબતઅલી ખાને એ અરસામાં જૂનાગઢના લોકોને નવરાત્રિ રમવા કે ઊજવવા પર પ્રતિબંધ જાહેર કરી દીધો એટલે હિન્દુઓએ આજુબાજુનાં ઘરને ભેગાં કરીને જેમ સોસાયટીમાં ગરબા થાય એમ જ બેઠા ગરબા ઘરમાં શરૂ કર્યા. જમીન પર બેઠા રહેવાનું અને ગરબા રમવાના. નવાબનો હુકમ નહીં માનવાની સજા ભોગવવી ન પડે એ માટે એ સમયે ધીમા સાદે અને અવાજ ન થાય એ રીતે ગરબા રમવામાં આવતા. એ સમયે તાળી પણ સાવ ધીમી પાડતા એમ છતાં ચારથી પાંચ જૂથ નવાબના સૈનિકોના હાથમાં પકડાઈ ગયું હતું જેમાંથી ચારને નવાબે મૃત્યુદંડ ફટકાર્યો હતો. આ જે લોકો માર્યા ગયા એટલે જૂનાગઢના પુરુષોએ નક્કી કર્યું કે હવેથી બેઠા ગરબામાં માત્ર પુરુષો જ ભાગ લેશે. જે પ્રથા હજી પણ ચાલુ રહી છે અને નવાબના જુલમ વચ્ચે પણ જૂનાગઢમાં માતાજીની નવરાત્રિ ઊજવાતી રહી એ દેખાડવા આજે પણ બેઠા ગરબા થાય છે.

garba

બેઠા ગરબા પહેલાં જેનું ઘર મોટું હોય ત્યાં થતા, પણ પછી એ મંદિરોમાં શરૂ થયા. રાતે ૯ વાગ્યે શરૂ થતા આ ગરબામાં પુરુષો એકત્રિત થાય અને રાતે ૧૨ વાગ્યા સુધી ગરબા રમે. આ ગરબામાં કોઈ ઊભું નથી થતું, બધાં બેઠાં-બેઠાં ગરબા ગાય અને તાળીઓ પાડે. મજાની વાત એ છે કે જેમ ગરબી મંડળમાં બાળાઓને લહાણી આપવામાં આવે એમ અહીં પણ પુરુષોને લહાણી આપવામાં આવે છે. આ બેઠા ગરબા જોવા માટે ટૂરિસ્ટ પણ જતા હોય છે.
ચોથા ક્રમે આવે છે રાજકોટનો
આગ રાસ.
આગ રાસ
રાજકોટના જંક્શન વિસ્તારમાં થતા આ આગ રાસ માટે પોલીસ-ડિપાર્ટમેન્ટમાંથી પણ પરમિશન લેવામાં આવે છે. આ રાસમાં બાળાઓની આંખે પાટા બાંધવામાં આવે છે અને પછી તેના માથે સળગતી ઇંઢોણી અને સળગતો ગરબો મૂકવામાં આવે છે. આટલું ઓછું હોય એમ આ રાસ ચાલતો હોય ત્યારે રાસના વર્તુળની વચ્ચે-વચ્ચે આગના કોગળા કરતો માણસ પણ આવ્યા કરે. આ રાસ એટલી હદે જોખમી છે કે એક તબક્કે પોલીસ-ડિપાર્ટમેન્ટે એના પર પ્રતિબંધ પણ મૂક્યો હતો. જોકે ગરબી મંડળના સંચાલકોની અસરકારક રજૂઆતને કારણે રાસ પરથી પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો અને રાસ માટે કેટલાક નિયમો બનાવવાની સાથે રાસ નવરાત્રિના નવેનવ દિવસ કરવાને બદલે ચાર દિવસ કરવાનું નક્કી કર્યું, પણ એને લીધે શ્રદ્ધાળુઓની ગરબા જોવાની સંખ્યામાં ગજબનાક ઉમેરો થઈ ગયો.
અંબિકા ગરબી મંડળનો આ રાસ લગભગ ૩૫ વર્ષથી થાય છે. આ વર્ષે આ રાસ બીજા નોરતે અને એ પછી છઠ્ઠા, સાતમા અને આઠમા નોરતે થશે. મજાની વાત એ છે કે ગુજરાતની તમામ પ્રાચીન ગરબીઓમાં સૌથી જોખમી ગણાતા આ રાસમાં કોઈ અઘટિત ઘટના ઘટી નથી.
પાંચમા નંબરે આવે છે પોરબંદરનો ટોપી રાસ.
ટોપી રાસ
પોરબંદરના ભદ્રકાળી માતાના મંદિરે રમાતા ગરબાઓ ફ્રી સ્ટાઇલમાં છે, પણ આ ગરબાની એક શરત છે. અહીં રાસ રમવા માગતા ખેલૈયાઓએ ટોપી પહેરવી ફરજિયાત છે. આ ગરબાની બીજી પણ એક શરત છે કે અહીં માત્ર પુરુષો જ રમી શકે. આ બન્ને નિયમો પાછળ એક નાનકડો ઇતિહાસ છે. ભદ્રકાળી મંદિરના પૂજારી જયવંતભાઈ ભટ્ટે કહ્યું હતું કે ‘દોઢસો વર્ષ પહેલાં માતાજીને રીઝવવા માટે મેરુભા નામના એક ક્ષત્રીય યુવાન બૈરી બનીને નવરાત્રિમાં માતાજી સામે ૯ દિવસ સુધી ગરબા રમ્યા હતા. ખમીરવંતી પ્રજા ગણાતા ક્ષત્રિયોમાં મૂછનું અદકેરું મહત્ત્વ છે અને એમ છતાં બૈરી બનેલા મેરુભાએ પોતાની મૂછ સહિત આખા શરીરના વાળ પણ ઉતરાવી નાખ્યા હતા. મેરુભાની આ ભક્તિથી મા નવમા નોરતે પ્રસન્ન થયાં અને દર્શન આપ્યાં. એ દિવસથી માતાજી સામે બૈરી બનીને ગરબા લેવાની પ્રથા શરૂ થઈ.’
શરૂઆતનાં વર્ષોમાં પુરુષો અહીં ચણિયા-ચોળી પહેરી મેરુભાની જેમ ગરબા કરતા, પણ કાળક્રમે આ પ્રથામાં છૂટછાટ લેવાની શરૂઆત થઈ. પહેલાં વાળ ઉતારવાનું અને પછી મહિલાઓનાં કપડાં પહેરવાનું બંધ થયું, પણ માથું ઢાંકેલું રાખવાની પ્રથા અકબંધ રહી જે છેલ્લા આ જ દિવસ સુધી અકબંધ છે. ગરબા એ મહિલાઓની ઇજારાશાહી કહેવાય, પણ ભદ્રકાળી માતાના મંદિરે થતા ગરબામાં કોઈ મહિલાઓ રાસ નથી રમતી. મંદિરના પટાંગણમાં પુરુષો ગરબા રમે અને મહિલાઓ આ ગરબા જુએ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK