શતરંજ સી ઝિંદગી મેં કૌન કિસકા મોહરા હૈ આદમી એક હૈ મગર...

09 September, 2019 12:18 PM IST  |  મુંબઈ | માણસ એક રંગ અનેક - પ્રવીણ સોલંકી

શતરંજ સી ઝિંદગી મેં કૌન કિસકા મોહરા હૈ આદમી એક હૈ મગર...

પ્રવીણ સોલંકી

માણસ એક, રંગ અનેક. માણસના મગજનો હજી સુધી કોઈ તાગ મેળવી શક્યું નથી. બધા માણસો દેખાવમાં એકસરખા જ છે. બે હાથ, બે પગ, બે કાન, બે આંખ, એક નાક, બે કિડની વગેરે-વગેરે. રૂપ જુદું હોઈ શકે, સ્વરૂપ એક જ છે. આમ છતાં દરેક માણસ વિચારે છે જુદું-જુદું, વર્તે છે જુદી-જુદી રીતે. બોલે છે જુદી રીતે ને સાંભળે છે સૌ પોતપોતાની રીતે. તુલસીદાસજી પ્રખર સંત હતા એટલા જ પ્રખર માનસશાસ્ત્રી હતા. વર્ષો પહેલાં લખી ગયા, ‘તુલસી ઇસ સંસાર મેં ભાત ભાત કે લોગ’ (ગુજરાતી પ્રજા માટે એક વ્યંગ પણ પ્રચલિત છે, તુલસી ઇસ સંસાર મેં દાળભાત કે લોગ).

હિન્દુ તત્વજ્ઞાન પ્રમાણે માનવી પૂર્વજન્મના સંસ્કાર અને વાસનાઓ લઈને જન્મે છે. પૂર્વજન્મ અને પુનર્જન્મ એ જ એક ચર્ચાનો વિષય છે તો વિધાનને પ્રમાણ કેમ માની શકાય? વળી શાસ્ત્રો એમ પણ કહે છે કે ૮૪ લાખ જન્મના ફેરા પછી માનવ જન્મ મળે છે. તો શું ૮૪ લાખ જન્મો સુધી પૂર્વજન્મના સંસ્કારો સાથે લઈને મનુષ્ય નવા-નવા જન્મો ધારણ કરતો હશે? પંચમહાભૂતથી બનેલું શરીર રાખ થઈ જાય તો શું વાસનાઓ કોરી રહી જાય? વાસના મનનું કારણ છે અને મન મગજ સાથે સંકળાયેલું છે તો મગજ અખંડ બન્યા વગરનું રહેતું હશે?

આ બધા બહુ અઘરા અને અટપટા સવાલો છે. એના જવાબમાંથી પણ કેટલાક પેટાસવાલો ઊભા થાય છે. એમાં પડવાનું આપણું કામ નથી, મારું તો નથી જ. મારે માટે તો જે સમજાય એ જ્ઞાન ને જે ન સમજાય એ તત્વજ્ઞાન. જીવન જ એક કોયડો છે, એને ઉકેલવાનો ન હોય; પાર કરી જવાનો હોય, જીવી જવાનો હોય. ખેર, મૂળ વાત એ છે કે માણસને તેના સંસ્કાર જન્મથી તેના ઉછેરમાંથી જ મળે છે. કુટુંબના સભ્યો, આડોશપાડોશ, સગાંવહાલાં, મિત્રો-ભાઈબંધો, આજુબાજુના વાતાવરણના થયેલા અનુભવોની અસર માણસ પર હોય જ છે.

વ્યક્તિ અને કુટુંબની એક મૂળભૂત ખાસિયત સૌથી પહેલાં ‘સ્વ’નો વિચાર કરવાની છે. પોતાનું હિત અને પોતાનું સુખ જોવાને એ લોકો કર્તવ્ય પણ માને છે.

આપણે એને સ્વાર્થીપણું કહીએ છીએ. હકીકતમાં માણસમાં થોડેઘણે અંશે સ્વાર્થીપણું હોવું જરૂરી પણ છે. એ વગર પ્રગતિ થતી નથી. સ્વાર્થી હોવું એ અવગુણ નથી, નિ:સ્વાર્થી ન હોવું એ અવગુણ છે. જે સ્વનો જ વિચાર ન કરી શકે તે બીજાનો વિચાર કઈ રીતે કરી શકે? સ્વ સાથે સ્વજન અને સમાજનો પણ વિચાર કરવો એ ઉત્તમ પરિસ્થિતિ છે.

પણ આ સમજ દરેક વ્યક્તિમાં હોતી નથી, આવતી નથી. બાળપણથી જ માબાપો, વડીલો બાળકને જે શિખામણ આપે છે એનો અભ્યાસ કરવા જેવો છે. ‘તારો નાસ્તાનો ડબ્બો તું જ ખાજે, અમને ખબર છે કે બીજા છોકરાઓ તારો ડબ્બો જમી જાય છે ને તું કંઈ બોલી શકતો નથી. જરા સ્માર્ટ બન. આપણું નુકસાન થાય એવું કોઈ કામ આપણે કરવાનું નહીં, સૌથી પ્રથમ આપણે આપણી જાત સંભાળવાની, પારકી પંચાતમાં કોઈ દિવસ આપણે પડવું જ નહીં, આવો ભોળો રહીશ તો દુનિયા તને પીંખી નાખશે, પરીક્ષા સમયે હેમંત તને સાચો જવાબ લખાવતો હતો એ કેમ લખ્યો નહીં? આવો ડરપોક રહીશ તો આગળ કેમ આવીશ? બિન્દાસ બન, દુનિયા ઝુકતી હૈ ઝુકાનેવાલા ચાહિએ.’

ટૂંકમાં માણસને બાળપણથી જ સ્વાર્થી બનવાની િશખામણ જુદા-જુદા સંદર્ભો દ્વારા મળતી હોય છે, એની અસર દરેક વ્યક્તિના બંધારણ મુજબ જુદી-જુદી રીતે અસર કરતી હોય છે. કોઈ વિરલ એ િશખામણને ઓકી નાખે છે તો કોઈ અભાગી જીવનભર એ વાગોળતો રહે છે. માણસ ભૂલી જાય છે કે જીવનની સાર્થકતા સુખ શોધવામાં નથી, જીવનનો આનંદ શોધવામાં છે. વળી માણસ જીવન સુધારવા કરતાં વધારવામાં એટલોબધો રચ્યોપચ્યો રહે છે કે જીવનનો આનંદ ભૂલી જાય છે. અને એટલે જ સુખ આવે છે ત્યારે પુણ્યની મૂડી વપરાઈ જાય છે ને સરવાળે દુ:ખી થાય છે. હવે તેમ જ કહો કે ખરાબ સમાચાર માટે ટપાલીને દોષ કેમ આપી શકાય?

માણસ જુદા-જુદા પ્રસંગોમાં કેવી રીતે જુદી-જુદી રીતે વર્તે છે કે એક જ વસ્તુ કે વાત પર કેવા જુદા-જુદા વિચારો ધરાવે છે એ જાણવા જેવું છે. અસંખ્ય માણસો નિયમિત રીતે મંદિરમાં જાય છે. શું બધા જ પ્રભુદર્શન કે પ્રાર્થના માટે જાય છે? કોઈ માગવા જાય છે, કોઈ આપવા જાય છે, કોઈ ટાઇમપાસ માટે જાય છે, કોઈ આદત મુજબ જાય છે, કોઈ માનતા માનવા જાય છે, કોઈ માનતા ઉતારવા જાય છે. કોઈ વાર-તહેવાર, િતથિને અનુસરીને જાય છે, કોઈ મનની શાંતિ માટે જાય છે. કોઈ મંદિર બહાર પગરખાં ઉતારીને જાય છે તો કોઈ સંત અભરખા ઉતારીને જાય છે.

આ જ પ્રમાણે માણસ ‘સ્વ’નો વિચાર કેવા-કેવા પ્રકારે કરે છે એવાં કેટલાંક રસપ્રદ ઉદાહરણો-મારા સ્વાનુભવો ટાંકું છું. એક રાત્રે હું મારા એક મિત્રના ઘરે ગયો. ગયો નહોતો, રસ્તામાં મળી ગયો ને મને પરાણે ઘસડી ગયો. તેનો આલીશાન ફ્લૅટ બતાવ્યો. ફોર બેડરૂમ-હૉલ- કિચન. ૧૦૫૦ સ્ક્વેર ફીટ. ઘરમાં કુલ્લે વ્યક્તિઓ છ. વત્તા બે નોકર. બોલ્યો, ‘પ્રવીણ, આપણે ક્યાં હતા ને ક્યાં પહોંચી ગયા. તું તારા ક્ષેત્રમાં ટૉપ પર, હું મારા ક્ષેત્રમાં.’ 

અચાનક લાઇટ ગઈ. ઘોર અંધારું થઈ ગયું. તેણે બૂમ પાડી, ‘સદાનંદ, જનરેટર ચાલુ કર.’ સદાનંદે કહ્યું કે જનરેટર રિપેરમાં છે. દોડાદોડી મચી ગઈ. મોબાઇલના અજવાળે બે-ચાર કૅન્ડલ સળગી. પણ મિત્ર આકુળવ્યાકુળ થઈ ગયો. મિત્રે કહ્યું, ‘સાલું ઘરનું વાયરિંગ મેં પર્ફેક્ટ રીતે કરાવ્યું છે, લાઇટ જાય કેમ?’ નોકરે કહ્યું કે સાહેબ, આપણી જ લાઇટ નથી ગઈ, બધાની ગઈ છે.

‘બધાની ગઈ છે’ એ સાંભળી મિત્રના ચહેરા પર ચમક આવી ગઈ.

આ માનવ સ્વભાવ છે. આપણે પણ આવું ઘણી વાર અનુભવ્યું હશે. આપણા ઘરની લાઇટ જાય ત્યારે પહેલાં આપણે દુ:ખી થઈ જઈએ છીએ, પણ જ્યારે ખબર પડે કે બધાની ગઈ છે ત્યારે ટાઢક વળે છે. આપણી સાથે આડોશપાડોશના બધા દુ:ખી છે એ જાણીને આપણું દુ:ખ થોડુંક હળવું થાય છે.

બે મિત્રો હતા. બન્નેની ઑફિસ બાજુ-બાજુમાં. બન્ને પોતાની ગાડી એક પાનવાળાની દુકાન સામે પાર્ક કરે. એકની ગાડી સૅન્ટ્રો, બીજાની મર્સિડીઝ. એક દિવસ બન્ને ગાડી પાર્ક કરી પોતપોતાની ઑફિસે ગયા. અડધા કલાક પછી સૅન્ટ્રોવાળાને પાનવાળાનો ફોન આવ્યો કે જલદી આવો, તમારી ગાડી પર ઝાડ પડ્યું છે, પાછળનો ભાગ ડૅમેજ થયો છે. સૅન્ટ્રોવાળો બધાં કામ મૂકીને ભાગ્યો, મનમાં વિચારતો હતો કે કેટલું નુકસાન થયું હશે? આજે સવારે કોનું મોઢું જોયું? સવારના પહોરમાં જ મોકાણના સમાચાર! તેણે પોતાની ગાડી જોઈ. પાછળના ભાગને નુકસાન થયું હતું. પહેલો વહેલો વિચાર આવ્યો કે વીમા કંપની ક્લેમ આપશે કે નહીં. હતાશ-ખિન્ન થઈ ગયો. ત્યાં અચાનક તેની નજર ફ્રેન્ડની મર્સિડીઝ પડી. આખી ગાડી ચૂરો થઈ ગઈ હતી. પેલો પોતાનું દુ:ખ ભૂલી ગયો. મર્સિડીઝને જબરદસ્ત નુકસાન થયું છે એ જાણી જાણે તેને સાંત્વન મળ્યું. ચહેરા પર ‘હાશ’કારો છવાયો!

એક ગાડીમાં છ મિત્રો મહાબ‍ળેશ્વર પિકનિક પર નીકળ્યા. એમાં એક મનહર પણ હતો (નામ બદલ્યું છે). મનહરને એ દિવસે તાવ હતો એટલે ઘરનાં બધાંએ તેને ન જવા સમજાવ્યો, પણ માન્યો નહીં. ઘરેથી રવાના થયા પછી ઘરનાં બધાં ખૂબ ટેન્શનમાં હતાં ત્યાં બે કલાક પછી સમાચાર મળ્યા કે ગાડીને કારમો અકસ્માત નડ્યો છે. ઘરનાં બધાં ભયભીત બની ગયાં. દોડધામ શરૂ થઈ ગઈ, એ જાણવા કે મનહરની હાલત શું છે. બે કલાકની મથામણ પછી ખબર પડી કે મનહર બિલકુલ સલામત છે. બાકીના ત્રણ મિત્રો ઘાયલ થયા હતા અને બેનાં મોત! મનહર સલામત છે એની ખુશીમાં બાકીના સમાચાર પ્રત્યે વિવેક પૂરતો અફસોસ વ્યક્ત કરી બીજા કોઈ પ્રત્યાઘાત ન આપ્યા. તેમને મન મનહર સલામત હતો એ જ મહત્વના સમાચાર હતા. માએ માનતા માની લીધી, પિતાએ સત્યનારાયણની કથા કરાવવાનું મનોમન નક્કી કરી લીધું, બહેને પેંડા મંગાવી આજુબાજુ વેચ્યા. ઘરમાં જાણે ઉત્સવ થઈ ગયો.

જે બેનાં મોત થયાં હતાં, ત્રણ ઘાયલ થયા હતા એ લોકો પણ કોઈના દીકરા, કોઈના ભાઈ જ હતાને? એ લોકોનાં ઘરનાંની હાલત શું થઈ હશે એનો વિચાર કોઈને કેમ ન આવ્યો? છેલ્લે ક્યાંક બૉમ્બ બ્લાસ્ટ થાય, ટ્રેન અકસ્માત કે કોઈ મોટી હોનારત થાય ત્યારે માણસને સૌથી પહેલી ચિંતા એ દિશામાં પોતાનું કોઈ હોય તેની જ થાય છે. એ સ્વાભાવિક પણ છે. એમાં કશું ખોટું પણ નથી. દુ:ખ ત્યારે થાય છે કે પોતાના સલામત છે એ જાણ્યા પછી પરાયાની પૂરતી ચિંતા-દુ:ખ થતાં નથી. એ માત્ર સમાચાર બનીને રહી જાય છે. આપણી સંવેદનાની ધાર ‘સ્વ’ પૂરતી મર્યાદિત થઈ ગઈ છે. માણસ એક, રંગ અનેક એ આનું નામ? મૅચબૉક્સમાં દિવાસળીઓ તો ઘણીબધી હોય છે ને એકસરખી જ હોય છે, પણ એમાંની કોઈ એક પ્રગટાવે છે તો કોઈ બીજી સળગાવે છે. માણસ નામે મૅચબૉક્સ!

આ જ પ્રમાણે માણસ ‘સ્વ’નો વિચાર કેવા-કેવા પ્રકારે કરે છે એવાં કેટલાંક રસપ્રદ ઉદાહરણો-મારા સ્વાનુભવો ટાંકું છું. એક રાત્રે હું મારા એક મિત્રના ઘરે ગયો. ગયો નહોતો, રસ્તામાં મળી ગયો ને મને પરાણે ઘસડી ગયો. તેનો આલીશાન ફ્લૅટ બતાવ્યો. ફોર બેડરૂમ-હૉલ- કિચન. ૧૦૫૦ સ્ક્વેર ફીટ. ઘરમાં કુલ્લે વ્યક્તિઓ છ. વત્તા બે નોકર. બોલ્યો, ‘પ્રવીણ, આપણે ક્યાં હતા ને ક્યાં પહોંચી ગયા. તું તારા ક્ષેત્રમાં ટૉપ પર, હું મારા ક્ષેત્રમાં.’ 

આ પણ વાંચો : પુરુષોને કેમ ગમે છે ઉંમરમાં પોતાનાથી મોટી મહિલા?

અચાનક લાઇટ ગઈ. ઘોર અંધારું થઈ ગયું. તેણે બૂમ પાડી, ‘સદાનંદ, જનરેટર ચાલુ કર.’ સદાનંદે કહ્યું કે જનરેટર રિપેરમાં છે. દોડાદોડી મચી ગઈ. મોબાઇલના અજવાળે બે-ચાર કૅન્ડલ સળગી. પણ મિત્ર આકુળવ્યાકુળ થઈ ગયો. મિત્રે કહ્યું, ‘સાલું ઘરનું વાયરિંગ મેં પર્ફેક્ટ રીતે કરાવ્યું છે, લાઇટ જાય કેમ?’ નોકરે કહ્યું કે સાહેબ, આપણી જ લાઇટ નથી ગઈ, બધાની ગઈ છે.

Pravin Solanki columnists