જોજો છેડે પહોંચીને હારી ન જતા

09 May, 2021 10:53 AM IST  |  Mumbai | Kana Bantwa

માણસ એક જ પ્રાણી એવું છે આ દુનિયામાં જેની પાસે મનોબળ છે. માણસ પાસે મર્યાદાઓને વળોટી જવાની ક્ષમતા છે, કારણ કે તેના હૃદયમાં આશાનો દીવડો હંમેશાં ટમટમ્યા કરે છે.

પ્રતીકાત્મક તસવીર

પર્વતમાં એક બોગદું, ટનલ ખોદવાનું કામ ચાલી રહ્યું હતું. અચાનક ભૂસ્ખલન થયું અને ટનલમાં કામ કરી રહેલા ખાણિયાઓની ટુકડી ટનલમાં જ ફસાઈ ગઈ. બહાર નીકળવાના રસ્તા ધૂળ અને પથ્થરોથી બંધ થઈ ગયા. ક્યાંયથી હવા પણ આવી શકે એમ નહોતી. ઑક્સિજન પણ ટૂંક સમયમાં જ ખતમ થઈ જાય એમ હતો. ખાણિયાઓએ એક દિશામાં ખોદવાનું ચાલુ કર્યું. ખાણિયાઓને ખબર હતી કે ખોદતા રહીશું તો જ બચીશું, ઉત્સાહ રાખીશું તો જ જીવતા રહીશું એટલે એકબીજાને પાનો ચડાવતા જાય, હાકલા-પડકારા કરતા જાય અને માટી હટાવતા જાય. ધીમે-ધીમે અમુક ખાણિયાઓ હતાશ થવા માંડ્યા. અમુક તો પ્રયત્ન કરવાને બદલે નિરાશ થઈને બેસી ગયા કે હવે કશું થવાનું નથી, અહીં જ ગૂંગળાઈને મરવાનું છે. અમુક પ્રાર્થના કરવા માંડ્યા. અમુક ઈશ્વરને દોષ દેવા લાગ્યા કે આવી સજા શા માટે આપી રહ્યો છે? અમુક રોદણાં રડવા માંડ્યા. અમુક પોતાના પરિવારને યાદ કરીને દુ:ખી થયા. અમુક ટનલ બનાવનાર સરકારને દોષ આપવા માંડ્યા કે પૂરી વ્યવસ્થા ન કરી. અમુક કૉન્ટ્રૅક્ટરને ભાંડવા માંડ્યા. જોકે એમાંના બે ખાણિયાનો ઉત્સાહ ઓસર્યો નહીં. તેઓ આજુબાજુના ખાણિયાઓની નિરાશા કે આક્રોશ કે રોદણાંથી અલિપ્ત રહીને બસ ખોદતા જ રહ્યા. કોઈ ખાણિયાએ તેમને કહ્યું પણ ખરું કે મરવાનું જ છે તો શાંતિથી મૃત્યુ પામોને; આખી જિંદગી મજૂરી જ કરી છે, અંત સમયે તો શાંતિથી બેસો. પણ એ બે ખાણિયાઓએ તેમની વાત કાને ધરી નહીં. તેઓ ખોદતા રહ્યા. ઑક્સિજન ઘટી ગયો હતો. શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી હતી. એ બન્ને ખાણિયાઓનો જુસ્સો પણ તૂટી રહ્યો હતો. એમાંના એક ખાણિયાના હાથમાંથી કોદાળી સરી પડી. બાકી રહેલા ખાણિયાએ દોસ્તને જમીન પર ઢગલો થતા જોયો છતાં તેને સંભાળવાને બદલે શરીરમાં હતી એટલી તાકાતથી પ્રહાર કર્યો અને બાકોરું પડ્યું. ઝળાંહળાં પ્રકાશ અને હવાની લહેર ટનલમાં ફરી વળી અને સાથે જ બચી ગયાના આનંદ સાથેની ચિચિયારીઓ પણ.

 આવી જ સ્થિતિ અત્યારે આપણી છે. જીતની નજીકની ઘડીએ અમુક લોકો હતાશ થઈ ગયા છે. અમુકને લાગી રહ્યું છે કે મહેનત નિરર્થક છે. અમુકને વિશ્વાસ છે કે જીત આપણી જ થવાની છે. અમુકને લાગે છે કે આપણે કશું કરી શકીએ એમ નથી. અમુક પોતાનાથી બનતું બધું જ કરી રહ્યા છે. અમુક બમણી તાકાતથી કામ કરી રહ્યા છે. ખાણિયાઓમાં જેટલા પ્રકાર હતા એ બધા જ પ્રકારના માણસો અત્યારે દુનિયામાં છે. બલ્કે એનાથી વધુ પ્રકારના છે. કેટલાક પરોપકારી છે જેઓ અત્યારે સેવાના યજ્ઞમાં લાગેલા છે. કેટલાક પારકી છઠ્ઠીના જાગતલ અત્યારે પોતાનું સર્વસ્વ દાવમાં મૂકીને બીજાને બચાવવામાં લાગ્યા છે. એવા પણ છે જેઓ અત્યારે પણ લોભ અને લાલચ માટે કોઈના જીવને જોખમમાં મૂકી રહ્યા છે, પીડિતોની આંતરડી કકળાવી રહ્યા છે.

દુશ્મન કંગાળ થાય એમાં વિજય

 જ્યારે સંઘર્ષનો અંત આવવાનો હોય ત્યારે મોટા ભાગે હારી જવાતું હોય છે. લાંબી લડાઈ લડ્યા બાદ જ્યારે વિજય નજીક હોય ત્યારે હતાશ થઈને પ્રયત્ન છોડી દેવાતા હોય છે. ભલે બધા કહે કે કોરોનાની મહામારીને હરાવવી મુશ્કેલ છે, આપણે વિજયની નજીક છીએ. ભલે નિષ્ણાતો ત્રીજી લહેર આવશે એવું કહીને બિવડાવતા હોય. હવે માણસ આ મહામારી સામે લડતાં અને જીતતાં શીખી ગયો છે. મહામારી સામેનો વિજય એ નથી કે એ વાઇરસ પૃથ્વી પરથી ખતમ થઈ જાય. વિજય એ છે કે માણસો એનો પ્રતિકાર કરવાની ક્ષમતા વિકસાવી લે. વિજય એ છે કે માણસને આ મહામારીનો ડર ન લાગે. વિજય એ છે કે મહામારી કહેવાતો આ રોગ સામાન્ય શરદી-તાવ જેવો ગણાવા માંડે. દુશ્મનને સાવ કંગાળ સ્થિતિમાં, નિમ્ન સ્થિતિમાં પહોંચાડી દેવો એ સૌથી મોટો વિજય છે. જે કોરોનાથી વિશ્વ ધ્રૂજી રહ્યું છે એ કોરોના કોઈ ગણતરીમાં પણ ન લે એવો સામાન્ય રોગ ગણાવા માંડે. ઘરે જ એ સામાન્ય સારવારથી મટી જાય, જેમ માથું દુખતું હોય અને ગોળી લેવાથી મટી જાય એમ. આવી સ્થિતિ તરફ માણસ જઈ રહ્યો છે. વૅક્સિન આનું મહત્ત્વનું પગથિયું છે. લડાઈનો અંત નજીક છે. કદાચ થોડા મહિના, એક-બે વર્ષ પછી સ્થિતિ એવી આવશે કે માણસ ડરતો નહીં હોય કોવિડના નામથી. માણસ ડરતો નહીં હોય પૉઝિટિવ થવાથી. પણ મુદ્દો છે ત્યાં સુધી હિંમત ટકાવી રાખવાનો. ત્યાં સુધી જુસ્સો યથાવત્ રાખવાની આવશ્યકતા છે. કાંઠે આવેલું જહાજ ડૂબી ન જાય એનું ધ્યાન રાખવાનું છે. કેટલું સહન કર્યું માનવજાતે? કેટલી પરેશાની ભોગવી તમે? કેવા કપરા સંજોગો સામે ટકી રહ્યા તમે? કેવા ઝંઝાવાત સામે અડગ ઊભા રહ્યા તમે? આર્થિક, શારીરિક અને માનસિક મુશ્કેલીઓનાં ઝૂંડ લઈને આવી આ મહામારી, છતાં તમે આજે તમારા પગ પર નિશ્ચલ ઊભા છો. આ કોઈ જેવી તેવી વાત નથી. આ જ તો તાકાત છે માનવીની.

માણસની આંતરિક તાકાત

માણસ એક જ પ્રાણી એવું છે આ દુનિયામાં જેની પાસે મનોબળ છે. માણસ પાસે મન છે અને એટલે મનોબળ છે. માણસ પાસે મર્યાદાઓને વળોટી જવાની ક્ષમતા છે, કારણ કે તેના હૃદયમાં આશાનો દીવડો હંમેશાં ટમટમ્યા કરે છે. અસંભવની પાર તેને ઉજ્જવળ ભવિષ્ય દેખાય છે. ખરેખર તો અસંભવ માણસને આકર્ષે છે એને પાર કરી જવા માટે. એવરેસ્ટ શા માટે ચડ્યો માણસ? કારણ કે એવરેસ્ટ ફતેહ કરવો અસંભવ હતો. સ્પીડ બોટથી માંડીને લકઝરી લાઇનર સુધીનાં વહાણો હોવા છતાં સાહસિકો બરફીલા પાણીમાં ઝંપલાવીને ઇંગ્લિશ ચૅનલ પાર કરવા કેમ આકર્ષાય છે? સહારાનું રણ પગપાળા વળોટી જવા શા માટે ખેંચાય છે? ડેથ વૅલી પાર કરવા શા માટે નીકળી પડે છે? અસંભવ આકર્ષે છે તેને. માણસની શારીરિક મર્યાદાઓને વળોટી જવામાં તેને વિજયનો આનંદ આવે છે. પોતાના મનોબળની કસોટી કરી લેવાનું ગમે છે માણસને. મનોબળ શબ્દને બદલે આંતરબળ શબ્દ હોવો જોઈએ માણસની આંતરિક તાકાત. આ બળ માણસની અંદરથી આવે છે. પડકારને ઝીલી લેવાની તાકાતથી મનુષ્ય માણસ બન્યો છે. તે પરાપૂર્વથી પડકારો ઝીલતો આવ્યો છે. આફત સામે સંઘર્ષ કરવામાં કારમા ઘા ખાવા છતાં, મૃતપ્રાય થઈને ધરતી પર પડી ગયા છતાં ધૂળ ખંખેરીને, મોંમાં આવેલી લોહીની ખારાશને થૂંકી નાખીને માણસ ફરી ઊભો થયો છે, ફરી લડ્યો છે. હાર નહીં જ સ્વીકારવાની જીદે માણસને અજેય બનાવ્યો છે.  

છેલ્લો જનોઈવઢ ઘા

જ્યારે મેડિકલ સાયન્સ બહુ જ ઓછું વિકસ્યું હતું, પરિવહનનાં સાધનો નહોતાં, હૉસ્પિટલો નહોતી ત્યારે માણસ પ્લેગ-મરકી સામે લડતો રહ્યો. લાખોનાં મોત છતાં ઓસડિયાંના પ્રયોગો કરતો રહ્યો. ભૂલોમાંથી શીખતો રહ્યો અને જીત્યો. અત્યારે તો એવી સ્થિતિ નથી. હૉસ્પિટલો છે, ડૉક્ટરો છે, દવાઓ છે, વૅક્સિન છે. ભલે દવાની અછત હશે, ઑક્સિજનની અછત હશે, હૉસ્પિટલમાં બેડની અછત હશે અને એને માટે સરકારોથી માંડીને સ્થાનિક તંત્ર જવાબદાર હશે; પણ એ બધી ટૂંકા ગાળાની સમસ્યાઓ છે જે ઉકેલી શકાશે. જ્યારે બે-પાંચ વર્ષના લાંબા સમયપટને નજર સામે રાખીને જોઈશું ત્યારે આ સમસ્યાઓ કદાચ આજે જેટલી મોટી લાગે છે એટલી નહીં લાગે.

 જ્યારે આપણે કોઈ વિકટ પરિસ્થિતિમાંથી બહાર નીકળી ગયા પછી પાછળ નજર કરીને જોઈએ છીએ ત્યારે લાગે છે કે જ્યારે આ સ્થિતિમાં આપણે ફસાયેલા હતા, એની અંદર હતા ત્યારે એ જેટલી વિકરાળ લાગતી હતી એટલી અત્યારે લાગતી નથી. તમે જ્યારે તોફાનની વચ્ચે હો છો ત્યારે એના વ્યાપનો ખ્યાલ નથી હોતો, એની તીવ્રતાના અનુભવના આધારે એના વ્યાપની કલ્પના કરી લો છો. જ્યારે અનરાધાર વરસાદ વરસવા માંડે ત્યારે એવું લાગે કે બધું જ જળબંબોળ બની ગયું છે, પણ એ જગ્યાથી એક કિલોમીટર દૂર વરસાદનો એક છાંટો પણ ન હોય એવું બને. આપણું મન હંમેશાં ખરાબમાં ખરાબ પરિસ્થિતિની કલ્પના કરે છે. પરિસ્થિતિની આકારણી કરતી વખતે મન અતિશયોક્તિ કરી જાય છે. મનને એવી પણ ટેવ પાડો કે એ સાથે-સાથે પૉઝિટિવ બાબતોને પણ શોધતું રહે, ખુશ થવા માટેનાં નાનાં-નાનાં કારણોને પણ નજરઅંદાજ ન કરે, આનંદને વ્યક્ત થવાનો અવસર આપતું રહે. ઉત્સાહ વધે એવી દરેક બાબતને મમળાવે, એને પ્રાધાન્ય આપે. મનને કહો કે અત્યારે હામની જરૂર છે એટલે જુસ્સો તોડી નાખતી બાબતોને ઓછું મહત્ત્વ આપે. માત્ર સાવચેત રહી શકાય એનાથી વધુ અગત્યતા એની નથી.

મનને કહો કે આ સમય પણ પસાર થઈ જશે. હવે તો અંત તરફ પહોંચી ગયા છો. બસ, એક છેલ્લો પ્રયત્ન કરવાનો છે અને પૂરી તાકાતથી કરવાનો છે. હવે જ સમય છે છેલ્લો જનોઈવઢ ઘા કરવાનો, લડી લેવાનો, હાર નહીં માનવાનો. સવા વર્ષ જેટલો સમય તમે કપરી પરિસ્થિતિમાં ટકી રહ્યા છો. તમે તમારા પગ બરાબર ખોડી રાખ્યા છે. હવે એને ડગમગવા દેશો નહીં. આ જ સમય છે સ્વસ્થતા જાળવી રાખવાનો. માનસિક રીતે મજબૂત રહેજો, આર્થિક મજબૂતી તો ચપટી વગાડતાંમાં પાછી મેળવી લેવાશે. તમે પોતે મજબૂત રહેશો તો પરિસ્થિતિ હળવી લાગશે.

(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં છે, ન્યુઝપેપરનાં નહીં)

columnists