પુરુષોની નગ્નતા આપણા સમાજમાં સ્વીકાર્ય છે ખરી?

30 July, 2022 08:23 AM IST  |  Mumbai | Jigisha Jain

જાણીએ વિચારશીલ લોકોનું શું માનવું છે એ...

ફાઇલ તસવીર

રણવીર સિંહે હાલમાં એક અમેરિકન પૉપકલ્ચર મૅગેઝિન માટે કરાવેલા ફોટોશૂટે ચોતરફ તરખાટ મચાવ્યો છે. ઇન્દોરમાં થયેલી ક્લોથ ડોનેશન ડ્રાઇવ હોય કે મુંબઈમાં થયેલો એફઆઇઆર હોય, સોશ્યલ મીડિયા પર બનતાં જાતભાતનાં મીમ હોય, અઢળક કમેન્ટ્સ હોય કે જુદા-જુદા આર્ટિસ્ટ્સનાં જુદાં-જુદાં મંતવ્યો હોય એ એટલું તો સૂચવે છે કે આ બનાવની અસર સમાજ પર ઘેરી થઈ છે. જાણીએ વિચારશીલ લોકોનું શું માનવું છે એ...

રણવીર સિંહ તેની અતરંગી ફૅશન સ્ટાઇલ માટે હંમેશાં ચર્ચામાં રહ્યો છે. હાલમાં અમેરિકન પૉપકલ્ચર મૅગેઝિન માટે કરાવેલા નગ્ન ફોટોશૂટને લઈને તે હૉટ ચર્ચામાં છે. કોઈ આવી બાબત સોશ્યલ મીડિયા પર દિવસો સુધી ચર્ચાનો વિષય બને એમાં નવાઈ જરાય નથી, પરંતુ આ ઘટના માત્ર ચર્ચા સુધી જ સીમિત નથી રહી. ઘણા લોકોએ દેખાવો કર્યા અને છેલ્લે એ ઓછું હોય એમ તેની વિરુદ્ધ એફઆઇઆર પણ થઈ. ભલે રણવીર આ બાબતે મૌન છે, પણ ઘણા ઍક્ટર્સ કે જાણીતા લોકો બોલી રહ્યા છે. ઘણી ઍક્ટ્રેસિસ કહી રહી છે કે તેઓ જ્યારે રિવિલિંગ ફોટોશૂટ કરતી હતી ત્યારે લોકો તેમને કૅરૅક્ટરલેસ જેવો ખિતાબ આપતા હતા તો એ જ લોકો આજે રણવીરને કેમ વખાણી રહ્યા છે? તો તેમના જ મેલ કાઉન્ટરપાર્ટ્સ એવી પણ દલીલો કરી રહ્યા છે કે સ્ત્રીઓનાં ટૂંકાં કપડાં માટે બધા કહે છે કે એ તેમનું શરીર છે અને કપડાં ટૂંકાં પહેરવાં કે લાંબાં એ તેમની પસંદગી છે તો પછી પુરુષોને પણ એવો જ હક હોવો જોઈએ. રણવીર પહેલાં પણ ઘણા બૉલીવુડ સ્ટાર્સ અને મૉડલ્સ આ પ્રકારનું ફોટોશૂટ કરાવી ચૂક્યા છે. આવી ઘટનાઓ કંઈ નવી તો નથી જ. છતાં આવી ઘટનાઓની અસર સમાજ પર ઘણી ઘેરી દેખાય છે. આજે સમાજના જુદા-જુદા લોકો પાસેથી તેમના જ શબ્દોમાં સમજવાની કોશિશ કરીએ કે આ બનાવને તેઓ કઈ દૃષ્ટિથી જુએ છે અને એના દ્વારા સમાજ પર આ બનાવની અસર કેવી પડી રહી છે. 

પુરુષો આવું કરે તો નવાઈ ન લાગે, ઘૃણા છૂટે અને અશ્ળીલ લાગે : અજય ઉનડકટ, ૬૭ વર્ષ, બિઝનેસમૅન

આ પ્રકારની નગ્નતા સ્વીકાર્ય નથી જ. ઍક્ટર્સ પૈસા માટે કે પબ્લિસિટી માટે આ પ્રકારના સ્ટન્ટ કરે છે. રણવીર સિંહ જેવા એક નહીં હજાર છે, પરંતુ એ હજારેહજાર સ્વીકાર્ય તો નથી જ. સમાજ માટે એ કોઈ રીતે યોગ્ય નથી. ઊલટું અભદ્ર છે અને આ પ્રકારની અભદ્રતા પુરુષોને શોભે નહીં. ઘરમાં પણ જો સ્ત્રીઓવાળું ઘર હોય તો પુરુષો બનિયાન કે ટી-શર્ટ વગર ફરે એ યોગ્ય લાગતું નથી. આ સંસ્કાર છે. ઘરમાં બાપ હોય અને દીકરો ઉઘાડો થઈને ફરતો હોય તો તે પણ ટોકશે કે ભાઈ, કપડાં પહેરને, કારણ કે નગ્નતા એક પણ રીતે શોભનીય નથી. સ્ત્રીઓ રિવિલિંગ કપડાં પહેરે એ વાત હવે કૅઝ્યુઅલ બની ગઈ છે એટલે લોકોને એની નવાઈ લાગતી નથી એ વાત સાચી. સ્ત્રીઓની આવી બાબતો પર ખાસ હોબાળો પણ થતો નથી. કદાચ સમાજને એ સ્વીકાર્ય પણ હોય. ઘણા અંશે એમ પણ બને. જોકે પુરુષો આવું કરે તો નવાઈ ન લાગે, ઘૃણા છૂટે. બીભત્સ લાગે. જો એ લોકો એવું સમજતા હોય કે પુરુષો લાજ વગરના છે તો એવું જરાય નથી. ઊલટું પુરુષો ખુલ્લા ન હોઈ શકે. પુરુષમાં એક ડિગ્નિટી હોવી જરૂરી છે. આવાં કામ કરીને સમાજમાં પુરુષનું સ્થાન એટલું હલકું બનાવવાની જરૂર નથી. કેસનું શું થશે અને તેને કોઈ સજા થશે કે નહીં એ ખબર નથી, પણ હું ઇચ્છીશ કે કોઈ એવું પગલું લેવામાં આવે જેનાથી ભવિષ્યમાં કોઈ આવું પગલું ભરવાનું વિચારે નહીં.

તમે તમારી દીકરીઓ માટે કેવો સમાજ નિર્માણ કરવા માગો છો? : નિશિત કુંબાણી, ૫૫ વર્ષ, એન્જિનિયર

હું આ પ્રકારની નગ્નતાનો સખત વિરોધી છું. પુરુષોની હોય કે સ્ત્રીઓની, કોઈ પણ સભ્ય સમાજમાં નગ્નતાનો સ્વીકાર ન હોઈ શકે. માણસ જ્યારે જંગલોમાં આદિ માનવ તરીકે જીવતો હતો ત્યારમાં અને અત્યારે હાઈ-ટેક સિટી લાઇફમાં તે જીવે છે એ વચ્ચે કેટલીયે મોટી ઉત્ક્રાંતિમાંથી માણસજાત પસાર થઈ છે. આપણે જાનવરોની જેમ નહોતું જીવવું એટલે એક સભ્ય સમાજની રચના કરી. આ રચના કરવા માટે માનવજાતે કેટલો સંઘર્ષ કર્યો છે એનો વિચાર કરીશું ત્યારે સમજાશે કે આવા એક-બે બનાવ પણ આવા અખૂટ પ્રયાસો પર પાણી ફેરવી નાખતા હોય છે. પછી શું થયું એ કરતાં કોણે કર્યું એ પણ અતિ મહત્ત્વનું છે. રસ્તે ચાલતા કેટલાય ગાંડા લોકો તમને કે મને સામે મળે જે કપડાં વગર ફરતા હોય તો આપણે તેને માનસિક રીતે વિકલાંગ સમજીને માફ કરી દઈએ છીએ. આવા લોકોની અસર સમાજ પર થતી નથી, પરંતુ ઍક્ટર્સ આવું કરે તો તેઓ ટ્રેન્ડ સેટ કરતા હોય છે. કેટલાય યુવાનો કાલે એને ફૉલો કરતા થઈ જશે તો આપણે ક્યાં જઈશું? આપણો સમાજ ક્યાં આવીને ઊભો રહેશે એ તો વિચારો. ઍક્ટર જે કરે એનું આંધળું અનુકરણ કરવાવાળા કેટલા લોકો છે. એવા સમયે દરેક ઍક્ટર કે જાણીતી હસ્તીઓની એક સમાજિક જવાબદારી બને છે કે તેણે એવાં કોઈ કામ ન કરવાં જોઈએ જેને અનુસરીને લોકો ખોટા માર્ગે દોરાય. આ સામાજિક જવાબદારીનું ભાન ભૂલીને જો ઍક્ટર કંઈ પણ કરે તો એ કેટલા અંશે વાજબી છે? ખાલી વિચારો કે તમે ઘરની બહાર નીકળો અને કાલે ઊઠીને આવા બીજા વધુ નહીં, ફક્ત પાંચ છોકરાઓ તમને નગ્ન અવસ્થામાં સામે મળ્યા તો કેવી હાલત થશે? વિચારવાની જરૂર એ છે કે શું તમે તમારી દીકરીઓ માટે આવો સમાજ નિર્માણ કરવા માગો છો? નહીં, બિલકુલ નહીં. 

એકવીસમી સદીમાં પણ આપણે સત્તરમી સદી જેવું વર્તન રાખીશું તો આગળ કેમ વધીશું? : નમ્રતા ઠક્કર, ૪૮ વર્ષ,  ઑન્ટ્રપ્રનર ઍક્સેલનાં ફાઉન્ડર

સમાજને સ્વીકાર્ય હોય કે નહીં એ તો ખબર નથી, પણ એટલું કહીશ કે સમાજને અઢળક વસ્તુઓ સ્વીકાર્ય નથી હોતી. જો બધી ન કરીએ તો જીવી કઈ રીતે શકાય? મને નથી લાગતું કે આજના યુગમાં કોઈ પણ વ્યક્તિએ સમાજની પરમિશન લેવાની કે બીજા મારા માટે શું માનશે એ વિચારવાની જરૂર છે. રણવીરે એવું ફોટોશૂટ કરાવ્યું, કારણ કે તેના પ્રોફેશન માટે તેણે એ કૉલ લીધો અને તેને એનો પૂરો હક છે. એ તેનું કામ છે. બીજું એ કે એ તેનું શરીર છે, તેની ઇચ્છા છે. જો તમને એનાથી પ્રૉબ્લેમ હોય તો તમે આંખો બંધ રાખો. નજર સોશ્યલ મીડિયાના એ ફોટોગ્રાફ પરથી હટાવી દો. તમારે એ જોવું પણ છે અને વખોડવું પણ છે એમ બંને બાબતો ન ચાલે. આપણને હંમેશાં એ રીતે કન્ડિશન્ડ કરવામાં આવે છે કે આપણે ઇનસિક્યૉર બનીએ, હંમેશાં કૉન્શિયસ થઈને જ નિર્ણયો લઈએ કે સાવ આત્મવિશ્વાસવિહીન જીવન જીવીએ. એટલે જ આપણે જ્યારે કોઈ બીજી વ્યક્તિને આત્મવિશ્વાસથી ભરપૂર અને તેની મરજી મુજબ જીવતી જોઈએ તો આપણાથી હૅન્ડલ નથી થતું. મને તો એ ફોટોશૂટ એકદમ પ્રોફેશનલ લાગ્યું અને એસ્થેટિકલી ખૂબ સારી રીતે કરવામાં આવ્યું હતું. મને નથી લાગતું કે આમાં કોઈ બિગ ડીલ છે. લોકોએ આવી બાબતોની બબાલ બનાવવાનું બંધ કરવું જોઈએ. એકવીસમી સદીમાં પણ આપણે સત્તરમી સદી જેવું વર્તન રાખીશું તો આગળ કેમ વધીશું? મારે સમાજને ફક્ત એટલું જ કહેવું છે થોડું ચિલ કરે, કશું અજુગતું નથી થયું માટે ચિંતા ન કરે. 

columnists Jigisha Jain