બિલ્વ ફળનું શરબત અને ચટણી પછી , પણ આજે બનાવો આઇસક્રીમ અને હલવો

07 May, 2020 09:30 PM IST  |  Mumbai | Neha Thakkar

બિલ્વ ફળનું શરબત અને ચટણી પછી , પણ આજે બનાવો આઇસક્રીમ અને હલવો

ખૂબ ગરમી ચાલુ થઈ ગઈ છે ત્યારે બરફની ઠંડી ચીજો ખાવાને બદલે અંદરથી ઠંડક આપે એવી ચીજો ખાવી જોઈએ એવું કહેવાય છે.

ભગવાન શંકરને પ્રિય બીલીપત્ર જે વૃક્ષ પર ઊગે એનાં ફળ એટલે બિલ્વ. નવચંડી પૂજા કે હવનમાં આપણે આ ફળનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ઉનાળામાં આ વૃક્ષ પર બિલ્વનાં ખૂબબધાં ફળ બેસે. એનું કારણ એ છે કે એ ફળ ગરમીમાં ટાઢક આપનારાં છે. ખૂબ ગરમી ચાલુ થઈ ગઈ છે ત્યારે બરફની ઠંડી ચીજો ખાવાને બદલે અંદરથી ઠંડક આપે એવી ચીજો ખાવી જોઈએ એવું કહેવાય છે. ગુજરાતી-મરાઠી ચૅનલો પર કુકિંગ-શો થકી જાતજાતની રેસિપી શીખવતાં કુકિંગ એક્સપર્ટ નેહા ઠક્કર પાસેથી જાણીએ આજે અવનવી રેસિપી

બિલ્વ‍ની ચટણી

સામગ્રી
☞ એક નંગ બિલ્વ ફળ
☞ પા કપ ગોળ
☞ ત્રણ સૂકાં લાલ મરચાં
☞ છથી સાત લસણની કણી
☞ ૧૦૦ ગ્રામ કોથમીર
☞ એક ચમચી જીરું
☞ ચારથી પાંચ લીમડાનાં પાન
☞ એક ચમચી તેલ
☞ મીઠું સ્વાદ પ્રમાણે
રીત
સૌથી પહેલાં બિલ્વને તોડી એનો માવો કાઢી લેવો. પછી પેણી ગરમ
કરવા મૂકી એમાં તેલ નાખવું. તેલ ગરમ થાય એટલે એમાં જીરું,
લીમડો, લસણ, મરચા, કોથમીર નાખી મિક્સ કરી બિલ્વનો માવો નાખી
હલાવી લેવું.
હવે થોડું ઠંડું થવા દેવું. પછી મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લેવું.
થોડું ગ્રાઇન્ડ થાય એટલે એમાં ગોળ અને સ્વાદાનુસાર મીઠું નાખી ફરી ગ્રાઇન્ડ કરી લેવું.


બિલ્વનું શરબત

સામગ્રી
☞ એક બિલ્વ ફળ
☞ એક ચમચી સંચળ
☞ એક ચમચી શેકેલા જીરુંનો પાઉડર
☞ એક લીંબુનો રસ
☞ બે ગ્લાસ પાણી
☞ પંદરથી વીસ ફુદીનાનાં પાન
☞ ૧૦૦ ગ્રામ ખડી સાકરનો પાઉડર
રીત
સૌથી પહેલાં દસ્તા વડે એનું ઉપરનું કઠણ પડ દૂર કરો. દસ્તા વડે એના પર મારવાથી એના બે ટુકડા થશે અને અંદર રહેલો ગર્ભ બહાર નીકળશે. તમારે ચમચીથી એ કઠણ પડ પર રહેલો બધો માવો કાઢી એને એક તપેલીમાં નાખી મસળીને સારી રીતે એકરસ કરી દેવાનો છે.
ત્યાર બાદ જૂસ પૉટમાં લઈ એ માવામાં બે ગ્લાસ જેટલું પાણી નાખો. હવે એમાં સંચળ, મરી પાઉડર, જીરું પાઉડર અને ફુદીનાનાં પાન અને જરૂર મુજબ ખડી સાકર નાખો. ત્યાર બાદ લીંબુનો રસ એમાં ઉમેરો અને બધું સારી રીતે ચર્ન કરો.
હવે એને ગ્લાસમાં ભરી એમાં બરફના ટુકડા નાખી એને સર્વ કરો. આ શરબત ઘણું જ સ્વાદિષ્ટ લાગશે.
નોંધ ઃ એક વાતનું ધ્યાન રહે કે એમાં રહેલા નાના કણ જેવા રેસાઓ એમ જ રહેવા દેવાના છે. એ ઘણા ગુણકારી હોય છે. બપોરના સમયે આ બેલ શરબત પી લેવું. એ શરબત સ્વાસ્થ્યવર્ધક, ભૂખને તૃપ્ત કરનારું અને પેટની ગરબડ દૂર કરનારું હોય છે.

બિલ્વનો આઇસક્રીમ

સાધન
☞ એક બિલ્વ ફળ
☞ એક કપ અમૂલ ફ્રેશ ક્રીમ
☞ બે કપ મિલ્ક મેડ
☞ એક ચપટી ખાવાનો પીળો કલર
☞ એક કપ ખાંડ
રીત
સૌથી પહેલાં બિલ્વનું ફળ લો. બિલ્વને તોડી નાખવું. હવે અંદરનો પલ્પ કાઢી લો. આ પલ્પ ૧૦ મિનિટ માટે પાણીમાં પલાળી રાખો. એને હાથેથી સ્મૅશ કરી લો. આ પલ્પને ચાળણીથી ચાળી લેવું. તૈયાર પલ્પમાંથી થોડો પલ્પ સૉસ માટે અલગ રાખવો.
આઇસક્રીમ માટે ફ્રેશ ક્રીમ, કન્ડેન્સ્ડ મિલ્ક અને બિલ્વનો પલ્પ લો.
હવે ફ્રેશ ક્રીમ એક બાઉલમાં લો. એક કડાઈમાં બરફ લો. એમાં ક્રીમવાળો બાઉલ રાખી ક્રીમ બે મિનિટ વિપ કરવું. એમાં મિલ્કમેડ નાખી બે મિનિટ વિપ કરવું. એમાં બિલ્વનો પલ્પ નાખી ૩ મિનિટ વિપ કરવું. ત્યાર બાદ એમાં એક ટીપું ખાવાનો પીળો કલર નાખી મિક્સ કરવું.
આ મિક્સ્ચર એક ઍરટાઇટ ડબ્બામાં રાખી ફ્રીઝરમાં ૬ કલાક માટે સેટ કરવા રાખવું. બરાબર સેટ થયા પછી એને બહાર કાઢી પાંચ મિનિટ ફરીથી ફેંટવું. ફ્રીઝરમાં ૬-૭ કલાક સેટ કરવા રાખવું.

બિલ્વનો જૅમ
જેમ ફ્રૂટ્સનો જૅમ બનાવીએ એમ બિલ્વનો પણ જૅમ બને. એ ખાટોમીઠો બહુ સરસ લાગે છે.
સામગ્રી
એક પેણીમાં એક કપ બિલ્વનો પલ્પ અને ૧/૨ કપ ખાંડ મિક્સ કરી ગૅસ ઉપર મૂકો અને એને સતત હલાવતા રહેવું.
આ જૅમ તૈયાર થયો છે કે કેમ એ નક્કી કરવાનું પણ અગત્યનું છે. જ્યારે ગૅસ પરનું મિશ્રણ ઘાટું થાય ત્યારે એક ડ્રૉપ પ્લેટમાં લો. પ્લેટને આડી કરો અને જો એ મિશ્રણ લસરે નહીં તો જૅમ રેડી થઈ ગયો છે.
એને બાઉલમાં કાઢી લો. તમારો જૅમ તૈયાર છે.
સર્વ કરો ઃ તૈયાર બિલ્વના આઇસક્રીમ પર બિલ્વનો જૅમ નાખીને સર્વ કરો.


બિલ્વનો હલવો

સામગ્રી
☞ એક મોટું નંગ બિલ્વ ફળ
☞ અડધો કપ ઘી
☞ અડધો કપ ખાંડ
☞ અડધો કપ માવો
☞ બે ચમચા મિલ્ક પાઉડર
☞ કાજુ, બદામ, દ્રાક્ષ જોઈતા પ્રમાણમાં
રીત
બિલ્વ ફળનો પલ્પ કાઢીને એના નાના પીસ કરવા. પછી એક તપેલીમાં પાણી ગરમ રાખવું. પાણી ગરમ થાય એટલે એમાં બિલ્વનો પલ્પ નાખી પાંચ મિનિટ ઉકાળવું.
હવે પલ્પને ચાળણીથી ગાળી લેવો. એનાં બિયા અને રેષા બધાં નીકળી જશે.
એક પેણીમાં ઘી ગરમ મૂકવું. એમાં માવાને થોડી વાર શેકી લેવો. બરાબર શેકાય એ પછી એમાં ખાંડ, ઇલાયચી પાઉડર નાખી મિક્સ કરવું. પછી માવો અને મિલ્ક પાઉડર અને ડ્રાયફ્રૂટ મિક્સ કરવાં.
તો તૈયાર છે એકદમ હેલ્ધી બિલ્વનો હલવો.

બિલ્વ ફળના ફાયદા

બીલીપત્રના ઝાડ પર ઊગતું એનું આ ફળ હાઈ બ્લડ-પ્રેશર માટે ઉપયોગી છે.
ડાયાબિટીઝ માટે પણ એ ફાયદાકારક છે.
મોઢાના ચાંદા માટે પણ ઉપયોગી છે.
અસ્થમા, બ્રેસ્ટ-કૅન્સર આ બધાં દરદોમાં બિલ્વ ફળ ખૂબ ફાયદાકારક છે.
બિલ્વ ફળથી શરીરમાં ઠંડક મળે છે. એ પૌષ્ટિક અને ગ્રાહી છે.

ક્યાં મળશે આ ફળ?
મોટા ભાગે આ ફળ ફૂલો વેચનારી હાટડીઓમાંથી મળી રહેશે.

columnists Gujarati food indian food