શું આપણે માત્ર વૉટ્સઍપ મેસેજને બદલે ફોન પર શુભેચ્છા ન પાઠવી શકીએ?

10 November, 2024 02:27 PM IST  |  Mumbai | Jayesh Chitalia

દિવાળી અને નવું વરસ પસાર થયાં. સદીઓથી એક પરંપરા કાયમ રહી છે એકબીજાને શુભેચ્છા આપવાની, ‘તમારું નવું વરસ શુભ રહે, ઉજ્જવળ રહે, તમને સફળતાનાં શિખર મળે, તમારા જીવનમાં સુખ-શાંતિ રહે.’ આવા અનેક શબ્દોમાં આ શુભકામના વ્યક્ત થાય.

પ્રતીકાત્મક તસવીર

દિવાળી અને નવું વરસ પસાર થયાં. સદીઓથી એક પરંપરા કાયમ રહી છે એકબીજાને શુભેચ્છા આપવાની, ‘તમારું નવું વરસ શુભ રહે, ઉજ્જવળ રહે, તમને સફળતાનાં શિખર મળે, તમારા જીવનમાં સુખ-શાંતિ રહે.’ આવા અનેક શબ્દોમાં આ શુભકામના વ્યક્ત થાય. અલબત્ત, હવે આ શુભકામના મહત્તમ ડિજિટલ સ્વરૂપે જ વ્યક્ત થાય છે. એકસાથે દરેકને એકસરખી શુભેચ્છા વૉટ્સઍપ પર પહોંચી જાય. હવે તો આવા શુભેચ્છાનાં લખાણ પણ રેડીમેડ ડિઝાઇન સાથે મળે જે ફૉર્વર્ડ થયા કરે. એમાં વળી ક્યાંક આકર્ષક લખાણ પણ હોય. જોકે આમ તો બધું જ કૃત્રિમ અને ડિજિટલ, લાગણી પણ અને લખાણ પણ. અગાઉ તો માણસો પોતાની ભાવના અને લાગણી પોતાના શબ્દોમાં વ્યક્ત કરતા. હવે આ માટેના શબ્દો પણ ઉધાર લેવાય છે. શું કરે ભાઈ, વિચારવાનો પણ સમય ક્યાં છે? કરોડોના હિસાબે મેસેજિસની આપ-લે થાય બસ. હવે નાતાલનું નવું વરસ આવશે. એમાં પણ હૅપી ન્યુ યર આવું જ થશે. બાકી જરૂર ન હોય એવું પણ ઘણું થશે, પરંતુ જરૂર હોય એવું ભાગ્યે જ થશે.

આપણે આ ટિપિકલ બની ગયેલી સમસ્યાની ચર્ચા કરવાને બદલે એક વિચાર મૂકવો છે. શું આમ કોઈના પણ માટે શુભેચ્છા વ્યક્ત કરવાથી તેના જીવનમાં એ શુભેચ્છા મુજબ થઈ જાય? ના ભાઈ ના. તો પછી આ સદીઓની પરંપરામાં આપણે સુધારો ન કરી શકીએ? આ શુભેચ્છાના શબ્દો બદલીને આમ કરીએ તો... ‘આ નવા વરસે તમારાથી એવાં કર્મ થાય જે તમારા જીવનમાં સુખ-શાંતિ લાવે, તમારાથી એવી સરસ અને સખત મહેનત થાય કે તમને સફળતા મળે ને મળે, તમારો કર્મયોગ એવો સાર્થક રહે જે તમારા ભવિષ્યને ઉજ્જવળ બનાવે.’ કોઈની પણ શુભેચ્છા કેટલી પણ સારી હોય, એ ત્યારે જ સાર્થક થાય જ્યારે માનવી પોતે એ મુજબનાં કર્મ કરે. ઇન શૉર્ટ, તમારાં કર્મ યોગ્ય અને સારાં થાય એ જ ભાવના-લાગણી સાથેની શુભેચ્છા જ સાર્થક ગણાય.

બીજો વિચાર. શું નવા વરસની શુભકામના એ જ દિવસે વ્યક્ત કરવી જરૂરી છે કે સમયના અભાવે ડિજિટલ સ્વરૂપે આ કામ આપણે કૃત્રિમ રીતે પતાવી નાખીએ છીએ? આપણે એકબીજાને પ્રત્યક્ષ સ્વરૂપે ન મળી શકીએ, પરંતુ શું આપણે માત્ર વૉટ્સઍપ મેસેજને બદલે ફોન પર વાત ન કરી શકીએ? ભલે મહિના કે બે મહિના પછી પણ અંગત રીતે મળી ન શકીએ? દરેકના ઘરે જવાનું હવેના સમયમાં એક યા બીજા કારણસર ઓછું થતું જાય છે, પરંતુ શું છ મહિને એક વાર ગ્રુપમાં મેળાવડો ન કરી શકય? જ્યાં બધા જ મિત્રો યા સંબંધીઓનું સ્નેહમિલન થઈ શકે. યાદ રહે, જેમ-જેમ આપણે એકબીજાને મળવાનું ટાળતા જઈશું તેમ-તેમ આપણી ભીતર એકલતા ઊછરતી અને વિકસતી જશે. એ આખરે આપણને એક એવી ઉદાસીનતા તરફ લઈ જશે જેને વર્તમાન સમયમાં ડિપ્રેશન કહે છે.

સરકારનો ડિજિટલ ઇન્ડિયાનો સંદેશ નાણાકીય યા દસ્તાવેજોના વ્યવહારો માટે છે. બાકી માનવીય સંવેદના, સંબંધો, મુલાકાતો સતત ડિજિટલ થયા જ કરે એ સમાજના હિતમાં નહીં રહે. વિચારી જોજો.

diwali festivals new year social media social networking site mental health columnists jayesh chitalia