મહેશ-નરેશ:તમારી વિદાય વસમી છે, પણ યાદોમાં ભારોભાર રોમાંચ અને ખુશી રહેશે

30 October, 2020 04:11 PM IST  |  Mumbai | Jamnadas Majethia

મહેશ-નરેશ:તમારી વિદાય વસમી છે, પણ યાદોમાં ભારોભાર રોમાંચ અને ખુશી રહેશે

ફાઈલ તસવીર

છેલ્લા કેટલાય દિવસથી રોજ કે પછી એકાદ દિવસના ગાળામાં એવા સમાચાર આવતા જ રહે છે જે દુખદ છે. તમને પણ આવતા જ હશે. બીજું બધું બરાબર હતું, પણ આ એવી લાઇફ-સ્ટાઇલ થઈ ગઈ છે અને એવી રીતે ટેવાવા માંડ્યા છીએ જે જરા ચિંતાજનક છે, જે નથી ગમી રહ્યું. જેમનાં ૧૦૦ વર્ષ પૂરાં થાય અને જેમણે જવાનું હોય તે તો જશે જ, પણ હમણાં ઘણા જે જાય છે એ કલ્પ્યું નહોતું એવી રીતે વિદાય લઈ રહ્યા છે અને એની સાથોસાથ આપણી લાઇફ-સ્ટાઇલ બદલાઈ રહી છે. પહેલાં આપણા કોઈ સ્વજન કે મિત્રોનાં બર્થ-ડે, લગ્ન, સગાઈ, બાળક આવે એવા કોઈ પણ પ્રસંગે ગયા કે ન ગયા એ અમુક કારણસર ચાલી જતું હતું. આપણે ન જઈ શકતા તો નહોતા જતા, પણ કોઈની વિદાયમાં અચૂક તેમને સ્મશાન સુધી વળાવવા, છેલ્લે તેમને સ્મરી લેવા અથવા તો તેમની શોકસભામાં અને કાં તો ઘરે જઈને ખરખરો જરૂર કરતા, પણ અત્યારનો કાળ એવો ચાલી રહ્યો છે કે સૌથી મહત્ત્વનું જે હતું જેમાં આપણે ભાગ ભજવતા. એ ઘટના જેનાથી જે પરિવારના સભ્યો પર વીત્યું છે એનું દુઃખ ઓછું કરવા તેની બાજુમાં ઊભા રહેતા એ સધિયારો છીનવાઈ ગયો છે; જઈ નથી શકાતું, મળી નથી શકાતું કે છાજે એવી વિદાય આપી નથી શકાતી. નહીં તો તમે વિચાર કરો મહેશ અને નરેશ (કનોડિયા) આ બે ભાઈઓને કયા પ્રકારની વિદાય મળી હોત!

એકસાથે, ૪૮ કલાકમાં બે ભાઈઓ, હજી માનવામાં નથી આવતું. આ બે ભાઈઓની વિદાયની વાત કરીએ તો દુઃખ અને અફસોસ જ થશે, કારણ કે ખરેખર અફસોસજનક અને દુખદાયક વાત છે. હંમેશાં જેમનાં સાથે જ નામ સાંભળ્યાં છે, મહેશકુમાર ઍન્ડ પાર્ટી ભલે લખ્યું હોય, પણ એ નામની નીચે લખ્યું હોય ‘સાથે જૉની જુનિયર.’ આ ઍડમાં મહેશભાઈનો ફોટો હોય. નરેશભાઈનું પિક્ચર હોય એમાં મહેશભાઈનું સંગીત હોય. ભલે બન્નેએ અલગ-અલગ કામ કર્યું હોય, પણ તમને કોઈ પણ પ્રસંગે બન્ને ભાઈઓ લગભગ સાથે અને સાથે જ જોવા મળે. તમારી સ્મૃતિમાં બે ભાઈ સાથે જ આવે. નામ પણ જુઓને, એવા પ્રાસમાં, મહેશ-નરેશ. મહેશભાઈ મોટા એટલે પહેલાં તેમનું નામ આવે. બન્નેની જર્નીની વાત પર તો આવીશું, સાથે વિદાય કેવી? હમણાં જ એક-બે વિડિયો જોયા તો એમાં મહેશભાઈ પથારી પર છે અને બન્ને ભાઈ મળીને પોતાનું ગીત સાથે ગાઈ રહ્યા છે. નરેશભાઈ માથા પર હાથ ફેરવી રહ્યા છે અને બન્ને ભાઈઓ ગાઈ રહ્યા છે, ‘ઓ સાથી રે... તેરે બિના ભી ક્યા જીના...’

પછી તેમના અમુક સ્ટેજ-પ્રોગ્રામના વિડિયો જોયા, તો એમાં પણ જોયું, ‘સાથે જીવશું, સાથે મરશું.’ તો કેવો કૉલ હશે આ. આપણે બધા તો એમ કહીને જઈને રહી જઈએ કે ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને, ગુજરાતી સંગીતને કે ગુજરાતી મનોરંજનની દુનિયાને ખોટ જશે, પણ તમે તેમના પરિવારના સભ્યોનો વિચાર કરો. એકસાથે, બે વડીલો, આવા દિગ્ગજ. કલ્પ્યું ન હોય અને મૂકીને જતા રહે તો ? ઈશ્વર તેમને બધાને ખૂબ શક્તિ આપે. તેમની વિદાયની આ વાત કરતાં-કરતાં મને એમ થાય છે કે તેમના ઈશ્વરે જેટલાં નિર્ધારિત કર્યાં હતાં એ વર્ષો પૂરાં થયાં, તેમનાં ૧૦૦ વર્ષ પૂરાં કર્યાં ઈશ્વરે અને તેમને પાછા બોલાવી લીધા; કારણ કે ઈશ્વર હવે નવા રૂપમાં, પાછા એક નવા રોલમાં તેમને પાછા મોકલવા માગતા હશે. બન્ને ભાઈઓને એટલે પાછા બોલાવી લીધા, કદાચ બન્નેને સાથે મોકલવા માગતા હશે. આ સાથેની વાત કરતાં-કરતાં તેમની જર્ની પર નજર નાખવાની જરૂર છે. તેમના મૃત્યુનો અફસોસ કરતાં-કરતાં, દુઃખ વ્યક્ત કરવાની સાથોસાથ, તેમની જિંદગીને સેલિબ્રેટ કરવાની જરૂર છે. શું જર્ની, શું તેમની યાત્રા રહી છે!

તેમના જીવનની શરૂઆત વિશે વાંચશો તો તમને ખબર પડશે કે તેમણે બહુ દુઃખ ભરેલી જિંદગી જોઈ છે. સાત ભાઈબહેન હતાં અને ફાઇનૅન્શિયલ બહુ નબળા બૅકગ્રાઉન્ડ કરતાં પણ બહુ તકલીફવાળું બૅકગ્રાઉન્ડ. હું તો કહીશ કે તકલીફ કરતાં પણ જીવનજરૂરિયાતની ચીજવસ્તુ પણ તેમને રૉયલ લાગતી હોય એવા બૅકગ્રાઉન્ડ વિશે જાણવા અને વાંચવા મળ્યું છે. નરેશભાઈએ તો ક્યારેક બૂટ-પૉલિશ પણ કર્યું છે. તેમના જ ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું છે કે ફુટપાથ પર સૂતા છીએ અને ચાર-ચાર દિવસ સુધી ખાવાનું પણ મળ્યું નથી. આ બધી વાતો વચ્ચે તેઓ કેવી રીતે આગળ આવ્યા અને કેવી રીતે તેમણે પોતાની કલાને લીધે એક નાનકડા ગામથી આખી દુનિયામાં પ્રવાસ કર્યો અને આખી દુનિયાના લોકોને તેમણે મનોરંજિત કર્યા. બેલડી, કેટલો સુંદર શબ્દ છે, જોડી, બે ભાઈઓની. કેટલો પ્રેમ હતો એ લોકોનો.

મને યાદ છે મેં પહેલી વાર જ્યારે મહેશકુમાર ઍન્ડ પાર્ટી વિશે સાંભળ્યું હતું. એ સમયે તો બહુ વાતો થઈ હતી અને પુષ્કળ ચર્ચા થતી તેમની. તેમની એક કૅસેટ નીકળી હતી. જેમાં ઘરે બાંકેલાલને જમવાનું હતું અને બધા સિનિયર્સે ત્યાં જઈને સંગીતમાં જમવાનું માગવાનું હતું. એના પર એ આખી કૅસેટ હતી. મેં એ સાંભળી હતી. એ કૅસેટથી, એ પ્રોગ્રામથી હું બહુ ઇન્સ્પાયર થયો હતો. એ કૅસેટની વાત પર પછી આવું. પહેલાં મેં મહેશભાઈને કેવી રીતે જોયા એની વાત કહું તમને.

મહેશકુમાર ઍન્ડ પાર્ટીનો શો. બહુ વાર જોવાનું મન થાય, પણ હાઉસફુલ જ હોય, હાઉસફુલ જ હોય, હાઉસફુલ જ હોય અને આપણી પણ સ્થિતિ એવી કે આગળની ટિકિટ લઈને જઈ શકાય નહીં. એ સમયે અમારા એક ઓળખીતાએ અમારી ફૅમિલીને ત્રણ-ચાર પાસ આપ્યા. જોવા ગયો, ભાઈદાસમાં. બહુ પાછળ બેસવાનું હતું. ઇન્ટ્રોડક્શન થયું, અંધારું થયું અને સિલ્વુટમાં તમને એક આકાર દેખાવાનો શરૂ થયો. હાર્મોનિયમ કે પોડિયમ લઈને એક વ્યક્તિ, એક સૂર છેડે અને તમને લાગે કે ઓહોહોહો, લતા મંગેશકર ગાઈ રહ્યાં છે અને તમને લતાજી દેખાશે. એવું જ ગાયન. અને પછી લાઇટ આવે અને ખબર પડે કે આ તો મહેશભાઈ ગાઈ રહ્યા છે, લતા મંગેશકરના અવાજમાં. સાહેબ, લતા મંગેશકર પોતે છક થઈ જાય એ રીતે ગાય કે તે પોતે જ ગાય છે અને પછી તો તાળીઓના ગડગડાટ અને તમે અજાયબીની જેમ જોયા જ કરો. અજાયબી હતા મહેશભાઈ. એવું નહોતું કે તેઓ સ્ત્રી અને પુરુષના જ અવાજમાં ગાય છે. કેટકેટલા સિંગરના અવાજમાં ગાય અને એ પણ મિમિક્રી જેવું નહીં, અદ્દલોઅદ્દલ એ જ સિંગર ઊભો છે અને ગાઈ રહ્યો છે. શું તેમની કલા, હું તો એ સમયે અવાક્ બનીને રહી ગયો હતો અને જેણે જેણે, જ્યાં-જ્યાં મહેશકુમાર ઍન્ડ પાર્ટી જોઈ છે એ બધા સહમત થશે કે તમે ચકિત થઈ જાઓ. તમને બહાર નીકળવાનું મન જ ન થાય. મહેશભાઈના ગીતની રમઝટ ચાલે અને વચ્ચે-વચ્ચે તમારી સામે નરેશભાઈ, જે શોનું સંચાલન કરે અને અલગ-અલગ રીતે નવી-નવી આઇટમ રજૂ કરે.

‘યારાના’નો અમિતાભ બચ્ચનનો એક લાઇટવાળો ડ્રેસ બહુ પૉપ્યુલર થયો હતો. પાછો એક બ્લૅકઆઉટ થાય અને તમને એ લાઇટવાળો ડ્રેસ દેખાય, જે પહેરીને નરેશભાઈ અમિતાભ બચ્ચન બનીને આવે. નરેશભાઈની જર્ની ફક્ત ઑર્કેસ્ટ્રા સુધી સીમિત નહોતી. તેમનો ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ તમે જુઓ તો એક-એકથી ચડિયાતાં ગુજરાતી પિક્ચર તેમણે આપ્યાં છે. સુપર સક્સેસફુલ. બન્ને ભાઈઓનું પિક્ચરનું મ્યુઝિક ડિરેક્શન, પણ નરેશભાઈની કલાકારી, નરેશભાઈનું નૃત્ય અને આ બધા વિશે તમે ઘણીબધી જગ્યાએ વાંચશો, આવશે પણ મારે એ બધી વાતની સાથોસાથ એ પણ યાદ કરાવવું છે કે નરેશભાઈ રાજકારણમાં ગયા. સમાજની સેવા. મહેશભાઈ લોકસભામાં ગયા. સમાજસેવા પણ કરી. જવાબદારીઓ પણ નિભાવી, તો સાથોસાથ પોતાની કરીઅર અને એ બધું પણ એકધારું ચાલુ. મહેશ-નરેશે દેશમાં ખરેખર નેશન-બિલ્ડિંગમાં પણ ભાગ લીધો.

મને તેમની ફૅમિલીની પણ ખબર છે. બન્ને ભાઈઓએ જૉઇન્ટ ફૅમિલીને પણ ખૂબ મહત્ત્વ આપ્યું બન્ને ભાઈઓ સાથે જ રહે. પહેલાં મુંબઈ હતા. ગુજરાતમાં ગાંધીનગરમાં પણ બન્ને સાથે જ રહે. મોટું અને વિશાળ કુટુંબ અને પછી પણ સંપૂર્ણપણે પરિવારલક્ષી. આ બહુ અઘરું હોય છે. બન્ને ભાઈઓ એ જીવ્યા.

હું અને નરેશભાઈ એક વખત સાથે સ્ટુડિયોમાં શૂટિંગ કરતા હતા. મારી ‘દરિયાછોરુ’ જસ્ટ રિલીઝ થઈ હતી અને મારાં ખૂબ વખાણ થયાં હતાં અને એવું અનુમાન બાંધી દીધું કે નવો સુપરસ્ટાર આવી ગયો. અલબત્ત, હું એવું બધું નથી માનતો અને એ સમયે ઑલરેડી ઉપેન્દ્ર ત્રિવેદી, હિતેનકુમાર, નરેશભાઈ એ બધા ખૂબ ઉમદા કલાકારો હતા જ. લંચ-ટાઇમમાં મને ખબર પડી કે નરેશભાઈ અહીં બાજુમાં જ શૂટ કરે છે એટલે મેં કહ્યું કે ચાલો તેમને મળવા જઈએ, પણ મને કહ્યું કે એવું નહીં કરવાનું. તમે હીરો છો, તમારે પહેલાં મેસેજ મોકલવો જોઈએ. મેં કહ્યું કે એવું બધું મને નથી ફાવતું ભાઈ, અને હું એમાં માનતો પણ નથી. મને કહેવામાં આવ્યું કે અહીં બધા એવું કરે. મેં કહ્યું કે એવું કશું નથી, લઈ જા મને ત્યાં.

હું ત્યાં ગયો ત્યારે તેમનો શૉટ ચાલતો હતો. મને પાક્કું યાદ છે કે એ સમયે તેમના ગીતનું શૂટિંગ ચાલતું હતું. શૉટ પૂરો થયો એટલે હું તેમની પાસે ગયો અને મેં તેમને ઓળખાણ આપી કે નરેશભાઈ હું જેડી મજીઠિયા...

તેઓ તરત જ મને ભેટી પડ્યા. કહે કે તારી ફિલ્મની બહુ વાતો સાંભળી, મજા આવી ગઈ. એક સુપરસ્ટાર પોતે એવું નહોતા માનતા કે એ લોકોથી અંતર રાખે એ જોઈને મને ખરેખર ખૂબ સારું લાગ્યું હતું. અમે એ સમયે પુષ્કળ વાતો કરી, ખૂબ મજા કરી અને એક સરસમજાના રિલેશનની શરૂઆત થઈ. આજના આ દિવસે મારે સૌને એટલું જ કહેવું છે કે મહેશભાઈ-નરેશભાઈ જવાનું દુઃખ આપણને સૌને છે અને એ વસમું છે, પણ આપણે એ દુઃખને યાદ કરવાને બદલે, તેમણે આપણને જે રીતે આખી જિંદગી મનોરંજિત કર્યા, આનંદિત રાખ્યા એ જ વાતને યાદ રાખીને આપણે મહેશભાઈ અને નરેશભાઈને આપણી વચ્ચે સદાય હયાત રાખીએ અને તેમના આત્માને ઈશ્વર શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ.

(આ લેખોમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

columnists JD Majethia