આપણે કેટલી નાસમજ અને નગુણી પ્રજા છીએ?

31 March, 2020 08:33 PM IST  |  Mumbai | Taru Kajaria

આપણે કેટલી નાસમજ અને નગુણી પ્રજા છીએ?

લૉકડાઉન

ગયા અઠવાડિયે અચાનક મળેલા ફૅમિલી ટાઇમ વિશે વાત કરી હતી ત્યારે આવી પડનારા ત્રણ અઠવાડિયાંના લૉકડાઉનનો અંદાજ નહોતો. પરંતુ આ એક સપ્તાહમાં દેશ અને દુનિયામાં વધતા રહેલા કોરોનાના કોપે દુનિયાના અનેક દેશોને અભૂતપૂર્વ સ્થિતિમાં લાવી દીધા છે. ઑસ્ટ્રેલિયા અને યુકેએ તો છ-છ મહિનાના લૉકડાઉનની જાહેરાત કરી દીધી છે. આપણે ત્યાં પણ એકવીસ દિવસની મુદત પૂરી થાય છે એ દિવસે - ૧૪ એપ્રિલે- શું થશે એ સવાલ એક ડરામણી શક્યતા બની ઝળુંબી રહ્યો છે. કદી કલ્પ્યા પણ ન હોય એવા આ સંજોગોમાં અનેક લોકો ભૂતકાળની ગલીઓમાં સરી જાય છે. બાળપણમાં મા-બાપ કે દાદા-દાદી પાસેથી સાંભળેલી પ્લેગ, ફ્લુ કે છપ્પનિયા દુકાળની વાતો કરી રહ્યા છે. અત્યારે  દુનિયાના બસો જેટલા દેશો જે ભયંકર વાસ્તવના સાક્ષી બની રહ્યા છે એની વાતો પણ વરસો પછી કદાચ આપણી આવતી કે તેના પછીની પેઢી આ જ રીતે વાગોળતી હશે! 

તમામ રીતે દિલ-દિમાગને ભીંસી રહેલી આ ભયાવહ સ્થિતિમાં માનવતાની કુમળી કૂંપળો પણ જોવા મળી રહી છે. ટીવી પર ન્યુઝરીડર એક એવા જ મહામના સજ્જનની મુલાકાત લઈ રહ્યો છે. એ સજ્જન અને તેમના સાથીઓએ આ દિવસોમાં એકલા રહેતા વૃદ્ધોને માટે ઘરે રાંધેલું ભોજન પહોંચાડવાની સેવા શરૂ કરી છે. તેઓ કહી રહ્યા છે કે અમને દર બીજી સેકન્ડે લોકોના ફોન અને સંદેશા આવે છે કે અમે આ એરિયામાં રહીએ છીએ. અમારે પણ તમારા કામમાં મદદ કરવી છે. પ્લીઝ અમને કહો અમે શું કરીએ? પોતાનાથી વધુ મુસીબતમાં રહેતા લોકોની મદદ કરવા આવા એક-બે નહીં લાખો લોકો દેશમાં  છે. તેમનું આ પગલું તેમને પેલા ડૉક્ટરો, પૅરામેડિક્સ, હેલ્થ વર્કર્સ કે લોકોને ઘરોમાં રહેવા માટે સમજાવવા સડક પર ફરજ બજાવતા સુરક્ષાકર્મીઓ જેમ જ જોખમ સામે એક્સપોઝ કરનારું છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના ડિરેક્ટરે બહુ સાચું કહ્યું કે આ વાઇરસે આપણી પાસેથી ઘણું છીનવી લીધું છે, પરંતુ એણે કંઈક આપ્યું પણ છે. તેમનો ઇશારો માનવતાની આવી મિસાલો પ્રત્યે જ હતો. ભલભલા તાલેવંત પણ ક્ષણવાર માટે નાસીપાસ થઈ જાય એવી આ અત્યંત અસાધારણ અને બેકાબૂ પરિસ્થિતિનો ખોફ માણસનાં તન, મન અને ધનથી ખુવાર કરી દે એવો છે. પરંતુ આ રોગચાળાએ દુનિયાને એક વાત સ્પષ્ટ રીતે સમજાવી દીધી છે કે આ ધરતી પર દરેક જીવ એકમેક સાથે સંકળાયેલો છે અને તેનું દરેક પગલું માત્ર તેની કે તેના પરિવારની જિંદગી પર જ નહીં, સમગ્ર સૃષ્ટિ પર અસર કરનારું છે. આ સત્ય અલબત્ત બહુ મોટી કિંમત ચૂકવીને સમજાયું છે. 

વડા પ્રધાને કહ્યું તેમ આ આપત્તિએ દેશના અર્થતંત્રને પહોંચાડેલું નુકસાન ચોંકાવનારું છે, પરંતુ દેશવાસીઓના જીવનને પ્રાથમિકતા આપી છે. તેમની સલામતી માટે દેશના અર્થતંત્રને, વિકાસને અને ભાવિના તમામ કાર્યક્ર્મોને બાજુએ મૂકી દીધા છે. ભારતવાસીઓ કોરોના વાઇરસના ભોગ ન બને એ માટે સમગ્ર તંત્ર સક્રિય થઈ ગયું છે. પરંતુ આ તમામ પ્રયાસોની સફળતાનો આધાર આપણા દેશવાસીઓની સમજણ અને સહકાર પર રહેલો છે. વાઇરસને ફેલાતો રોકવા માટે આપણે ઘરે રહેવું અનિવાર્ય છે. લોકોને નહીં મળીને સામાજિક અંતર ઊભું કરવું અનિવાર્ય છે. હાઇજિન અને પાયાની ચોખ્ખાઈ જાળવી રાખવી અનિવાર્ય છે, આપણી સુરક્ષા માટે પોતાના જાન જોખમમાં મૂકનારાએ આરોગ્યકર્મી અને સુરક્ષાકર્મીઓને સહકાર આપવો અનિવાર્ય છે. પણ આપણે એટલુંય નથી કરી શકતા? ધરાહાર બહાર નીકળવું જરૂરી છે? ભેગા થઈને ટોળટપ્પા કરવા કે પિકનિક માટે છુટ્ટી મળી હોય એમ આ લૉકડાઉનની મજાક ઉડાડવી જરૂરી છે? અમેરિકા, ઇટલી, યુકે, ઈરાન કે સ્પેન જેવા દેશોએ આ બીમારીને હળવાશથી લીધી અને એને દાવાનળની જેમ ફેલાવાની તક આપી. એના અનુભવ પરથી શીખ લઈને આપણે ત્યાં આ બધાં પગલાં લેવામાં આવ્યાં છે. એવે વખતે એનો અમલ કરવાને બદલે આપણાં કેટલાંક ભાઈબહેનો પોલીસ કે ડૉક્ટરો સાથે કે ઈવન મકાનના સુરક્ષાકર્મીઓ સાથે તદ્દન અભદ્ર અને અમાનવીય વર્તન કરતાં જોવા મળ્યાં છે. કેટલાક કહેવાતા બૌદ્ધિકો આ લૉકડાઉનની મજાક ઉડાડી રહ્યા છે! આ બધું જોઈને શરમથી માથું ઝૂકી જાય છે કે આપણે કેટલી નાસમજ અને નગુણી પ્રજા છીએ?

ભગવાન આવા લોકોને સદ્બુદ્ધિ આપે અને આ દેશને અને સમગ્ર દુનિયાને આ ભયંકર સ્થિતિમાંથી સત્વરે ઉગારે એવી પ્રાર્થના. ઘણી વાર રાત્રે ઊંઘમાં કોઈ દુઃસ્વપ્ન જોઈએ ત્યારે અત્યંત અસ્વસ્થ થઈ જવાય. પણ સવારે આંખ ખૂલે ત્યારે નિરાંત થાય કે ‘હાશ, એ તો સપનું હતું.’ આ દિવસોમાં અનેક સવારે ઊઠતાંવેંત થાય છે કે કાશ આ દિવસો પણ દુઃસ્વપ્ન માત્ર હોત!

columnists taru kajaria coronavirus