ઑનલાઇન એલિયન્સ

06 September, 2020 06:31 PM IST  |  Mumbai | Bhavya Gandhi

ઑનલાઇન એલિયન્સ

પ્રતીકાત્મક તસવીર

ઑનલાઇન મીડિયમ અને સોશ્યલ મીડિયાથી લોકો કેવા આદિ થઈ ગયા છે એના વિશે આપણે થોડા સમય પહેલાં વાત કરી હતી. આજે પણ એ જ વિષય પર વાત કરવાની છે પણ એ વાત જરા જુદા પૉઇન્ટ-ઑફ-વ્યુ સાથે કરવાની છે. કહોને, જરા પોએટિક અને જરાઅમસ્તી કૉમિક વેમાં.

રીડિંગ મારી ફેવરિટ ટાઇમપાસ ઍક્ટિવિટી છે એવું મેં અગાઉ કહ્યું છે અને લિટરેચરમાં મને વધારે કંઈ ગમતું હોય તો એ પોએટ્રી છે. હું કવિતા ખૂબ વાંચું છું. પહેલાં પણ કહ્યું છે કે પોએટ્રીમાં હું પીપૂષ મિશ્રાને મારા ગુરુ માનું. આ કૉલમનું નામ ‘આરંભ હૈ પ્રચંડ’ પણ તેમની એક પોએટ્રીનું ટાઇટલ છે. પીયૂષ મિશ્રાની કવિતાઓ અને તેમનું રાઇટિંગ મને અનહદ પસંદ છે તો બીજા નંબરે જો મારે કોઈને મૂકવાના હોય તો એ છે રાજેશ જોષી. હિન્દી કવિતાઓમાં તેમનું નામ ખૂબ મોટું, વજનદાર અને સન્માનનીય છે.

હમણાં હું એક સ્ક્રિપ્ટ પર કામ કરું છું અને સાથોસાથ કોવિડ વચ્ચે ઘરમાં સ્વૈચ્છિક લૉકડાઉનમાં પણ છું. ફિલ્મ માટે મારે આવતા મહિને કદાચ અમદાવાદ જવાનું બને, પણ એની ખબર નેક્સ્ટ વીકમાં પડશે. ઘરમાં હું રાજેશ જોષીની પોએટ્રી વાંચું છું. એ વાંચ્યા પછી મારે કહેવું જ પડે કે કોઈના પણ વિચારોને એ એક નવી હાઇટ સુધી લઈ જવાનું કામ કરે છે. તેમની કવિતાની ખૂબી એ છે કે એ ખૂબ જ સરળ હોય, એમાં શબ્દોનો કોઈ વૈભવ પણ નહીં, એકદમ સરળ અને સાદા શબ્દો વાપરવાના અને પછી સીધો નિશાન પર વાર કરવાનો. રાજેશ જોષીની મને બધી કવિતાઓ ગમે, પણ અત્યારે એક કવિતા મને યાદ આવે છે એની થોડી પંક્તિ કહું તમને.

તકિયે મેં કપાસ કા એક પેડ,

કપાસ કે ફૂલ પર ચીડિયા નહીં આતી

નીંદ કિસ ચીડિયા કા નામ હૈ?

આ કવિતામાં જે ફૂલની વાત કહેવાઈ છે એ હું છું, તમે છો. જ્યારે પણ ઊંઘ ન આવે ત્યારે મને તરત જ આ પંક્તિ યાદ આવી જાય અને એ પંક્તિ યાદ આવ્યા પછી મારા ચહેરા પર સ્માઇલ આવી જાય. મેં આ પોએટ્રી જેકોઈને સંભળાવી છે તેમના ચહેરા પર સ્માઇલ આવ્યું છે.

સરળ વાત છે, સીધીસાદી ભાષા છે અને છતાં એનો અર્થ કેટલો સરસ છે. રાજેશ જોષીની જ બીજી એક કવિતાની વાત કરીએ...

મર જાએંગે

જો ઇસ પાગલપન મેં શામિલ નહીં હોંગે

મારે જાએંગે

કટઘરે મેં ખડે કર દિયે જાએંગે,

જો વિરોધ મેં બોલેંગે

જો સચ-સચ બોલેંગે,

મારે જાએંગે

બર્દાશ્ત નહીં કિયા જાએગા કિ કિસી કી કમીજ હો

આ કવિતામાં આજના ટ્રેન્ડની વાત કરી છે. પાગલપન આપણને શેનું છે એની વાત રાજેશ જોષી આ પંક્તિઓમાં કરે છે. આ કવિતામાં આજના પાગલપનની વાત કરી છે અને આજે આપણને બધાને શેનું પાગલપન છે એ જરા જુઓ તમે. સોશ્યલ મીડિયા. સોશ્યલ મીડિયા પાછળ લોકો કેવા પાગલ થયા છે. સૂતાં-બેસતાં-ખાતાં-પીતાં-લખતાં-વાંચતાં તેમનું ધ્યાન મોબાઇલમાં જ હોય છે. ડ્રાઇવ કરતી વખતે પણ જવાબ આપવાનો લોભ કોઈ ટાળતું નથી. ચાલતી વખતે પણ આંખો તો મોબાઇલમાં જ હોય છે. આ લૉકડાઉનમાં મેં તો એક નવી વાત પણ જોઈ, વિડિયો-કૉલ. સતત વિડિયો-કૉલ અને એકધારા વિડિયો-કૉલ. કંઈ કામ ન હોય તો પણ વિડિયો-કૉલ. જે લોકો આ પાગલપન સાથે જીવે છે તેઓ બહુ ખુશ છે અને એવું જ ધારે છે જાણે બધું જ તેમની આસપાસ થઈ રહ્યું છે અને બધું તેમના કહેવા મુજબ જ ચાલે છે. ચાર લાઇક અને દસ કમેન્ટ એ તેમની લાઇફ છે અને કમેન્ટ ન આવે કે લાઇક ઓછી આવે તો એવું લાગે છે જાણે આજનો દિવસ અપશુકનિયાળ છે. કમેન્ટ અને લાઇકના અભાવે રડતા લોકો મેં જોયા છે અને અફસોસ કરીને ઘરની બહાર પણ નહીં નીકળતી છોકરીઓને મેં જોઈ છે. કોઈકનો ઓપિનિયન જ તેમની દુનિયા છે અને સોશ્યલ મીડિયા જ તેમની દુનિયા છે. સવારે જાગે ત્યારે એ દુનિયા શરૂ થાય અને રાતે આંખ બંધ કરે ત્યાં સુધી તેમની આસપાસ આ પાગલપનનો ડોઝ રહે છે. સવારે મૉર્નિંગ-વૉક પર જશે તો પહેલાં પોસ્ટ કરશે, જિમમાં કઈ બ્રૅન્ડનો વે-પ્રોટીન લે છે એ પણ લખશે અને નવી ટૂથપેસ્ટનો ફોટો પણ મૂકશે. ટોસ્ટ, ઓમલેટ અને ફ્રૂટસ સાથેનો પોતાનો બ્રેકફાસ્ટનો ફોટો તો અચૂક મૂકવાનો. બીજા ખુશ થાય તો આવા લોકો ખુશ થાય. બીજા ઇગ્નોર કરે તો આ લોકો દુખી થાય. દિવસમાં કોઈ કામ તે પોતાને માટે નહીં કરે, પણ બીજાને દેખાડવા માટે જ કરશે અને એકધારા કરશે. બપોરના લંચના ન્યુઝ પણ મુકાશે અને કોઈ જગ્યાએ બહાર ગયા હોય તો લોકેશન પણ ટૅગ કરશે. ગંદામાં ગંદી માનસિકતા સાથે જીવી રહ્યા છે આવા લોકો અને એ પછી પણ તેઓ એવું જ માને છે કે તેમની લાઇફ હૅપનિંગ છે.

આવા લોકો સામે એવો પણ એક ક્લાસ છે જેમની લાઇફમાં આવું પાગલપન નથી. તેમને આવા પાગલપનની જરૂર પણ નથી. તેમને શોપીસ જેવી નહીં, પણ રિયલ લાઇફમાં જ રસ છે. તેઓ લાઇક્સમાં નહીં, પણ ઇમોશન્સમાં અટવાયેલા રહે છે. આવા લોકો જો કોઈ મળી જાય તો તેને પ્રેમથી

ઓલ્ડ જનરેશનનું લેબલ મારી દેવામાં આવશે. તમે ઑનલાઇન એલિયન નથી? શું વાત કરો છો, આટલા આઉટડેટેડ? સો સૅડ, સો શેમફુલ.

હું કેટલાક લોકોને ઓળખું છું જેઓ આજે મોંઘામાં મોંઘો ફોન વાપરે છે, પણ સોશ્યલ મીડિયાથી દૂર છે. ‘તારક મેહતા કા ઉલટા ચશ્મા’માં તારક મહેતા બનતા શૈલેશ લોઢા આ સેકન્ડ કૅટેગરીમાં આવે છે. લૉકડાઉનમાં તેઓ ઇન્સ્ટાગ્રામ પર આવ્યા, પણ ત્યાં તેઓ ઍક્ટિવ નથી. દિલીપ જોષી પણ અમુક અંશે આવી કૅટેગરીના જ છે. બહુ સિલેક્ટેડ લોકો સાથે સોશ્યલ મીડિયાથી કનેક્ટેડ રહે છે.

તમે સાચા છો કે ખોટા, સારા છો કે ખરાબ, વાજબી પોસ્ટ છે કે ગેરવાજબી, તમે જે કહો છો એ વાતનાં કોઈ પ્રૂફ છે કે નહીં એની દરકાર કર્યા વિના, એ જાણ્યા વિના કે પછી તમારી વાત કેટલી વાજબી છે એ જોયા વિના બધા લાઇક્સ અને કમેન્ટ્સમાં લાગી જાય છે. એક ટોપિક પોસ્ટ થશે એટલે જાણે અટૅક કરવાનો ઑર્ડર આવ્યો હોય એમ લાખો નવરાધૂપ જનરેશન એક્સના યંગસ્ટર્સ એમાં કમેન્ટ કરવા અને એને શૅર કરવા લાગી જશે. જો એવું ન કરે કે પછી પોતે એ પોસ્ટ જોઈ નથી એવું કહે તો આઉટડેટેડ લાગે અને આઉટડેટેડ નહીં દેખાવા માટે જ આ કરી લેવાનું છે. સોશ્યલ મીડિયાનો લેટેસ્ટ ટ્રેન્ડ કહું તમને. ઇમિડિયેટ રીઍક્શન. જો તમે એક કલાક પાસ કરી દીધો તો તમે બધાને આઉટડેટેડ લાગો છો.

જે લોકો સોશ્યલ મીડિયા પર ઊહાપોહ મચાવતા હોય છે તેઓ પોતાની જાતને સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્ઝર કહે છે. પોતાની પોસ્ટ સમાજને ઇન્ફ્લુઅન્સ કરે છે અને તેઓ આ પોસ્ટ થકી જાણે ક્રાન્તિ લાવશે એવું તેઓ માને છે, ધારે છે અને વર્તે પણ એવું જ છે. મેં એવા ઘણા લોકોને જોયા છે કે જેમના ફૉલોઅર્સ વધે એટલે તે પોતાની જાતને હવામાં લઈ જાય. ટ્વિટરને પાંચ-પંદર લાઇક્સ મળી જાય તો પણ જમીનથી અઢી ફુટ ઊંચે ચાલવા માંડે છે. તેમને એવું લાગતું હોય છે કે તેઓ કોઈ પણ રૂમમાં એન્ટર થાય એટલે ઢોલનગારાંથી તેમનું સ્વાગત થાય. આ સ્વાગતને સોશ્યલ મીડિયા પર લાઇવ ફીડ પણ કરવામાં આવે. ઘણા ઍક્ટર્સ પણ એવા છે જેમનાં પેજ કે અકાઉન્ટ્સ પીઆર-કંપની હૅન્ડલ કરતી હોય છે અને તે એ ઍક્ટર્સ માટે લાઇક ખરીદવાનું કામ કરતી હોય. માર્કેટિંગ માટે ના નથી, એને માટે જ સોશ્યલ મીડિયા છે. આ માધ્યમનો જેટલો સારો ઉપયોગ થતો હોય એ કરવો જ જોઈએ, પણ એનું ગાંડપણ ન હોય. તમે કોઈ સાચા મુદ્દાને રજૂ કરો અને એને માટે લડી લો તો બરાબર છે, પણ રોજ સવારે જાગીને આવા મુદ્દા શોધવા નીકળો અને જો મુદ્દો ન મળે તો પોટ્ટી રેડ કલરને બદલે યલો કલરની આવી એવી વાત લઈને સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરવા માંડો તો બહુ ખરાબ છે. એવી વાતો કરનારાઓની આગળ-પાછળ તાળી પાડનારાઓ પણ શરમજનક છે. અતિરેકમાંથી બહાર આવો અને અતિરેકની ઊલટીઓ માટે આ સોશ્યલ મીડિયા છે પણ નહીં. જો એનો લાભ લેતાં આવડે તો ઠીક છે, અન્યથા ગેરલાભની નીતિ પર તો નહીં જ જાઓ. શૅર કરવું જ હોય તો એવું લિટરેચર શૅર કરો જે મેં અહીં કર્યું છે. રાજેશ જોષી અને એવા જ અન્ય કવિઓ એવા છે જેઓ તમને ક્યાં ઑનલાઇન જોવા નથી મળવાના અને અલ્ટિમેટલી હેતુ પણ એ જ છેને કે નવી વાત કહેવી, સારી વાત અઢળક લોકો સુધી પહોંચાડવી.

columnists Bhavya Gandhi lockdown social networking site