નૉન-વેજને તિલાંજલિ આપવાનો સમય દૃઢતા સાથે નજીક આવી રહ્યો છે

17 May, 2020 07:16 PM IST  |  Mumbai Desk | Manoj Joshi

નૉન-વેજને તિલાંજલિ આપવાનો સમય દૃઢતા સાથે નજીક આવી રહ્યો છે

મિડ-ડે લોગો

આમ પણ આ દિવસોમાં નૉન-વેજ ખાવાનું બન્યું નહીં હોય અને બન્યું હોય તો પણ જવલ્લેજ બન્યું હશે. નિયમિત રીતે નૉન-વેજ ખાનારાઓને શરૂઆતમાં તકલીફ પડી હશે અને પછી વેજિટેરિયનની આદત પણ પડી ગઈ હશે. આ જે આદત છે એ આદત જ દર્શાવે છે કે હવે સમય આવી ગયો છે ખાનપાનની માનસિકતા બદલવાનો અને એ નવી માનસિકતા સાથે જીવનને એક નવા દૃષ્ટિકોણથી જોવાનો.

કોરોનાએ એક વાત સમજાવી દીધી છે કે જો નૉન-વેજ ખાવાથી કેવી વિ‌પરીત અવદશા સર્જાઈ શકે છે અને એ અવદશા વચ્ચે જીવન કેવું વિકરાળ રૂપ લઈ લે છે. કોરોનાનો જન્મ કોઈ લૅબોરેટરીમાં નહોતો થયો એવું સાદું ગણિત જો તમે ફૉલો કરો તો તમને સીધો જવાબ મળે કે તો આ વાઇરસ નૉન-વેજમાંથી આવ્યો છે. આ અગાઉ પણ અનેક વાઇરસ નૉન-વેજ ફૂડને કારણે માનવસમુદાયમાં આવ્યા છે. એક ડૉક્યુમેન્ટરીમાં કહેવામાં આવ્યું હતું કે રંધાયેલો નૉન-વેજ ખોરાક વાઇરસનો વાહક નથી હોતો, પણ એ રંધાય એ પહેલાંની જે આખી જર્ની છે, સફર છે એ દરમ્યાન વાઇરસ માનવસમુદાયમાં દાખલ થાય છે. કોરોનાએ ખાનપાનની આદત બદલવા માટે સમજાવવાનું શરૂ કર્યું છે તો સાથોસાથ એ પણ સમજાવ્યું છે કે માણસ અને પ્રાણી ક્યારેય એકબીજાના ખોરાક ન બનવા જોઈએ.
જાનવર માણસનો સ્વીકાર ન કરે એને માટેની સજાગતા માનવસમુદાયમાં આવી ગઈ છે અને માનવભક્ષી બની ગયેલાં પ્રાણીઓને મારી નાખવાની સુધ્ધાં તૈયારી આપણે કરી લીધી છે. તૈયારી શું, આપણે એ જ પગલું ભરીએ છીએ. જો માનવભક્ષી જાનવર સમાજ માટે જોખમકારી છે તો નૅચરલી, આ જ વાત માનવસમુદાયને પણ લાગુ પડે. નૉન-વેજનો સંપૂર્ણ વિરોધ કરવામાં આવી રહ્યો છે એવું કહેવાને બદલે હું કહીશ કે ગેરવાજબી રીતે નૉન-વેજને આરોગવાનું છોડવું જોઈએ. કોઈના ખાનપાન પર નાહકની ચોવટ કરવાની ભાવના નથી. જો વેજિટેરિયન રહેશો તો એ તમારા હિતમાં છે, લાભમાં છે અને જો નહીં રહી શકો તો એ તમારી ચિંતા છે, પણ ચાઇનાની જેમ છાકટા બનીને નૉન-વેજિટેરિયન બની જવું એ તો બિલકુલ ગેરવાજબી છે. કોરોના જો પ્રાણીઓમાંથી આવ્યો હોય તો એ કેવી રીતે આવ્યો હોય એની અનેક વાતો થઈ ગઈ છે એટલે એ ચર્ચા નથી કરવી પણ, જો એવી આદત કોઈએ કેળવી લીધી હોય તો એ આદત કાઢવાનો સમય આવી ગયો છે. થોડા સમય પહેલાં મલેશિયાના એક ન્યુઝપેપરમાં બહુ સરસ ન્યુઝ આવ્યા હતા. એમાં લખ્યું હતું કે ઇન્ડિયન જૈન કમ્યુનિટીની ફૂડ-હેબિટ, ફૂડિંગ સ્ટાઇલ અને પૅટર્ન વર્લ્ડમાં બેસ્ટ છે. કોઈએ પણ એ પૅટર્ન અને સ્ટાઇલને ફૉલો કરવી જોઈએ. વાત બિલકુલ બરાબર છે. તમે જુઓ, જૈન ક્યારેય કોઈ મહામારીમાં અટવાયા નથી. જૈનોમાં ભાગ્યે જ કૅન્સર જેવી બીમારી જોવા મળે છે. કારણ શું, માત્ર તેમની ફૂડ-પૅટર્ન, સ્ટાઇલ અને આદત. જો પાળી શકો તો એ આદતોને કેળવીને એની અમલવારી શરૂ કરો. જીવનમાં તકલીફ હશે, પણ વણનોતરી તકલીફ નહીં હોય એની ગૅરન્ટી હું તમને આપું છું.

manoj joshi columnists lockdown