ટીવીના ક્રીએટિવ હવે જરા વરણાગી બને એવી અપેક્ષા દેશ રાખી રહ્યો છે

28 June, 2020 01:07 PM IST  |  Mumbai | Manoj Joshi

ટીવીના ક્રીએટિવ હવે જરા વરણાગી બને એવી અપેક્ષા દેશ રાખી રહ્યો છે

પ્રતીકાત્મક તસવીર

લૉકડાઉને એક વાત તો જાહેર કરી દીધી કે હવે ટીવી-ઇન્ડસ્ટ્રીની સામે પણ બહુ મોટી મુશ્કેલીઓ આવવાની છે. એક સમય હતો કે ટીવી-ચૅનલ અને સિરિયલોની લત લાગી ગઈ હતી. જો સાંજના સમયે ઘરમાં સિરિયલ ન આવે તો જેવી હાલત અફીણ અને ગાંજાની લત લાગેલાને નશો ન મળે એવી થાય એવી હાલત ઘરના સભ્યોની થવા માંડતી હતી, પણ લૉકડાઉને ટીવીને સૌકોઈના જીવનથી દૂર કરી દીધું અને એ સારું જ થયું. ટીવીનાં કૅરૅક્ટર ઘરના સભ્યો બની ગયાં હતાં અને એટલે તેમની ગેરહાજરી કનડતી હતી, પણ હવે એવું રહ્યું નથી. હવે લૉકડાઉને આખી વાત અને વાતાવરણ બદલી નાખ્યું છે. ત્રણ મહિના, ઑલમોસ્ટ ૯૦ દિવસથી નવો એકેય એપિસોડ જોવા નથી મળ્યો અને એને લીધે એ કૅરૅક્ટર જીવનમાંથી દૂર થઈ ગયાં. સ્ટારમાં પણ જે નશો આવી ગયો હતો એ નશો ઓસરી ગયો અને પ્રોડ્યુસર પણ જમીન પર આવી ગયા, પણ જમીન સાથેનો તેમનો આ સંબંધ અકબંધ રહે અને સૌકોઈ જમીન પર રહે એવી અપેક્ષા રાખવાનો સમય આવી ગયો છે. સમય આવી ગયો છે કે ભૂતપ્રેત અને ઇચ્છાધારી નાગણના ત્રાસમાંથી હવે દેશને મુક્તિ આપવામાં આવે. સમય આવી ગયો છે કે પરાણે સ્ત્રીપ્રધાન વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ છોડવામાં આવે. સમય આવી ગયો છે કે ટીવીના ક્રીએટિવ હવે પોતાની ભૂતિયા માનસિકતામાંથી બહાર નીકળીને વાસ્તવિકતાની શરણે જઈને વાર્તાને માન આપે, વાતને અનુસરે.

ટીવી-ઇન્ડસ્ટ્રી જો આ સમયે બદલાઈ ન શકી તો બીજો મોકો બહુ મોડો આવશે અને એ પણ યાદ રાખજો કે એણે હવે બદલાવું પડશે. ૯૦ દિવસ એ નાનો ગાળો નથી. ૯૦ દિવસ એ નાનો સમય નથી. આ સમયમાં ટીવીની હાલત કફોડી થઈ ગઈ હતી. પોતે જ પરમેશ્વર એવું ધારનારી ચૅનલની બોલતી બંધ થઈ ગઈ હતી અને આ બંધ થયેલી બોલતી વચ્ચે ૯૦ દિવસનો સમય પસાર થયો છે. ૯૦ દિવસ એ જરાય નાનો સમયગાળો નથી. બહુ મોટો સમય છે આ અને આ મોટા સમયે ભલભલાને પરસેવો છોડાવવાનું કામ કર્યું છે. કન્ટેન્ટ જ હવે ચાલવાનું છે, કારણ કે આ સમય દરમ્યાન સૌકોઈએ પોતપોતાની રીતે ડ્રામાને જોઈ લીધો છે. હવે લોકોને બગડી ગયેલા શાક સાથે આપવામાં આવતા અકલ્પનીય લુક નથી જોવા અને એ જોવાની ક્ષમતા પણ કોઈનામાં રહી નથી. વેબ-સિરીઝે કન્ટેન્ટની તાકાત કેવી હોય એ સમજાવી દીધું છે. ઇન્ટરનૅશનલ ડિજિટલ કન્ટેન્ટને માર્કેટ મળતાં વાર લાગવાની હતી, પણ લૉકડાઉને એ કન્ટેન્ટને ઘર-ઘરનો દરવાજો ખોલી આપ્યો. આ કન્ટેન્ટ પણ બધી રીતે સબળા છે એવું ધારવાની જરાય જરૂર નથી. નથી જ, એ કન્ટેન્ટની નબળાઈની વાતો પણ કરવાની થશે, પણ એ સમય આવ્યે કરીશું, અત્યારે વાત કરીએ ટીવીની. ટીવી-ઇન્ડસ્ટ્રીએ વળતાં પાણી જોવાં પડશે જો ટીવી-ઇન્ડસ્ટ્રી સુધરશે નહીં તો. આજના દરેક યંગસ્ટર્સના હાથમાં મોબાઇલ છે અને દરેક મોબાઇલ-ઑપરેટર કોઈ ને કોઈ ડિજિટલ પ્લૅટફૉર્મનું સબસ્ક્ર‌િપ્શન ફ્રીમાં આપે છે. આપવામાં આવતા આ સબસ્ક્રિપ્શનને કારણે યંગસ્ટર્સ હવે ટીવીની નાગણો તરફ આકર્ષિત થવાનો નથી અને આપવામાં આવતા આ સબસ્ક્રિપ્શન વચ્ચે ટીવી યંગસ્ટર્સને પોતાના બગડી ગયેલા નારિયેળને કારણે ઘરમાં થતા ઝઘડાઓ તરફ ખેંચી શકવાનો નથી. ટીવીએ જો ફરીથી ઑડિયન્સ મેળવવું હશે તો હવે સ્ટોરી-ડ્રિવન બનવું પડશે.

columnists manoj joshi coronavirus covid19 lockdown indian television