કોરોનાએ પૃથ્વી જીવવા લાયક બનાવી દીધી, હવે એને બગાડવાની નથી

16 May, 2020 01:30 PM IST  |  Mumbai Desk | Manoj Joshi

કોરોનાએ પૃથ્વી જીવવા લાયક બનાવી દીધી, હવે એને બગાડવાની નથી

પ્રતીકાત્મક તસવીર

પહેલી વાર, હા, છેલ્લાં ૪૦ વર્ષમાં દેશમાં પહેલી વાર એવું બન્યું છે કે કાર્બન ઉત્સર્જન ઘટ્યું છે. કેન્દ્ર સરકારના સેન્ટર ફૉર રિસર્ચ ઑન એનર્જી ઍન્ડ ક્લીન એણે જાહેર કરેલા આંકડા મુજબ લૉકડાઉનમાં મોટા ભાગના લોકો ઘરમાં હતા એ પછી પણ ઇલેક્ટ્રિસિટીની ખપત ઘટી છે. સ્વાભાવિક રીતે ફૅક્ટરીઓ બંધ હોવાથી આ હકારાત્મક અસર દેખાય છે, પણ સામા પક્ષે ડોમેસ્ટિક એનર્જીના આંકડાઓ પણ ઘટ્યા છે. ઘરવપરાશમાં વપરાતી વીજળી પણ અત્યારે માગમાં ઓછી છે. આનું કારણ પણ સમજવા જેવું છે. માણસ ઘરમાં જ છે. લૉકડાઉન વચ્ચે બધું શેડ્યુલ મુજબ ચાલે છે અને શેડ્યુલ મુજબ ચાલી રહેલી આખી દુનિયા વચ્ચે પાવરની પણ આવશ્યકતા ઓછી થઈ છે. બીજું એક કારણ અહીં એ પણ છે કે રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ છેલ્લા ૬ મહિનામાં ખાસ્સો વધ્યો છે, એણે પણ ઇલેક્ટ્રિસિટીની સાથોસાથ ઈંધણની ખપત ઓછી કરી નાખી છે જેને લીધે માત્ર માર્ચ મહિનામાં કાર્બન ઉત્સર્જનનું પ્રમાણ ૧૭ ટકા જેટલું ઘટ્યું તો એપ્રિલમાં એનો ઘટાડો ૩૦ ટકા પર પહોંચ્યો.

થૅન્ક ગૉડ.
પેટ્રોલનો પણ વપરાશ રહ્યો નથી અને બીજા ઈંધણની પણ આવશ્યકતા અત્યારે ન્યુનતમ સ્તર પર આવી ગઈ છે. કોરોનાને લીધે આવેલા પર્યાવરણમાં આ સકારાત્મક ચેન્જનું રિઝલ્ટ આવતા સમયમાં જોવા મળશે. કૃષિનિષ્ણાતો કહે છે કે આવતાં બે વર્ષમાં જે પાકનું ઉત્પાદન થશે એની ન્યુટ્રિશ્યન વૅલ્યુ ગજબનાક હશે. ડૉક્ટરો કહે છે કે શરીર અંદરથી સાફ થવા માંડ્યાં છે. શુદ્ધ ઑક્સિજન છાતીમાં જઈને જે સકારાત્મક પરિણામ આપવાનો છે એ બેચાર મહિના પછી નરી આંખે દેખાશે. ત્વચાની ચમક જુદી હશે અને શરીરની સ્ફૂર્તિમાં નવી દમક હશે. આ લૉકડાઉનની સકારાત્મક ઇફેક્ટ્સ છે અને એ ઇફેક્ટ્સને કેવી રીતે કાયમ રાખવાની છે એના વિશે હવે વિચારવાનું છે.
આ દિવસોમાં વાહન લઈને રખડપટ્ટી કરવાની આદત નીકળી ગઈ છેને? હવે આ આદતને અકબંધ રાખવાની છે. જો શક્ય હોય તો સાઇકલનો ઉપયોગ કરવાનું શરૂ કરો. યાદ રાખજો કે સાઇકલ વાપરનારા ગરીબ હોય એવી જે માનસિકતા મનમાં ઘર કરી ગઈ છે એ સાવ ખોટી છે. સાઇક્લિંગ તમારા હિતમાં છે તો સાથોસાથ પૃથ્વીના પણ લાભમાં છે. બીજું સૂચન, બહાર જમવા જવાનું છૂટી ગયું છે તો એને હવે અકબંધ કરી નાખો. રેસ્ટોરાં કે હોટેલનો વિરોધ કરવાની માનસિકતાથી આ વાત નથી કહેવાઈ રહી, પણ કહેવાઈ રહી છે ઘરના અનાજથી દૂર ભાગવાની માનસિકતાને દૂર કરવાના હેતુથી.
પ્રસંગોપાત્ત બહાર જમવું ખોટું નથી અને પ્રસંગોપાત્ત ઘરમાં જમવું એ સારું નથી. આ સુધારો કરશો તો એ સુધારો પણ તમારા હિતમાં જ છે. ત્રીજો અને મહત્ત્વનો સુધારો, શક્ય હોય ત્યાં સુઘી ઘરની બહાર નથી રહેવું. બહાર રહેવું એ કોરોનાને આમંત્રણ આપવા જેવું છે અને કોરોનાની એક ખાસિયત છે. બોલાવશો નહીં તો એ આવતો નથી. માનભૂખ્યા આ વાઇરસને શાને માટે સામે ચાલીને ઘરમાં લઈ આવવો છે? બહાર રહેવું નથી અને અકારણ તો બિલકુલ બહાર રહેવું નથી.

columnists manoj joshi