17 August, 2025 04:29 PM IST | Mumbai | Jayesh Chitalia
પ્રતીકાત્મક તસવીર
શું તમે તમારી પોતાની જિંદગી જીવો છો? સાચો જવાબ આપજો, જે જવાબ આપવા માગતું હોય તે હાથ ઊંચો કરે, કોઈને જવાબ નથી ખબર? કંઈ નહીં, હવે પછી વધુ અભ્યાસ કરતા રહેજો. આવા સવાલથી તમને નવાઈ લાગી હશે. હા, આ સવાલ અમે ખુદને પણ પૂછતાં રહીએ છીએ, પાકો જવાબ હજી મળ્યો નથી. પરંતુ અભ્યાસ વધતો જાય છે, સમજણ અને જાગ્રતિ પણ વધતાં જાય છે.
જો આપણે પોતે આપણને પોતાની રીતે જીવવા નહીં આપીએ તો બીજા ક્યાંથી આપશે? કારણ કે બીજા લોકો પણ ક્યાં પોતાની રીતે જીવે છે? આપણે દરેકે નક્કી કરવું જોઈશે કે કોની રીતે જીવવું છે, પોતાની કે બીજાની? જીવન આપણું છે, પરમાત્માની એક્સકલુઝિવ ભેટ છે. બાળપણથી આપણને કેવી રીતે બેસવું-ઊભા થવું,ચાલવું, બોલવુંથી માંડી છેક કઈ રીતે જીવવું એની તાલીમ અપાતી રહે છે. આ તાલીમ આપનારાને તેઓ પોતે નાના હતા ત્યારે બીજાઓ તાલીમ આપતા હતા, તેમને વળી ત્રીજા, તેમને વળી ચોથા... આમ સંસારચક્ર ચાલતું જ રહ્યું છે. સમય સાથે ચોક્કસ પરિવર્તન આવતાં રહે છે, પણ મૂળમાં એકંદરે જીવવાના પાઠ એના એ જ રહે છે. વાસ્તવમાં ઈશ્વર તો દરેકને નોખો માનવી બનવા મોકલે છે તેમ છતાં દરેક માનવી આખરે સંસારના બાંધેલા નિયમોમાં નોખોને બદલે ખોખો માનવી બનતો રહે છે. પરંપરાઓ ચાલતી રહે છે, એમાં પરિવર્તન પણ આવતાં રહે છે જે પાછી નવી પરંપરા બને છે. સાંકળ લોખંડની હોય કે સોનાની, રહે છે સાંકળ જ.
ઇતિહાસ જોઈએ તો ખબર પડે છે કે નોખા માનવીને જીવવામાં કેટલી તકલીફ પડે છે, મજાની વાત એ છે કે આ તકલીફો છતાં નોખા નોખા જ રહે છે અને નોખું જીવે છે. દાખલા બેસાડી જાય છે, પરંતુ અનુકરણ કરનારા અને કરાવનારા કેટલા અને કેવા? આ નોખા માનવી એટલે એક્ઝેક્ટ્લી કોણ એવું પૂછવામાં આવે તો સરળ અને સચોટ જવાબ છે; સાચું બોલનારા, સાચું જીવનારા. હવે આપણને થશે કે સાચું બોલનારા અને સાચું જીવનારા એટલે કોણ? આમ દરેક સવાલના જવાબો પર સવાલ થતા રહેશે. જોકે આના જવાબ ભૂતકાળમાં અસંખ્ય છે, વર્તમાનમાં સીમિત છે, ભવિષ્યની ખબર નથી.
માણસે પોતે ખરેખર બીજાઓ શું કરે છે, શું જીવે છે એ નહીં; પોતે શું કરે છે, કેવું જીવે છે એ જ વિચારવું જોઈએ. માણસે બીજાના દાખલા પણ લેવા હોય તો તેમની પાસે ઉત્તમ-આદર્શ દાખલા લેવાની સમજ હોવી જોઈએ. જોકે એ પછી પણ પ્રત્યેક માણસે પોતાના વિવેકનો ઉપયોગ તો કરવો જ પડે. વિવેક વિના માણસો ટોળાનો ભાગ જ બની શકે છે.
આપણે ૧૫ ઑગસ્ટે ટોળાંઓ ઠેર-ઠેર જોયાં, સાચા રાષ્ટ્રપ્રેમી-રાષ્ટ્રભક્ત કેટલા? એના એ જ ધ્વજવંદનની પરંપરા, દેશપ્રેમનાં લેક્ચર, દેશભક્તિનાં એ જ ગીતો. એ પછી નાસ્તા-પાણી, પિકનિક, પાર્ટી, વગેરે. બાકી રજાનો દિવસ, મજજા કરો. કોઈ કહેશે, તો અમારે બીજું શું કરવાનું? આ લોકો બીજાઓના જવાબની રાહ જોશે, પોતે નહીં વિચારે. બાય ધ વે, જય હિન્દ!