લિટરેચર ફેસ્ટિવલઃ મુંબઈના ગુજરાતીઓને એ લાભ ક્યારે મળશે એ અનુભવ?

21 January, 2020 01:45 PM IST  |  Mumbai | Manoj Joshi

લિટરેચર ફેસ્ટિવલઃ મુંબઈના ગુજરાતીઓને એ લાભ ક્યારે મળશે એ અનુભવ?

ગુજરાતમાં અત્યારે લિટરચેર ફેસ્ટિવલની રીતસરની સીઝન ચાલી રહી છે. અમદાવાદ, સુરત, રાજકોટ, જામનગર અને બીજાં અનેક શહેરોમાં લિટરેચર ફેસ્ટિવલ થઈ રહ્યા છે કે પછી થવાના છે. લિટરેચર ફેસ્ટિવલની સૌથી મોટી મજા જો કોઈ હોય તો એ કે, આ પ્રકારના ફેસ્ટિવલથી લોકોને ખરેખર એ સમજાય છે કે પત્રકારત્વ કે પછી સાહિત્ય કયા કારણે ચોથી જાગીર ગણાતી હોય છે અને એ ગણાવી જ જોઈએ એવો વિશ્વાસ પણ પ્રસ્થાપિત થાય છે, પણ એ બધા પછી પણ એક વાત મહત્ત્વની છે કે લિટરચેર ફેસ્ટિવલ મુંબઈને ક્યારે મળશે?

એવું નથી કે મુંબઈમાં લિટરેચર ફેસ્ટિવલ થઈ નથી રહ્યા. થઈ રહ્યા છે અને અન્ય ભાષાઓ દ્વારા એના માટે સજાગ પ્રયાસ પણ થઈ રહ્યા છે, પણ ગુજરાતી ભાષામાં આ પ્રકારના ફેસ્ટિવલ નથી થતા એ એ હકીકત છે. રિયલ એસ્ટેટ ફેર થાય છે, ફર્નિચર ફેર પણ થાય છે, સેલ લાગે છે અને ઑટો ફેર પણ થાય છે અને ગુજરાતીઓ ત્યાં જાય પણ છે, પણ ગુજરાતી લિટરેચર કે પછી ગુજરાતી ફિલ્મ કે નાટકોના ફેસ્ટિવલ નથી થઈ રહ્યા એ દુઃખની વાત છે. ભાષાને જીવતી રાખવા માટે આ પ્રયાસ થવો જોઈએ. મુંબઈને આ વાત ખાસ લાગુ પડે છે. ગુજરાતમાં ગુજરાતી જીવતી રહેવાની જ છે અને મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા પર કોઈ ગ્રહણ નથી આવવાનું. ભાષા ક્યારેય મરતી નથી અને મરી શકે નહીં એ વાત સૌ કોઈ સમજી લેજો, પણ પરપ્રાંતમાં ભાષાને અકબંધ રાખવાનો પ્રયાસ ન થાય તો એ લુપ્ત થઈ જાય એવું બની શકે.

ગુજરાતીઓ ફૂડ ફેસ્ટિવલનું પણ આયોજન કરશે અને બીજાં રાજ્યોના ફૂડ ફેસ્ટિવલ થશે તો ત્યાં પણ હોંશભેર જશે, પણ ગુજરાતીઓ માટે ફેસ્ટિવલ કરવાનું કોઈને સૂઝતું નથી એ હકીકત છે. ગુજરાતીઓ પ્રાયોરિટી પર હોય છે. સ્પોન્સર્સ લિસ્ટની જો તમે યાદી જોશો તો તમને દેખાશે કે ટોચના દસમાંથી ચાર કે છ ગુજરાતી કંપનીઓ કે ગુજરાતી બિઝનેસમૅન દેખાશે, પણ એ જ ગુજરાતી માટે કોઈ પ્રકારનું આયોજન કરવાનું ક્યારેય કોઈને સૂઝતું નથી. ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલ ગુજરાતીઓના એકેક ઘર માટે જરૂરી છે. એનાથી ગુજરાતી કલ્ચરને પણ લાભ થવાનો છે અને એનાથી ગુજરાતી સંસ્કૃતિ પણ ઉજાગર થવાની છે. એવું માનવાની ભૂલ નહીં કરતાં તમે કે, ગુજરાતીને કોઈની આવશ્યકતા છે, પણ એવું સ્વીકારવાની તૈયારી રાખજો કે ગુજરાતી એકલી પડી રહી છે. એવું કબૂલવાની ક્ષમતા પણ રાખજો કે ગુજરાતીને તમારે હાથમાં રાખવાની છે અને એવું જાહેરમાં કહેવાની તૈયારી પણ રાખજો કે ગુજરાતીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે. અન્યાય ઇરાદાપૂર્વક થઈ રહ્યો છે એવું કહેવાનો ભાવાર્થ નથી, પણ ભાવાર્થ એ છે કે ગુજરાતીઓએ ક્યારેય માગ નથી કરી એટલે તેમની ઇચ્છાઓને પ્રાધાન્ય આપવામાં નથી આવ્યું.

માગો, માગશો તો જ મળશે. જો એવું ધારીને બેસી રહેશો કે તમારી ઈચ્છાઓ માગ્યા વિના પૂરી કરવામાં આવશે તો એવું નહીં બને. ગુજરાતી તમારી છે, તમારી ગુજરાતી માટે તમારે આગળ આવવાનું છે. તમારા લિટરેચર માટે, તમારા ફેસ્ટિવલ માટે તમારે ઊભા થવાનું છે. બીજા કોઈ ઊભા નહીં થાય, બીજા કોઈને એવી ગતાગમ પણ નહીં પડે, પણ હા, તમને પડતી હોય તો એની માટે તમે જાગો અને તમે એ દિશામાં આગળ વધો. બીજું કોઈ ન કરે એવું પ્લાનિંગ તો તમે વિચારો, તમે કરો એ આયોજન. આયોજન થાય એ જરૂરી છે, મહત્વ મળે એ જરૂરી છે.

manoj joshi columnists