એક અપમાનિત સ્ત્રીના જાગી ગયેલા આત્મસન્માનનું અજવાળું

26 January, 2021 03:26 PM IST  |  Mumbai | Taru Kajaria

એક અપમાનિત સ્ત્રીના જાગી ગયેલા આત્મસન્માનનું અજવાળું

પ્રતીકાત્મક તસવીર

હમણાં ઘરે હોવાથી કેટલીક સિરિયલો જોવાનો મોકો મળે છે. સ્ટાર પ્લસ પર આવતી ‘અનુપમા’ જોવાનું ગમે છે. પચીસ વર્ષ સુધી પોતાની પત્ની રહેલી અનુપમાને છોડીને તેનો પતિ વનરાજ નામની તેની ઑફિસમાં કામ કરતી એક યંગ સ્ત્રીના પ્રેમમાં પડ્યો છે અને સરેઆમ બેવડી જિંદગી જીવે છે. બે યુવાન દીકરા અને એક કિશોર વયની દીકરીનો પિતા વનરાજ ઘરનો મોટો દીકરો છે. પોતે સારા હોદ્દા પર નોકરી કરે છે અને સારું કમાય છે. ઘરમાં તેનો રોફ છે, માતાનો લાડકો છે અને અનુપમા?!

અનુપમા ઘર-પરિવારને વરેલી છે. ઘરનાં એકેએક કામ, ઘરના તમામ સભ્યોની સગવડ અને આશાયેશ જાણે પોતાની જ જવાબદારી હોય એમ અનુપમા રહે છે. સમગ્ર પરિવારની અને ઘરની ધરોહર જાણે! પોતાની આવડત, પોતાની પ્રતિભા, પોતાની શક્તિઓ - બધું જ અનુપમા જાતને બદલે પરિવાર માટે ખર્ચતી આવી છે, પરંતુ પોતાની જિંદગીને આટલી કમ્ફર્ટેબલ અને સરળ બનાવી દેનાર પત્નીની એ બધી કુરબાનીઓ પતિમહાશયને દેખાતી નથી. તેના હાથમાં મસાલાની ગંધ આવે છે અને તેની અનસ્માર્ટ જીવનશૈલી તેને કઠે છે. એવી પત્નીમાંથી ઊઠી ગયેલું તેનું મન ઑફિસમાં કામ કરતી સુંદર, સ્માર્ટ, સ્ટાઇલિશ અને પરિણીત કાવ્યાએ મોહી લીધું છે. આમ ઉપરછલ્લી દૃષ્ટિએ તો આ લગ્નેતર સંબંધની જ વાર્તા લાગે છે, પરંતુ હકીકત તદ્દન એવી અને એટલી જ નથી. એક પુરુષના સ્વકેન્દ્રી અને સ્વાર્થી વર્તનના પડઘા સંયુક્ત પરિવારના જુદા-જુદા સભ્યો દ્વારા કેવી રીતે ઝિલાય છે એનું ચિત્રણ અહીં મળે છે. દરેક વ્યક્તિ વનરાજના પગલાને પોતપોતાની દૃષ્ટિએ અને પોતાની જરૂરિયાતના પરિપ્રેક્ષ્યમાં જુએ છે. જુનવાણી માને દીકરાનો વાંક ભાગ્યે જ દેખાય છે તો તટસ્થ પિતા પતિ અને પરિવારનાં સુખ-સગવડ માટે જાત ઘસી નાખનાર પુત્રવધૂની કદર કરવામાં સૌથી મોખરે છે. દીકરો પેલી છોકરી સાથે સરેઆમ પકડાઈ જાય છે ત્યારે પિતા તેને ઘરમાંથી કાઢી મૂકે છે અને અનુપમા પણ એક નિર્ણય કરી લે છે. તે પોતાના પરિવાર, બાળકો, બા-બાપુજીની કાળજીની બધી જવાબદારી પોતાના માથે લઈ લે છે. અઢી દાયકાના લગ્નજીવન દરમ્યાન પતિથી અપમાનિત અને છેતરાયેલી એ સ્ત્રી પતિ પાસે કરગરવા કે કાકલૂદી કરવા નથી જતી. પરણીને જે ઘરમાં તે આવી છે અને ક્ષણેક્ષણ જે ઘરનાં સુખ-શાંતિ માટે જ જીવી છે ત્યાં પતિ વગર રહેવાની ખુમારી તેણે કેળવી લીધી છે. તે નોકરી કરવા લાગે છે, ઘરમાં મા સિવાય સૌનાં વર્તન પણ તેને અનુરૂપ બદલાય છે.

અનુપમાની મક્કમતાની કસોટી થાય એવી પળો આવે છે. પોતાની ગર્લફ્રેન્ડ સાથે રહેવા ગયેલા વનરાજનો ગંભીર ઍક્સિડન્ટ થાય છે અને તે પોતાના પરિવાર સાથે રહેવા પાછો ઘરે આવે છે. અનુપમા માનવતાના સંબંધે તેની કાળજી રાખે છે, પરંતુ પતિ ‘મને મારી ભૂલનો અહેસાસ થયો છે’ એમ કહીને માફી માગીને અનુપમા સાથે ફરીથી નવી શરૂઆત કરવાનો પ્રસ્તાવ મૂકે છે, પરંતુ અનુપમા મચક નથી આપતી. તે કહે છે કે ‘હું હવે આગળ નીકળી ગઈ છું. હું હજી પણ તમારાં સંતાનોની મા છું, તમારાં માતા-પિતાની પુત્રવધૂ છું, પરંતુ હું હવે તમારી પત્ની નથી.’ જીવનના આ તબક્કે આવો જવાબ આપવાની હિંમત કેટલી સ્ત્રી બતાવી શકતી હશે?

એ પ્રસંગ સંદર્ભે તેની સાસુની પ્રતિક્રિયા અપેક્ષિત હોય એવી જ છે. તે સ્ત્રીના મતે પતિ પોતાની ભૂલ સ્વીકારીને માફી માગે છે ત્યારે પત્નીએ આવો અહમ્ શું કામ રાખવો જોઈએ? સ્ત્રીએ આવી અક્કડ રાખવી ન જોઈએ, કેમ કે સ્ત્રી જ બધું ભૂલીને માફી આપવા અને નવી શરૂઆત કરવા સક્ષમ હોય છે! એટલે તો તે દેવી તરીકે પૂજાય છે. એ વખતે અનુપમાના સસરા પોતાની પત્નીને કહે છે કે ‘અરે, પણ કોઈ તેને પૂછો તો ખરું કે તેને દેવી બનવું છે કે નહીં?’

અનુપમાના આ વલણ પરત્વે તેના બન્ને દીકરાની પ્રતિક્રિયા પણ સૂચક છે. મોટા દીકરાને લાગે છે કે પપ્પાએ પોતાની ભૂલ સ્વીકારીને માફી માગી લીધી છે તો પછી હવે મમ્મીને શું પ્રૉબ્લેમ છે? પરંતુ નાનો દીકરો માના દિલની આગને ઓળખે છે. તે માને હંમેશાં હિંમત અને સાથ આપે છે. તે કહે છે, ‘મમ્મી, તારું દિલ કહે એમ જ કરજે હોં.’ જોકે અનુપમાના જીવનમાં તેનો પતિ પાછો આવી જાય, આટલાં વર્ષો સુધી પોતે અનુપમાની કદર ન કરી એનો તેને અહેસાસ થાય અને હવે તે અનુપમા સાથે પ્રેમથી અને આદરથી રહેવા ઇચ્છે છે એ વાત દર્શકોને સુખદ લાગે છે. તેમને લાગે છે કે હવે સુખ સામે ચાલીને આવે છે તો અનુપમાએ એ વધાવી લેવું જોઈએ. તેમને લાગે છે કે અનુપમા નક્કામું લાંબું ખેંચે છે, પરંતુ બીજો એક વર્ગ અનુપમાની લડતને અને તેના નિર્ણયને ટેકો આપે છે. પતિ માટે પત્ની શું સદાય અવેલેબલ જ હોય? પતિએ કરેલી ભૂલોને માફ કરવા પત્નીએ જ શા માટે હંમેશાં તૈયાર રહેવું જોઈએ? પતિની ભૂલોનાં પરિણામ પોતે સહીને પરિવારને એની અસરોથી બચાવતી સ્ત્રી પોતે કેટલી મોટી ખુવારી ખમી લે છે એનો પરિવારના અન્ય સભ્યોને કદાચ ક્યારેય ખ્યાલ જ નથી આવતો. હકીકતમાં અનુપમાના દેખીતા અક્કડ વર્તન પાછળ સદીઓથી સ્ત્રી સાથે પુરુષે કરેલા દુર્વ્યવહાર સામે વિદ્રોહ છે. એક અપમાનિત સ્ત્રીના જાગી ગયેલા આત્મસન્માનનું અજવાળું છે. સ્ત્રીને પણ પસંદગીનો અને ‘ના’ કહેવાનો અધિકાર છે, તેનું એક્નૉલેજમેન્ટ છે અને યાદ રહે કે આ સ્ત્રી માત્ર પોતાનો જ વિચાર કરનારી સ્વાર્થી વ્યક્તિ નથી. સમગ્ર પરિવારને પ્રેમ કરનારી અને તેમની કાળજી લેનારી એક સ્ત્રી પહેલી વાર પોતાની જાતને વફાદાર બની રહી છે. આ પળને બિરદાવવામાં તેની પુત્રવધૂ જેવી યુવા પેઢી પણ છે. હકીકતમાં જાગી ગયેલી અનુપમાનું આ સ્વરૂપ જ આ સિરિયલને બીજી ચીલાચાલુ ધારાવાહિકથી અલગ અને આગવી બનાવે છે.

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

columnists taru kajaria