લૉકડાઉન પહેલાં જિંદગી અતરંગી હતી તો લૉકડાઉન પછી જિંદગી સતરંગી બની છે

22 May, 2020 11:34 AM IST  |  Mumbai Desk | Manoj Joshi

લૉકડાઉન પહેલાં જિંદગી અતરંગી હતી તો લૉકડાઉન પછી જિંદગી સતરંગી બની છે

પ્રતીકાત્મક તસવીર

આપણે વાત કરીએ છીએ વૉટ્સઍપની અને વૉટ્સઍપે આ લૉકડાઉનમાં ખૂબ અગત્યનો રોલ ભજવ્યો છે. બીજા પણ અનેક લોકો એવા છે જેમણે લૉકડાઉનમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. કરિયાણાના રીટેલ વેપારીઓએ પણ ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવી તો ડૉક્ટર અને પોલીસે તો અણધાર્યું અને અકલ્પનીય કામ કરીને સૌકોઈને દેખાડ્યું. અહીં હું ડૉક્ટર કરતાં પણ એક વધુ સ્ટાર પોલીસ-કર્મચારીને આપીશ.

ભારતમાં પોલીસ માટે હંમેશાં ઘસાતું બોલાતું. કહેવાતું રહેતું કે એ લોકો કામ જ નથી કરતા. બદનામ થયેલી ખાખી વર્દીએ આ દિવસોમાં ખૂબ મહત્ત્વનું માન અને સન્માન પ્રાપ્ત કર્યું છે. આ વાત પણ લૉકડાઉનને જ આભારી કહેવાય. પોલીસ-કર્મચારીઓએ આ સમયે જે કામ કર્યું છે એ જોતાં તો તેમને ખરા અર્થમાં કોરોના વૉરિયર્સ જ કહેવાય. જે રીતે ડૉક્ટર મોત સામે જંગ લડી રહ્યા છે એ જ રીતે નર્સ અને પોલીસ-કર્મચારીઓએ પણ ખૂબ જ મહત્ત્વનું કામ કર્યું છે અને કોઈ જાતના સ્વાર્થ વિના, કોઈ જાતની લાલચ વિના એ સ્તરે કામ કર્યું છે જેને શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી. કહો કે એને માટે શબ્દો પણ ટૂંકા પડે એમ છે.
અત્યારના તબક્કે આપણે વાત કરીએ છીએ વૉટ્સઍપની અને વૉટ્સઍપે આ લૉકડાઉનમાં એક ખૂબ જ સરસ સાથીનું કામ કર્યું છે, કરી રહ્યું છે. વૉટ્સઍપ જો ન હોત કે પછી વૉટ્સઍપ જેવું બીજું કોઈ માધ્યમ ન હોત તો આ લૉકડાઉનમાં ટકવું અઘરું થઈ ગયું હોત. આને માટે જેટલો ટેક્નૉલૉજીનો આભાર માનવો પડે એટલો જ આભાર એ ટેક્નૉલૉજી તમારા સુધી લઈ આવનારાનો માનવો પડે. વૉટ્સઍપે સરળ અને સીધીસાદી રીતે દુનિયાની સામે એવી ટેક્નૉલૉજી મૂકી દીધી જેની કલ્પના કરવી પણ સામાન્ય લોકો માટે અશક્ય અને અસંભવ હતી. વિડિયો-કૉલ, વૉઇસનોટ, ફોટો-શૅરિંગથી માંડીને અનેક એવી વાતો વૉટ્સઍપે દુનિયાને આપી જેનો ઉપયોગ અત્યારે લૉકડાઉન દરમ્યાન જગતભરના લોકો માટે આશીર્વાદ સમાન બની ગયો અને વૉટ્સઍપે દુનિયાને રાહત કરી દીધી.
મા દૂર છે અને લૉકડાઉનમાં તમે પણ અટવાયા છો. હવે કરવું શું? વૉટ્સઍપે આ દુવિધા દૂર કરી દીધી અને વિડિયો-કૉલની સુવિધા તમારા હાથમાં મૂકી દીધી. બહેનની ચિંતા થાય છે, પેમેન્ટ મોકલવું છે, ફોટો જોઈએ છે. તમે સલામત છો એની સાબિતીરૂપે ફોટો મોકલવો છે. વૉટ્સઍપ છે બધાને માટે. વૉટ્સઍપની આ મહેરને લીધે આજે લૉકડાઉન સહ્ય બન્યું છે. વૉટ્સઍપની આ સુવિધાને કારણે ચિંતામાં ઘટાડો થયો છે. મનોરંજનમાં ઉમેરો થયો છે અને એકબીજાને સાથ આપવાની પ્રક્રિયામાં રાહત થઈ છે. વૉટ્સઍપ આશીર્વાદ બન્યું તો સાથોસાથ કહેવું રહ્યું કે આ જ વૉટ્સઍપ હતું જે સામાન્ય દિવસોમાં અભિશાપ સમાન હતું. લૉકડાઉને અનેક વાતમાં સુધારો આપવાનું કામ કર્યું છે અને અનેક બાબતોમાં એણે સાચી દિશામાં જિંદગીને વાળી છે. જિંદગી હવે અતરંગી નથી રહી, લૉકડાઉનને કારણે જિંદગી સતરંગી બની છે અને સતરંગી બનેલી આ જિંદગીમાં વૉટ્સઍપે મેઘધનુષનું કામ કર્યું છે.

manoj joshi columnists whatsapp