આ સમય છે તમારી નૅચરલ બ્યુટીને નિખારવાનો

21 April, 2020 08:48 PM IST  |  Mumbai | Varsha Chitalia

આ સમય છે તમારી નૅચરલ બ્યુટીને નિખારવાનો

ઘેરબેઠાં રૂપને નિખારવાના અનેક ઑપ્શન અવેલેબલ છે ત્યારે એનો ઉપયોગ કરી જાતે જ તમારા સૌંદર્યની કાળજી લો

કોવિડ-19 મહામારી સામે લડવા ભારતને લૉકડાઉન કરવામાં આવતાં એક તરફ મહિલાઓના માથા પર ઘરકામનો ભાર વધી ગયો છે તો બીજી બાજુ બ્યુટી સૅલોં બંધ થઈ જતાં તેઓ રિલૅક્સ થવા બહાર પણ જઈ શકે એમ નથી. બ્યુટી-પાર્લરની નિયમિતપણે મુલાકાત લેતી મહિલાઓ માટે આ કપરો સમય ચાલી રહ્યો છે. જોકે લૉકડાઉન ખૂલ્યા બાદ તરત પાર્લરમાં જવામાં ચેપ લાગવાનું જોખમ રહેલું છે. તો કરવું શું? એક્સપર્ટ્સનું કહેવું છે કે મહિલાઓએ ગભરાવાની જરાય જરૂર નથી. ઘરમાં બેસીને પણ સૌંદર્ય નિખારી શકાય એવા અનેક ઑપ્શન અવેલેબલ છે. ચાલો ત્યારે તેમણે સૂચવેલી કેટલીક ઈઝી બ્યુટી ટ્રીટમેન્ટ વિશે જાણીએ.

પૉલ્યુશન-ફ્રી સ્કિન


પૉલ્યુશન સ્કિનનો સૌથી મોટો દુશ્મન છે. વાસ્તવમાં અત્યારે તમારી ત્વચા પ્રદૂષણમુક્ત થઈ શ્વાસ લઈ રહી છે. સતત ઘરમાં રહો છો તેથી હાનિકારક સૌંદર્યપ્રસાધનોનો ઉપયોગ નહીંવત થઈ ગયો છે. પરિણામે ત્વચા સ્વસ્થ અને સ્વચ્છ છે. આ જ સમય છે જ્યારે તમે ત્વચાની વધુ સારી રીતે કાળજી લઈ શકો છો. ડર્મેટોલૉજિસ્ટ સોમા સરકાર કહે છે, ‘લાંબા સમય સુધી બ્યુટી ટ્રીટમેન્ટ ન લઈ શકવાના કારણે મહિલાઓના ચહેરાનું નૂર ઊડી જાય એ સ્વાભાવિક છે. મારી સલાહ છે કે નૅચરલ લુકમાં રહેવાનો આ અવસર છે અને એને સકારાત્મક દૃષ્ટિથી જુઓ. આવા સમયે ત્વચાને ચમકાવવા અને હાઇડ્રેટેડ રાખવા ઘરગથ્થુ ઉપાયોને સર્વાધિક પ્રાથમિકતા આપવી જોઈએ. ઓટ્સ, સંતરા, લીંબુ, મધ, ગુલાબજળ જેવી નૅચરલ પ્રોડક્ટ્સની કોઈ આડઅસર થતી નથી. તમારી પાસે અત્યારે જે વસ્તુ અવેલેબલ છે એના ઉપયોગથી તમારી સ્કિનને વધુ બ્યુટિફુલ બનાવો. હમણાં ત્વચા પાછળ તમે જે સમય આપશો એનું ખૂબ જ સારું રિઝલ્ટ આવશે. હર્બલ ફેસપૅક વાપરવાથી તમારો ચહેરો ખીલી ઊઠશે. લાંબા સમય બાદ જ્યારે બહાર નીકળવાનું થશે ત્યાં સુધીમાં તમારી સ્કિન વધુ સુંદર બની ગઈ હશે.’


પ્રાકૃતિક ઉપચાર

પ્રાચીન કાળથી ત્વચાના સૌંદર્ય માટે પ્રાકૃતિક ઉપચારોને શ્રેષ્ઠ માનવામાં આવે છે. કુદરતે આપણને ખોબલે-ખોબલે આ બધું આપ્યું છે. સમયાંતરે આનું સ્થાન બજારમાં ઉપલબ્ધ બ્યુટી પ્રોડક્ટ્સે લઈ લીધું છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં ફરી એ ટ્રેન્ડને અપનાવવાની આવશ્યકતા છે. નવી મુંબઈનાં આયુર્વેદ મેડિસિન એક્સપર્ટ ડૉ. નિકિતા શેરે કહે છે, ‘કોરોનાની દવા શોધાઈ નથી તેથી ચેપ લાગવાનો ભય તો રહેવાનો. રોગ કન્ટ્રોલમાં ન આવે ત્યાં સુધી સ્કિન રૂટીન માટે બ્યુટી સૅલોંની વિઝિટ લેવી સલાહભર્યું  નથી. ફેશ્યલ, મૅનિક્યૉર, પેડિક્યૉર, વૅકિંસગ વગેરે માટે સામાન્ય રીતે મહિલાઓ મહિનામાં એક વાર અથવા બે મહિને ત્રણ વાર બ્યુટી સૅલોંની મુલાકાત લેતી હોય છે. સલામતી માટે હવે થોડો વખત આ ટ્રીટમેન્ટ ઘરમાં જ કરો તો સારું. ફેસ થ્રેડિંગ સિવાય તમામ ઉપચારો ઘરમાં સરળતાથી કરી શકાય છે. ફેસ થ્રેડિંગમાં અપર લિપ્સ અને ચિનના હેરને ઘરમાં બનાવેલા બ્લીચ વડે છુપાવી શકાય છે. તમારે માત્ર આઇબ્રો માટે અન્ય મહિલા પર આધાર રાખવાનો રહે છે. જો ઘરમાં અથવા નજીકની મહિલાને થ્રેડિંગ આવડતું હોય તેમની પાસે કરાવવું બેસ્ટ છે.’
પ્રાકૃતિક ઉપચારો વિશે જણાવતાં ડૉ. નિકિતા કહે છે, ‘સ્કિન કૅરમાં મહિલાઓએ ત્રણથી ચાર બાબતોને ધ્યાનમાં રાખવાની છે. આયુર્વેદમાં જુદા-જુદા તેલ વાપરવાનો મહિમા છે. અત્યારે તમે ઘરમાં છો તો પણ સનસ્ક્રીન વાપરવાનું બંધ ન કરો. ઘરની અંદર સૂર્યનાં કિરણો હોય છે જે તમારી ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે. બીજું, અત્યારે ટીવી અને મોબાઇલનો વપરાશ વધી ગયો છે. વર્ક ફ્રૉમ હોમ કરનારી મહિલાઓ લૅપટૉપ પણ વાપરે છે. ઇલેક્ટ્રૉનિક ડિવાઇસમાંથી નીકળતા રેડિયેશનની અસરથી સ્કિન ટૅનિંગ અને પિગમેન્ટેશન થઈ શકે છે. તેલ એવી ઔષધિ છે જે ક્લેન્ઝિંગ, સ્ક્રબિંગ અને મસાજ ત્રણેયનું કામ કરે છે. ત્વચાની ખૂબસૂરતી માટે પાણી સૌથી વધુ જરૂરી છે. દિવસમાં આઠથી દસ ગ્લાસ હૂંફાળું પાણી પીવાનું રાખો. લૉકડાઉનના પિરિયડમાં આપણું ડે ટુ ડે રૂટીન ચેન્જ થઈ ગયું છે. સ્લીપિંગ પૅટર્ન અને સ્ટ્રેસના કારણે ત્વચા અને વાળ પર વિપરીત અસર થાય છે. મગજ શાંત રહે એ માટે મેડિટેશન કરો તેમ જ અંદરથી શરીર સ્વચ્છ થાય એવા આહારને પ્રાધાન્ય આપો. ઊંઘ અને ખાણી-પીણીની ટેવ તમારી ઓવરઑલ બ્યુટીને રિફ્લેક્ટ કરે છે.’

આયુર્વેદ નિષ્ણાત ડૉ. નિકિતા શેરેની બ્યુટી ટ્રિક્સ

- ઑલિવ, કોકોનટ અને કૅસ્ટર ઑઇલને સપ્રમાણ માત્રામાં લઈ મિક્સ કરો. શુષ્ક ત્વચા માટે આ બેસ્ટ સનસ્ક્રીન છે. કૉમ્બિનેશન સ્કિન માટે બદામ અને ઑલિવ ઑઇલ લેવું તેમ જ તૈલીય ત્વચા ધરાવતી મહિલાઓએ સૂર્યના તાપથી ત્વચાનું રક્ષણ કરવા ઍલોવેરા પલ્પ લગાવવો.
- રાત્રે સૂતા પહેલાં કાચા બટાટાનાં પતીકાં કરી આંખની ઉપર પંદર મિનિટ મૂકવાં. ત્યાર બાદ ચહેરો ધોયા વગર સૂઈ જવું. સવારે ઊઠ્યા બાદ ઍલોવેરા અને કાકડીના જૂસને મિક્સ કરી આંખની આસપાસ લગાવો. પફીનેસ અને ડાર્ક સર્કલ માટે આ પ્રયોગ અસરકારક છે.
- શુષ્ક ત્વચા ધરાવતી મહિલાઓએ કાચા દૂધમાં રૂનું પૂમડું બોળી ચહેરો સ્વચ્છ કરવો. સામાન્ય ત્વચા હોય તો ચણાના લોટમાં ગુલાબજળ અને કોકોનટ ઑઇલનાં ત્રણ-ચાર ટીપાં ઉમેરી પાંચ મિનિટ ચહેરા પર રગડવું. અઠવાડિયે બે વાર આ પ્રયોગ કરવાથી ત્વચાની ગંદકી દૂર થાય છે.
- તમારી સ્કિન ડ્રાય હોય તો કોકોનટ અને ઍપ્રિકોટ ઑઇલને મિક્સ કરી ચહેરા પર મસાજ કરવો. મસાજર હોય તો એ વાપરવું. કૉમ્બિનેશન સ્કિન માટે ઑલિવ ઑઇલમાં મધ ઉમેરી મસાજ કરવો તેમ જ ઑઇલી સ્કિન ધરાવતી મહિલાઓએ બદામના તેલમાં ત્રણ-ચાર ટીપાં ટી ટ્રી ઑઇલ ઉમેરી મસાજ કરવો. ફેશ્યલ મસાજથી બ્લડ-સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ થાય છે પરિણામે સ્કિન ગ્લો કરે છે. આખા શરીર પર મસાજ કરવાનો હોય તો તલનું તેલ વાપરવું. સામાન્ય રીતે આ પ્રયોગ પંદર દિવસે કરો તો ચાલે, પરંતુ અત્યારે તમારી પાસે સમય છે તો અઠવાડિયે કરો.
- ચાર બદામને આખી રાત પલાળી રાખો. સવારે એમાં દૂધ અને મધ નાખી મિક્સરમાં વાટી પેસ્ટ બનાવી લો. આ બેસ્ટ સ્ક્રબિંગ છે. તમે ઇચ્છો તો આખા શરીરે સ્ક્રબિંગ કરી શકો છો. તમારી ત્વચા ખૂબ જ તૈલી હોય તો સંતરાની સૂકી છાલનો પાઉડર કરી એમાં અડધી ચમચી દહીં તેમ જ ગુલાબજળ ઉમેરી સ્ક્રબિંગ કરવું.
- કેસરમાં દૂધ અને ચંદનનો પાઉડર નાખી પેસ્ટ બનાવી લો. ચહેરા પર ફેસપૅકની જેમ લગાવવાથી પિગમેન્ટેશન દૂર થાય છે. એવી જ રીતે કેળાને મસળી એમાં બે ટીપાં લીંબુનો રસ ઉમેરી માસ્કની જેમ લગાવવાથી ડાઘ-ધબ્બા ઓછા થઈ જાય છે.

ડર્મેટોલૉિજસ્ટ ડૉ. સોમા સરકારના સૂચનો

- અડધી કાકડીને ખમણી લો. એમાં બે ચમચી સાકર ઉમેરી મિક્સ કરો. આ મિશ્રણને દસ મિનિટ માટે ફ્રિજમાં મૂકી દો. ત્યાર બાદ ચહેરા પર પાંચથી સાત મિનિટ સ્ક્રબિંગ કરી સાદા પાણીથી ચહેરો ધોઈ લો. ત્વચાની મૃત કોશિકાઓને દૂર કરવામાં આ સ્ક્રબ અસરકારક છે. કાકડીથી ત્વચા હાઇડ્રેટેડ રહે છે. અઠવાડિયે બે વાર આ પ્રયોગ કરવો જોઈએ.
- ઓટ્સને મિક્સરમાં બારીક પીસી પાઉડર બનાવી લો. એમાં મધ અને ગુલાબજળ ઉમેરી સરખી રીતે મિક્સ કરી લો. આ ફેસપૅકને પંદર મિનિટ ચહેરા પર લગાવો. ઓટ્સ ઍન્ટિ-ઑક્સિડન્ટ અને ઍન્ટિ-ઇન્ફ્લેમૅટરીનો ગુણધર્મ ધરાવે છે જે ચહેરાની મૃત ત્વચાને દૂર કરી એને એક્સફોલિએટ રાખવામાં મદદ કરે છે. મધ અને ગુલાબજળથી ત્વચા હાઇડ્રેટેડ રહેશે. આ બન્ને પ્રોડક્ટ્સ ત્વચાને સ્વચ્છ રાખવામાં સહાયકની ભૂમિકા ભજવે છે. અઠવાડિયે એક વાર આખા શરીર પર આ પૅકનો લેપ લગાવી સ્નાન કરશો તો ખંજવાળ અને સનબર્નમાં રાહત થશે તેમ જ ત્વચા સુંદર બનશે.
- આ સીઝનમાં સંતરાં સરળતાથી ઉપલબ્ધ છે. વિટામિન સીથી ભરપૂર આ ફળ તમારી ત્વચાને ચમકીલી રાખવામાં સહાય કરશે. સૌપ્રથમ સંતરાની ત્રણથી ચાર પેશીમાંથી બિયાં કાઢી લો. એમાં મધ અને સંતરાની છાલના ટુકડા ભેળવી મિક્સરમાં એકરસ કરવું. આ પૅકને પંદરથી વીસ મિનિટ માટે ચહેરા પર લગાવો. ત્યાર બાદ સાદા પાણીથી ચહેરો ધોઈ લેવો. એનાથી ત્વચાની નમી જળવાઈ રહે છે. સંતરાની છાલના ઉપયોગથી ત્વચા પર રહેલા ડાઘ-ધબ્બા તેમ જ બ્લૅકહેડ્સ દૂર થાય છે. મધ તો ત્વચા માટે બેસ્ટ ટોનર છે. ખીલની સમસ્યા ધરાવતી યુવતીઓ પણ આ પૅકનો ઉપયોગ કરી શકે છે.

ઓટ્સ, સંતરાની છાલ, લીંબુ, મધ અને ગુલાબજળ જેવી નૅચરલ
પ્રોડક્ટ્સમાં અનેક પોષકતત્ત્વો રહેલા છે. ઍન્ટિ-ઑક્સિડન્ટ અને ઍન્ટિ-ઇન્ફ્લેમૅટરીનો ગુણધર્મ ધરાવતી આ વસ્તુઓમાંથી બનાવેલા હર્બલ પૅક ત્વચાને સ્વસ્થ, સુંદર અને ચમકીલી રાખે છે. નૅચરલ પ્રોડક્ટ્સની કોઈ આડઅસર થતી નથી તેથી ખીલની સમસ્યા ધરાવતી યુવતીઓ પણ એનો પ્રયોગ કરી શકે છે
-ડૉ. સોમા સરકાર, ડર્મેટોલૉજિસ્ટ

પ્રાચીન કાળથી ત્વચાના સૌંદર્ય માટે પ્રાકૃતિક ઉપચારોને શ્રેષ્ઠ માનવામાં આવે છે. જુદા-જુદા તેલના ઉપયોગથી ક્લેન્ઝિંગ, સ્ક્રબિંગ અને મસાજ કરવાથી ત્વચા મુલાયમ બને છે. ત્વચાના સૌંદર્ય માટે પાણી, પૂરતી ઊંઘ, આહાર અને મેડિટેશનનું પણ એટલું જ મહત્ત્વ છે. આ તમામ બાબતો તમારી બ્યુટીને રિફ્લેક્ટ કરે છે
-ડૉ. નિકિતા શેરે, આયુર્વેદ નિષ્ણાત

life and style Varsha Chitaliya columnists